You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશની ચૂંટણી : ચોથા તબક્કામાં 59 વિધાનસભા બેઠકો પર મતદાન
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બુધવારે ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં 59 વિધાનસભા બેઠકો પર 624 ઉમેદવારોનાં ભાવિ નક્કી થશે.
નોંધનીય છે કે સોમવારે ચૂંટણીના ચોથા તબક્કા માટે પ્રચારનો સમય પૂરો થઈ ગયો હતો.
59 બેઠકોમાં ઉત્તર પ્રદેશ રાજ્ય પિલિભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનૌ, રાયબરેલી, બાંદા અને ફતેહપુર જિલ્લામાં મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઈ ગયું છે.
નોંધનીય છે કે લખીમપુર ખીરી અને ઉન્નાવ શાસક પક્ષ ભાજપને મુશ્કેલીમાં મૂકી શકે તેવી ઘટનાઓના સાક્ષી રહ્યા હતા.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાન કરવા માટેનું આહ્વાન કર્યું હતું.
બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ મતદારોને મતદાન કરવા માટે વિનંતી કરી હતી.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "જેટલું વધારે મતદાન, લોકતંત્ર એટલું વધારે બળવાન. ચોથા તબક્કામાં ઐતિહાસિક મતદાન કરો... નાગરિકોના આ અધિકારનું સન્માન કરો!"
ચોથા તબક્કાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન મોદીએ યુપીમાં ધૂંઆધાર પ્રચાર કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હરોદઈ વિધાનસભા બેઠકમાં પણ વડા પ્રધાન મોદીએ ચૂંટણીરેલીમાં અમદાવાદ બૉમ્બબ્લાસ્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને સમાજવાદી પાર્ટી સાથે ગુનેગાર ઠેરવાયેલા લોકોનો સંબંધ દર્શાવીને પ્રહાર કર્યા હતા.
તો સામે અખિલેશ યાદવે અમદાવાદ બ્લાસ્ટના ચુકાદા પર વડા પ્રધાન મોદીનાં નિવેદનોની ટીકા કરી હતી.
નોંધનીય છે કે ગઈ વખત આ 59 બેઠકોમાંથી 51 ભાજપને, જ્યારે બાકીની અન્ય પક્ષોને મળી હતી.
કયા-કયા ઉમેદવારો પર છે નજર?
ચોથા તબક્કામાં ઉત્તર પ્રદેશના હાલના કાયદામંત્રી બ્રજેશ પાઠક લખનૌ કેન્ટોનમેન્ટ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના બે વખત કૉર્પોરેટર રહી ચૂકેલા સુરેન્દ્રસિંઘ ગાંધી સામે ચૂંટણીમેદાને છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશ સરકારના વધુ એક મંત્રી આશુતોષ ટંડન લખનૌ પૂર્વ બેઠકથી સમાજવાદી પાર્ટીના અનુરાગ ભદોરિયા સામે છે.
તેમજ સરોજિનીનગર બેઠક પરથી ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના ભૂતપૂર્વ ઑફિસર રાજેશ્વર સિંઘ ભાજપ તરફથી સમાજવાદી પાર્ટીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા અભિષેક મિશ્રા સામે ચૂંટણીજંગમાં ઊતર્યા છે.
આ સિવાય ઉત્તર પ્રદેશ વિધાનસભાના ઉપાઅધ્યક્ષ નીતિન અગ્રવાલ (જેઓ ભાજપમાંથી સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા છે) આ તબક્કામાં ચૂંટણીમેદાને છે.
આ સિવાય કૉંગ્રેસનો ગઢ ગણાતા રાયબરેલીમાં પણ ભાજપ તરફથી અદિતિ સિંઘ ચૂંટણી લડી રહ્યાં છે.
નોંધનીય છે કે અમદાવાદ 2008 શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાના કેસમાં 38 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. વડા પ્રધાન દ્વારા આ ચુકાદાનો સંદર્ભ ટાંકીને અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી પર ગુનેગારો પ્રત્યે સંવેદનશીલ હોવાનો આક્ષેપ કર્યો હતો.
અને ગુનેગારોએ સાઇકલ પર બૉમ્બ કેમ મૂક્યા તે અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે સાઇકલ એ સમાજવાદી પાર્ટીનું ચૂંટણીચિહ્ન છે.
આ શાબ્દિક હુમલાના જવાબમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપને આ વખત 440 વૉલ્ટનો કરંટ લાગવાનો છે. તેમણે પીએમનો અર્થ પૅકર્સ ઍન્ડ મૂવર્સ ગણાવ્યો હતો.
આ સિવાય આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ દ્વારા પણ સત્તાધારી ભાજપ પર વિવિધ શાબ્દિક હુમલા કરાયા હતા.
અગાઉ 10 ફેબ્રુઆરીન રોજ યોજાયેલી 58 બેઠકો પરની ચૂંટણીમાં 62.43 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 14 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ 55 બેઠકો પરની ચૂંટણીમાં 64.44 ટકા અને 20 ફેબ્રુઆરીના રોજ 59 બેઠકો પર થયેલા ત્રીજા તબક્કાના મતદાનમાં લગભગ 63 ટકા મતદાન થયું હોવાનું નોંધાયું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો