You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન: 20 કિલો લોટનો ભાવ 3200 રૂપિયા થયો, લોકો રસ્તા પર આવી ગયા
- લેેખક, મોહમ્મદ કાઝિમ
- પદ, બીબીસી ઉર્દૂ, ક્વેટા
"મહિલાઓ માટે એ સારી વાત નથી કે તેઓ 20 કિલો લોટ માટે ઘણા દિવસો સુધી રસ્તા પર બેસીને રાહ જુએ. મોટી સંખ્યામાં અમે મહિલાઓ પણ કલાકો સુધી અલગ-અલગ જગ્યાએ લોટ ખરીદવા બેસી રહીએ છીએ. આ દરમિયાન જો પેશાબ કરવા જવું હોય તો ક્યાં જઈશું? આ કોઈ ઇજ્જતની વાત તો નથી ને."
આ કહેવું છે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં બરૌરી રોડ વિસ્તારનાં 70 વર્ષીય ઇમામ બીબીનું. જેમને સોમવારે ક્વેટા રેલવે સ્ટેશન સામે ઘણા કલાકો સુધી રાહ જોયા બાદ પણ સરકારી ભાવે મળનારો લોટ ન મળી શક્યો.
પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી સરકારી ભાવે લોટ ન મળી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
બલૂચિસ્તાનમાં છેલ્લા બે અઠવાડિયામાં લોટનું સંકટ ઘેરાયું છે. તેના કારણે રાજધાની ક્વેટામાં 20 કિલો લોટની કિંમત 2800 પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તો આ કિંમત 3200 રૂપિયાના રૅકર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
જે લોકો સરકારી ભાવે લોટ ખરીદવા માગે છે તેઓએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિશે ઇમામ બીબીએ જણાવ્યું કે તેઓ છેલ્લા બે અઠવાડિયાથી પોતાના બાળકો માટે સસ્તો લોટ ખરીદવા માટે ભાગદોડ કરી રહ્યા છે, પણ તેમને સતત નિષ્ફળતા મળી રહી છે.
તેઓ કહે છે, "મારા બે બાળકો વિકલાંગ છે અને બાકીના ઘણા નાના છે. ઘરમાં કમાનાર એક વ્યક્તિ છે અને તે મજૂરી કરે છે. તેને કામ પણ ક્યારેક જ મળે છે. હું ખુદ ઘરોમાં કામ કરવા જાઉં છું."
"છેલ્લા આઠ દિવસથી બાળકો ભૂખ્યા છે અને હું ખુદ મહોલ્લાવાળાઓ પાસેથી માગીને બાળકોને થોડુઘણું ખવડાવી રહી છું. કારણ કે દુકાનોમાં લોટ મોંઘો છે અને સસ્તો લોટ સરળતાથી મળતો નથી."
ઇમામ બીબીનું કહેવું છે કે તેઓ ઘણી દૂરથી ચાલીને ક્વેટા રેલવેસ્ટેશન સુધી પહોંચ્યા હતા. દરેક વખતે લોકોને અલગઅલગ જગ્યાઓ કહેવામાં આવે છે અને જ્યારે તેઓ ત્યાં પહોંચે છે તો અંતે નિષ્ફળતા સિવાય કંઈ હાંસલ થતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના અનુસાર, લાંબી રાહ જોયા બાદ લોટ નથી મળતો તો લોકો મજબૂરીમાં રસ્તો બંધ કરી દે છે. બાદમાં પોલીસ આવી જાય છે.
સરકારી લોટ મેળવવો ખૂબ જ મુશ્કેલ
સરકારી ભાવે લોટ લેવાના પ્રયત્નોમાં પડી રહેલી હાલાકી માત્ર ઇમામ બીબીની જ નથી, પણ તેમના જેવા ઉંમરલાયક અથવા તો મજૂરીકામ કરીને પોતાનું પરિવાર ચલાવનારા તમામ લોકો તેનાથી પરેશાન છે.
તેમાંથી એક વૃદ્ધ ખુદાએ નઝર પણ છે. જેઓ ક્વેટાથી લગભગ આઠ કિલોમિટર દૂરથી જબરદસ્ત ઠંડીમાં વહેલી સવારે ત્યાં પહોંચ્યા હતા.
સાત કલાક સુધી રાહ બાદ જ્યારે ત્યાં લોટની ગાડી ન આવવાની જાહેરાત થઈ ત્યારે નિરાશા અને નારાજગી તેમના ચહેરા પર સ્પષ્ટપણે છલકાઈ આવ્યા હતા.
તેઓ કહે છે, "હું મારા પરિવારના 10 લોકોને ખવડાવવા માટે મજૂરીકામ કરું છું. અહીં લોટની રાહમાં ન તો હું મજૂરી કરી શકું છું અને ન તો સસ્તો લોટ મળી રહ્યો છે."
તેઓ આગળ કહે છે, "લાઇનની શરૂઆતમાં જગ્યા મેળવવા માટે આ કડકડતી ઠંડીમાં સવારે પાંચ વાગ્યે આવ્યો અને સવારની નમાઝ પણ રેલવે સ્ટેશનની મસ્જિદમાં અદા કરી. સસ્તા લોટની એક થેલી માટે 10 દિવસથી આવી રહ્યો છું, પણ મને મળી રહ્યો નથી."
"હું માર્કેટમાંથી મોંઘો લોટ ખરીદી શકું તેમ નથી. જેથી અહીં આવવું પડે છે અને તો પણ છેવટે નિરાશા જ સાંપડે છે. 10 દિવસથી અમે ચોખા વડે પેટ ભરી રહ્યા છે. જે લોટની સરખામણીએ વધુ મોંઘો છે."
બે અઠવાડિયામાં 20 કિલો લોટની કિંમતમાં 700 રૂપિયાનો વધારો
બલૂચિસ્તાનમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી લોટની અછતના કારણે તેની કિંમત સતત વધી રહી છે. પણ ખુદ બલૂચિસ્તાન સરકાર અને લોટના કારોબાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ વખતે સ્થિતિ વધુ ગંભીર છે.
બલૂચિસ્તાન લોટ ડીલર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ સૈયદ ખુદાયદાદ આગાએ બીબીસીને જણાવ્યું કે વીતેલાં બે અઠવાડિયામાં જ 20 કિલો લોટની થેલીની કિંમતમાં 700 રૂપિયાનો વધારો થયો છે.
લોટના વર્તમાન સંકટના કારણો વિશે પાકિસ્તાન ફ્લોર મિલ્સ ઍસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ બદરુદ્દીન કાકડે બીબીસીને જણાવ્યું, "બલૂચિસ્તાનને હાલ વસતી પ્રમાણે 100 કિલોગ્રામની દોઢ કરોડ ગૂણોની જરૂર છે. જ્યારે બલૂચિસ્તાનની વાર્ષિક ઉપજ લગભગ એક કરોડ ગૂણોની છે."
"જોકે, બલૂચિસ્તાનમાં ઘઉંની ઉપજ ઓછી તો નથી, પણ અહીં લોકો પાસે તેને વધુ સમય માટે સુરક્ષિત રાખવા માટે કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે તેમનો પ્રયત્ન રહે છે કે તેને જલ્દીથી જલ્દી વેચી દેવાય."
સરકારથી ક્યાં ભૂલ થઈ?
બદરૂદ્દીન કાકડ જણાવે છે, "ચાલુ વર્ષે બલૂચિસ્તાન સરકારે ઘઉંની ખરીદીમાં મોડું કર્યું. આ સિવાય સિંધ સરકાર તરફથી ઘઉંની ખરીદી માટે જે કિંમત નક્કી કરવામાં આવી હતી. તે બલૂચિસ્તાનના ભાવથી વધુ હતા. જેના કારણે નસીરાબાદ ડિવિઝનના ખેડૂતોએ પોતાના ઘઉં સિંધમાં વેચ્યાં."
તેમનું કહેવું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં બલૂચિસ્તાન સરકાર ચાર મહિના દરમિયાન પાંચ લાખ ગૂણો ખરીદી શકી. જે માગની સામે ન બરાબર હતી.
બલૂચિસ્તાનના ખાદ્ય વિભાગના અધિકારી જાબિર બલોચે બીબીસીને જણાવ્યું કે ડૉલરનો ભાવ વધવાથી અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સરકારી ભાવોની તુલનામાં ઓપન માર્કેટમાં ઘઉંની કિંમતો વધારે હતી. જેથી ખેડૂતો પોતાના ઘઉં પ્રાઇવેટ લોકોને વેચ્યા.
ફ્લોર મિલ માલિક અને લોટ ડીલર્સ બલૂચિસ્તાનમાં લોટની કિંમતમાં થયેલા અનહદ ભાવવધારા માટે સિંધ અને પંજાબની સાથેસાથે બલૂચિસ્તાન સરકારને જવાબદાર ઠેરવે છે.
બલૂચિસ્તાનના ખાદ્ય મંત્રી ઍન્જિનિયર જમરુક ખાને કેન્દ્ર સરકાર સિવાય પંજાબ અને સિંધની સરકારને પણ દોષી ઠેરવતા કહે છે કે કેન્દ્રની સાથેસાથે બંને રાજ્યોની સરકારોએ પણ બલૂચિસ્તાનને ઘઉં આપવાથી ઇનકાર કર્યો છે.
સરકારને અપીલ
ખાદ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ ઝફરુલ્લાહે બીબીસીને જણાવ્યું કે બલૂચિસ્તાનના નસીરાબાદ ડિવિઝનમાં ઘઉંની વાર્ષિક પેદાશ એક કરોડ ગૂણ છે, પણ આ વર્ષે નસીરાબાદમાં ખરાબ હવામાનને કારણે પેદાશમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.
તેમણે કહ્યું કે આ સિવાય ખાદ્ય વિભાગને નાણા વિભાગ તરફથી પૈસા ફાળવવામાં મોડું થયું છે.
તેઓ કહે છે, "અમને પૈસા મળશે ત્યારે જ અમે ખરીદી કરી શકીશું. અમને છેલ્લે એપ્રિલ મહિનાના અંતમાં પૈસા મળ્યા હતા. ખેડૂતોને દેવું ચૂકવવા સિવાય અન્ય ખર્ચા પણ હોય છે. જેથી તેઓ પોતાનો પાક જલદી વેચી દે છે."
તેમણે વડા પ્રધાન, સિંધ અને પંજાબના મુખ્ય મંત્રીઓને અપીલ કરતા કહ્યું કે તેઓ આ મુશ્કેલ ઘડીમાં બલૂચિસ્તાનને એકલું ન છોડે.