You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એન્જિનિયરિંગની ડિગ્રી વિના સૉફ્ટવૅર એન્જિનિયર કેવી રીતે બની શકાય?
- લેેખક, સેલ્વા મુરલી
- પદ, બીબીસી તમિલ માટે
- ડિજિટલ અર્થવ્યવસ્થાની બાબતમાં ભારત વિશ્વના અગ્રણી દેશો પૈકીનો એક છે
- વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના 2019ના અહેવાલ મુજબ, ડિજિટલ અર્થવ્યવસ્થાની બાબતમાં ભારત પ્રથમ ક્રમે છે
- ભારતનું સ્થાન લેવા માટે અમેરિકા, પાકિસ્તાન અને ફિલિપિન્સ ટાંપીને બેઠા છે
- શિક્ષણની ગુણવત્તા કથળશે તો આ તક હાથમાંથી સરી જશે અને રોજગાર ઘટશે
- આપણા જેવા મોટી વસ્તી ધરાવતા દેશ માટે આ બાબત ગંભીર ચેતવણી છે
- આ વિશે માહિતી મેળવવા અમે ચેન્નઈના ઉદ્યોગસાહસિક એ જે બાલાસુબ્રમણ્યમ સાથે ચર્ચા કરી હતી
કોરોનાના કપરા સમય પછી હવે ઉદ્યોગ ક્ષેત્રે રોજગારની તક ફરી સર્જાઈ રહી છે, પરંતુ કંપનીઓનું કહેવું છે કે ભારતમાં કુશળ કર્મચારીઓને આ પ્રકારની રોજગાર તક મળવી બહુ મુશ્કેલ છે.
દેશના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના 2019ના એક અહેવાલ મુજબ, દેશના 80 ટકા એન્જિનિયરિંગ સ્નાતકો બેરોજગાર છે, પરંતુ મીડિયા એવું જણાવી રહ્યું છે કે દેશની લગભગ 3,000 એન્જિનિયરિંગ કૉલેજોમાં અરધાથી વધારે બેઠકો ખાલી છે.
બીજી તરફ કંપનીઓ એવી ફરિયાદ કરે છે કે તેમને યોગ્ય કે કુશળ કર્મચારી મળતા નથી.
વાસ્તવિક પરિસ્થિતિ શું છે?
2003થી 2015 સુધી ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી (આઇટી) ક્ષેત્ર સારી રીતે વિકસ્યું હતું અને તેમાં રોજગારની ઘણી તકનું સર્જન થયું હતું. તેને કારણે વધુ પ્રમાણમાં એન્જિનિયરિંગ કૉલેજો શરૂ કરવામાં આવી હતી.
અગાઉ પણ આટલા જ એન્જિનિયર તૈયાર કરવામાં આવતા હોવાની દલીલ કરવામાં આવે છે, પરંતુ ભૂતકાળની વાતો કરવાને બદલે એ વિચારવું જોઈએ કે હવે શું થઈ શકે તેમ છે. કેટલી તક સર્જાઈ રહી છે?
વર્તમાન શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ સાથે આપણે ઔદ્યોગિક ક્ષેત્રને અપગ્રેડ કેવી રીતે કરી શકીએ? આ બાબતે વિગતે વાત કરતા પહેલાં મહત્ત્વનું એક પાસું જાણી લેવું જરૂરી છે.
ડિજિટલ અર્થવ્યવસ્થા
ડિજિટલ અર્થવ્યવસ્થાની બાબતમાં ભારત વિશ્વના અગ્રણી દેશો પૈકીનો એક છે. આ ડિજિટલ અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં દેશની આવકમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ભારત ડિજિટલ અર્થવ્યવસ્થાની બાબતમાં અગ્રણી દેશ હોવાથી પશ્ચિમના દેશોએ ભારતમાં તેમનું કામ આઉટસોર્સ કર્યું છે. તેના પરિણામે રોજગારનું સર્જન થયું છે. અન્ય દેશોએ પણ ડિજિટલ અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના 2019ના અહેવાલ મુજબ, ડિજિટલ અર્થવ્યવસ્થાની બાબતમાં ભારત પ્રથમ ક્રમે છે, તેમ છતાં મેનપાવર સપ્લાયની બાબતમાં આપણો પાડોશી દેશ બીજા ક્રમે છે તે જાણીને આશ્ચર્ય થાય છે.
બાંગ્લાદેશના આઈસીટી વિભાગના અહેવાલ મુજબ, ડિજિટલ અર્થવ્યવસ્થાથી તેમને વર્ષે 10 કરોડ ડોલરની આવક થાય છે. તેને પાંચ અબજ ડોલરની કરવાનું તેમનો લક્ષ્યાંક છે.
ભારતની વસ્તી 135 કરોડથી વધુ છે અને વૈશ્વિક સ્તરે ડિજિટલ અર્થવ્યવસ્થા ક્ષેત્રે કાર્યબળના સંદર્ભમાં ભારતનું 24.6 ટકા યોગદાન છે. તેની સામે માત્ર 16 કરોડ લોકોની વસ્તી ધરાવતા બાંગ્લાદેશનું યોગદાન 16.8 ટકા છે.
આ ઉપરાંત એ પણ યાદ રાખવું જોઈએ કે ભારતનું સ્થાન લેવા માટે અમેરિકા, પાકિસ્તાન અને ફિલિપિન્સ ટાંપીને બેઠા છે. આ પરિસ્થિતિમાં શિક્ષણની ગુણવત્તા કથળશે તો આ તક હાથમાંથી સરી જશે અને રોજગાર ઘટશે. આપણા જેવા મોટી વસ્તી ધરાવતા દેશ માટે આ બાબત ગંભીર ચેતવણી છે.
ભારતમાં કૌશલ્યની કમી છે?
આ વિશે માહિતી મેળવવા અમે ચેન્નાઈના ઉદ્યોગસાહસિક એ જે બાલાસુબ્રમણ્યમ સાથે ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું હતું કે “કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવતા યુવાનો સામાન્ય રીતે કંપનીઓમાં ફ્રેશર તરીકે શરૂઆત કરતા હોય છે, પરંતુ તેઓ બેઝિક કોડિંગ કેમ કરવું એ જાણતા નથી. અભ્યાસક્રમમાં ગણિત અને લોજિક સંબંધી જ્ઞાન કે શિક્ષણનો અભાવ છે, જે કોડિંગ માટે બહુ જરૂરી છે.”
“શિક્ષકોએ આ વિષય સારી રીતે ભણાવવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ કન્સેપ્ટ્સ સમજી શકે. એવી જ રીતે વિદ્યાર્થીઓમાં પણ તે સમજવા માટે જિજ્ઞાસા હોવી જરૂરી છે. તે શીખવું બહુ જરૂરી છે. મને લાગે છે કે મૂળ તકલીફનું કારણ આ પ્રેક્ટિકલ સમસ્યા છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુસ્તકીય શિક્ષણની સાથે-સાથે તાલીમ પણ આપવી જોઈએ. એ ઉપરાંત છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે કંપનીમાં કમસે કમ એ વર્ષનો ઈન્ટર્નશિપનો અનુભવ હોવો જોઈએ. અંતિમ વર્ષ પછી એક વર્ષની ઈન્ટર્નશિપનો ખ્યાલ પણ સારો છે. તેનાથી રોજગાર લાયક, કુશળ વિદ્યાર્થીઓનું સર્જન થશે. તેનાથી કૌશલ્યવાન કર્મચારીઓની અછત દૂર કરવામાં અમુક અંશે રાહત મળશે.”
તેમણે એમ પણ કહ્યું હતું કે “પ્રશિક્ષકને સંબંધિત ક્ષેત્રનો બહોળો અનુભવ હોવો જોઈએ અને વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન તથા સંચાલન હેઠળ કૌશલ્ય પ્રાપ્ત કરવા સક્ષમ હોવા જોઈએ. કંપનીઓએ આવા પ્રશિક્ષકોની નિમણૂક કરવી જોઈએ.”
તેમના કહેવા મુજબ, “કંપનીઓએ વિદ્યાર્થીઓને રસ હોય તેવા વિષયની તાલીમ પણ આપવી જોઈએ. ઈન્ટર્નશિપ દરમિયાન ભાવિ પ્રોવિડન્ટ ફંડ, તબીબી સુવિધાઓ અને સ્ટાઈપેન્ડ વગેરે બાબતે સરકારે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.”
તેમણે ઉમેર્યું હતું કે “સતત વિકસી રહેલા આ ક્ષેત્રમાં આસોફ્ટવૅર કર્મચારીઓ માટે ઈન્ટરડિસિપ્લિનરી જ્ઞાન તથા કૌશલ્ય મેળવવું જરૂરી હોય છે. મિકેનિકલ એન્જિનિયિરિંગ ગ્રેજ્યુએટ્સ માટે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે, તેમ કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઈલેક્ટ્રોનિક્સનું જ્ઞાન જરૂરી હોય છે. આમ એન્ટ્રી લેવલ પર તેમની પાસે વિવિધ વિષયનો અનુભવ હોય તે જરૂરી છે.”
તેમણે કહ્યું હતું કે “ઈન્ટર્નશિપ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક હોય છે, પરંતુ કંપનીઓ માટે મોંઘા સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ ગંભીરતાથી તાલીમ લે છે, પરંતુ તેઓ કશું શીખવા ઉત્સુક હોતા નથી, એવો આક્ષેપ કંપનીઓ કરે છે. તેનું કારણ એ છે કે વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપને રોજગાર યોગ્ય કૌશલ્યની તક ગણવાને બદલે એક પરીક્ષા માને છે.”
“વિદ્યાર્થીઓ કંપની તરફથી આપવામાં આવતા સ્ટાઈપેન્ડનો અસ્વીકાર કરતા હોય તેવું પણ જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓએ ઓછું સ્ટાઈપેન્ડ સ્વીકારી લેવું જોઈએ અને ઈન્ટર્નશિપને કશું નવું શીખવાની તક ગણવી જોઈએ.”
કેટલીક કંપનીઓના જણાવ્યા અનુસાર, હાલ નોકરીની ઓફર મળે ત્યારે વિદ્યાર્થીઓ વધુ પગારની આશા રાખે છે, તેમ જણાવતાં બાલાસુબ્રમણ્યમે ઉમેર્યું હતું કે “કુશળ કર્મચારી વધારે પગારની આશા રાખી શકે, પરંતુ મુશ્કેલી એ છે કે જેમની પાસે પૂરતું કૌશલ્ય નથી, એ લોકો પણ વધારે પગારની આશા રાખે છે. મોટી કંપનીઓમાં પગાર ઓછો હોય છે અને તેઓ જરૂરિયાત અનુસાર તેમાં અચાનક વધારો કરતી હોય છે. તેથી નાની કંપનીઓ વધારે પગાર આપવાનું દબાણ સર્જાય છે, પરંતુ તેનો ભાર નાની કંપનીઓ ઉઠાવી શકતી નથી.”
નાની કંપનીઓ પણ બિન-અનુભવી વ્યક્તિને નિયુક્ત કરતી નથી, કારણ કે કામનો અનુભવ મળતાંની સાથે જ એવા લોકો બીજી કંપનીમાં ચાલ્યા જાય છે. તેથી કંપનીઓએ બિન-અનુભવી લોકોને કામ પર રાખવાનું તથા ટ્રેનિંગ આપવાનું બંધ કરી દીધું છે.
પરિણામે વિદ્યાર્થીઓએ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને અનુભવ મેળવવો પડે છે. આ સંજોગોમાં એક વર્ષની ઈન્ટર્નશિપ યોજનાનો અમલ કરવામાંં આવે તો પગારમાંના આ અંતરને દૂર કરી શકાશે અને બધાને લાભ થશે.
શિક્ષણની ગુણવત્તાની સમસ્યા અને તેનું નિરાકરણ
ભારતીય શિક્ષણ પ્રણાલીમાં કેટલીક સમસ્યા તો જરૂર છે. કૉલેજના સ્તરે તેનું નિરાકરણ થતું નથી. વિદ્યાર્થીઓ માટે સ્કૂલના સ્તરે જ તમામ ક્ષેત્રોમાં પાયાનું જ્ઞાન મેળવવું જરૂરી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નવમાથી બારમા ધોરણના વિદ્યાર્થીઓને વાંચવા-લખવા, બોલવા-સાંભળવા અને ગણિતની સાથે તાર્કિક કૌશલ્યનું શિક્ષણ પણ આપવું જોઈએ.
બાલાસુબ્રમણ્યમે કહ્યું હતું કે “આ બધું સ્કૂલોમાં શીખવાડવામાં આવશે તો કૉલેજનું શિક્ષણ વિદ્યાર્થીઓ માટે આસાન બની જશે. આ હકીકત દર્શાવે છે કે સ્કૂલમાં શિક્ષણ પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે. આપણે સ્કૂલના શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરીએ તો સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા બહેતર બની શકે.”
‘નો કોડ, લો કોડ’ ભવિષ્ય છે
કોરોના મહામારીની અસર દરેક ક્ષેત્ર પર થઈ છે, પરંતુ ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી એવાં ક્ષેત્રો પૈકીનું એક છે કે જેનું મહત્ત્વ એ દરમિયાન વધ્યું છે. અમે ચેન્નાઈસ્થિત સોફ્ટવૅર સલાહકાર તથા માઈક્રોસોફ્ટના માનદ મૅનેજિંગ ડિરેક્ટર ટી એન એસ વેંકટરંગન સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે “કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન અનેક વ્યવસાય પડી ભાંગ્યા હતા. તેથી સમગ્ર સ્થિતિ જોઈએ તો એ સંદર્ભે બહુ ઓછી નવી તક છે. કોરોનાનો પ્રભાવ ઘટ્યો પછી એ ક્ષેત્રોમાં રાબેતો સ્થપાઈ રહ્યો છે અને રોજગારની તક સર્જાઈ રહી છે. વચ્ચેના સમયગાળાનો ઉપયોગ કંપનીઓએ આત્મનિરીક્ષણ માટે કર્યો હતો. મોટી કંપનીઓએ નવી ટેક્નૉલૉજીમાં રોકાણ કર્યું હતું. ખાસ કરીને ડિજિટલ અર્થવ્યવસ્થા અને મશીન લર્નિંગમાં અનેક નવા ઉદ્યોગ શરૂ થયા છે અને તેમાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. તેનાથી સૉફ્ટવૅર ડેવલપમૅન્ટ ક્ષેત્રે ઘણો સુધારો થયો છે.”
તેને લીધે સૉફ્ટવૅર નિષ્ણાતોની માગ પણ વધી રહી છે. બીજી તરફ કૉર્પોરેટ કંપનીઓ ઊંચા પગારે કુશળ કર્મચારીઓની ભરતી કરી રહી છે. પરિણામે નાની કંપનીઓ પર જોખમ સર્જાયું છે.
કુશળ કર્મચારીઓ વધારે પગારની માગ શા માટે કરે છે અને શિક્ષણની ગુણવત્તાને કારણે બેરોજગારી કેમ સર્જાય છે, તેની તથા તેના નિરાકરણની ચર્ચા આપણે લેખની શરૂઆતમાં કરી હતી. આ સમસ્યાના તત્કાળ સમાધાન બાબતે વેંકટરંગન અસહમત છે.
તેમણે કહ્યું હતું કે “તમે એવું માનો છો કે સૉફ્ટવૅરનું કામકાજ માત્ર સૉફ્ટવૅર એન્જિનિયર્સ માટે જ છે? આવું હોય તો તમારે નવેસરથી વિચારવું જોઈએ. સૉફ્ટવૅર નિષ્ણાતોની જરૂર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પ્રણાલી બનાવવા માટે હોય છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને કારણે સૉફ્ટવૅર ડેવલપમૅન્ટ આસાન થઈ ગયું છે. ભારતમાં નવા વ્યવસાય પણ તેનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરી રહ્યા છે.”
તેમણે એમ પણ કહ્યું હતું કે “જેટલી આસાનીથી આપણે સૉફ્ટવૅરનો ઉપયોગ કરીએ છીએ એટલી જ આસાનીથી આ સૉફ્ટવૅર બનાવી પણ શકીએ છીએ. એ પણ કોડિંગ વિના. આ ટેકનિક બહુ ઝડપથી વિકસી રહી છે. મારું માનવું છે કે આગામી દસ વર્ષમાં મોટા ભાગનાં સૉફ્ટવૅર કોડિંગ વિનાના બની જશે. માત્ર સૌથી જટિલ અને મુશ્કેલ સોફૉટવૅર માટે જ કોડરની જરૂર પડશે. સ્થાનિક કંપનીઓએ આ માટે તૈયાર રહેવું પડશે. તેમણે ‘નો કોડ, લો કોડ’ ટેક્નૉલૉજીમાં રોકાણ કરવું જોઈએ અને એ માટે કર્મચારીઓને તાલીમ આપવી જોઈએ.”
દરેક વિદ્યાર્થીએ એન્જિનિયર બનવાની જરૂર નથી. બધા લોકો તે સમજતા નથી, પરંતુ થોડી બુદ્ધિમત્તા અને ઝનૂન વડે કોઈ પણ વ્યક્તિ સોફ્ટવૅર ચોક્કસ બનાવી શકે છે.
એન્જિનિયર વિનાનું એક સોફ્ટવૅર ક્ષેત્ર
સરકાર આ નવા એન્જિનિયર રહિત સૉફ્ટવૅર ક્ષેત્ર માટે યોગ્ય પહેલ કરે તો બહુ સારું થશે. સરકાર ઉદ્યમીઓ તથા વિદ્યાર્થીઓને દેખાડી શકે છે કે આ પણ શક્ય છે.
પ્રારંભિક સ્તરે થોડી મુશ્કેલી સર્જાઈ શકે છે, પરંતુ પ્રયાસ, યોજના અને સતત વિકસતી ટેક્નૉલૉજી વડે આપણે તેનું નિરાકરણ કરી શકીએ.
આ જ ભવિષ્ય છે તે જાણી લેવાનો સમય આવી ગયો છે. એક સમય એવો હતો કે જ્યારે કમ્પ્યુટર ક્ષેત્રે માત્ર એન્જિનિયર્સ જ કામ કરતા હતા. તેથી કમ્પ્યુટર એન્જિનિયરની જરૂર પડતી હતી, પરંતુ છેલ્લાં 30 વર્ષમાં પરિસ્થિતિ પલટાઈ ગઈ છે.
બધાએ પોતપોતાના ક્ષેત્ર વિશે શીખવું જોઈએ અને ‘નો કોડ, નો લોડ’ સૉફ્ટવૅર બનાવતાં શીખવું જોઈએ.
દૂરંદેશી સાથેનો સુનિયોજિત પ્રયાસ
બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ તથા ગતિવિધિમાં પરિવર્તન માટે સરકાર, ઔદ્યોગિક સંસ્થાનો તથા શૈક્ષણિક સંસ્થાઓએ હાથ મિલાવવા જોઈએ. તેથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ થશે.
બધાએ સાથે મળીને એક નક્કર વ્યૂહરચના હેઠળ યોજનાબદ્ધ રીતે કામ કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓએ નવા વિચારો તથા નવી ચીજો શીખવાનું ચાલુ રાખવા તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.
(લેખક સેલ્વા મૂરલી કમ્પ્યુટર ક્ષેત્રે અગ્રણી છે. તેઓ તામિલનાડુમાં એક સૉફ્ટવૅર કંપનીનું સંચાલન કરે છે. તેમને તામિલનાડુ સરકાર દ્વારા ‘મુખ્ય મંત્રી તમિલ કમ્યુટિંગ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યા છે. તેમણે તમિળ ભાષામાં કમ્યુટર ક્ષેત્ર સંબંધી અનેક લેખો લખ્યા છે)