You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'તિરાડો જોઈને ડર લાગે છે', જોશીમઠ બાદ કર્ણપ્રયાગમાં ઘરો ખાલી કરવા જણાવ્યું
- લેેખક, આસિફ અલી
- પદ, બીબીસી હિન્દી માટે, કર્ણપ્રયાગથી
- જોશીમઠ બાદ હવે ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગમાં પણ ઘરોમાં તિરાડો જોવા મળી
- કર્ણપ્રયાગમાં આઠ ઘરોની હાલત ખતરનાક થઈ ગઈ છે
- આઠ પરિવારોને ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે
જોશીમઠ બાદ હવે ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગમાં પણ ઘરોમાં સતત પડી રહેલી તિરાડોના કારણે લોકોમાં ગભરાટ છે.
કર્ણપ્રયાગમાં આઠ ઘરોની હાલત ખતરનાક થઈ ગઈ છે. જેને જોતા આ ઘરોમાં રહેતા આઠ પરિવારોને તેને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
બહુગુણાનગરના લોકોએ નોટિસ અંગે શું કહ્યું?
કર્ણપ્રયાગના બહુગુણાનગરમાં રહેતા હરેન્દ્ર બિષ્ટે જણાવ્યું હતું કે, “તેમને તંત્રે ઘર ખાલી કરવા માટે નોટિસ આપી છે. બહુગુણાનગરમાં હરેન્દ્ર બિષ્ટનું 6 રૂમનું ઘર છે.”
ઘરમાં તેમની સાથે પત્ની પ્રિયંકા અને અઢી વર્ષનો દીકરો શિવેન રહે છે. હરેન્દ્ર બિષ્ટે જણાવ્યું હતું કે, તેમના દરેક રૂમમાં તિરાડો પડી છે. તિરાડો એટલી પહોળી છે કે એક રૂમમાંથી બીજા રૂમમાં જોઈ શકાય છે.
દુ:ખ વ્યક્ત કરતા હરેન્દ્ર કહે છે કે, “અમારું બધું છોડીને, એ પણ નાનાં બાળક સાથે બીજે ક્યાંય જવું ઘણું મુશ્કેલ છે.”
તેઓ કહે છે કે, “અમે મૂલ્યાંકન વગર ઘર કેવી રીતે છોડી દઈએ.”
‘તિરાડો જોઈને ડર લાગે છે’
હરેન્દ્ર બિષ્ટનું કહેવું છે કે, “સરકારે જેમ જોશીમઠમાં શિફ્ટિંગ માટે રકમ આપી છે, જો અમને પણ એવી જ વ્યવસ્થા આપવામાં આવે, તો અમને પણ સરળતા રહેશે.”
હરેન્દ્ર કહે છે કે, “વર્ષ 2012માં મંડી સમિતિના ભવનનિર્માણ સમયે જેસીબી મશીનો દ્વારા અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ મકાનોમાં સતત તિરાડો પડવાનું શરૂ થયું છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કર્ણપ્રયાગના બહુગુણાનગરમાં પંકજ ડિમરીનું ચાર રૂમનું ઘર છે. તેમની ચારેય રૂમોમાં પહોળી તિરાડો પડી છે.
તેઓ કહે છે કે, “તિરાડો એટલી પહોળી છે કે જોઈને ડર લાગે છે.”
ઘરમાં તેમની સાથે પત્ની રુચિ અને બે બાળકો ચિન્મય (10 વર્ષ) અને વિભૂતિ (13 વર્ષ) રહે છે.
તેમને પણ ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. પંકજનું કહેવું છે કે, “તેમને ઘર છોડવાનું ઘણું દુ:ખ છે.”
ધ્રૂજતા અવાજથી પંકજ સવાલ કરે છે કે, “બાળકોનું ભણતર કેવી રીતે થશે?”
તેઓ કહે છે કે, “રૅન બસેરામાંથી રોજ સવારે બાળકોનું સ્કૂલ જવું અશક્ય છે.”
પંકજે જણાવ્યું હતું કે તેમને રહેવા માટે નગરપાલિકાના રૅન બસેરામાં રૂમ આપવામાં આવ્યા છે, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી.
જોકે તેઓએ તેમનો સામાન લઈને ત્યાં રહેવાનું મન બનાવી લીધું છે. ત્યારબાદ તેઓ રહેવા માટે ભાડાનું ઘર શોધશે.
પંકડ ડિમરીનું કહેવું છે કે, “તેમનું ઘર રોડની બાજુમાં છે.”
તેઓ કહે છે કે, “ગયા વર્ષે વરસાદની સિઝનમાં મશીનો વડે ઑલ-વેધર રોડનું કટિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે ઘરમાં તિરાડો પડી ગઈ હતી.”
શું કહેવું છે કર્ણપ્રયાગના તાલુકા અધિકારીનું?
કર્ણપ્રયાગના તાલુકા અધિકારી સુરેન્દ્રસિંહ દેવ સાથે અમે જ્યારે વાત કરી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “11 જાન્યુઆરીએ તાલુકા અધિકારી અને અન્ય ટેકનિકલ વિભાગો સાથે 39 મકાનોનું એક સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.”
તેઓ કહે છે કે, “તેમાંથી 8 ઘર રહેવાલાયક ન હતાં.”
સુરેન્દ્રસિંહ દેવે જણાવ્યું હતું કે, “આમ તો તમામ 39 મકાનોની સ્થિતિ જ ખરાબ હતી, પણ તેમાંથી આ 8 ઘર બિલકુલ રહેવાલાયક ન હતાં. આ ઘરોમાં ઘણી બધી તિરાડો પડી હતી.”
સુરેન્દ્રસિંહ દેવે જણાવ્યું હતું કે, “હવે બહુગુણાનગર વિસ્તારમાં 8 ઘરોને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે.”
તેઓ કહે છે કે, “એ મકાનોમાં રહેતા લોકોને વૈકલ્પિક આવાસ તરીકે નગરપાલિકા પરિષદ કર્ણપ્રયાગના રૅન બસેરામાં શિફ્ટ કરવામાં આવશે.”
સુરેન્દ્રસિંહ દેવે જણાવ્યું હતું કે, “જિલ્લાધિકારીએ નિર્દેશ આપ્યો છે કે જોશીમઠની તર્જ પર રાહત સહાયતા માટે પ્રસ્તાવ તૈયાર કરીને જિલ્લા કાર્યાલયને મોકલવામાં આવશે.”
જોશીમઠની હાલત જોઈને કર્ણપ્રયાગના રહેવાસીઓ પોતાના ઘરોમાં પડેલી તિરાડોને લઈને પહેલાથી જ ચિંતિત હતા, હવે ઘર ખાલી કરવાની નોટિસે તેમની ચિંતા વધારી દીધી છે.