જોશીમઠમાં જમીન ધસી જવા માટે શું આ પ્રોજેક્ટ જવાબદાર છે?

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • સ્થાનિકોનો દાવો છે કે, આ વિસ્તારમાં ખોદવામાં આવેલી ટનલને કારણે પહાડમાં તિરાડ પડી રહી છે
  • 12 કિલોમિટર લાંબી ટનલ નદીમાંથી પાણીને ટર્બાઇન સુધી લઈ જશે
  • પ્રોજેક્ટ પર કામ કરી રહેલી કંપની એનટીપીસી એ ટનલના કારણે જમીન ધસવાની વાતને નકારી કાઢી
  • નિષ્ણાતોના મતે જોશીમઠ ઢીલા પથ્થરો અને માટી પર ઊભું છે તેથી ત્યાં મોટા પ્રોજેક્ટ યોગ્ય નથી
  • 1976માં તૈયાર કરાયેલા મહેશ ચંદ્ર મિશ્રાના રિપોર્ટમાં જો પ્રોજેક્ટ રોકવામાં નહીં આવે તો વિનાશની ચેતવણી આપવામાં આવી હતી
  • હવે સ્થાનિક લોકો અને નિષ્ણાતો શું કહે છે તે વાંચો

જોશીમઠ શહેરના પતન માટે તપોવન-વિષ્ણુગઢ પાવર પ્રોજેક્ટની ટનલ મુખ્યરૂપે જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

12 કિલોમિટર લાંબી ટનલ નદીના પાણીને હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશનના ટર્બાઇન સુધી લઈ જશે, જેનો અમુક ભાગ નગરજનોના દાવા મુજબ જોશીમઠની જમીનની નીચેથી પસાર થાય છે.

આ લોકોનો દાવો છે કે ટનલ તૈયાર કરવા માટે કરવામાં આવેલા 'બ્લાસ્ટ'ને કારણે પૃથ્વીની અંદરના કેટલાક કુદરતી જળસ્ત્રોત ફાટી ગયા છે, ત્યારબાદ ભારે વેગથી કીચડવાળું પાણી શહેરના એક ભાગમાંથી વહી રહ્યું છે અને શહેર ઝડપથી જમીનમાં ગરકાવ થઈ રહ્યું છે.

જોકે, આ પ્રોજેક્ટ પર કામ કરતી કંપની નેશનલ થર્મલ પાવર કૉર્પોરેશન (એનટીપીસી)એ આવી કોઈ આશંકાનો ઇનકાર કર્યો છે.

એનટીપીસીએ એક નિવેદનમાં કહ્યું છે કે 'ટનલ શહેરની નીચેથી પસાર થઈ રહી નથી. ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ની મદદથી આ ટનલ તૈયાર કરવામાં આવી રહી છે અને આ માટે કોઈ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

'જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિ'ના અતુલ સતીએ દાવો કર્યો છે કે કંપનીનું ટીબીએમ મશીન છેલ્લા ચાર વર્ષથી કોઈ કારણસર ફસાઈ ગયેલું છે. હવે બાયપાસ ટનલ તૈયાર કરવામાં આવી રહી છે અને તેમાં વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અતુલ સતીએ કહ્યું કે ટનલને લઈને કંપનીની શું નીતિ છે તે ફેબ્રુઆરી 2021માં તપોવન દુર્ઘટના દરમિયાન સ્પષ્ટ થઈ ગયું હતું જેમાં સોથી વધુ મજૂરોના મોત થયા હતા. તેમાંથી ઘણાના મૃતદેહ સુદ્ધા મળી શક્યા નથી.

તેમણે કહ્યું, “અમે પણ સરકારના કહેવાથી ત્યાં ગયાં હતાં, પરંતુ ત્યાં જતા સમયે ખબર પડી કે કંપની પાસે ટનલનો નકશો પણ નથી, સેના અને અન્ય લોકોની મદદથી લોકોને બહાર કાઢવાની વાત થઈ રહી હતી તે બધી પોકળ દાવાઓ સિવાય કંઈ જ નહોતું."

શું તપોવન પ્રોજેક્ટ જવાબદાર છે?

ગ્લેશિયરના ઝડપી પ્રવાહને કારણે બે વર્ષ પહેલા તપોવન પ્રોજેક્ટમાં અકસ્માત થયો હતો. આ પ્રોજેક્ટ પણ એનટીપીસીનો છે.

ભૂસ્તરશાસ્ત્રી એસપી સતીનું કહેવું છે કે જોશીમઠમાં બે-ત્રણ ફૂટ લાંબી તિરાડો દેખાવા લાગી છે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે જમીન કેટલી હદ સુધી ધસી રહી છે, પરંતુ શહેર સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ જશે. હવે પ્રાચીન આધ્યાત્મિક શહેર રહેવા લાયક નથી રહ્યું.'

એસપી સતી એ ટીમનો ભાગ હતા જેણે તપોવન દુર્ઘટના પછી જોશીમઠની મુલાકાત લીધી હતી અને તેના પર વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો, જેમાં આજે સામે આવી રહેલા અનેક કેસ અંગે વહીવટીતંત્રને ચેતવણી આપવામાં આવી હતી.

ટનલમાં બંને તરફથી કામ થાય છે?

અહેવાલો અનુસાર, તપોવન-વિષ્ણુગઢ માટે તૈયાર કરવામાં આવી રહેલી ટનલ પર બંને બાજુથી કામ કરવામાં આવી રહ્યું છે - એક તપોવનથી અને બીજું સેલંગ ગામ તરફથી. આ માટે યુરોપની એક કંપનીની મદદ લેવામાં આવી રહી છે.

કેટલાક સ્થાનિક લોકોનો દાવો છે કે કંપનીએ ઘણા દબાણ બાદ ટનલ મશીનની મદદથી ટનલ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટને લઈને ઘણા પ્રશ્નો છે - જેમ કે ધૌલી નદી અને વિષ્ણુ ગંગામાં પાણીનો પ્રવાહ કેટલો છે અને છેલ્લા 50-100 વર્ષમાં વરસાદ અંગે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો છે કે કેમ વગેરે.

વર્ષ 2005માં આ પ્રોજેક્ટ અંગે લોકસુનાવણી દરમિયાન લોકોએ આ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ બાબતો અંગે વર્ષ 2003માં ભારતના રાષ્ટ્રપતિને પત્ર મોકલવામાં આવ્યો હતો.

જાણીતા પર્યાવરણવાદી શેખર પાઠક કહે છે કે હિમાલયનો પ્રદેશ ખાસ કરીને જોશીમઠ ઢીલા પથ્થરો અને માટી પર ઊભું છે તે મોટા પ્રોજેક્ટ્સ માટે યોગ્ય નથી. જિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયાએ વારંવાર આ વાતનું પુનરાવર્તન કર્યું છે, પરંતુ સરકારો વિકાસના નામે તેની અવગણના કરી રહી છે.

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી

1976માં તૈયાર કરાયેલા મહેશ ચંદ્ર મિશ્રાના રિપોર્ટમાં આ બાબતો વિશે ચેતવણી આપવામાં આવી હતી અને સરકારે તે સમયે ત્યાં તૈયાર થઈ રહેલા એક પ્રોજેક્ટને પણ રદ કરી દીધો હતો.

નાગરિકોના દાવા અંગે ઉત્તરાખંડ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ વિભાગના સચિવ રણજીત સિન્હાએ કહ્યું કે આ બધું અનુમાન સિવાય બીજું કંઈ નથી, બંને વચ્ચે કોઈક પ્રકારનો સંબંધ એવી વાત હજુ સુધી બહાર આવી નથી અને સંપૂર્ણ કારણોની જાણકારી કોઈ અભ્યાસ પછી જ શક્ય છે.

રણજીત સિન્હાએ કહ્યું કે સરકાર આ મામલાની તપાસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાઈડ્રૉલોજીને સોંપવા જઈ રહી છે.

સરકાર ભાડે મકાનો આપી રહી છે

છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં મકાનો અને અન્ય સ્થળોએ તિરાડો પડી જવાની ઘટનાઓ વધ્યા બાદ વહીવટીતંત્રએ અત્યાર સુધીમાં સરકારી છાવણીઓમાં રહેતા સોથી વધુ પરિવારોનું સ્થળાંતર કર્યું છે.

જ્યારે ઘણા લોકોએ અન્ય સુરક્ષિત સ્થળોએ ભાડા પર મકાનો લીધા છે, જેના માટે ઉત્તરાખંડ સરકાર પરિવાર દીઠ ચાર હજાર રૂપિયા ભાડા તરીકે આપી રહી છે.

સરકારે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ માટે 11 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે.

જો કે, એસપી સતીનું કહેવું છે કે હવે થોડા લોકોને નહીં, પરંતુ અલગ અલગ સમૂહમાં આખા શહેરને સ્થાનાંતરિત કરવાની જરૂર છે અને આ માટે સૌથી વધુ અસરગ્રસ્ત, તેનાથી ઓછા અસરગ્રસ્ત અને તે પછીના લોકોની યાદી તૈયાર કરવી જોઈએ.

નાગરિકોનું કહેવું છે કે આ માટે એક કમિટી બનાવવામાં આવે જેમાં સ્થાનિક લોકોને પણ સામેલ કરવામાં આવે.

કેટલાક નાગરિકોનો આરોપ છે કે લોકો 14 મહિનાથી આ મામલો ઉઠાવી રહ્યા હતા પણ વહીવટીતંત્ર છેક હવે જાગ્યું છે. બીજી તરફ રણજિત સિન્હાનું કહેવું છે કે સરકાર દ્વારા આ મામલે સર્વે કરાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પાણીના નિકાલ અને દિવાલ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું.

જોકે, અતુલ સતીએ એક વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે 'સર્વે દરમિયાન લોકો પર દબાણ કરવામાં આવ્યું હતું. એવું લાગે છે કે સરકાર ઇચ્છતી હતી કે આપદા મોટી થાય જેથી તેમના માટે મોટી રકમ ઉપલબ્ધ કરાવી શકાય.'