You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન ઓછી આવક ધરાવતા દેશોને 'દેવાની જાળ'માં ફસાવી રહ્યું છે?
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
- ચીન પર પશ્ચિમી દેશો એવો આરોપ લગાવતા રહ્યા છે કે તેની 'ધિરાણ નીતિ'થી તે વિકાસશીલ દેશોને દેવાની જાળમાં એટલા ફસાવી દે છે કે તે દેશ ચીનના દબાણમાં આવી જાય છે
- છેલ્લાં દસ વર્ષ દરમિયાન ચીન મધ્યમ આવક ધરાવતા અને ઓછી આવક ધરાવતા દેશોને દેવું આપવાની બાબતમાં ત્રણ ગણી ઝડપથી આગળ વધી રહ્યો છે
- ચીને વર્ષ 2020 સુધીમાં ચીને વિશ્વના દેશોને 170 અબજ ડૉલરની લોન આપી છે
- ચીન લોન આપે છે ત્યારે તેની શરતો મનસ્વી હોય છે એટલું જ નહીં તેમાં પારદર્શિતા પણ હોતી નથી
- ઉપરાંત, ચીન મોંઘવારી દરે લોન આપે છે
- ચીન તેની વિદેશી લોનના સાર્વજનિક રેકૉર્ડ જાહેર નથી કરતું અને તેના મોટા ભાગના કરારમાં દેવું લેનારા દેશોને સોદા સંબંધિત માહિતી જાહેર ન કરવાની શરત મુકવામાં આવે છે
- કોઈપણ પ્રકારના વિવાદને ટાળવા માટે ચીન તેની ડીલની શરતોને ગુપ્ત રાખે છે
ગુરુવારે, બે દિવસીય વર્ચ્યુઅલ કૉન્ફરન્સ 'વૉઈસ ઑફ ગ્લોબલ સાઉથ'ના પ્રથમ દિવસે ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે દક્ષિણના દેશો માટે વિશ્વમાં અનિશ્ચિતતાનો ખતરો તોળાયેલો છે. કોવિડ-19એ કેન્દ્રીય વૈશ્વિકીકરણ (સેન્ટ્રલાઇઝ ગ્લોબલાઇઝેશન)ના જોખમ અને નબળી સપ્લાય-ચેઈનની સમસ્યાને ઉજાગર કરી છે.
ચીન તરફ ઇશારો કરતા જયશંકરે કહ્યું કે વિકાસશીલ દેશોએ પણ વૈશ્વિકીકરણનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ જેથી અન્ય વિકાસશીલ દેશોને વધુ સારી તકો મળી શકે. આના માટે લોકલાઇઝેશનની જરૂર પડશે, વધુ સારી કનેક્ટિવિટીની જરૂર પડશે અને સપ્લાય-ચેઇન નેટવર્કને નવેસરથી તૈયાર કરવાની જરૂર પડશે.
ચીન પર પશ્ચિમી દેશો એવો આરોપ લગાવતા રહ્યા છે કે તેની 'ધિરાણ નીતિ'થી તે વિકાસશીલ દેશોને દેવાની જાળમાં એટલા ફસાવી દે છે કે તે દેશ ચીનના દબાણમાં આવી જાય છે.
જોકે ચીન આવા આરોપોને ફગાવી રહ્યું છે.
ચીન ઓછી આવક ધરાવતા દેશોને કેટલું દેવું આપે છે?
ચીન વિશ્વનો સૌથી વધુ દેવું આપતો દેશ છે. છેલ્લાં દસ વર્ષમાં ચીને મધ્યમ આવક ધરાવતા અને ઓછી આવક ધરાવતા દેશોને દેવું આપવાની બાબતમાં ત્રણ ગણી ઝડપથી આગળ વધી રહ્યો છે. અને વર્ષ 2020 સુધીમાં ચીને વિશ્વના દેશોને 170 અબજ ડૉલરની લોન આપી છે. એવું માનવામાં આવે છે કે ચીન દ્વારા તમામ દેશોને આપવામાં આવેલા દેવાનો આંકડો આના કરતાં ઘણો વધારે છે.
અમેરિકામાં વિલિયમ ઍન્ડ મૅરી યુનિવર્સિટીની રિસર્ચ લૅબ એડડેટા અનુસાર, વિકાસશીલ દેશોને ચીને આપેલું અડધાથી વધુ દેવું સત્તાવાર રીતે નોંધાયેલું જ નથી હોતું. સરકારી બૅલેન્સ શીટમાં તે લખવામાં આવતું નથી. ઘણી વાર ચીન સરકારની માલિકીની કંપની અથવા બૅંક દ્વારા દેવું આપે છે, સીધું સરકારોને આપતું નથી.
એડડેટા મુજબ, 40થી વધુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર 'હિડન ડેટા' અનુસાર ચીનનું દેવું એટલું છે કે તે તેમના કુલ જીડીપીના દસ ટકા જેટલું થવા જાય છે.
કિંગ્સ કૉલેજ લંડનના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર હર્ષ પંત કહે છે, "આવા દેશો ગરીબ હોય છે, તેમને સંસાધનોની જરૂર હોય છે અને તેઓ ખૂબ જ સરળતાથી ચીનના દબાણમાં આવી જાય છે. કેટલીકવાર એવું બને છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન લેવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જ્યારે ચીન સરળતાથી લોન આપે છે પરંતુ જ્યારે ચીન લોન આપે છે ત્યારે તેની શરતો મનસ્વી હોય છે એટલું જ નહીં તેમાં પારદર્શિતા પણ હોતી નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ઉપરાંત, ચીન મોંઘવારી દરે લોન આપે છે. ગરીબ દેશો ક્યારેક આવા કરારો પર હસ્તાક્ષર કરે છે અને ચીન તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ પણ કરે છે પરંતુ જ્યારે લોન ચૂકવવાનો સમય આવે છે ત્યારે દેશોને ખબર પડે છે કે આ લોનમાં ઘણા 'છૂપા ચાર્જ' હતા અને તેઓ તેને ચૂકવવામાં મુશ્કેલીઓનો સામનો કરે છે. કેટલીકવાર બદલામાં કાં તો ચીન રાજકીય સમર્થન માંગે છે અથવા મિલકત લીઝ પર લઈ લે છે."
"આમ કરીને ચીને ઘણા દેશો માટે તાઇવાનને માન્યતા ન આપવા માટે તૈયાર કર્યા છે."
જિબુતી, કિર્ગિસ્તાન, ઝામ્બિયા અને લાઓસ પર ચીનનું દેવું એટલું વધારે છે કે તે તેમના કુલ જીડીપીના 20% જેટલું થાય છે.
ચીન આ દેશોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે લોન આપે છે, જેમ કે રોડ, રેલવે, પોર્ટ, માઇનિંગ અને એનર્જી જેવાં ક્ષેત્રોમાં પણ તે આવા દેશોને મદદ કરે છે. આ લોન ચીનના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવનો ભાગ હોય છે. જે છેલ્લા દાયકાથી ચીનનો સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.
ચીનના મામલાના નિષ્ણાત ડૉ. ફૈઝલ અહમદ કહે છે કે, "ચીન જાણે છે કે બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ હેઠળ ઘણા દેશોને આપવામાં આવેલી લોન તેમને ક્યારેય પાછી નહીં મળે. ચીન વિશ્વમાં અમેરિકાનું સ્થાન લેવા માંગે છે. એમાં હવે કોઈ શંકા નથી રહી કે ચીન હવે આ બધું 'બિગ પાવર' બનવા માટે કરી રહ્યું છે. ઇન્ડો-પેસિફિકમાં ચીનથી મોટું કોઈ છે પણ નહીં અને એ સાચું છે, પરંતુ હવે તે વિશ્વમાં પણ આ સ્થાન હાંસલ કરવા માંગે છે."
"વર્ષ 2021માં જી-7 મિટિંગમાં, અમેરિકાએ બિલ્ડ બૅક બેટર વર્લ્ડ નામની પહેલ શરૂ કરી અને આજે એક વર્ષ પછી પણ તેમાં શું થઈ રહ્યું છે તેની કોઈને જાણ નથી. અમેરિકા અને પશ્ચિમી દેશોમાં ઓછી આવકવાળા દેશો માટે બનાવવામાં આવેલી નીતિઓ માત્ર કાગળ પર જ રહી જાય છે.”
ચીનના 'ડેટ ટ્રૅપ'ના પુરાવા શું છે?
બ્રિટનની જાસૂસી સંસ્થા એમઆઈ6ના ચીફ રિચર્ડ મરીએ બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ચીન અન્ય દેશોને દેવાની જાળમાં ફસાવી દે છે અને પછી તેનો ફાયદો ઉઠાવે છે. મરીએ આના માટે 'ડેટ ટ્રૅપ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે ચીન અન્ય દેશોને નાણાં ઉધાર આપે છે અને જ્યારે આ દેશો લોન ચૂકવી શકતા નથી ત્યારે તેઓએ મુખ્ય સંપત્તિઓ પરનું નિયંત્રણ છોડવું પડે છે જોકે આ આરોપને ચીન લાંબા સમયથી નકારી રહ્યું છે.
ચીનના ટીકાકારો આનું સૌથી મોટું ઉદાહરણ શ્રીલંકાનું હમ્બનટોટા બંદર ગણાવે છે.
યો પૉર્ટ ચીનની મદદથી બનાવવામાં આવ્યું હતું, પરંતુ બગડતી આર્થિક સ્થિતિ અને મોંઘી લોનના કારણે શ્રીલંકા લોન પરત ન કરી શક્યું અને તેના બદલામાં ચીને 99 વર્ષ માટે પૉર્ટ લીઝ પર લઈ લીધું અને ભવિષ્યમાં વધુ રોકાણનું વચન પણ આપવામાં આવ્યું.
જોકે બ્રિટનની થિંક ટૅન્ક ચેથમ હાઉસ ના રિપોર્ટમાં ચીન લોન આપીને દેશોને દબાણ કરે છે એવા દાવાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
થિંક ટૅન્ક કહે છે કે શ્રીલંકા ઉપર સૌથી વધુ દેવું ચીનનું નથી. ઉપરાંત, એવા કોઈ પુરાવા નથી કે પૉર્ટ લીઝ પર લીધા પછી ચીને તેનો ઉપયોગ તેની લશ્કરી વ્યૂહરચના માટે કર્યો હોય.
ડૉ. અહમદ કહે છે, "ચીન ઓછી આવક ધરાવતા દેશોને દેવાની જાળમાં ફસાવી રહ્યું છે એવી વાર્તા પશ્ચિમી દેશો દ્વારા ફેલાવાઈ રહી છે. ઉદાહરણ તરીકે શ્રીલંકાને લઈ લો, શ્રીલંકા પર ચડેલા કુલ દેવાનું 10% ચીનનું છે અને તે બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળ લેવામાં આવ્યું છે. 2007-08માં શ્રીલંકાએ હંબનટોટા પૉર્ટ માટે અમેરિકા પાસેથી નાણાકીય સહાય માંગી હતી, અમેરિકાએ ના પાડી, ભારત પાસેથી માંગી હતી પણ ન મળી ત્યારે ચીન પાસેથી મદદ લીધી."
"ગરીબ દેશોને ચીન ફસાવી રહ્યું છે એવી વાર્તા ચલાવવામાં આવી રહી છે તો આખરે તો ઓછી આવક ધરાવતા દેશોને પણ માળખાકીય સુવિધાઓની જરૂર તો છે જ. પ્રશ્ન એ ઊભો થવો જોઈએ કે વિશ્વ બૅંક શ્રીલંકાને મદદ કરવા કેમ આગળ ન આવી, એ પણ ત્યારે જ્યારે તે સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું. કટોકટી સામે ઝઝૂમી રહ્યું હતું. તેના નિયમો એટલા કડક છે કે ઓછી આવક ધરાવતા દેશો તેમની પાસેથી લોન લેવાનું વિચારી પણ શકતા નથી. આમ પણ શ્રીલંકા પર સૌથી વધુ દેવું જાપાન અને એશિયા ડેવલપમૅન્ટ બૅંકનું છે, ચીનનું નથી."
ચીનનું દેવું અન્ય દેશોથી કેવી રીતે અલગ છે?
ચીન તેની વિદેશી લોનના સાર્વજનિક રેકૉર્ડ જાહેર નથી કરતું અને તેના મોટા ભાગના કરારમાં દેવું લેનારા દેશોને સોદા સંબંધિત માહિતી જાહેર ન કરવાની શરત મૂકવામાં આવે છે. ચીન એવી દલીલ કરે છે કે આંતરરાષ્ટ્રીય લોનમાં આવી પ્રથા સામાન્ય છે.
હર્ષ પંત કહે છે, "ચીનના લોનના નિયમોમાં ઘણા દાવપેચ હોય છે, તેઓ ઇચ્છે છે કે દેશના અધિકારીઓના સ્તરે જ વાત થઈ જાય અને સામાન્ય લોકોમાં તેની ચર્ચા ન થવી જોઈએ. જો શ્રીલંકાના હમ્બનટોટા બંદરને લઈને કરેલા કરારને લોકો જાણતા હોત તો લોકો દેશની મિલકત 99 વર્ષ માટે બીજા દેશને લીઝ પર આપવાની વાતનો વિરોધ કરત.
"કોઈપણ પ્રકારના વિવાદને ટાળવા માટે ચીન તેની ડીલની શરતોને ગુપ્ત રાખે છે."
શું ચીનને દેવું ચૂકવવું મુશ્કેલ છે
પશ્ચિમી દેશોની સરખામણીએ ચીન મોંઘા દરે લોન આપે છે. ચીનનો ધિરાણ દર ચાર ટકા છે, જે કૉમર્શિયલ બજારના દર જેટલો છે. આ દર વિશ્વ બૅંકના દર કરતાં ચાર ગણો વધુ છે.
ચીન લોનની ચુકવણીની અવધિ પણ ઓછી આપે છે. આ સમય 10 વર્ષથી ઓછો હોય છે. બીજી તરફ, પશ્ચિમી દેશો વિકાસશીલ દેશોને લોન ચૂકવવા માટે 28 વર્ષ સુધીનો સમય આપે છે.
ડૉ. ફૈઝલ કહે છે કે કેટલીકવાર ઓછી આવક ધરાવતા દેશો પાસે વધુ વિકલ્પો હોતા નથી અને તેઓને ચીન પાસેથી સરળતાથી લોન મળી જતી હોવાથી તેઓ ચીન પાસે જાય છે.
ઉપરાંત, ચીન માત્ર લોન જ નથી આપતું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં પણ મદદ કરે છે જે પશ્ચિમી દેશો કરતા નથી. ઘણી વખત ઓછી આવક ધરાવતા દેશો પણ કરારની સારી સમજના અભાવે દેવાની જાળમાં ફસાઈ જાય છે અને ચીનને લોન ચૂકવી શકતા નથી.