You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનના બે વિસ્તારોની સ્વતંત્રતાને પુતિનની માન્યતા, 5 મુદ્દામાં સમજો પરિસ્થિતિ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગતરાત્રે ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, રશિયન સેના પૂર્વ યુરોપમાં દાખલ થશે અને અલગતાવાદી ક્ષેત્રોમાં શાંતિ સ્થાપવાનું કામ કરશે.
રાષ્ટ્રપતિના આદેશાનુસાર રશિયન સેનાઓ લુહાન્સ્ક અને દોનેત્સ્કમાં શાંતિ સ્થાપવાનું કામ કરશે.
રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના બે અલગતાવાદી વિસ્તારો દોનેત્સ્ક અને લુહાન્સ્કને માન્યતા આપી દીધી છે. તેમનું નિયંત્રણ રશિયા સમર્થિત અલગતાવાદીઓ કરી રહ્યા છે.
પુતિને યુક્રેનની નિંદા કરતાં કહ્યું કે, "ત્યાં એક કઠપૂતળી શાસન છે અને યુક્રેન અમેરિકાની કૉલોની બની ગયું છે."
તેમણે દાવો પણ કર્યો હતો કે, "યુક્રેન એક અલગ દેશ હોય તેવો કોઈ ઇતિહાસ નથી અને આધુનિક યુક્રેનનું જે સ્વરૂપ છે, તે રશિયાએ બનાવેલું છે."
વ્લાદિમીર પુતિનના રાષ્ટ્રજોગ સંબોધન બાદ તેમણે ઘણા મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.
યુક્રેનની પ્રતિક્રિયા
વ્લાદિમીર પુતિને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેના ગણતરીના કલાકોમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે," રશિયાની કાર્યવાહી યુક્રેનની અખંડિતતા અને સંપ્રભુતાનું ઉલ્લંઘન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "આપણી સીમાઓ પહેલાં જેવી જ છે અને તેવી જ રહેશે. કારણ કે રશિયાનાં નિવેદનોથી કોઈ ફરક નથી પડતો."
રશિયા પર પ્રતિબંધની માગ
જ્યારે યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ રશિયા પર કડક પ્રતિબંધ લાદવાની માગ કરી છે.
તેમણે કહ્યું કે, "અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકન સાથે વૉશિંગ્ટનમાં થનારી મુલાકાત પહેલાં તેમણે તેમની સાથે વાત કરી છે."
ટ્વિટરના માધ્યમથી તેમણે જણાવ્યું કે, “મુખ્ય વિષય – પ્રતિબંધ. હું રશિયાની ગેરકાયેદસર કાર્યવાહીના વિરોધમાં તેમના પર કડક પ્રતિબંધોની માગ કરું છું.”
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ પહેલા પોતાના ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે, યુક્રેન માત્ર વાતચીત નહીં, તેનાંથી વધારે આશા રાખે છે.
તેમણે કહ્યું કે, "હવે આ જોવું મહત્વનું છે કે કોણ અમારું સાચું મિત્ર અને સહયોગી છે અને કોણ રશિયન સંઘને પોતાના શબ્દોથી ડરાવી શકે છે."
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, "રશિયાનું આ વલણ યુક્રેનની સંપ્રભુતા અને તેમની એકતાનું ઘોર ઉલ્લંઘન છે."
બ્રિટિશ વડા પ્રધાને કહ્યું કે, "રશિયા આમ કરીને આંતરરાષ્ટ્રીય નિયમોને બાજુમાં મૂકી રહ્યું છે. બ્રિટિશ વડા પ્રધાને તેને ખૂબ જ ખોટા અને અંધકાર તરફ લઇ જવાનાં સંકેત ગણાવ્યા."
યુરોપીયન યુનિયને યુક્રેન સાથે ખડેપગે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે, "એકજૂથ અને મજબૂતીથી જવાબ આપવામાં આવશે."
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને આ વાતને રદિયો આપ્યો છે કે, રશિયન સેના દોનેત્સ્ક અને લુહાન્સ્કમાં શાંતિ સ્થાપિત કરવાનું કાર્ય કરશે. તેમણે પત્રકારોને આ વાત બકવાસ હોવાનું જણાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આપાતકાલીન બેઠક
રશિયાની યુક્રેનમાં સેના મોકલવાની જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક આપાતકાલીન બેઠક બોલાવી છે જે શરૂ થઈ ગઈ છે.
આ બેઠક ઘણા દેશોના અનુરોધ બાદ યોજાઈ રહી છે. યુક્રેને પત્રના માઘ્યમથી માગ કરી છે કે, તેમનો પણ એક પ્રતિનિધિ આ બેઠકમાં સામેલ થાય.
જોકે, યુક્રેન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સદસ્ય દેશોમાં સામેલ નથી પરંતુ રશિયા આ પરિષદનું સ્થાયી સદસ્ય છે અને અન્ય સ્થાયી સદસ્યોની જેમ તેની પાસે પણ વીટો પાવર છે.
એવામાં સ્પષ્ટ નથી કે આ બેઠકનું પરિણામ શું હશે.
શું યુક્રેન પર હુમલો એ એક બહાનું છે?
છેલ્લા થોડાક વર્ષોમાં દોનેત્સ્ક અને લુહાન્સ્કમાં મોટી સંખ્યામાં રશિયન પાસપોર્ટ વહેંચવામાં આવ્યા હતા.
પશ્ચિમના દેશોને ડર છે કે, રશિયા પોતાની સેનાને વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોકલી શકે છે અને તેને યોગ્ય ઠેરવવા માટે નાગરિકોની સુરક્ષાનો હવાલો આપી શકે છે.
નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશનના મહાસચિવ જૅન્સ સ્ટૉલ્ટેનબર્ગે ચેતવણી આપતા કહ્યું કે, "રશિયા પૂર્વ યુક્રેનમાં અલગતાવાદીઓને સૈન્ય અને આર્થિક મદદ મોકલીને સતત વિદ્રોહ વધારી રહ્યું છે. તેઓ એક વખત ફરીથી યુક્રેન પર હુમલાનું બહાનું બનાવી રહ્યાં છે."
રશિયન રાષ્ટ્રપતિ પુતિને ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે, આધુનિક યુક્રેન સોવિયત રશિયાએ બનાવ્યું હતું. પુતિન કહેવા માગતા હતા કે, યુક્રેન રશિયાનો એક જૂનો ભાગ છે.
એક કલાકના પોતાનાં ભાષણમાં પુતિને કહ્યું કે, "1991માં સોવિયત યુનિયનના વિઘટન બાદ રશિયા પર હલ્લો બોલાવી દેવામાં આવ્યો હતો. પુતિને આરોપ લગાવ્યો હતો કે, યુક્રેન અમેરિકાની કોલોની (ઉપનિવેશ) બની ગયું છે."
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, "યુક્રેનની સરકાર અમેરિકાની કઠપૂતળી છે અને અહીંના લોકો આ સરકારને કારણે મુશ્કેલીમાં છે."
2014માં યુક્રેનમાં રશિયાના સમર્થનવાળી સરકાર પડી ગઈ હતી અને ત્યારથી પુતિનને લાગે છે કે, ત્યાં અમેરિકા સમર્થિત સરકાર છે.
રશિયાના આ વલણને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજવાની માગ કરી હતી. ઝૅલેન્સ્કીએ ફ્રાન્સ, સ્પેન અને અમેરિકા સાથે વાત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો