નાતાલ : શું ઈસુ ખ્રિસ્તનો મકબરો ભારતના કાશ્મીરમાં છે?

એક પરંપરા છે જે એવું કહે છે કે ઈસુ ખ્રિસ્તે સૂળીએથી બચ્યા બાદ પોતાનું બાકીનું જીવન કાશ્મીરમાં ગુજાર્યું હતું. આ શ્રદ્ધાને કારણે જ શ્રીનગરમાં એમની એક મઝાર બનાવવામાં આવી છે, જે વિદેશી પ્રવાસીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સ્થળ બની ચૂકી છે.

શ્રીનગરના જૂના શહેરની એક ઇમારતને રોઝાબલ નામે ઓળખવામાં આવે છે.

તે શહેરની એવી જગ્યાએ છે, જયાં ભારતીય સુરક્ષાદળો મોટી સંખ્યામાં તહેનાત હોય છે અથવા તેઓ પોતાના સ્થળેથી ડોકું બહાર કાઢી નજર રાખતાં જોવા મળે છે. તેમ છતાં, ઘણીવાર ત્યાં સૈનિકોને કયારેક કટ્ટરપંથીઓ સાથે ઘર્ષણમાં ઊતરવું પડે છે તો કયારેક તેમનો સામનો પથ્થર ફેંકતાં બાળકો સાથે થાય છે.

સુરક્ષાની સ્થિતિ બહેતર હોય તો આ સ્થળે પ્રવાસીઓના પાછા ફરવાની આશા વધી જાય છે.

એક સાધારણ ઇમારત

ગત વખતે જ્યારે અમે રોઝાબલની શોધ કરી હતી, ત્યારે ટૅકસીવાળા ભાઈને એક મસ્જિદ અને દરગાહના અનેક ચક્કર મારવા પડ્યા હતા. ઘણી પૂછપરછ બાદ આખરે અમને એ જગ્યા મળી હતી.

આ રોઝાબલ એક ગલને કિનારે છે અને તે પથ્થરની બનેલી એક સાધારણ ઇમારત છે.

એક વ્યક્તિ મને અંદર લઈ ગઈ અને એમણે મને લાકડાના બનેલા ઓરડા જોવા માટે મને ખાસ ભલામણ કરી, જે એક જાળીદાર જાફરી જેવો હતો. આ જાળીઓની વચ્ચેથી મેં એક કબર જોઈ જે લીલા રંગની ચાદરથી ઢંકાયેલી હતી.

આ વખતે જયારે હું ફરી અહીં આવ્યો તો એ જગ્યા બંધ હતી. એના દરવાજે તાળું લાગેલું હતું કેમકે અહીં ઘણા પ્રવાસીઓ આવવા માંડયા હતા. આનું કારણ શું હોઈ શકે?

નવા જમાનાના ખ્રિસ્તીઓ, ઉદારવાદી મુસલમાનો અને 'દા વિન્ચી કૉડ'ના સમર્થકો મુજબ ભારતમાં આવેલા સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિનો મૃતદેહ અહીં રાખેલો છે.

જોકે, અધિકૃત રીતે આ મઝાર એક મધ્યકાલીન મુસ્લિમ ઉપદેશક યૂંઝા આસફનો મકબરો છે. પરંતુ, મોટી સંખ્યામાં લોકો એવું માને છે આ કબર ઈસુ ખ્રિસ્તની છે.

એમનું માનવું છે કે સૂળીથી બચીને ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલાં પોતાના જીવનના બાકીના દિવસો ગુજારવા માટે કાશ્મીર આવ્યા હતા.

'એ પ્રોફેસર'

રિયાઝના પરિવારજનો આ મકબરાની સંભાળ રાખે છે અને એ નથી માનતા કે અહીં ઈસુ ખ્રિસ્ત દફન છે.

એમનું કહેવું છે કે "આ વાર્તા સ્થાનિક દુકાનદારોએ ફેલાવેલી છે, કેમ કે કોઈ પ્રોફેસરે એમને એવું કહ્યું હતું કે આ ઈસુ ખ્રિસ્તની કબર છે."

"દુકાનદારોએ વિચાર્યુ કે આટલાં વર્ષોની હિંસા બાદ આ એમનાં કારોબાર માટે સારું રહેશે. પ્રવાસીઓ આવશે."

રિયાઝે એ પણ કહ્યું, "લૉન્લી પ્લૅનેટમાં આના વિશે ખબર પ્રકાશિત થઈ એટલે ખૂબ લોકો અહીં આવવા લાગ્યા."

એમણે મારી તરફ ઉદાસીન નજર નાખતાં કહ્યું, "એકવાર એક વિદેશી અહીં આવ્યો અને મકબરાનો એક ટુકડો તોડીને પોતાની સાથે લઈ ગયો."

સુની મઝાર

પ્રવાસીઓની વાર્તા સંભળાવતાં રિયાઝ કહે છે, "એક વાર એક થાકેલું-હારેલું અને મેલું-ઘેલું ઑસ્ટ્રેલિયન યુગલ પોતાના હાથમાં લૉન્લી પ્લૅનેટની નવી ટ્રાવેલ ગાઇડ લઈને અહીં પહોંચ્યું. એમાં ઈશનિંદા પર કેટલાક વાંધાઓ સાથે ઈસુની આ મઝાર વિશે લખેલું હતું."

"એમણે મને મઝારની બહાર એમની તસવીર લેવા માટે કહ્યું કેમ કે એ વખતે મઝાર બંધ હતી. એમને એ વાતથી ખાસ પરેશાની ન થઈ."

"એમનું કહેવું હતું કે ભારત પ્રવાસ દરમિયાન ઈસુની આ મજારની મુલાકાત દરમિયાન 'અનિવાર્યપણે જોવા'ની યાદીમાં રાખી હતી."

બૌદ્ધ સંમેલનમાં સુ

શ્રીનગરના ઉત્તરમાં એક બૌદ્ધ વિહારનું ખંડેર છે, જેનો ઉલ્લેખ એ વખતનાં લૉન્લી પ્લૅનેટમાં નહોતો થયો. આ એ જગ્યા છે જયાં અમે પહેલાં નહોતા જઈ શકયા, કેમ કે એક પોલીસ અધિકારીએ અમને કહ્યું હતું કે આ વિસ્તાર ઉગ્રવાદીઓથી ભરેલો છે. પરંતુ હવે એવું લાગે છે ત્યાંના ચોકીદાર ઘણા પ્રવાસીઓ આવે તેના માટે સજ્જ છે, કેમ કે હવે એમણે અંગ્રેજીના 50 શબ્દો શીખી લીધા છે.

તેઓ પોતાની છુપાયેલી જૂની ટેરાકોટા ટાઇલને વેચવાનો ઇરાદો ધરાવે છે.

એમણે મને કહ્યું કે ઈ.સ. 80માં થયેલા મહત્ત્વપૂર્ણ અને પ્રસિદ્ધ બૌદ્ધ સંમેલનમાં ઈસુએ ભાગ લીધો હતો.

સુ સાથે જોડાયેલી વાર્તાઓ

ત્યાં સુધી કે એમણે મને એ સ્થળ પણ ચિંધી બતાવ્યું કે એ સંમેલનમાં ઈસુ કયાં બેઠા હતા. ઈસુના સંદર્ભમાં આવી કહાણીઓ ભારતમાં 19મી સદીથી પ્રચલિત છે.

બુદ્ધિજીવીઓએ 19 સદીમાં બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચેની સમાનતાને ઉજાગર કરવાની તે કોશિશો કરી હતી, તેનું આ પરિણામ છે.

આવી જ કંઈક ઇચ્છા ખ્રિસ્તીઓની પણ હતી કે તેઓ ઈસુની કોઈ વાર્તાને ભારત સાથે જોડી શકે.

ઈસુ ખ્રિસ્તનાં અમુક વર્ષો વિશે કોઈ માહિતી નથી. જેમ કે, તેઓ 12 વર્ષની ઉંમરથી 30 વર્ષ સુધી ક્યાં હતા તેના વિશે કોઈ માહિતી નથી.

કેટલાક લોકોનું માનવું છે કે તેઓ ભારતમાં બૌદ્ધ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હતા, પરંતુ આને સામાન્ય રીતે સાચું માનવામાં નથી આવતું.

(બીબીસી પર સૈમ મિલરનો આ લેખ પહેલીવાર 2010માં પ્રકાશિત થયો હતો.)

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો