તુષાર સુમેરા : ધોરણ 10માં અંગ્રેજીમાં 35 માર્ક્સ લાવનારા ગુજરાતીની કલેક્ટર બનવાની કહાણી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"ધો. 10માં અંગ્રેજીમાં 35 અને ગણિતમાં 36 માર્ક્સ આવ્યા હતા, કૉલેજમાં પ્રવેશ વખતે નામમાં કૅપિટલ અક્ષર લખવામાં ભૂલ થઈ હતી, પણ દૃઢ મનોબળ અને મહેનતથી હું આઈએએસ. ઑફિસર બન્યો છું."

ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની દસમા ધોરણની માર્કશીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. તેઓ જીવનમાં પરીક્ષામાં મેળવેલ ગુણ અને સફળતા વચ્ચે કોઈ લેવાદેવા ન હોવાના પોતાના વિચારને મક્કમ રીતે વ્યક્ત કરતાં ઉપરોક્ત વાત કરે છે.ચોટીલા જેવા નાનકડા ગામમાં મોટા થયેલા તુષાર સુમેરાએ જીવનમાં ઘણા ઉતારચઢાવ જોયા છે. વર્ગ ત્રણના કર્મચારી તરીકે કામ કરતા દલપતભાઈ અને શિક્ષિકા ગૌરીબહેનના સૌથી મોટા પુત્ર તુષાર અભ્યાસમાં કંઈ ખાસ નહોતા.

જીવનમાં સફળ થવા માટે તેમણે વેઠવી પડેલી મુશ્કેલીઓથી સફળતા સુધીની સફરની કહાણી જાણવા માટે બીબીસી ગુજરાતીએ તેમની સાથે વાતચીત કરી હતી.

તુષાર સુમેરા પોતાના અભ્યાસ અંગેની વિગતો અંગે વાત કરતાં કહે છે કે, "ધો. 12માં પણ મારું પરિણામ કંઈ સારું નહોતું. તેથી મેં લોકોની સલાહ માનીને આર્ટ્સ પ્રવાહમાં ઍડમિશન લેવાનું ઠરાવ્યું."

"મારે અંગ્રેજી વિષય સાથે સ્નાતક થવું હતું. પરંતુ ફોર્મ ભરતી વખતે મારા નામનો પ્રથમ અક્ષર નાની એબીસીડીમાં અને અંતિમ કૅપિટલમાં લખ્યો. આ ભૂલથી પણ હું નિરાશ ન થયો."

તેઓ આગળ કહે છે કે, "એ સમયે અમારા પ્રોફેસર ગુપ્તાને હું મળ્યો તેમણે અંગ્રેજી સુધારવા મને સલાહ આપી કે અંગ્રેજી છાપાં વાંચો. "

"કૉલેજમાં હું રોજ ત્રણ કલાક અંગ્રેજી છાપાં વાંચતો, દરેક શબ્દ પર ધ્યાન આપતો, વાક્યરચના સમજતો. "

"છાપાં વાંચવાથી હું વૈશ્વિક અર્થતંત્ર, વિદેશનીતિ, અર્થશાસ્ત્ર, સામાજિક સ્થિતિ વગેરેથી વાકેફ થઈ ગયો અને હું અંગ્રેજીમાં ફર્સ્ટ ક્લાસ સાથે બી.એ. થયો."

"એ પછી એમ.એ. અને બી.એડ.થયો, આટલું ભણ્યા પછી મને વિદ્યાસહાયકની 2,500 રૂપિયાની નોકરી મળી જે સમય જતાં કાયમી થવાની હતી. "

"હું પણ અન્યોની જેમ સરકારી નોકરી લઈ શાંતિથી ઘરે રહેત, પણ મારી મહેચ્છા કંઈક અલગ હતી. પોતાનું એક વજૂદ બનાવવાનું હતું."

'શિક્ષકની નોકરી છોડી તૈયારી શરૂ કરી'

તુષાર સુમેરા શરૂઆતની અવઢવ વિશે વાત કરતાં જણાવે છે કે, "એ સમયે સુરેન્દ્રનગરમાં ડીડીઓ તરીકે વિનોદ રાવ હતા, હું એમને મળવા ગયો મેં કહ્યું કે મારે આઈએએસ બનવું છે."

"થોડીવાર મારી સાથે વાતચીત કરીને તેમણે કહ્યું કે તું આઈએએસ બની શકે છે, પછી પિતા સાથે ઑફિસ આવવાનું કહ્યું."

"તેમણે મારા પિતાને સમજાવ્યા કે નાની નોકરીના સ્થાને આઈએએસ બનવામાં ખરી શક્તિ છે. એમની વાત સાંભળીને મારો આત્મવિશ્વાસ વધ્યો. "

"મને ખબર પડી કે એ સમયે ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનાં પ્રોફેસર આમ્રપાલી મર્ચન્ટ આઈએએસ બનવા માંગતા લોકોને પ્રોત્સાહન આપે છે. હું એમને મળ્યો એમણે પણ મને કહ્યું કે હું આઈએએસ ઑફિસર બની શકું એમ છું."

તેઓ પિતાના પ્રયત્નો અંગે વાત કરતાં કહે છે કે, "મારા પિતાએ પણ કહ્યું કે ગમે તે ભોગે નક્કી કરેલ લક્ષ્ય મેળવવાનું છે. અડધેથી મૂકી દેવાનું નથી."

તે બાદ જિંદગીનો અગત્યનો નિર્ણય લેવાનો વારો આવ્યો જેમાં તેમણે પોતાની નોકરી અંગે અંતિમ નિર્ણય લેવાનો હતો.

તુષાર કહે છે કે, "મારી પાસે બે વિકલ્પ હતા કાં તો નોકરીમાંથી રજા લેવી કાં તો છોડી દેવી. જો રજા લઉં તો બાળકોનાં ભવિષ્ય સાથે ચેડાં થાત. તેથી મેં નોકરી મૂકી દીધી અને તૈયારી ચાલુ કરી."

તેઓ તૈયારી માટે અમદાવાદમાં 'સ્પીપા' (સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન )માં પરીક્ષા પાસ કરીને જોડાયા. ત્યાંના ગુરુજનો સતીશ પટેલ અને જશવંત આચાર્યની મદદ અંગે તેઓ ઋણભાવ વ્યક્ત કરે છે.

તૈયારી વખતે પોતાનું કૌશલ્ય વધુ વિકસાવવા તરફ ધ્યાન આપ્યું.

'માર્કશીટ નથી બુદ્ધિમતાનું માપદંડ'

પરીક્ષાની સાથે પરિવારની મુશ્કેલીઓ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "સનદી સેવાની પરીક્ષા આપીને હું સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો. મારો ભાઈ મને લેવા આવ્યો અને ખબર પડી કે મારા પિતા અમદાવાદમાં દાખલ હતા. તેમનું ઑપરેશન હતું. ઑપરેશન બાદ મારા પિતાએ મારો નિર્ધાર વધુ દૃઢ બનાવ્યો તેમણે કહ્યું કે ગમે તે ભોગે લક્ષ્ય મેળવવાનું જ છે."

એ રાત તેઓ હૉસ્પિટલમાં જ રહ્યા. જેમાં તેમનો નિર્ધાર વધુ મજબૂત થયો હોવાની વાત તેઓ કરે છે.

તેઓ પોતે કરેલી મહેનત અંગે વાત કરતાં કહે છે કે, "પાછલાં અમુક વર્ષોથી હું ઘરમાં મોટો હોવા છતાં મારા ઘરની બધી જવાબદારી નાના બે ભાઈ સંભાળતા. મેં ચોટલી બાંધીને મહેનત કરી, પાંચ વર્ષ સુધી કોઈ તહેવાર ન ઉજવ્યો. તે પછી સફળતા સાંપડી. મારો દૃઢ વિશ્વાસ છે કે માર્કશીટ એ બુદ્ધિમતાનું માપદંડ નથી. તમારો આત્મવિશ્વાસ, મહેનત અને કુટુંબનો સાથ જંગ જિતાડે છે."

માર્કશીટ મામલે તુષાર સુમેરાની આ વાત સાથે વજુભાઈ પરસાણા અને ભાગ્યેશ ઝા પણ સહમત થાય છે.

પરસાણા અને ઝા બન્ને નિવૃત્ત આઈએસ છે.

નિવૃત્ત આઈએએસ વજુભાઈ પરસાણા પોતાના સંઘર્ષ અને પરીક્ષામાં મેળવેલ ગુણ બાબતે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહે છે કે, "અમારું ગામ નાનું હોઈ ઍક્સપોઝર નહી, પણ નાનપણથી મળેલી કોઠાસૂઝ અને આત્મવિશ્વાસને કારણે હું આઈએએસ ઑફિસર થઈ શક્યો. હું દૃઢપણે માનું છું કે જો અભિવ્યક્તિ સારી હોય અને આત્મસૂઝ હોય તો માર્કશીટ અગત્યની નથી. દૃઢ નિશ્ચય, આત્મવિશ્વાસ અને મહેનત સિદ્ધિ અપાવે છે."

નિવૃત્ત આઈએએસ ભાગ્યેશ ઝા પણ કંઈ આવું જ કહે છે.

તેઓ કહે છે કે, "મેં આઈએએસની પરીક્ષા આપી એ પહેલાં ટેલિફોન ઑપરેટર તરીકે કામ કર્યું હતું પણ દૃઢ નિશ્ચય, સખત પરિશ્રમ અને આત્મવિશ્વાસ જીત અપાવે છે એટલે માર્કશીટ કરતાં તમારો આત્મવિશ્વાસ અને પરિશ્રમ મહત્ત્વના છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો