જોશીમઠ : "જે દિવસે મારી મૂર્તિનો હાથ તૂટીને નીચે પડશે ત્યારે તારું સામ્રાજ્ય નષ્ટ..."

    • લેેખક, અશોક પાંડે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગઢવાલ હિમાલયના ગેઝેટિયરના લેખક, અંગ્રેજ આઇસીએસ અધિકારી એચ જી વોલ્ટને 1910માં જે જોશીમઠનો ઉલ્લેખ કર્યો હતો તે થોડાંક મકાન, ધર્મશાળા, મંદિરો અને ચોરસ પથ્થરો વડે બનાવવામાં આવેલા નગર ચોકવાળું શાંત, નાનું ગામ હતું.

તેની ગલીઓમાં, વેપારની મોસમમાં તિબેટના વેપારીઓનાં યાક તથા અશ્વોના ગળામાંની ઘંટડીઓનો ગુંજારવ સંભળાતો હશે. જૂના દિવસોમાં જોશીમઠ, આવા વેપારીઓની આવ-જાને કારણે સમૃદ્ધ બજાર હશે.

જોકે, વોલ્ટનના સમય સુધીમાં એ વેપારીઓ પોતાની દુકાનોને દક્ષિણ તરફ એટલે કે નંદપ્રયાગ તથા તેની આગળના વિસ્તારમાં શિફ્ટ કરી ચૂક્યા હતા.

વોલ્ટને તિબેટની જ્ઞાનિમા મંડીમાંના ભોટિયા વેપારીઓના બજારના જે અવશેષો જોશીમઠમાં જોયા હતા તેનો પણ ઉલ્લેખ કરે છે. ભોટિયા વેપારીઓ દર વર્ષે વેપાર કરવા ત્યાં જતા હતા.

અલકનંદા નદીના ઉપરના વિસ્તારમાં આવેલા જોશીમઠની વસ્તી 1872માં 455 હતી, જે 1881માં વધીને 572 થઈ ગઈ હતી.

સપ્ટેમ્બર, 1900માં તે વસ્તી 468 થઈ ગઈ હતી, પરંતુ એ વસ્તીગણતરી વખતે બદરીનાથના રાવલ તથા અન્ય કર્મચારીઓ અહીં હાજર ન હતા.

એ લોકો તીર્થયાત્રાની સિઝનમાં એટલે કે નવેમ્બરથી મે માસના મધ્ય દરમિયાન બદરીનાથ મંદિરમાં રહીને શ્રદ્ધાળુઓનાં ભોજન, નિવાસ તથા પૂજાપાઠની વ્યવસ્થા કરતા હતા.

શિયાળામાં તેમણે જોશીમઠ આવી જવું પડતું હતું, કારણ કે એ દિવસોમાં બદરીનાથ ધામ બરફ નીચે દટાઈ જતું હતું અને મંદિરનાં દ્વાર બંધ કરવાં પડતાં હતાં.

કર્ણપ્રયાગથી તિબેટ સુધી જતો માર્ગ ચમોલી, જોશીમઠ અને બદરીનાથ થઈને માણા વૅલી સુધી પહોંચે છે, જ્યારે બીજો માર્ગ તપોવન તથા મલારી થઈને નીતિ વૅલી સુધી પહોંચે છે.

પરંપરાગત રીતે બદરીનાથના રાવલો તથા અન્ય કર્મચારીઓના શિયાળુ આવાસ તરીકે વિકસેલું જોશીમઠ ધીમે-ધીમે ગઢવાલને દૂરના સીમાંત માણા તથા નીતિ ખીણ વિસ્તારની મહત્ત્વની વસાહતોને જોડતા માર્ગ પરનો મહત્ત્વનો પડાવ બની ગયું હશે.

તેમાં રહેતા લોકોમાં પૂજારીઓ, નાના-મોટા વેપારીઓ અને ખેતીકામ કરતા સાધારણ પહાડી લોકોનો સમાવેશ થતો હતો.

જમીનમાં સમાતું જઈ રહેલું પ્રાચીન સ્થળ જોશીમઠ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, શું છે તેના ધાર્મિક મહત્ત્વ પાછળની કથા

  • સમુદ્રની સપાટીથી 6107 ફૂટ ઉપર આવેલા જોશીમઠની ઉત્પત્તિની કહાણી આદિ શંકરાચાર્ય સાથે જોડાયેલી છે
  • આદિ શંકરાચાર્ય દ્વારા નિર્મિત ચાર મઠો પૈકી એક છે જોશીમઠ
  • કત્યૂરી સમ્રાટ શ્રી વાસુદેવે ગિરિરાજ ચક્ર ચૂડામણિ ઉર્ફે રાજા વાસુદેવે આ નગરને પોતાની સત્તાનું કેન્દ્ર બનાવ્યું હતું
  • ધાર્મિક રીતે મહત્ત્વનાં ઘણાં અન્ય સ્થળોનો માર્ગ પણ અહીંથી શરૂ થાય છે
  • તિબેટની નજીક હોવાને કારણે આ વિસ્તારના વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં રાખીને સ્વાતંત્ર્ય પછી ભારત સરકારે સૈન્ય તથા અર્ધ-લશ્કરી દળોના અનેક યુનિટ અહીં તહેનાત કર્યા છે

જોશીમઠની ઉત્પત્તિની કહાણી

ઉત્તરાખંડના ગઢવાલના પૈનખંડા પરગણામાં સમુદ્રની સપાટીથી 6107 ફૂટ ઉપર આવેલા, ધૌલી તથા વિષ્ણુગંગા નદીના સંગમથી અરધો કિલોમિટર દૂર સ્થિત જોશીમઠની ઉત્પત્તિની કહાણી આદિ શંકરાચાર્ય સાથે જોડાયેલી છે, જેમણે આઠમી-નવમી સદીમાં કરેલી હિમાલય યાત્રાઓએ ઉત્તરાખંડની ધાર્મિક ભૂગોળને વ્યાપક રીતે બદલી નાખી હતી.

દક્ષિણ ભારતના કેરળ રાજ્યના ત્રાવણકોરના એક નાના ગામમાં જન્મેલા આદિ શંકરાચાર્યએ વેદાંતદર્શનના પ્રચાર-પ્રસારના ઉદ્દેશથી બહુ નાની વયે પોતાનાં મલયાલમ મૂળ છોડીને સુદૂર હિમાલયની લાંબી યાત્રા કરી હતી અને અનેક લોકોને પોતાના અનુયાયી બનાવ્યા હતા.

તેમણે એ અનુયાયીઓ માટે ચાર દિશામાં ચાર મઠનું નિર્માણ કર્યું હતું. તેમાં પૂર્વના ઓરિસામાં પુરીમાં વર્ધન મઠ, પશ્ચિમના દ્વારકામાં શારદા મઠ, દક્ષિણમાં મૈસૂરનો શ્રૃંગેરી મઠ તથા ઉત્તરમાં જ્યોતિર્મઠ એટલે જોશી મઠનો સમાવેશ થાય છે.

જોશીમઠ પછી બદરીનાથમાં નારાયણના ધ્વસ્ત મંદિરના પુનર્નિમાણનું કામ પૂર્ણ કરાવવા તેઓ કેદારનાથ ગયા હતા, જ્યાં 32 વર્ષની નાની વયે તેમનું અવસાન થયું હતું.

આદિ શંકરાચાર્યને મળ્યું દિવ્યજ્ઞાન

જોશીમઠનું ઐતિહાસિક મહત્ત્વ પાછળની લોકપ્રિય માન્યતા એ છે કે આધુનિક હિન્દુ ધર્મના સૌથી મહાન ધર્મગુરુ ગણાતા આદિ શંકરાચાર્યએ અહીં શેતૂરના એક વૃક્ષ નીચે સમાધિસ્થ રહીને દિવ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

આ કારણે તેને જ્યોતિર્ધામ કહેવામાં આવે છે. એ વિશાળ વૃક્ષ આજે પણ પાંગરતું જોઈ શકાય છે અને તેને કલ્પવૃક્ષ નામ આપવામાં આવ્યું છે.

એ વૃક્ષ સાથેનું મંદિર તો હાલ તૂટી ગયું છે અને શંકરાચાર્યે જ્યાં રહીને સાધના કરી હોવાનું કહેવાય છે તે ગુફા પણ ધ્વસ્ત થઈ ચૂકી છે.

જોશીમઠ બાબતે અનેક ધાર્મિક માન્યતા પ્રવર્તે છે. અહીં ભગવાન નૃસિંહનું મંદિર છે, જ્યાં ભક્ત બાળક પ્રહલાદે તપ કર્યું હતું.

અનેક દેવી-દેવતાઓના મંદિર ઉપરાંત અહીં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગણેશ, ભૃંગી, ઋષિ, સૂર્ય અને પ્રહલાદના નામના અનેક કુંડ પણ આવેલા છે. આ હકીકત આ નાનકડા પહાડી નગરને દેશના ધાર્મિક નકશા પરનું મહત્ત્વનું સ્થાન બનાવે છે.

ટિહરી ગઢવાલમાં જન્મેલા સમકાલીન હિન્દી ભાષાના કવિ અને પત્રકાર શિવપ્રસાદ જોશીએ તેમની કવિતા ‘જોશીમઠ કે પહાડ’માં લખ્યું છે કે

“જોશીમઠ કે પહાડ દિન મેં ઐસે દિખતે હૈં

કોઈ સફેદ દાઢીવાલા બાબા ધ્યાનમેં અચલ બૈઠા હૈ.

કભી એક હાથી દિખતા હૈ ખડા હુઆ,

રાસ્તા ભૂલા હો જૈસે, જોશીમઠમાં આકર અટક ગયા હૈ.

બર્ફ કે કપડે પહને સુંદરી દીખતી હૈ પહાડોં કી નોકોં પર

સૂધબૂધ ખોકર ચિત્ત લેટી હુઈ કહીં ગિર ગઈ અગર.”

કુમાઉં-ગઢવાલ સાથે કેવી રીતે જોડાયેલું છે જોશીમઠ?

કુમાઉં-ગઢવાલના ઇતિહાસના બહુ મહત્ત્વના તાર પણ આ સુંદર નગર સાથે જોડાયેલા છે. હિમાલયના આ પ્રદેશ પર લાંબા સમય સુધી રાજ કરી ચૂકેલા કત્યૂરી શાસકોની પહેલી રાજધાની અહીં હતી અને તે જ્યોતિર્ધામ નામે ઓળખાતી હતી.

કત્યૂરી સમ્રાટ શ્રી વાસુદેવે ગિરિરાજ ચક્ર ચૂડામણિ ઉર્ફે રાજા વાસુદેવે આ નગરને પોતાની સત્તાનું કેન્દ્ર બનાવ્યું હતું.

એટકિન્સનના વિખ્યાત હિમાલયન ગેઝેટિયરમાં સર એચ એમ એલિયટનો હવાલો આપીને ફારસી ઇતિહાસકાર રાશિદ અલ-દીન હમદાનીના ગ્રંથ ‘જમીં-ઉલ તવારીખ’ના ઉલ્લેખ દ્વારા કત્યૂરી રાજા વાસુદેવ વિશે લખવામાં આવ્યું છે કે તેઓ જોશીમઠમાં કત્યૂરી સામ્રાજ્યના સંસ્થાપક હતા.

કત્યૂરોની રાજધાની કઈ રીતે બદલાઈ?

કત્યૂરોની રાજધાની જોશીમઠથી બૈજનાથ લઈ જવા પાછળનાં કારણોની એક ગાથા પ્રચલિત છે.

તે કથા મુજબ, રાજા વાસુદેવના એક વંશજ શિકાર કરવા ગયા હતા. તેમની ગેરહાજરીમાં માણસના વેશમાં ભગવાન નૃસિંહ રાજા વાસુદેવના મહેલમાં ભિક્ષા માગવા પહોંચ્યા હતા.

રાણીએ તેમનો સત્કાર કર્યો અને ભોજન કરાવીને રાજાના પલંગ પર સુવાડી દીધા હતા. રાજા પાછા ફર્યા ત્યારે તેમના પલંગ પર કોઈ અજાણી વ્યક્તિને સૂતેલી જોઈને તેઓ અત્યંત ક્રોધિત થયા હતા. તેમણે પોતાની તલવાર વડે નૃસિંહના હાથ પર પ્રહાર કર્યો હતો.

હાથ પર પ્રહારને લીધે રક્તના સ્થાને દૂધ વહેવા લાગ્યું હતું. ગભરાયેલા રાજાએ રાણીને બોલાવ્યાં ત્યારે રાણીએ તેમને જણાવ્યું હતું કે એ ભિક્ષુક સાધારણ વ્યક્તિ નહીં, પણ ભગવાન હતા. રાજાએ ક્ષમા માગી અને પોતાના અપરાધ માટે સજા કરવા નૃસિંહને આગ્રહ કર્યો.

નૃસિંહે રાજાને જણાવ્યું હતું કે તેમણે તેમના કૃત્ય બદલ જ્યોતિર્ધામ છોડીને પોતાની રાજધાનીને કત્યૂર ઘાટી એટલે કે બૈજનાથ લઈ જવી પડશે.

નૃસિંહે એવી ઘોષણા પણ કરી હતી કે “બૈજનાથ ખાતેના મંદિરમાં મારી જે મૂર્તિ હશે તેના હાથ પર પણ આવો ઘા દેખાશે. જે દિવસે મારી મૂર્તિ નષ્ટ થશે અને તેનો હાથ તૂટીને નીચે પડી જશે એ દિવસે તારું સામ્રાજ્ય પણ નષ્ટ થઈ જશે અને દુનિયાના રાજાઓની યાદીમાંથી તારા વંશનું નામ ભુસાઈ જશે.”

આટલું કહીને નૃસિંહ અદૃશ્ય થઈ ગયા હતા. તેઓ રાજાને ક્યારેય દેખાયા ન હતા, પરંતુ તેમના આદેશને આદર આપીને રાજાએ રાજધાની બૈજનાથ ખસેડી હતી.

ભગવાન નૃસિંહનું સ્થાન આદિ શંકરાચાર્યે લીધું

આ કથાના બીજા સંસ્કરણમાં ભગવાન નૃસિંહનું સ્થાન આદિ શંકરાચાર્ય લે છે. તેમની સાથે થયેલા ધાર્મિક વિવાદને કારણે કત્યૂરીની રાજધાનીને જોશીમઠથી હટાવવામાં આવી હતી.

એટકિન્સનના ગેઝેટિયરમાં ઉલ્લેખિત આ ગાથાના બીજા સંસ્કરણ બાબતે આગળ જતાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે આદિ શંકરાચાર્યે જોશીમઠમાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી એ પછી બ્રાહ્મણો અને બૌદ્ધો વચ્ચે વર્ચસ્વ જમાવવાની હોડ ચાલતી હતી. એ દરમિયાન શૈવમતના અનુયાયીઓએ બન્નેને પરાસ્ત કરીને લોકોની વચ્ચે પોતાની ધાર્મિક શ્રેષ્ઠતા સિદ્ધ કરી હતી.

જોશીમઠ મંદિરમાંની કાળા સ્ફટિકની નૃસિંહની મૂર્તિ વિશે એવું કહેવાય છે કે તેનો ડાબો હાથ દર વર્ષે વધુને વધુ નબળો પડતો જાય છે.

કત્યૂરી રાજાને મળેલા શ્રાપની આગળની લોકગાથા એવી છે કે જે દિવસે મૂર્તિનો હાથ સંપૂર્ણપણે છિન્નભિન્ન થઈ જશે એ દિવસે બદરીધામ જવાનો રસ્તો કાયમ માટે બંધ થઈ જશે, કારણ કે ત્યારે નર અને નારાયણ પર્વત એકમેકમાં સમાઈ જશે તથા ભીષણ ભૂસ્ખલન થશે, એવું સ્વયં ભગવાન વિષ્ણુએ કહ્યું હતું.

એ પછી બદરીનાથ મંદિરને જોશીમઠથી આગળ ભવિષ્ય બદરી નામના સ્થળે લઈ જવું પડશે.

ફૂલોની ખીણનો માર્ગ

ગઢવાલના સમગ્ર ઇતિહાસના લેખક વિદ્વાન શિવપ્રસાદ ડબરાલ જોશીમઠને મહાભારતના પ્રાચીન કાળ સાથે જોડે છે અને પાણિનિના ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથને ટાંકતાં તર્ક આપે છે કે પ્રાચીન કાળનું કાર્તિકેયપુર નગર બીજું કોઈ નહીં, પણ જોશીમઠ જ હતું.

આજના જોશીમઠ પર નજર કરીએ તો વોલ્ટનના ગેઝેટિયરમાંનું જોશીમઠ કોઈ બીજા યુગના સપના જેવું લાગે છે.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં પર્યટનક્ષેત્રે થયેલી જબરી વૃદ્ધિના સંદર્ભમાં જોશીમઠ બહુ મહત્ત્વનું સ્થાન બની ગયું છે, કારણ કે ફૂલોની ખીણનો અને હેમકુંડ સાહેબનો માર્ગ અહીંથી આગળ જાય છે.

ધાર્મિક રીતે મહત્ત્વનાં ઘણાં અન્ય સ્થળોનો માર્ગ પણ અહીંથી શરૂ થાય છે. એ સિવાય આ પ્રદેશમાં પર્યટનની અપાર સંભાવનાને ધ્યાનમાં લઈને અહીંથી 12 કિલોમીટર દૂર આવેલા સુંદર સ્થળ ઔલીમાં એક મોટા સ્કીઇંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે અને ત્યાં સુધી પહોંચવા માટે 3,915 મીટર લાંબો રોપવે બનાવવામાં આવ્યો છે.

જોશીમઠનું વ્યૂહાત્મક મહત્ત્વ

તિબેટની નજીક હોવાને કારણે આ વિસ્તારના વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં રાખીને સ્વાતંત્ર્ય પછી ભારત સરકારે સૈન્ય તથા અર્ધ-લશ્કરી દળોના અનેક યુનિટ અહીં તહેનાત કર્યા છે.

તેમાં સૌથી મોટું નામ ગઢવાલ સ્કાઉટ્સનું છે. ગઢવાલ રાઇફલ્સની એક વિશિષ્ટ ટુકડી તરીકે તૈયાર કરવામાં આવેલી ગઢવાલ સ્કાઉટ્સ એક એલિટ ઇન્ફન્ટ્રી બટાલિયન છે, જે લાંબા રેન્જના સર્વેક્ષણ તથા ઊંચાં સ્થળે યુદ્ધ કરવામાં નિષ્ણાત છે.

દેશની સૌથી ગૌરવશાળી સૈન્ય સંપદા પૈકીની એક ગણવામાં આવતી આ બટાલિયનનું કાયમી મુખ્યાલય જોશીમઠમાં આવેલું છે.

2011ની વસ્તીગણતરી મુજબ, જોશીમઠની વસ્તી લગભગ 17,000 થઈ ગઈ હતી. તમામ સૈન્ય એકમો, ટુકડીઓનો પણ ઉમેરો કરવામાં આવે તો આજે વસ્તીનો અનુમાનિત આંકડો 50,000 થઈ ગયો છે.

મુકેશ શાહ જોશીમઠમાં વેપાર કરે છે. આ નગરમાં તેમની ચોથી પેઢી નિવાસ કરી રહી છે. તેઓ માને છે કે બદરીનાથના માર્ગ પર હોવાને કારણે જોશીમઠમાં વેપાર કરવાની ઉત્તમ તક હતી. તેથી તેમના દાદાએ અહીં વસવાટનો નિર્ણય કર્યો હતો.

આજુબાજુનાં ગામોમાં પુષ્કળ પ્રમાણમાં ખેતી થતી હતી. જેમાં બટાટાં, રાજમા, ચૌલાઈ, ઉગલ અને કુટૂ જેવી ચીજોનો ભરપૂર પાક થતો હતો. શ્રેષ્ઠ ગુણવત્તાવાળી આ સામગ્રીની માગ દૂરદૂરથી આવતી હતી.

મુકેશ શાહના પરિવારે પણ શરૂઆતમાં આ કામ કર્યું હતું. હાલ તેઓ હાર્ડવેર તથા હોટલ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ કારણોથી જોશીમઠે પહાડના મૂળ નિવાસીઓ સિવાયના લોકોને પણ અહીં વસવાટ માટે આકર્ષિત કર્યા છે.

તમામ પ્રકારના માનવીય શ્રમ તથા કૌશલ્યથી કામ કરતા મજૂરો અને કારીગરો પણ અહીંના રોજિંદા જીવનમાં સારી રીતે ગોઠવાઈ ગયા છે.

નક્કર ખડકો નહીં, પણ રેતી, માટી અને કાંકરા

વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો જણાવે છે કે જે ઢાળ પર આ ઐતિહાસિક નગર વસેલું છે તે એક અત્યંત પ્રાચીન ભૂસ્ખલનના પરિણામે એકઠા થયેલા કાટમાળના ઢગલામાંથી બનેલો છે.

તેનો અર્થ એ થાય કે જે ધરતી પર આ નગરનાં ઘર બન્યાં છે તેની નીચેની સપાટી નક્કર ખડકોની નહીં, પરંતુ રેતી, માટી તથા કાંકરા ભરેલી છે. આવી ધરતી બહુ બોજો ખમી શકતી નથી. તેથી ધસી પડે છે.

ગઢવાલના તત્કાલીન કમિશનર મહેશ ચંદ્ર મિશ્રાના વડપણ હેઠળની એક સમિતિએ 1976માં પ્રકાશિત પોતાના રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે જોશીમઠ વિસ્તારમાં આડેધડ વિકાસ કરવામાં આવશે તો તેનું માઠું પ્રાકૃતિક પરિણામ આવશે.

શિવપ્રસાદ જોશીની જે કવિતાનો આગળ ઉલ્લેખ કર્યો હતો તેનો અંત આ મુજબ છે :

“લોગ કહતે હૈં

દુનિયા કા અંત ઈસ તરહ હોગા કિ

નીતિ ઔર માણા કે પહાડ ચિપક જાએંગે

અલકનંદા ગૂમ હો જાએગી, બર્ફ ઊડ જાએગી

હડબડા કર ઉઠેગી સુંદરી

સાધુ કા ધ્યાન તૂટ જાયેગા

હાથી સહસા ચલ દેગા અપને રાસ્તે.”