યુક્રેન સંકટ : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ બાદ અત્યાર સુધી શું-શું થયું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે રાત્રે ટેલિવિઝન પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે રશિયન સેનાઓ પૂર્વ યુરોપમાં દાખલ થશે અને તે અલગતાવાદી ક્ષેત્રોમાં શાંતિ સ્થાપિત કરવાનું કામ કરશે.

રાષ્ટ્રપતિના આદેશાનુસાર રશિયન સેનાઓ લુહાન્સ્ક અને દોનેત્સ્કમાં શાંતિ સ્થાપિત કરવાનું કાર્ય કરશે.

રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનનાં બે અલગતાવાદી ક્ષેત્રો દોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર જાહેર કર્યા છે. આ બન્નેનું નિયંત્રણ રશિયા સમર્થિત અલગતાવાદી કરી રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે યુક્રેનનો એક અલગ રાષ્ટ્ર હોવાનો કોઈ ઇતિહાસ નથી અને આધુનિક યુક્રેનનું જે સ્વરૂપ છે તે રશિયાએ બનાવ્યું છે.

યુક્રેનને નાટોમાં શામેલ કરવાની વાતને રશિયાની સુરક્ષાને સીધી રીતે નુકસાન પહોંચાડવાના પગલા તરીકે ગણાવ્યું હતું.

પોતાના સંબોધનને સમાપ્ત કરતા પહેલાં તેમણે જોર દઈને કહ્યું કે રશિયન વિદ્રોહીઓનાં કબજાવાળા ક્ષેત્રોને માન્યતા આપશે. આ સાથે જ તેમણે ચેતવણી આપી કે યુક્રેને વિદ્રોહીઓનાં ઠેકાણાં પર હુમલા બંધ કરવા જોઈએ, નહીં તો તેનું પરિણામ ભોગવવું પડશે.

ત્યાર બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ મંગળવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે રશિયાની કાર્યવાહી યુક્રેનની અખંડિતતા અને સંપ્રભુતાનું ઉલ્લંઘન છે.

તેમણે કહ્યું કે આપણી સીમાઓ અત્યારે પણ પહેલાંની જેમ જ છે અને તેવી જ રહેશે, કારણ કે રશિયાનાં નિવેદનોથી કોઈ ફરક નહીં પડે.

તેમણે વધુમાં કહ્યું હતું કે રશિયાની કાર્યવાહી શાંતિની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલી વાટાઘાટને અસફળ કરી રહી છે.

તેમણે જોર દઈને કહ્યું કે યુક્રેન શાંતિ ઇચ્છે છે અને રાજનૈતિક સમજૂતીથી મામલાને થાળે પાડવા માગે છે. તેમણે કહ્યું હતું કે, "અમે ડરતા નથી."

પુતિનની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર અત્યાર સુધી ઘણી ઊથલપાથલ જોવા મળી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આપાતકાલીન બેઠક

રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ઘોષણા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક આપાતકાલીન બેઠક બોલાવી હતી. આ બેઠક ઘણા દેશોના અનુરોધ બાદ બોલાવવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન રાજદૂત લિંડા થૉમસ ગ્રીનફીલ્ડે પૂર્વ યુક્રેનમા વિદ્રોહીઓનો કબજો ધરાવતા બે વિસ્તારોને રશિયાની માન્યતાની ટીકા કરતા ચેતવણી આપી હતી કે તેનું પરિણામ સમગ્ર યુક્રેન, યુરોપ અને વિશ્વે ભોગવવું પડી શકે છે.

અમેરિકન રાજદૂતે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિએ મિન્સ્ક સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે અને અમેરિકાને નથી લાગતું કે તેઓ અહીં જ રોકાશે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ચીને કહ્યું કે તમામ પક્ષો સંયમ રાખીને આગળનું વિચારે. ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે એવી તમામ કાર્યવાહીથી દૂર રહેવું જોઈએ, જેનાથી આ સંકટ વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ કહ્યું કે ભારત પૂર્વ યુક્રેનમાં ઘટી રહેલી ઘટનાઓ અને રશિયાની ઘોષણા પર નજર રાખીને બેઠું છે.

રશિયા પર પ્રતિબંધો

પૂર્વ યુક્રેનમાં સેના મોકલવાના રશિયાના એલાન બાદ યુક્રેને પ્રતિક્રિયા આપતા રશિયા પર આકરા પ્રતિબંધો લાદવાની માગ કરી છે. અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન તરફથી બે નાણાકીય સંસ્થાઓ વીઈબી અને રશિયન મિલિટરી બૅન્ક પર લગાવેલા પ્રતિબંધ સૌથી તાજા છે.

આ સાથે જ બાઇડને એમ પણ કહ્યું છે કે રશિયન અર્થવ્યવસ્થાના કેટલાક ભાગને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાંથી હઠાવવામાં આવ્યો છે. આ સાથે રશિયાના ઉચ્ચ વર્ગ અને તેમના પરિવારો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને રશિયાની પાંચ બૅન્કો અને ત્રણ અબજપતિઓ પર પ્રતિબંધોની ઘોષણા કરી છે.

તેમણે કહ્યું કે રશિયાના જે ત્રણ અબજપતિઓ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, બ્રિટનમાં તેમની સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી રહી છે અને તેમને બ્રિટન આવવાથી અટકાવવામાં આવશે.

જે બૅન્કો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમાં રોસિયા, આઈએસ બૅન્ક, પ્રૉમસ્વ્યાજ બૅન્ક અને બ્લૅક સી બૅન્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે ત્રણ પ્રભાવશાળી લોકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમાં ગેનેડી ટિમચેંકો, બોરિસ રોટેનબર્ગ અને આઇગર રોટેનબર્ગનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન જૉન્સને કહ્યું કે જો સ્થિતિ વધુ બગડશે તો નવા પ્રતિબંધ પણ લાદવામાં આવી શકે છે.

જર્મનીએ રશિયા સાથે નૉર્ડ સ્ટ્રીમ ગૅસ પાઇપલાઇનને શરૂ કરવાની પ્રક્રિયા રોકી દીધી છે. આ પાઇપલાઇન દ્વારા જર્મનીમાં રશિયાથી ગૅસ પહોંચાડવાનો હતો.

વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર

યુક્રેન અને રશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે એશિયન શૅરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેનાથી ફરી એક વખત મંદીમાંથી બહાર આવી રહેલી અર્થવ્યવસ્થાઓને ઝટકો લાગી શકે છે.

મંગળવારે જાપાનના નિક્કેઈ 225 સૂચકાંકમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં પણ બજાર ખૂલતાં જ 1.4 ટકા ઘટાડો જોવા મળ્યો.

પૂર્વ યુરોપમાં વધી રહેલા તણાવના કારણે તેલની કિંમતોમાં પણ વધારો જોવા મળશે અને સપ્લાય ચેઇન પણ ખરાબ રીતે પ્રભાવિત થશે.

મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમત સાત વર્ષમાં સૌથી ઊંચી નોંધાઈ હતી. રશિયા સાઉદી અરબ બાદ તેલની નિકાસ કરનારો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. રશિયા પ્રાકૃતિક ગૅસનું સૌથી મોટું ઉત્પાદક પણ છે.

સૈન્ય કાર્યવાહી

યુક્રેન પર ઉદ્ભવેલી નવી સ્થિતિને લઇને અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં અમેરિકન સેનાની તહેનાતી નાટો દેશોમાં કરવાની વાત કહી હતી.

તેમના સંબોધન બાદ પૅન્ટાગને આ પુષ્ટિ કરી હતી કે અમેરિકન સેના બાલ્ટિક ક્ષેત્રમાં જશે. અમેરિકન રક્ષા વિભાગે જણાવ્યું કે અંદાજે 800 ફૂટ સોલ્જર્સને ઈટાલીથી બાલ્ટિક ક્ષેત્રમાં તહેનાત કરવામાં આવશે.

આ સાથે જ તેઓ નાટોના પૂર્વ ભાગમાં આઠ એફ-35 ફાઇટર જેટ પણ મોકલશે. હંગેરીએ ઘોષણા કરી કે તેઓ યુક્રેન સાથે જોડાયેલી તેમની સીમા પર સૈનિકો તહેનાત કરશે.

નાટો પ્રમુખ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે રશિયાને સલાહ આપી કે તેઓ યુક્રેન પર હુમલો કરવાનું પડતું મૂકે. તેમણે કહ્યું કે "હુમલો ન કરવાના નિર્ણય માટે ક્યારેય મોડું થતું નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો