You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્ષ 2022ની એ નવ ઘટનાઓ જે પૃથ્વી પર સૌપ્રથમ વખત બની અને હંમેશાં યાદ રહેશે
વર્ષ 2022 કેટલીક અભૂતપૂર્વ ઘટનાઓને લઈને હંમેશાં યાદ રહેશે. તે પૈકી કેટલીક આપણી ધરતી પર બની તો કેટલીક તેની બહાર, જેના આપણે સાક્ષી બન્યા.
તેમાં ‘મલ્ટીપ્લિકેશન રેકૉર્ડ’થી માંડીને ‘ભૂતકાળની ગહન યાત્રા’ સુધીની એવી કેટલીક ઘટનાઓ સામેલ છે જેણે વિશ્વનું ધ્યાન આકર્ષ્યું.
નાસાએ ઉલ્કાપિંડનો રસ્તો બદલ્યો
માનવ ઇતિહાસમાં 28 સપ્ટેમ્બરનો દિવસ હંમેશાં યાદ રખાશે. આ દિવસે નાસાએ ધરતી પાસેથી પસાર થઈ રહેલ ઉલ્કાપિંડ સાથે સ્પેસક્રાફ્ટની ટક્કર કરાવીને તેનો રસ્તો બદલવામાં કામયાબી હાંસલ કરી.
આ ટક્કર એ જાણવા માટે કરાઈ હતી કે અંતરિક્ષથી ધરતી તરફ આવનારી મોટી શિલાઓ અને ઉલ્કાપિંડોને ધરતી તરફ આવતાં રોકી શકાય છે કે નહીં. આ ટેસ્ટ દ્વારા એ સાબિત થઈ ગયું કે આવું કરી શકાય છે.
માનવના રક્તકણોમાં મળ્યું ‘માઇક્રોપ્લાસ્ટિક’
માર્ચ 2022 પ્રખ્યાત જર્નલ ‘ઍન્વાયરમૅન્ટ ઇન્ટરનેશનલ’માં એક રિપોર્ટ છપાયો હતો જેમાં દાવો કરાયો હતો કે એક શોધમાં તપાસ માટે અમુક લોકોના લોહીના નમૂના લેવાયા હતા જે પૈકી 80 ટકા નમૂનામાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું હતું.
માઇક્રોપ્લાસ્ટિક એવા કણ છે જે પાંચ મિલિમિટર કે તેના કરતાં પણ નાના હોય છે. તે માટી કે સમુદ્રમાં પ્લાસ્ટિકના મોટા ટુકડા જ્યારે સડીને ઓગળી જાય છે ત્યારે બને છે. આ કણો આખા પર્યાવરણને દૂષિત કરે છે.
જોકે માનવશીરરમાં તેમની હાજરીની શી અસર થાય છે, તેને લઈને હાલ કંઈ કહી ન શકાય, પરંતુ આ અંગે સંશોધન કરનારા વૈજ્ઞાનિકોને આશંકા છે કે તે આપણા શરીરના કોષો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ફૂટબૉલ વર્લ્ડકપમાં બન્યા અનોખા રેકૉર્ડ
કતારમાં થયેલ ફિફા વર્લ્ડકપ દરમિયાન ઘણા નવા રેકૉર્ડ બન્યા. ફૂટબૉલની દુનિયામાં સ્થાપિત આ કીર્તિમાનોને કારણે આ વિશ્વકપ ઇતિહાસમાં એક આગવી જગ્યા બનાવવામાં સફળ રહ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એક મુસ્લિમ દેશ કે આરબ જગતમાં આયોજિત થનારો પ્રથમ વિશ્વકપ હતો.
આ વર્લ્ડકપમાં પ્રથમ વખત મહિલા રેફરી ફૂટબૉલ મેદાને ઊતર્યાં હતાં. તેમનું નામ હતું સ્ટીફેની ફ્રૈપાર્ટ, જેમણે ગ્રૂપ મૅચોમાં જર્મની અને કોસ્ટા રિકા વચ્ચે રમત રમાડી. સ્ટીફેની સાથે મહિલા રેફરીની સમગ્ર ટીમ હતી, જેમનું તેઓ નેતૃત્વ કરી રહ્યાં હતાં. આમાં બ્રાઝિલનાં નેઉઝા બૅક અને મૅક્સિકોનાં કૈરેન મેડિના પણ સામેલ હતાં.
સૌથી ચર્ચિત ‘પ્રથમ વખત’વાળો કરિશ્મા મોરક્કોની ટીમે કરી બતાવ્યો. આ ટીમ આફ્રિકા અને આરબ દુનિયાની પ્રથમ ટીમ હતી જે સેમિફાઇનલ સુધી પહોંચી.
સૌથી મોટો રેકૉર્ડ તો લિયોનેલ મેસ્સીના નામે રહ્યો, જેમણે પોતાની કપ્તાનીમાં આર્જેન્ટિના માટે વિશ્વકપ જીત્યો. મેસ્સીને પાંચમી વખતના પ્રયાસમાં વર્લ્ડકપ મળ્યો. આર્જેન્ટિનાએ 1986 અને 1978માં વર્લ્ડકપ જીત્યા હતા.
તેમજ ફ્રાન્સ માટે કિલિયન ઍમ્બાપેએ વિશ્વકપની ફાઇનલમાં આર્જેન્ટિના વિરુદ્ધ ત્રણ ગોલ કર્યા. આ પહેલાં 1966માં ઇંગ્લૅન્ડના જિયોફ હર્સ્ટે વેસ્ટ જર્મની વિરુદ્ધ ફાઇનલમાં ત્રણ ગોલ કર્યા હતા.
વિશ્વની વસતિ આઠ અબજ કરતાં પણ વધી
સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર 15 નવેમ્બર 2022ના દિવસે વિશ્વની વસતિ આઠ અબજ થઈ ગઈ.
એ દિવસે જાહેર કરેલ પોતાના નિવેદનમાં યુએન (સંયુક્ત રાષ્ટ્ર)એ કહ્યું હતું કે, “વિશ્વની આબાદીમાં આ અભૂતપૂર્વ વધારાનું મુખ્ય કારણ પહેલાંની સરખામણીએ માણસોના અપેક્ષિત આયુષ્યમાં વધારો થવો એ છે. માણસોનું અપેક્ષિત આયુષ્ય હવે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ, ભોજન-પીણાં, વ્યક્તિગત સ્વચ્છતા અને દવાઓના કારણે અગાઉની સરખામણીએ વધ્યું છે. આ સિવાય ઘણા દેશોમાં જન્મદરમાં થતો ઉત્તરોત્તર વધારો પણ આ વધારા માટે જવાબદાર છે.”
જોકે સંયુક્ત રાષ્ટ્રે એવું કહ્યું કે આપણી વસતિ આઠ અબજથી નવ અબજ થવામાં 15 વર્ષ લાગશે. વસતિ સાતથી આઠ અબજ થવામાં 12 વર્ષનો સમય લાગ્યો, પરંતુ તેની સરખામણીએ હવે ભવિષ્યમાં વસતિ વધવાની ઝડપ ધીમી રહેશે.
સમગ્ર વિશ્વ માટે ‘વરદાનરૂપ’ મલેરિયા વૅક્સિન
ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આ વર્ષે સપ્ટેમ્બર માસમાં જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે તેમણે ‘મલેરિયાની એવી વૅક્સિન વિકસિત કરી લીધી છે જેનાથી વિશ્વ બદલાઈ શકે છે.’
આશા કરાઈ રહી છે કે વૅક્સિન આગામી વર્ષ સુધી બધા માટે ઉપલબ્ધ થઈ શકે છે. મલેરિયાના કારણે સમગ્ર વિશ્વમાં દર વર્ષે ચાર લાખ લોકોનાં મૃત્યુ થાય છે. આ વૅક્સિન શરૂઆતની ટ્રાયલમાં 80 ટકા સુધી સુરક્ષિત હોવાનું માલૂમ પડ્યું છે.
મલેરિયાને સમગ્ર વિશ્વમાં શિશુ મૃત્યુદર વધારનારું મોટું કારક માનવામાં આવે છે. પરંતુ આના માટે વૅક્સિન બનાવવાનું કામ અત્યંત પડકારજનક સાબિત થઈ રહ્યું હતું, કારણ કે મલેરિયા માટે જવાબદાર વાઇરસ અત્યંત જટિલ પ્રવૃત્તિવાળો હોય છે. તે ખૂબ જલદી લક્ષ્ય બદલવાની સાથે શરીરની અંદર પોતાનાં રૂપ અને લક્ષણ પણ ઝડપથી બદલે છે.
‘જેન્ડર હિસ્ટ્રી’ રચનારા લેડુસ
વિંટર ઑલિમ્પિકમાં ‘આઇસ સ્કૅટિંગ’ એવી સ્પર્ધા છે, જેમાં લોકો એકલા કે પોતાના જોડીદાર સાથે ભાગ લે છે.
તેમાં સ્ત્રી કે પુરુષ જાતિ સાથે ‘નૉન-બાયનરી’ એટલે કે એવા લોકો, જેમના લિંગ સ્ત્રી કે પુરુષ તરીકે નિર્ધારિત નથી, તેઓ પણ ભાગ લઈ શકે છે.
ટિમોથી લેડુસ અમેરિકાના જાણીતા ‘ફિગર સ્કેટર’ છે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજિંગમાં આયોજિત વિંટર ઑલિમ્પિકમાં ભાગ લઈને તેમણે ઇતિહાસ રચ્યો.
જોકે લેડુસે સ્પર્ધામાં કોઈ મેડલ ન મેળવ્યો, બલકે તેઓ પોતાનાં જોડીદાર એશલી કેન સાથે સાતમા નંબરે રહ્યા. પરંતુ પોતાની લિંગસંબંધી ઓળખના કારણે તેમણે સમગ્ર વિશ્વના સમર્થકો પર પોતાની છાપ છોડી.
જેમ્સ વેબ ટેલિસ્કોપે બતાવી સુદૂર ‘સમયની ઝાંખી’
સુદૂર અંતરિક્ષની પ્રથમ તસવીર જુલાઈમાં મોકલ્યા બાદથી જેમ્સ વેબ ટેલિસ્કોપ સતત સમાચારમાં રહ્યો. સમગ્ર વિશ્વના આ સૌથી મોટા ટેલિસ્કોપે બ્રહ્માંડના વણજોયા ખૂણાની આશ્ચર્યચકિત કરનારી તસવીરો સતત ધરતી પર મોકલી.
તે પૈકી જ એક હતી JADES-GS-z13-0 ગૅલેક્સીની તસવીર, જેની ઉંમર 13 અબજ વર્ષ છે. એ આધારે મનાઈ રહ્યું છે કે આ ગૅલેક્સીનું નિર્માણ ‘બિગ બૅંગ’ની ઘટનાના તરત બાદ થયું હતું.
આમ આ અત્યાર સુધી શોધાયેલી સૌથી જૂની ગૅલેક્સી તો છે જ, તેમજ અત્યાર સુધી શોધાયેલી ધરતીથી સૌથી દૂર સ્થિત ગૅલેક્સી પણ છે.
ઋષિ સુનકનો રેકૉર્ડ
બ્રિટનમાં આમ તો આ વર્ષે ઘણા રેકૉર્ડ બન્યા, ખાસ કરીને વડા પ્રધાનો મામલે. લિઝ ટ્રસ બ્રિટનના ઇતિહાસમાં સૌથી ઓછા સમય સુધી એટલે કે 45 દિવસ સુધી વડાં પ્રધાન રહ્યાં.
પરંતુ તેમના કરતાં મોટો ઇતિહાસ તો ઋષિ સુનકે રચ્યો. તેમણે 25 ઑક્ટોબરે વડા પ્રધાનપદના શપથ લીધા, તેઓ બ્રિટિશ મૂળના નથી.
વિશ્વનો સૌથી મોટો બૅક્ટેરિયા
આ વર્ષે જૂનમાં વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી મોટો બૅક્ટેરિયા શોધ્યો હોવાની જાણકારી આપી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આને માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકાય છે.
બૅક્ટેરિયાને ‘થિયોમાર્ગેરિયા મૅગ્નિફિસિયા’, એવું નામ અપાયું. આ આપણી આંખની પાંપણના વાળ જેટલો મોટો છે. તેની લંબાઈ એક સેન્ટિમિટર છે, એટલે કે આ અત્યાર સુધી મળી આવેલ સૌથી મોટો બૅક્ટેરિયા છે.