શિવસેનાએ સામનામાં લખ્યું, "આ મંડળી ગુજરાતમાં ભલે ડાંડિયા રાસ રમે, પણ મહારાષ્ટ્રમાં તલવારોની ટક્કર થશે"

શિવસેનાના મુખપત્ર 'સામના'માં એકનાથ શિંદેએ કરેલા બળવા વિશેનો તંત્રીલેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જોકે, આ અગ્રલેખનું ફોક્સ એકનાથ શિંદેને બદલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર છે. ભાજપને કારણે ચંદ્રકાન્ત હંડોરેનો પરાજય થયો હોવાનું આ તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે.

  • મહારાષ્ટ્રની અસ્મિતાની દુહાઈ અને ભાજપ પર આરોપ
  • ભાજપને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે સરખાવી અને વિપક્ષોની સરકારો તોડવાની નીતિ હોવાનું કહ્યું.
  • ભાજપ પર આકરો પ્રહાર, શિવાજી અને સુરતની લૂંટ યાદ કરાવી.
  • ગુજરાતની પોલીસ પર ધારાસભ્યોને મારીને ગોંધી રાખવાનો પણ આરોપ.

'સામના'ના અગ્રલેખમાં નીચે મુજબના વિચાર વ્યક્ત કરવામાં આવ્યા છે.

"મહારાષ્ટ્રની સરકારનું શું તથા કેમનું થશે એ સવાલ નથી. ખરો સવાલ એ છે કે મહારાષ્ટ્ર પર હુમલો કરનારાઓનું, મહારાષ્ટ્ર સાથે બેઈમાની કરનારાઓનું શું થશે? બગાવતના બીજ વાવનારાઓનું શું થશે? ધર્મની આડમાં અધર્મનો સંગ કરનારાઓને જનતા માફ કરશે ખરી? "

"શિવસેનાને સંકટો તથા તોફાનોનો સામનો કરવાની ફાવટ છે. ગુજરાતની ભૂમિ પરથી થનગની રહેલા લોકોએ આ ઇતિહાસ ફરી એકવાર સમજી લેવો જોઈએ. આ મંડળી ગુજરાતમાં ડાંડિયા રાસ ભલે રમે, પરંતુ મહારાષ્ટ્રમાં તલવારોની ટક્કર થશે તે નક્કી છે."

શિંદેનો ઉલ્લેખ નહીં, ભાજપ પર આરોપ

"મહારાષ્ટ્ર સરકારને તોડી પાડવાની એક પણ તક ભાજપવાળા છોડતા નથી. અઢી વર્ષ પહેલાં અજિત પવારનું પ્રકરણ મળસ્કે આકાર પામ્યું હતું. તેમાં સફળતા મળી ન હતી. હવે એ જ અસ્વસ્થ આત્માઓ એકનાથ શિંદેને આગળ કરીને ઑપરેશન લોટસ કરી રહ્યા છે. રાજ્ય સરકારને કોઈ પણ રીતે તોડી પાડવાના પ્રયાસમાં તેઓ વ્યસ્ત છે."

"રાજ્યસભામાં ભાજપે છઠ્ઠી બેઠક કઈ ગુપ્ત કાર્યવાહી વડે જીતી હતી તેનો ખુલાસો હવે થયો છે. વિધાન પરિષદમાં જેમણે ભાજપને દસમી બેઠક જીતવામાં મદદ કરી હતી તેમણે જ રાજ્યસભાના ભાજપના ઉમેદવારને જીતાડ્યા હતા અને શિવસેનાના સંજય પવારને હરાવ્યા હતા."

"સોમવારે વિધાન પરિષદની દસમી બેઠક જીત્યા પછી શિવસેનાના 10 વિધાનસભ્યોને ઉઠાવીને ગુજરાત લઈ જવામાં આવ્યા હતા. તેમને ચુસ્ત સલામતી હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમાંથી છુટવાના પ્રયાસ એ પૈકીના જે બે-ચાર વિધાનસભ્યોએ કર્યા તેમને જોરદાર માર મારવામાં આવ્યો હતો. અકોલાના વિધાનસભ્ય નીતિન દેશમુખને તો એટલો માર મારવામાં આવ્યો હતો કે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા."

"વિધાનસભ્ય કૈલાસ પાટીલ એ ઘેરાબંધીમાંથી છટકી ગયા હતા અને વરસતા વરસાદમાં રસ્તા પર ચાલીને કોઈક રીતે મુંબઈ પહોંચ્યા હતા. આ રીતે ચાર-પાંચ વિધાનસભ્યોએ છટકવાના પ્રયાસ કર્યા ત્યારે ગુજરાત પોલીસે તેમની અટકાયત કરી હતી અને ઑપરેશન લોટસવાળાઓને હવાલે કરી દીધા હતા. આ બધું શું છે? લોકશાહીની ઇજ્જત આ રીતે ટકશે? શિવસેનાના તથાકથિત વફાદારોને ભ્રષ્ટ કરીને ભાજપે વિધાન પરિષદની દસમી બેઠક જીતી હતી."

"એ ચૂંટણીમાં કૉંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ચંદ્રકાન્ત હંડોરેને હરાવીને ભાજપે વિજય મેળવ્યો હતો. હંડોરે મુંબઈના ગરીબ દલિત સમાજના નેતા છે. આવા દલિત નેતાને હરાવીને ભાજપે બેઇમાનોના મતો વડે વિજયોત્સવ ઉજવ્યો હતો. એ જ બેઈમાન લોકોને તરત ગુજરાતની ધરતી પર લઈ જવામાં આવ્યા હતા અને જોરદાર હંગામો શરૂ થયો હતો. શિવસેનાના બન્ને ઉમેદવાર સચિન આહિર અને આમશા પાડવીનો વિજય થયો, પણ તેમને મળેલા સત્તાવાર મતમાં ઘટાડો જોવા મળે છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના બન્ને ઉમેદવાર જીત્યા પણ વિભાજિત મતો વડે."

"પાંચમી બેઠક પર ભાજપની જીત તે કપટનીતિ એટલે કે ભાજપનો ખરો ચહેરો છે. શિવસેનાના સ્થાપના દિવસે ઉદ્ધવ ઠાકરેએ આકરું પ્રવચન કર્યું હતું. મહારાષ્ટ્ર સત્તાનું ગુમાન ચાલશે નહીં. કેન્દ્ર સરકારની તાકાત દેખાડીને મહારાષ્ટ્રમાં વિધાનસભ્યોને તોડવા-ફોડવાનું રાજકારણ શરૂ થઈ ગયું છે. શિવસેના પ્રમુખ કાયમ કહેતા કે માનું દૂધ લજાવનારા માણસોને શિવસેનામાં કોઈ સ્થાન નથી. આવા લોકો વડે શિવસેના રચાય તે મહારાષ્ટ્રની ધરતી સાથેની બેઈમાની છે. શિવસેના માતા છે. તેનો સહારો લઈને રાજકારણ કરતા લોકોએ દૂધની બજાર માંડી છે. એ બજાર માટે સુરતને પસંદ કર્યું છે. તેને યોગાનુયોગ સમજવો? "

મહારાષ્ટ્રની અસ્મિતાની દુહાઈ

"છત્રપતિ શિવાજી મહારાજે જે સુરત લૂંટ્યું હતું તે જ સુરતમાં આજે મહારાષ્ટ્રની અસ્મિતા પર ફટકા મારવાના પ્રયાસ થઈ રહ્યા છે. ભાજપની આંખમાં ઠાકરે સરકાર કરતાં શિવસેના વધારે ખૂંચી રહી છે. તેથી પહેલાં શિવસેના પર અને બાદમાં મહારાષ્ટ્ર પર હુમલો કરવાનું રાજકારણ ચાલતું દેખાય છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જોડતોડનું રાજકારણ રમીને જે રીતે સરકારો પાડવામાં આવી હતી એ જ પેટર્ન મહારાષ્ટ્રમાં વાપરીને પોતાને કિંગમૅકર તરીકે સ્થાપિત કરવાનું ત્રિઅંકી નાટક શરૂ થયું છે. વિધાન પરિષદની ચૂંટણી નિમિત્તે થયેલા મતદાન અને મતોમાં ફાટફૂટ તો માત્ર શરૂઆત છે."

"મંગલપ્રભાત લોઢાએ કહ્યું હતું કે હવે અમે મુંબઈ જીતીશું, મુંબઈ કબજે કરીશું. મુંબઈને કબજે કરવું હોય તો પહેલાં શિવસેનાને નબળી પાડવી જરૂરી છે. આ જ મહારાષ્ટ્રના ગદ્દારોની નીતિ છે. પોતાને માવળ કહેતા લોકો મહારાષ્ટ્રના ગદ્દારોના ષડયંત્રમાં ભાગીદાર બની રહ્યા છે. તેમને શિવરાય માફ નહીં કરે. મહારાષ્ટ્ર બુદ્ધિશાળી લોકોનું રાજ્ય છે. જ્ઞાનની બાબતમાં મહારાષ્ટ્ર અન્યો કરતાં હમેંશાં બે ડગલાં આગળ જ હશે. "

"અન્ય રાજ્યોના લોકોની સરખામણીએ મહારાષ્ટ્રનાં લોકો વધુ શાણા છે. બીજી વાત એ કે મહારાષ્ટ્ર પાસે વેગ તથા જુસ્સાથી દોડેલા સાત વીરોનો ઇતિહાસ છે. એ વીરો પોતાના માટે નહીં, પરંતુ સ્વરાજ્ય માટે વેગ તથા જુસ્સાથી દોડ્યા હતા."

"એ કારણસર એ વીરોને આજે પણ પૂજવામાં આવે છે. રાજકારણ ખરાબ બાબત નથી, પરંતુ સત્તાની મહત્વાકાંક્ષા જીવલેણ ઝેર સાબિત થાય છે. શિવસેનાને મા-બાપ માનીને જે અસંખ્ય લોકોએ આપ્યું છે તે અન્ય પક્ષોના ભલભલા ચમરબંધીઓને મળ્યું નથી."

"શિવસેના માટે ખુલ્લી છાતીએ જ્યાં લોકો ખડે પગે રહ્યા હતા એ વિસ્તારોમાં ભગવો ઝંડો ફરકતો રહ્યો હતો. તેથી વિધાન પરિષદની ચૂંટણીમાં જેમણે બેઈમાની કરી છે તેમને મહારાષ્ટ્રની ધરતી તથા શિવસૈનિકો માફ કરશે નહીં. ભારતીય જનતા પક્ષે તો સત્તાના રાજકારણ માટે લાજ સુદ્ધાં નેવે મૂકી દીધી છે. જે રાજ્યમાં સત્તા ન મળે ત્યાંની રાજ્ય સરકારને અસ્થિર કરીને તોડી પાડવી એ જ તેની નીતિ છે."

ભાજપને ગણાવી ઇસ્ટ ઇન્ડિયા કંપની

"તેને લોકો વચ્ચે ફાટફૂટ પડાવવામાં, બળવાખોરનાં બીજ રોપવામાં અને તેનો પાક લણવામાં જ રસ છે. દેશમાં બેરોજગાર અગ્નિવીરો રસ્તા પર ઊતર્યા છે, કાશ્મીરમાં હિન્દુઓનો હત્યાકાંડ થઈ રહ્યો છે, લદાખમાં ઘૂસી આવેલા ચીનના સૈન્યને પાછું ખદેડવાની કોઈ યોજના તેમની પાસે નથી. ફાટફૂટ પડાવો અને તેના જોરે રાજ્યમાં સત્તા મેળવો. એ જ તેમની કિંગમૅકર્સ કંપની. બ્રિટિશરોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આવું જ કર્યું હતું. તે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો બહુ ખરાબ અંજામ આવ્યો હતો. વિધાન પરિષદની ચૂંટણીના પરિણામમાં એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો આત્મા મહારાષ્ટ્રમાં ફડફડતો જોવા મળ્યો હતો."

"સારુ થયું. આ નિમિત્તે મહારાષ્ટ્ર જાગ્યું. મહારાષ્ટ્ર જાગૃત થાય છે ત્યારે સળગી ઉઠે છે એ ઇતિહાસ આ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બગાવતી મંડળે ધ્યાનમાં લેવો જોઈએ. મહારાષ્ટ્રની સરકારનું શું તથા કેમનું થશે એ સવાલ નથી. ખરો સવાલ એ છે કે મહારાષ્ટ્ર પર હુમલો કરનારાઓનું, મહારાષ્ટ્ર સાથે બેઈમાની કરનારાઓનું શું થશે? બગાવતનાં બીજનું વાવેતર કરનારાઓનું શું થશે? ધર્મની આડમાં અધર્મનો સંગ કરનારાઓને જનતા માફ કરશે ખરી? શિવસેનાને સંકટો તથા તોફાનોનો સામનો કરવાની ફાવટ છે. ગુજરાતની ભૂમિ પરથી થનગનતા લોકોએ આ ઇતિહાસ ફરી એકવાર સમજી લેવો જોઈએ. આ મંડળી ગુજરાતમાં ડાંડિયા રાસ ભલે રમે, પરંતુ મહારાષ્ટ્રમાં તલવારોની ટક્કર થશે તે નક્કી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો