ગુરુ ગોવિંદસિંહ, જેમણે પ્રસ્થાપિત જ્ઞાતિ પરંપરાને પડકારી અને નાબૂદ કરી

    • લેેખક, જગતાપસિંહ સેખોં
    • પદ, નિવૃત્ત પ્રોફેસર,ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર
  • ગુરુ ગોવિંદસિંહ અને ખાલસાએ જ્ઞાતિના ભેદભાવ દૂર કરીને 300થી વધુ વર્ષ પહેલાં આધુનિક સમાજનો પાયો નાખ્યો હતો
  • ગુરુ ગોવિંદસિંહે (1699) ખાલસાની સ્થાપના કરી હતી
  • તેમની ફિલસૂફીએ સમાનતા, સ્વાતંત્ર્ય, બંધુત્વ, સંવાદિતા વગેરે પર આધારિત આદર્શ સમાજનો પાયો નાખ્યો હતો
  • ગુરુ નાનક દેવજીની ફિલસૂફી પાછળથી શીખોના પવિત્ર ગ્રંથ – ગુરુગ્રંથસાહિબ સ્વરૂપે આકાર પામી હતી
  • શાસકો તથા ભગવાનને કોઈ પડકારી શકતું ન હતું, પરંતુ ગુરુ નાનક દેવજીએ નિર્દોષ લોકો પરના અત્યાચાર બાબતે બાબરને પડકાર્યો હતો
  • તેમણે બાબરને ચેતવણી આપી હતી કે તે નબળા તથા લાચાર લોકો પર અત્યાચાર કરી રહ્યા છે

ગુરુ ગોવિંદસિંહ અને ખાલસાએ જ્ઞાતિના ભેદભાવ દૂર કરીને 300થી વધુ વર્ષ પહેલાં આધુનિક સમાજનો પાયો નાખ્યો હતો.

બાબા નાનક દ્વારા પંદરમી સદીના અંતમાં નૈતિક આચારસંહિતા અથવા પ્રણાલીના શિક્ષણ, ઉપદેશ તથા અમલ સાથે શરૂ થયેલા પ્રવાસની પરાકાષ્ઠા સ્વરૂપે ગુરુ ગોવિંદસિંહે (1699) ખાલસાની સ્થાપના કરી હતી.

તેમને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે, પરંતુ અન્ય સમુદાયના લોકો પણ તેમને એટલો આદર આપે છે અને તેમનું અનુસરણ કરે છે.

તેમની ફિલસૂફીએ સમાનતા, સ્વાતંત્ર્ય, બંધુત્વ, સંવાદિતા વગેરે પર આધારિત આદર્શ સમાજનો પાયો નાખ્યો હતો.

આ બધાનો અમલ તેમણે આજીવન કર્યો હતો. એ પછી તેમના અનુયાયીઓ લગભગ 200 વર્ષથી તેનું અનુસરણ કરી રહ્યા છે.

ગુરુ નાનક દેવજીની ફિલસૂફી પાછળથી શીખોના પવિત્ર ગ્રંથ – ગુરુગ્રંથસાહિબ સ્વરૂપે આકાર પામી હતી. તેમના દર્શનને વ્યવહારમાં લાવવા માટે અન્ય ધર્મોના સંતોના સ્તોત્ર તથા શબદનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

પંદરમીના અંત અને સોળમી સદીની શરૂઆતમાં અત્યાચારી શાસકો સામે અવાજ ઉઠાવવાનું બહુ જોખમી અને મુશ્કેલ હતું. તે સમયનું દેશનું સામાજિક માળખું શોષણ અને ભેદભાવ પર આધારિત હતું.

તેમ છતાં ગુરુ નાનક દેવજીએ તત્કાલીન શાસકો તથા શક્તિશાળી સમાજ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેને પગલે લોકો દ્વારા સંવાદ તથા પ્રતિકારની ચળવળ શરૂ થઈ હતી.

એ દિવસોમાં શાસકો ખુદને સર્વોપરી અને ભગવાનના પ્રતિનિધિ સમજતા હતા.

બાબરને પડકાર

શાસકો તથા ભગવાનને કોઈ પડકારી શકતું ન હતું, પરંતુ ગુરુ નાનક દેવજીએ નિર્દોષ લોકો પરના અત્યાચાર બાબતે બાબરને પડકાર્યો હતો.

તેમણે બાબરને ચેતવણી આપી હતી કે તે નબળા તથા લાચાર લોકો પર અત્યાચાર કરી રહ્યા છે.

તેમણે દેખાડેલા આ માર્ગ પર તેમના નવ અનુયાયી દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ અનુસર્યા હતા. આ પ્રક્રિયાએ ગુરુ નાનકની ફિલસૂફીને તમામ શીખો માટેની જીવનશૈલીનું સંસ્થાગત સ્વરૂપ આપ્યું હતું.

અત્યાચારી માળખા સામેનો નીચલા વર્ગના લોકોનો પ્રતિકાર તેમના અનુગામીઓ તથા અનુયાયીઓ માટે વારસો બન્યો હતો. તેનું પ્રતિબિંબ આજના સમયમાં પણ જોવા મળે છે.

ત્રણ કૃષિકાયદા સામેનું લાખો શીખ ખેડૂતો તથા અન્યોનું એક વર્ષથી વધુ સમય ચાલેલું તાજેતરનું આંદોલન તે જ વારસાનો પડઘો હતું.

ખાલસાની રચના અને અમૃતસંચાર એટલે કે ધર્મદીક્ષા સિંઘોનું સર્જન બહુ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટેની ગુરુ ગોવિંદસિંહની નવતર પહેલ હતી. તે અસરકારક શસ્ત્ર સ્વરૂપે ઊભર્યું હતું.

સમાજના દલિતવર્ગમાં આત્મગૌરવની ભાવનાનો નવેસરથી સંચાર કરીને સામાજિક વ્યવસ્થાના પુનર્ગઠન માટે અને તેમને વ્યવસ્થાના અન્યાય તથા અત્યાચાર સામે લડવા તૈયાર કરવા માટે તે બહુ ઉપયોગી સાબિત થયું હતું.

જ્ઞાતિ પરંપરાને પડકાર

તેમને સમાજના તમામ વર્ગોને અને ખાસ કરીને કથિત રીતે નીચલા વર્ગના લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

ખાલસાનું સર્જન એક અર્થમાં ખાલસા શીખ ગુરુઓના 200થી વધુ વર્ષના સાતત્યસભર પ્રયાસોનું પરિણામ હતું.

ગુરુ ગોવિંદસિંહે શીખોની ચળવળને સર્વોચ્ચ શિખરે પહોંચાડી હતી. ગુરુ ગોવિંદસિંહે પંજ પ્યારે(પાંચ પ્રિય શિષ્યો)ને દીક્ષા આપી હતી.

તે પંજ પ્યારેમાં હાલ પાકિસ્તાનના સિયાલકોટના દયારામ ખત્રી, દ્વારકાના ધોબી મોહકમ ચંદ, બિદર (કર્ણાટક)ના વાળંદ સાહિબ ચંદ, હસ્તિનાપુરના જાટ ધરમ દાસ અને જગન્નાથ પુરી (ઓડિશા)ના રસોઈયા હિમ્મત ચંદનો સમાવેશ થાય છે.

આ પાંચેયને ખાલસામાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આ રીતે વિભાજિત સમાજમાં સમાનતા તથા સામાજિક એકીકરણની નવી પ્રક્રિયા શરૂ થઈ હતી. તેનો ઉદ્દેશ નીમ્ન જ્ઞાતિઓ તથા સમુદાયોમાંનાં ભેદભાવ, વંચિતતા અને શોષણને દૂર કરવાનો હતો.

ગુરુ ગોવિંદસિંહે પ્રવર્તમાન સમાજમાં પ્રચલિત જ્ઞાતિ, રિવાજો, કર્મકાંડો, માન્યતાઓ, અંધશ્રદ્ધા અને તેમની ફિલસૂફીને એક જ ઝાટકામાં નાબૂદ કરી દીધી હતી.

તેને સમાજમાં ક્રાંતિકારી પરિવર્તનની શરૂઆત ગણી શકાય. એક એવું પરિવર્તન જે નવી વિચારપ્રક્રિયા, સામાજિક બંધુત્વ, સાત્ત્વિકતા અને આત્મગૌરવની ભાવના લાવ્યું હતું.

તેમાં બધા એકસમાન હતા અને બધા જ એક સર્વશક્તિમાનનું સર્જન હતા.

અનુયાયીઓ માટેની આચારસંહિતા

એક જ ઈશ્વરમાં શ્રદ્ધા સાથે તેમને સિંઘનું સમાન નામ આપવાનો હેતુ સમાજના વિવિધ વર્ગો તથા દેશમાંના વિવિધ ધર્મો વચ્ચે એકતા લાવવાનો હતો.

એ સમયે હિન્દુઓમાં પ્રચલિત ધાર્મિક પ્રથાઓ, કર્મકાંડો, માન્યતાઓ તથા અંધશ્રદ્ધા ત્યાગવાના તેમના ઉપદેશે બધાને ભાઈચારાના તાંતણે જોડ્યા હતા.

એક ઉદ્દેશ પ્રત્યેના તેમના સમર્પણ તથા પ્રતિબદ્ધતાની ભાવના કેશ, કંગા, કારા, કચૈયા અને કિરપાણ એમ શુદ્ધતા તથા કઠોર તપસ્યાનાં પાંચ પ્રતીકોના પાલનમાં પ્રગટ થઈ હતી.

તે અનુયાયીઓ માટેની આચારસંહિતા જ ન હતી, પરંતુ તેનાથી તેઓ પંથના અનુયાયીઓનું નેતૃત્વ કરવાની તેમની ભૂમિકા તથા ઓળખ બાબતે સભાન બન્યા હતા.

ગુરુ ગોવિંદસિંહે તેમના સલાહ આપી હતી કે શૌર્ય પણ આધ્યાત્મિક સંવેદનશીલતા જેટલું જ પવિત્ર છે.

ગુરુના ઉપદેશ તથા આચરણનો સાર એટલો હતો કે તેમના અનુયાયીઓ હિન્દુઓ તથા મુસ્લિમો વચ્ચે સેતુનું કામ કરે અને જ્ઞાતિ, રંગ કે સંપ્રદાયના ભેદભાવ વિના દલિતોની સેવા કરે.

તેમને ગરીબો તથા અસહાય લોકોનું રક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ બાબત ખાલસાના અનુયાયીઓના જીવનનો જરૂરી હિસ્સો બની ગઈ.

ટૂંકમાં ખાલસા માનવજાતનું અમૂર્ત સ્વરૂપ બની ગયું. કથિત નીચી જ્ઞાતિના અને જ્ઞાતિભ્રષ્ટ લોકો સહિતના તમામ જ્ઞાતિના લોકોનું સંકલિત સ્વરૂપ. બીજી તરફ વંશીય સમાનતા ખાલસાના બંધુત્વનું હાર્દ બની રહી છે.

ખાલસાના મહત્ત્વનાં ત્રણ લક્ષણ - શારીરિક રીતે અલગ, માનસિક રીતે સજાગ અને આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ છે. ખાલસાની સંઘભાવનાનો ઉપયોગ માનવજાતની સેવા માટે કરવામાં આવે છે.

સમાજના નબળા તથા વંચિત લોકોના અધિકારોનું રક્ષણ કરવાની સામાજિક જરૂરિયાત બાબતે ખાલસા પૂર્ણપણે જાગૃત છે.

સરકાર દ્વારા લોકો પરના અત્યાચાર તથા દમન રોકવા, પંથનાં મૂલ્યોનું સૈનિક તરીકે જતન કરવા ખાલસા પ્રતિબદ્ધ હોય છે.

આ વાત પુરવાર કરવા ભારત સ્વતંત્ર થયું એ પહેલાં અને પછીના સમયનાં સંખ્યાબંધ ઉદાહરણ ઉપલબ્ધ છે.

ખાલસાનો ખ્યાલ શહીદી પર આધારિત છે. ખાલસા યોગ્ય હેતુ માટે પોતાનો જીવ આપવામાં ડરતો નથી અને ઇતિહાસ તેનો સાક્ષી છે.

રાજ કરેગા ખાલસાનો અર્થ છે માત્ર શુદ્ધ લોકો જ શાસન કરી શકશે. પ્રામાણિક, સમર્પિત, કોઈ ઉદ્દેશ્ય માટે પ્રતિબદ્ધ અને ઉચ્ચ નૈતિકતા ધરાવતા લોકો જ શાસન કરવાને લાયક છે, તેવી આધુનિક વિભાવના સાથે ખાલસા સંપૂર્ણપણે સંમત છે.