You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં જૈનોને રસ્તા પર કેમ ઊતરવું પડ્યું અને એમની માગો શી છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- જૈન સમાજ પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત પર આવેલાં જૈન દેરાસરો સંબંધિત માગોને લઈને વિરોધ કરી રહ્યો છે
- જૈન સમુદાયની માગણીને પગલે સરકારે એક ખાસ તપાસ સમિતી રચવાની જાહેરાત કરી છે
- જૈનોની માગને પગલે શેત્રુંજ્ય તળેટી પર એક પોલીસચોકી બનાવીને એમાં 15 પોલીસજવાનોને તહેનાત કરવાની પણ જાહેરાત કરાઈ છે
- વિવાદનું એક કારણ શિવમંદિર પણ છે અને આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે
- 2017માં શિવમંદિરના સંચાલન મુદ્દે વિશ્વ હિંદુ પરિષદે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી
- પાલિતાણાનાં જૈન દેરાસરોનું સંચાલન લગભગ 400 વર્ષોથી આનંદજી કલ્યાણજીની પેઢી કરી રહી છે
ગુજરાતમાં અને દેશમાં સૌથી નાના ધાર્મિક લઘુમતીઓમાં જૈન સમુદાયનો સમાવેશ થાય છે. આ જૈન સમુદાય તાજેતરમાં રસ્તા પર ઊતર્યો છે. પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત પર આવેલાં જૈન દેરાસરો સંબંધિત માગોને લઈને વિરોધ કરી રહ્યો છે.
જૈન સમુદાયની માગણીને પગલે સરકારે એક ખાસ તપાસ સમિતી રચવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત જૈનોની માગને પગલે શેત્રુંજ્ય તળેટી પર એક પોલીસચોકી બનાવીને એમાં 15 પોલીસજવાનોને તહેનાત કરવાની પણ જાહેરાત કરાઈ છે.
આ પહેલાં એકથી ત્રણ જાન્યુઆરી સુધી જૈન સમુદાયના લોકો અમદાવાદ અને વડોદરામાં રસ્તા પર ઊતર્યા હતા. આ વિરોધપ્રદર્શનોમાં જૈન મુનીઓએ પણ ભાગ લીધો હતો.
શિવમંદિર બન્યું વિવાદનું કારણ?
વિવાદનું એક કારણ શિવમંદિર પણ છે. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે. વર્ષ 2017માં વિશ્વ હિંદુ પરિષદે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરી હતી, જેનો ચુકાદો જૈન સમુદાયની તરફેણમાં આવ્યો હતો. આ ચુકાદાને વિશ્વ હિંદુ પરિષદે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે કોઈ ફેરફાર કર્યો નહોતો.
પાલિતાણાનાં જૈન દેરાસરોનું સંચાલન લગભગ 400 વર્ષોથી આનંદજી કલ્યાણજીની પેઢી કરી રહી છે. આ પેઢી દેરાસરો ઉપરાંત સમગ્ર પર્વતનું જતન કરી રહી હોવાનો જૈન સમુદાયનો દાવો છે. અને આ દાવામાં શિવમંદિરનો પણ સમાવેશ થાય છે અને અહીંથી જ વિવાદ સર્જાતો હોવાનું મનાઈ રહ્યું છે.
હાલનાં વિરોધપ્રદર્શનોની આગેવાની કરતી 'સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રીમહાસંઘ' નામની સંસ્થાના મહામંત્રી પ્રર્ણવ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે :
"શેત્રુંજ્ય પર્વતમાળા પર જ્યારે દેરાસરો અને મૂર્તિનું નિર્માણ કરાઈ રહ્યું હતું ત્યારે મૂર્તિ બનાવવા માટે સોમપુરા સમુદાયના લોકોને અહીં લાંબો સમય રહેવું પડે એમ હતું. એમની પૂજાઅર્ચના માટે જૈન સમુદાયના લોકોએ તેમને ભગવાન શિવનું એક મંદિર બનાવી દીધું હતું. એ મંદિરના સંચાલનને લઈને હવે સમસ્યા ઊભી થઈ છે. "
આ શિવમંદિરનું સંચાલન આનંદજી કલ્યાણજી ટ્રસ્ટ નહીં પણ હિંદુ સંગઠનને સોંપવું જોઈએ એવી દાદ માગતી અરજી વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે આ માગને ફગાવી દીધી હતી અને મંદિરનું સંચાલન આનંદજી કલ્યાણજી ટ્રસ્ટ પાસે જ રહે એવો આદેશ આપ્યો હતો. આ સાથે જ મંદિરમાં પૂજારીની નિમણૂક રાજ્ય સરકાર ટ્રસ્ટ સાથે રહીને કરી શકે એવો નિર્દેશ પણ આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંબંધિત મુદ્દાઓ પર ગુજરાત હાઈકોર્ટમાં જૈન સમુદાય તરફથી જવાબ આપનારા જૈનોના ધાર્મિક ગુરુ અજયસાગરસૂરી મહારાજ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે :
"જ્યારે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ આવી ગયા છે ત્યારે આ મુદ્દાનો અંત આવી જવો જોઈએ. જોકે, હાલમાં મંદિરમાં પૂજારી નીમવાની અને રાત્રીરોકાણ કરવાની માગ સાથે આ વિવાદ ફરીથી ઊભો કરવામાં આવ્યો છે."
આ મામલે વિશ્વ હિંદુ પરિષદના ગુજરાતના સંયુક્ત સચિવ અશ્વીન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "આ એક જૂની સમસ્યા છે. તમામ પ્રકારના આરોપો વચ્ચે પણ સાધુસંતોએ જૈન સમુદાય સાથે કોઈ વાત કરી નથી. હું માનું છું કે સમસ્યાના નિરાકણ માટે બન્ને પક્ષના લોકોએ સામસામે બેસીને વહેલી તકે વાત કરી લેવી જોઈએ. આ કોઈ મોટી સમસ્યા નથી. કારણ કે હિંદુ અને જૈન સમુદાય આખરે તો એક જ છે."
મહત્ત્વપૂર્ણ છે કે 2017માં શિવમંદિરના સંચાલન મુદ્દે વિશ્વ હિંદુ પરિષદે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
શું છે ઇતિહાસ આ મંદિર અને શેત્રુંજ્ય પર્વતનો?
શેત્રુંજ્ય પર્વતમાળાનાં જૈન દેરાસરોના ઇતિહાસ અંગે વાત કરતાં આનંદજી કલ્યાણજી ટ્રસ્ટના મૅનેજર શ્રીપાલ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું :
"1877માં ટ્રસ્ટ અને તે સમયના પાલિતાણા સ્ટેટ સાથે એક કરાર થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ શેત્રુંજ્ય ગિરિરાજ પર તમામ મંદિરોનું સંચાલન ટ્રસ્ટ કરશે અને પોલીસ સિવાય બીજી કોઈ પણ ઘટના માટે સરકારનો પણ તેમાં હસ્તક્ષેપ નહીં રહે. આનંદજી કલ્યાણજી ટ્રસ્ટ માત્ર ગુજરાત જ નહીં પરંતુ બીજી પણ અનેક સંપત્તિઓનું ધ્યાન રાખે છે, પરંતુ માત્ર શેત્રુંજય પર જ આ પ્રકારની સમસ્યા થઇ રહી છે."
પાલિતાણામાં બીજી પણ કોઈ સમસ્યા છે?
અહીં એક વાત એ પણ નોંધવી રહી કે શેત્રુંજ્ય પર્વતમાળા પર જૈન મુનીઓ સહિત કોઈને પણ રાતવાસો કરવાની પરવાનગી નથી. જેને અનુસંધાન આનંદજી કલ્યાણજી ટ્રસ્ટે મંદિરની આસપાસ સીપીસીટીવી કૅમેરા લગાવ્યા હતા, જેને થોડા સમય પહેલાં તોડી નાખવાની ઘટના ઘટી હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
અજયસાગરસૂરી મહારાજ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે "હાલમાં શેત્રુંજ્યની તળેટીમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂનો વેપાર થાય છે. વળી અહીં ગેરકાયદે ખનન પણ થઈ રહ્યું છે અને અમે અનેક વખત સરકારમાં રજૂઆતો કરી કરી હોવા છતાં થોડા દિવસો બાદ ફરીથી આ પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે. જેને પગલે જૈન સમુદાયમાં ખુબ આક્રોશ છે."
જૈન સમુદાયના આગેવાન ભદ્રેશ શાહ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "સરકારને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે કે આ પર્વતમાળાની આસપાસ થતી ગેરકાયેદર પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે પણ હજી સુધી તેના પર કોઇ ખાસ રોક લાગી નથી, જેના કારણે જૈનોને આવી રીતે રસ્તા પર ઊતરવું પડ્યુ છે."
ભાવનગરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ડૉ. રવીન્દ્ર પટેલ સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "ભાવનગર જિલ્લામાં જ્યાં પણ દારૂનો વ્યવસાય ચાલી રહ્યો છે ત્યાં સતત દરડો પાડવામાં આવતા હોય છે. માત્ર પાલિતાણામાં જ અમુક મહિનામાં દારૂ સંબંધિત 700થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે અને દસ જેટલી માથાભારે વ્યક્તિઓને તડીપાર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ બીજાં કેટલાંય પગલાં લેવાયાં છે."
પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એસ. પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે કે હાલમાં એક પીએસઆઇ અને 18 પોલીસ જવાનોનો સ્ટાફ, તેમજ હોમગાર્ડ વગેરે સહિત 50 જેટલા પોલીસ કર્મચારીઓને શેત્રુંજ્યની તળેટીમાં 'રાઉન્ડ ધ ક્લોક' તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.
જોકે, આ વિસ્તારમાં થઈ રહેલી ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ એકથી વધુ વખત ભાવનગર કલેક્ટર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
જૈન સમુદાયની અમુક માગણીઓ
- મંદિરની જગ્યાની યોગ્ય માપણી થાય
- પર્વત પર થયેલાં તમામ ગેરકાયદેકર બાંધકામો દૂર કરી સરકારી જમીન સરકાર પાછી પોતાના કબજામાં લે
- તળેટીમાં થતા દારૂના ગેરકાયદે વેપારને બંધ કરાવવામાં આવે
- તળેટીમાં થતી ખનનની પ્રવૃત્તિને હંમેશ માટે બંધ કરાવાય
- હિંદુ અને જૈન ધર્મ વચ્ચે વૈમન્સ્ય ફેલવવાનો પ્રયાસ કરી રહેલા લોકોને તડીપાર કરવામાં આવે
ગુજરાતમાં ઝારખંડનો મુદ્દો?
આ તો થઈ ગુજરાત જૈન સમુદાયના વિરોધની વાત. આ ઉપરાંત ઝારખંડના સમેત શિખરને સરકારની યાજના પ્રમાણે એક પર્યટકસ્થળ જાહેર કર્યા બાદ જૈન સમુદાય દેશભરમાં વિરોધ કરી રહ્યો છે અને એમાં ગુજરાત પણ સામેલ છે.
જુલાઈ 2022માં ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન આ વિસ્તારના વિકાસ માટે કારોબારીઓને આમંત્રણ આપ્યું હતું.
મીડિયાને આપેલા એક નિવેદનમાં શ્રી દિગંબર જૈન સમાજના સચિવ અનિલકુમારે કહ્યું હતું, "આ અમારા સમાજનું પવિત્ર સ્થળ છે. એ વિટંબણા છે કે ઝારખંડ સરકાર આને પ્રવાસનસ્થળ જાહેર કરી રહી છે. પ્રવાસનસ્થળ બનાવાયા બાદ લોકો મનોરંજન માટે અહીં આવી શકશે. જેનાથી આ સ્થળની પવિત્રતાને અસર પહોંચશે."
જૈન સમુદાય કેન્દ્રીય પર્યાવણ મંત્રાલય સમક્ષ પ્રતિનિધિમંડળ મોકલીને આ મામલે પોતાનો વાંધો રજૂ કરી ચૂક્યો છે.