પાદરીઓ પરથી ખ્રિસ્તી લોકોનો ભરોસો ઊઠી રહ્યો છે?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે, કોચ્ચીથી.

કેરળમાં રહેતાં ગીતા શાજન ત્રણ દિવસથી માળા જપી રહ્યાં છે અને તેમની દીકરીને સલામત રાખવાની પ્રાર્થના ઈસુ ખ્રિસ્તને કરી રહ્યાં છે.

તેમની નાની પુત્રી નન એટલે ખ્રિસ્તી સાધ્વી બનવા માટેનો અભ્યાસ કરી રહી છે. પોતાનો ડર ઘટાડવાની ગીતા શાજનની આ એકમાત્ર રીત છે.

ગીતા અને એમના પતિ શાજન વર્ગીસ મંગળવારે કોચ્ચી સ્થિત વાંગી સ્ક્વેર ગયાં હતાં.

ખિસ્તી સમાજના કેટલાક લોકો એક નન પર બળાત્કારના આરોપી બિશપની ધરપકડની માગણી સાથે ત્યાં ધરણા કરી રહ્યા હતા. ગીતા એ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે ત્રીજીવાર ગયાં હતાં.

માતાનો ડર

ગીતા શાજને બીબીસીને કહ્યું હતું, "એક માતા હોવાને નાતે હું મારી દીકરીના ભવિષ્ય બાબતે બહુ ચિંતિત છું. આ સ્થળને સૌથી સલામત જગ્યા ગણવામાં આવે છે, પણ હવે લાગે છે કે એ સલામત નથી."

શાજન વર્ગીસે સ્મૃતિ સંભારતાં કહ્યું હતું, "નનની કથા સાંભળતાંની સાથે જ મારાં પત્ની રડવા લાગ્યાં હતાં."

"તેઓ ઇચ્છતાં હતાં કે અમારી બીજી દીકરી નનનો અભ્યાસ છોડી દે અને ત્યાંથી અલગ થઈ જાય."

ગીતાની આંખમાં ફરી આંસુ આવી ગયાં હતાં. તેમણે કહ્યું હતું, "મને ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા છે. મેં ઈશ્વરના જાપ શરૂ કર્યા હતા અને નક્કી કર્યું હતું કે તમે ખરા શ્રદ્ધાળુઓ હો તો તમારે ડરવું ન જોઈએ."

"જોકે, અહીં વિરોધ પ્રદર્શન કરતી બધી નન માટે હવે મને ડર લાગે છે."

ગીતાના ડરનું કારણ એ પણ છે કે તેમની 26 વર્ષની દીકરીનો અભ્યાસ 2019ના મેમાં પૂર્ણ થશે અને ત્યાં સુધી તેને પરિવારનો સંપર્ક કરવાની છૂટ નથી.

અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન

વાંચી સ્ક્વેર પર પાંચ નન છેલ્લા 13 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહી છે. તેમની માગણી છે કે નન પર બળાત્કારના આરોપી અને જાલંધરના બિશપ ફ્રેન્કો મુલક્કલની તત્કાળ ધરપકડ કરવામાં આવે.

સરકારી કાર્યવાહી કે તપાસમાં ઢીલાશ સામે નન અને પાદરી અગાઉ વિરોધ પ્રદર્શિત કરી ચૂક્યાં છે, પરંતુ ચર્ચના આંતરિક મામલાઓ બાબતે અગાઉ તેઓ આ રીતે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યાં નથી.

વરિષ્ઠ પત્રકાર બી.આર.પી. ભાસ્કર લગભગ છ દાયકાથી કેરળના સમાજ તથા રાજકારણ પર નજર રાખી રહ્યા છે.

તેમણે કહ્યું હતું, "લોકો સ્વાભાવિક રીતે ચર્ચના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હોય તેવાં ઉદાહરણ અહિંયા જોવા મળ્યાં નથી."

"ચર્ચ આજે આ સ્થિતિનો સામનો કરી રહ્યો છે, કારણ કે નનની ફરિયાદ બાદ પણ ચર્ચે બિશપ વિરુદ્ધ કોઈ પગલાં લીધાં ન હતાં."

અહીં વિરોધ પ્રદર્શન કરી રહેલાં પાંચ નનમાં એક સિસ્ટર સિલ્વી (નામ બદલ્યું છે) છે. તેઓ બિશપ પર બળાત્કારનો આરોપ મૂકનારાં નનના સગાં બહેન છે.

તેમનાં અન્ય એક બહેનને ત્રણ દિવસના ઉપવાસ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

સિસ્ટર સિલ્વીએ બીબીસીને કહ્યું હતું, "અમે કાર્ડિનલ અને બીજા બિશપોને પણ ફરિયાદ કરી હતી. અમે મધર જનરલને ફરિયાદ કરી હતી."

"તેમણે અમને કહ્યું હતું કે તેઓ હિઝ એક્સલન્સી (બિશપ ફ્રેન્કો મુલક્કલ) સામે પગલાં કઈ રીતે લઈ શકે, કારણ કે તેઓ તેમને અધિન છે."

સિસ્ટર સિલ્વીએ ઉમેર્યું હતું, "ચર્ચે અમારી વિનંતી ફગાવી દીધી પછી અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. અમે વિચાર્યું હતું કે અમે અંદર બેઠાં રહીશું તો તેઓ અમને બહાર ફેંકી દેશે."

"તેથી અમે બહાર આવવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે અમને લોકોનો ટેકો મળશે તો સરકાર તથા ચર્ચ પર દબાણ આવશે."

ચર્ચ અને વિવાદ

કેરળમાં ચર્ચ ગત વર્ષોમાં આ પ્રકારના કેટલાક વિવાદોમાં સપડાયું હતું. કેટલાક પાદરીઓ પર મહિલાઓની જાતીય સતામણીના આરોપ મૂકવામાં આવ્યા હતા.

તેમાં સગીર વયના બે બાળકીઓ પણ છે, જે ગર્ભવતી થઈ હતી. ચર્ચમાં જતા લોકો સિસ્ટર અભયાનો વણઉકલ્યો કિસ્સો પણ હજુ ભૂલ્યા નથી.

એક ગૃહિણીએ થોડા મહિના પહેલાં આરોપ મૂક્યો હતો કે તેઓ સગીર વયનાં હતાં ત્યારે ચાર પાદરીઓએ તેમના પર બળાત્કાર કર્યો હતો.

એ પાદરીઓએ આ કેસમાં જામીન મેળવવા માટે પહેલાં હાઈ કોર્ટના ચક્કર કાપવા પડ્યાં હતાં અને પછી સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હતું.

આ પ્રકારની ઘટનાઓ બહાર આવી રહી છે ત્યારે એવું માનવું જોઈએ કે ઈસુ ખ્રિસ્તના પ્રતિનિધિ ગણાતા પાદરીઓ અને સામાન્ય લોકો વચ્ચેના ભરોસાની રેખા ધૂંધળી થઈ રહી છે?

હૈદરાબાદ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત ડૉ. વી. જે. વર્ગીસે કહ્યું હતું, "પાદરીઓની ઇમેજ ઝંખવાઈ રહી છે તેમાં કોઈ શંકા નથી."

"ચર્ચ એવા પાદરીઓને ખુલ્લેઆમ કે ગુપ્ત રીતે જે ટેકો આપી રહ્યું છે તેનાથી પરિસ્થિતિ વકરી છે."

કાળા કાચવાળી કાર

નન પર બળાત્કારના તાજા કિસ્સામાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં નન વિરુદ્ધ અને આરોપી બિશપની તરફેણમાં મિશનરીઝ ઓફ જીસસ સમુદાયે એક નિવેદન બહાર પાડ્યું છે.

એ નિવેદન બળાત્કારનો આરોપ મૂકનારાં નનની તસ્વીર સાથે બહાર પાડવામાં આવ્યું હતું. એ પછી સમુદાયના પ્રવક્તા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.

જોકે, તપાસ ટીમ સમક્ષ પૂછપરછ માટે ત્રિપુનિતરા પહોંચેલા બિશપ ફ્રેન્કો મુલક્કલની કારમાં કાળા કાચ લગાવેલા હતા.

આ સંબંધે એક ટીવી પત્રકારે કહ્યું હતું, "કેવી અજબ વાત છે કે ચર્ચે બળાત્કારનો આરોપ મૂકનારાં નનની તસ્વીર જાહેર કરી દીધી, પણ આરોપી બિશપને તેમની કારમાં જોવાનું પણ મુશ્કેલ છે."

વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી સેવ અવર સિસ્ટર્સ(એસઓએસ) એક્શન કમિટીના પ્રવક્તા ફાધર ઑગસ્ટિન પૅટોલીએ જણાવ્યું હતું કે આ પ્રકારના કિસ્સામાં પગલાં ન લેવાને કારણે ચર્ચની અંદરથી જ વિરોધ ઉઠ્યો છે.

નારાજગી અને વિરોધનો આ મિજાજ અચાનક સર્જાયો નથી, એમ ફાધર ઑગસ્ટિન પૅટોલીએ જણાવ્યું હતું.

કેરળમાં ચર્ચ સંબંધી કોઈ પણ વિવાદ સર્જાય છે ત્યારે પારદર્શકતા અને સુધારાની તરફેણમાં એક નવું જૂથ કે સંગઠન સર્જાતું હોય છે.

ચર્ચ પરનો ભરોસો

જોકે, ચર્ચ પરનો લોકોનો ભરોસો ઘટી રહ્યો હોવાનું ફિલ્મકાર ડૉ. આશા જોસેફ માનતાં નથી. તેમણે કહ્યું હતું, "આવું લોકો નહીં કહે. તેઓ ચર્ચમાં જવાનું જાળવી રાખશે. ચર્ચ પરત્વેની આસ્થાના માપદંડ વિશે જ સવાલ કરવામાં આવી રહ્યા છે."

મલયાલમ લેખક અને નવલકથાકાર પૉલ જખારિયાએ જણાવ્યું હતું કે તાજી ઘટનામાં નવું કંઈ નથી. આવી કહાણીઓ તેઓ પાંચ દાયકાથી સાંભળતા રહ્યા છે.

પૉલ જખારિયાએ કહ્યું હતું, "નને આવું પગલું શા માટે લેવું પડ્યું અને પોલીસ પાસે જવું પડ્યું તેનું આત્મમંથન કરવાની જવાબદારી ચર્ચ, સમાજ અને સરકારની છે."

"કેરળના સરેરાશ લોકો માટે ચર્ચ એક સામાજિક જરૂરિયાત છે. બાળકના નામકરણની વિધિથી માંડીને લગ્ન સમારંભ તથા અંતિમ સંસ્કાર સુધી દરેક ખ્રિસ્તીને ચર્ચની જરૂર હોય છે."

"તેથી લોકો મોટાં-મોટાં ચર્ચોના નિર્માણ માટે લોકો નાણાં ખર્ચતા હોય છે. મારું ચર્ચ બહુ નાનું હતું, પણ હવે એ એક ભવ્ય ઇમારતમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. એ માટે 20 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. એ ખર્ચ લોકોએ કર્યો છે."

પૉલ જખારિયાએ એમ પણ કહ્યું હતું, "કેરળમાં એક સામાન્ય વ્યક્તિ માટે ચર્ચ તેના પરિવારને એક શક્તિ સાથે જોડવાની સુવિધા આપે છે."

"તેથી આ ઘટનાથી ચર્ચની આબરૂમાં કોઈ મોટું ધોવાણ નહીં થાય અને આ વાત ચર્ચ પણ જાણે છે, એવું મને કોણ જાણે શા માટે લાગે છે. આ જ સત્ય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો