You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ‘પિતા પર બોજો ન પડે તેથી ટ્યુશન ન કર્યું અને મહેનતથી મેળવ્યા 99 પર્સેન્ટાઇલ’
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી
“પરિવારની મર્યાદિત આવકને કારણે મેં કોઈ ટ્યુશન નથી કર્યું, માત્ર મારી દૈનિક મહેનતને બળે પરિણામ હાંસલ કર્યું છે. હું પાછલાં બે વર્ષથી કોઈ પારિવારિક પ્રસંગમાં હાજરી નથી આપી. માત્ર ચાર-પાંચ કલાક ઊંઘ લેતી. દરરોજ હું દસ કલાક વાંચતી. અને રાત્રે ત્રણ વાગ્યે જાગીને મહેનત કરતી.”
અમદાવાદ શહેરના નિકોલનાં રહેવાસી અને ઇલેક્ટ્રોનિક ગેજેટ રિપેરિંગનું કામ કરતા પિતાનાં દીકરી રેન્સી પદમણીએ, ગુજરાત બૉર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 92 ટકા માર્ક્સ મેળવ્યા બાદ, કંઈક આ રીતે પરીક્ષામાં પોતાની સફળતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
હવે તેઓ આગળ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા માગે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ (GSEB) દ્વારા મંગળવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ ઘણા માટે સફળતા તો ઘણા માટે નિષ્ફળતાના સમાચાર લઈને આવ્યું છે.
આ વિદ્યાર્થીઓમાં કેટલાક રેન્સી પદમણી જેવાં વિદ્યાર્થીઓ પણ હતાં, જેમણે જીવનની તમામ મુશ્કેલીઓને પોતાની અને સફળતાની વચ્ચે ન આવવા દીધી. પોતાનાં અને માતાપિતાનાં સપનાં સાકાર કરવાની દિશામાં પડકારો છતાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સફળતાનું પ્રથમ પગલું ભરી લીધું.
આ વર્ષે 65.58 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા છે, જે ગયા વર્ષના 72.02 ટકાના પરિણામની સરખામણીએ ખૂબ ઓછું છે.
‘ટ્યુશન વગર મેળવી સફળતા’
રેન્સીના પિતા મુકેશભાઈ પોતાના કામમાંથી મહિને માંડ 15-20 હજાર રૂપિયાની કમાણી કરે છે.
પરંતુ તેમની દીકરીએ મંગળવારે તેમના પરિશ્રમને ‘સ્વમાનભરી અમૂલ્ય સફળતા’માં ફેરવીને પરિવારનું ગૌરવ વધારી દીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રેન્સી પોતાની સફળતા માટે કરેલા પરિશ્રમ અને પડકારો વિશે વાત કરતાં કહે છે કે, “મારા ઘરમાં પાછલા એક વર્ષથી ટીવી બંધ કરી દેવાયું હતું. મર્યાદિત આવક અને બબ્બે બાળકોનાં ભણતરનો ખર્ચ પિતા પર હોઈ હું મેં ટ્યુશન ન કરવાનો પણ નિર્ણય કર્યો હતો. આ મર્યાદા છતાં મારાં માતાપિતાનાં પ્રોત્સાહન અને મહેનતથી આ સફળતા મળી છે.”
ડબલ શિફ્ટમાં મજૂરીકામ કરતા પિતાની દીકરીએ મેળવ્યા 99.91 પર્સેન્ટાઇલ
કંઈક આવી જ કહાણી નરોડાના સહજાનંદ વિદ્યાલયમાં ભણતાં દિશા પ્રજાપતિની છે.
લોખંડના કારખાનામાં કામ કરતા પિતાની આ દીકરી 12મા ધોરણમાં વિજ્ઞાનપ્રવાહમાં 91.33 ટકા અને 99.91 પર્સેન્ટાઇલ મેળવીને સફળતા માટે પાયાની જરૂરિયાતોના માપદંડોને પડકાર્યા છે.
નરોડામાં રહેતાં દિશા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે તેઓ પોતાના પિતા પર અભ્યાસના ખર્ચ સિવાય અન્ય બોજો ન પડે તે હેતુથી ક્યારેય ‘ટ્યુશન ગયાં નથી’, તેમ છતાં તેઓ આવી ઝળહળતી સફળતા મેળવી શક્યાં છે.
દીકરીને ભણાવવા ‘ડબલ શિફ્ટમાં મજૂરીકામ’ કરતા પિતાનાં દીકરી દિશા જાતે ‘પૂરતાં સંસાધનોના અભાવનો સામનો કરી ચૂક્યાં છે’, આ પરિસ્થિતિને કારણે હવે તેઓ તેમની આ સફળતાનો ઉપયોગ ભવિષ્યમાં ડૉક્ટર બની ગરીબોની સેવા કરવા માટે કરવા માગે છે.
પરંતુ દિશાએ સફળતા માટે પરંપરાગત રસ્તો અપનાવવાના સ્થાને પોતાની અલગ રાહ પણ કંડારી હતી.
તેમણે કહ્યું હતું કે, “હું દિવસમાં આઠ-દસ કલાક વાંચતી, પરંતુ મગજ ફ્રેશ કરવા માટે ટીવી પણ જોતી.”
દિશા કહે છે તેમણે ડૉક્ટર બનવા માટે એમબીબીએસ કરવું છે, તેથી તેઓ હાલ નીટની તૈયારી કરી રહ્યાં છે.
મજૂરીકામ કરતા પિતાનું પરિશ્રમ દીકરીએ સફળ બનાવ્યો
સામાન્ય રીતે વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં એક ધારણા હોય છે કે, ટ્યુશન વિના ધોરણ 12 સાયન્સમાં સારા પર્સેન્ટાઇલ મેળવવા એ ખૂબ અઘરું છે.
આ ધારણાને અમદાવાદમાં નારોલમાં રહેતા એક મજૂર પિતાની દીકરી, તાસીન પઠાણે તોડી બતાવી છે.
તાસીનના પિતા સામાન્ય મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
આવા સંજોગોમાં કોઈ પણ પ્રકારના ટ્યુશન વિના માત્ર સ્કૂલ ટીચરનું માર્ગદર્શન અને યૂટ્યૂબના વીડિયો જોઈને તાસીન સિરાજખાન પઠાણે ધોરણ 12 સાયન્સમાં 97 પર્સેન્ટાઇલ મેળવ્યા છે, સારા પરિણામ બાદ તેઓ હવે પોતાનું ડૉકટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવાનું આશા સેવી રહ્યાં છે.
નારોલની રાહે ખેર સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કનરારાં તાસીન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પોતાની સફળતા અને પડકારો વિશે કહે છે કે, "મારા પિતા મજૂરી કરે છે. મારે કોઈ ટ્યુશન નહોતું. હું શાળામાં જ ભણતી. દિવસના પાંચથી છ કલાક વાંચતી.”
તેઓ પોતે ટેકનૉલૉજી અને ઇન્ટરનેટના સ્માર્ટ ઉપયોગ પર પણ ભાર મૂકતાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે પોતાની વ્યૂહરચના વિશે વાત કરતાં કહ્યું હતું કે, “જે ટૉપિકમાં મને ન સમજાય. એ હું શાળામાં ટીચરને પૂછતી. તેમજ કેટલાક ટૉપિક હું યૂટ્યૂબ પર જોઈને શીખતી હતી."
પોતાની સફળતામાં માતાપિતાની મહેનત અને પ્રોત્સાહન હોવાની વાત કરતાં તેઓ કહે છે કે, "મારા પપ્પા નારોલની દોરા બનાવતી ફેકટરીમાં કરે છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ દોરા લઈ જવાનું કામ કરે છે. ઘરનું ગુજરાન ચલાવવા માટે તેઓ ઓવરટાઇમ પણ કરે છે. મમ્મી ઝાઝું ભણેલાં નહીં, પરંતુ અમને ખૂબ પ્રોત્સાહિત કરતાં.”
તેઓ કહે છે કે તેમના પિતા આર્થિક તંગીને કારણે ભણી શક્યા ન હોઈ તાસીનને ભણાવવા માટે ખૂબ મહેનત કરતા.
કંઈક આવી જ કહાણી ધોરણ 12માં ઝળહળતી સફળતા મેળવનાર નેહા ગુપ્તાની છે.
અમદાવાદ શહેરમાં ફરીને બિસ્કિટ-ગોળી વેચતા અને ધોરણ દસ નાપાસ અજય ગુપ્તા માટે પણ મંગળવારનો દિવસ ખૂબ ખાસ હતો.
તેમની દીકરી નેહા ધોરણ 12 સાયન્સમાં 92 પર્સેન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થઈ છે.
પરિશ્રમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની આ દીકરી આગળ મેડિકલ અથવા ફાર્મસી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છે છે.
શહેરના સરસપુરની શેઠ સી. એલ. હિન્દી મીડીયમ સ્કૂલમાં અભ્યાસ કરતાં નેહા અજયભાઈ ગુપ્તા સફળતા પાછળ પોતે અને પરિવારે કરેલા પરિશ્રમ અંગે વાત કરતાં કહે છે કે, "હું દિવસમાં ચારથી પાંચ કલાક વાંચતી હતી. મારા પિતા બિસ્કીટ-ગોળીની ફેરીનું કામ કરે છે. અમે કુલ ચાર ભાઈબહેન છીએ. મારા પિતાએ ખૂબ મહેનત કરીને અમને બધાને ભણાવ્યાં છે."
દીકરીની સફળતા અંગે પોતે કરેલા ત્યાગ અંગે વાત કરતા અજય ગુપ્તા જણાવે છે કે, “મેં નક્કી કર્યું હતું કે હું મારાં બાળકોને ખૂબ ભણાવીશ. હું ગલ્લે-ગલ્લે અને દુકાને-દુકાને જઈને બિસ્કીટ-ગોળીઓ પહોંચાડું છું. આ કામમાંથી હું દર મહિને 15થી 20 હજાર રૂપિયાની આવક મેળવું છું. આવક મર્યાદિત છે પણ આ આવકમાંથી થોડી બચત કરી બાળકોની ફી ભરું છું. હું દર મહિને પૈસા બચાવીને હપ્તામાં મારાં બાળકોની ફી ભરું છું.”
સૌથી ઓછું પરિણામ દાહોદનું
માર્ચ મહિનામાં 14મી તારીખથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે આ વર્ષે આશરે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ બેઠા હતા.
જેમાં અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 67.18 ટકા છે, જ્યારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 65.32 ટકા છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 66.32 ટકા અને વિદ્યાર્થીનીઓનું 64.66 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 29.44 ટકા આવ્યું છે.
હળવદ અને મોરબી કેન્દ્ર 90.41 ટકા સાથે સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. જેની સામે લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22.00 ટકા પરિણામ આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રૂપનું પરિણામ 72.27 ટકા અને બી ગ્રૂપનું 61.71 ટકા પરિણામ આવ્યું છે.