60મા બાળકના જન્મ બાદ પાકિસ્તાનના હાજી જાને કહ્યું,‘બેગમ ઇચ્છે છે વધુ બાળકો પેદા કરીએ’

    • લેેખક, મોહમ્મદ કાઝિમ
    • પદ, બીબીસી ન્યૂઝ, ક્વેટાથી
  • બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાના સરદાર હાજી જાન મોહમ્મદે દાવો કર્યો છે કે રવિવારે તેમને ત્યાં સાઠમાં બાળકનો જન્મ થયો છે
  • તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આટલાં સંતાન પેદા કરીને અટકવાના નથી
  • અલ્લાહ ઇચ્છશે તો તેમને ત્યાં વધુ સંતાનોને જન્મ થશે
  • તેમનાં પાંચ સંતાન મૃત્યુ પામ્યાં છે, જ્યારે 55 સ્વસ્થ અને જીવંત છે
  • 50 વર્ષના સરદાર જાન મોહમ્મદ ખિલજી ક્વેટા શહેરના ઇસ્ટર્ન બાયપાસ નજીક રહે છે અને તેઓ ડૉક્ટર છે અને એ વિસ્તારમાં તેમનું દવાખાનું છે
  • તેમણે કહ્યું કે તેઓ ચોથી વખત લગ્ન કરવા ઇચ્છે છે અને એ માટે મહિલા શોધી રહ્યા છે

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાના સરદાર હાજી જાન મોહમ્મદે દાવો કર્યો છે કે રવિવારે તેમને ત્યાં 60મા બાળકનો જન્મ થયો છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનાં પાંચ સંતાન મૃત્યુ પામ્યાં છે, જ્યારે 55 સ્વસ્થ અને જીવંત છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આટલાં સંતાન પેદા કરીને અટકવાના નથી. અલ્લાહ ઇચ્છશે તો તેમને ત્યાં વધુ સંતાનોને જન્મ થશે.

વધુ બાળકો પેદા કરવા માટે તેઓ ચોથા લગ્ન કરવાની યોજના પણ બનાવી રહ્યા છે.

50 વર્ષના સરદાર જાન મોહમ્મદ ખિલજી ક્વેટા શહેરના ઇસ્ટર્ન બાયપાસ નજીક રહે છે. તેઓ ડૉક્ટર છે અને એ વિસ્તારમાં તેમનું દવાખાનું છે.

હાજી જાને જણાવ્યું હતું કે તેમના સાઠમા સંતાન તરીકે એક દીકરાનો જન્મ થયો છે. દીકરાનું નામ તેમણે ખુશહાલ ખાન રાખ્યું છે.

તેમણે કહ્યું હતું કે “ખુશહાલ ખાનના જન્મ પહેલાં હું તેની અમ્મીને ઉમરા પર લઈ ગયો હતો. તેથી હું તેને હાજી ખુશહાલ ખાન કહું છું.”

તમને તમારા બધા સંતાનના નામ યાદ રહે છે કે નહીં, એવા સવાલના જવાબમાં તેમણે જોરથી હસતાં કહ્યું હતું કે “યાદ કેમ ન હોય?”

અહીં એ નોંધવું જોઈએ કે પાકિસ્તાન દુનિયાના એ આઠ દેશમાં સમાવિષ્ટ છે, જેમનું 2050 સુધીમાં વિશ્વની કુલ વસ્તીમાં 50 ટકા યોગદાન હશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, 1960ના દાયકાથી સમગ્ર વિશ્વમાં વસ્તી વૃદ્ધિનો દર ઘટી રહ્યો છે અને 2020માં તે એક ટકાથી પણ ઓછો રહ્યો હતો, પરંતુ પાકિસ્તાનમાં વસ્તી વૃદ્ધિ દર 1.9 ટકા નોંધાયો હતો.

ચોથા લગ્ન માટે મહિલાની શોધ

સરદાર જાન મોહમ્મદે જણાવ્યું હતું કે તેઓ ચોથી વખત લગ્ન કરવા ઇચ્છે છે અને એ માટે મહિલા શોધી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે “મેં ચોથા લગ્ન માટે તમામ દોસ્તોને મારા માટે છોકરી શોધવામાં મદદ કરવા જણાવ્યું છે. જિંદગી હાથમાંથી સરી રહી છે. તેથી મારી ઇચ્છા છે કે ચોથા લગ્ન જલદી થઈ જાય.”

તેમના જણાવ્યા મુજબ, વધુ સંતાનો પેદા કરવાની ઇચ્છા માત્ર તેમની એકલાની નથી. તેમની પત્નીઓ પણ એવું ઇચ્છે છે. તેમના ઘરમાં દીકરાઓની સરખામણીએ દીકરીઓની સંખ્યા વધારે છે.

જાન મોહમ્મદે એમ પણ જણાવ્યું હતું કે તેમની કેટલીક દીકરીઓની વય 20 વર્ષથી વધારે છે, પરંતુ એ પૈકીની એકેયના લગ્ન થયાં નથી, કારણ કે એ દીકરીઓ અભ્યાસ કરી રહી છે.

‘આર્થિક સમસ્યાઓનો સામનો’

હાજી જાન મોહમ્મદે જણાવ્યું હતું કે તેમનો કોઈ મોટો બિઝનેસ નથી. તેમના પરિવારનું ગુજરાન ક્લિનિકમાં થતી આવક વડે જ ચાલે છે.

અગાઉના વર્ષોમાં બાળકોના પાલનપોષણ માટે તેમને બહુ તકલીફ પડતી ન હતી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મોંઘવારીમાં જોરદાર વધારાને કારણે તેઓ કેટલીક આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે “ધંધો ઠપ થઈ ગયો છે. લોટ, ઘી અને ખાંડ સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજોના ભાવ ત્રણ ગણા થઈ ગયા છે. છેલ્લા ત્રણ વર્ષથી આખી દુનિયાની સાથે બધા પાકિસ્તાનીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમાં મારો પણ સમાવેશ થાય છે.”

તેમણે ઉમેર્યું હતું કે તેમનો પ્રયાસ તેમનાં સંતાનોને રાજી રાખવાનો હોય છે અને એ માટે તેમણે કોઈ પાસેથી મદદ માગી નથી, પરંતુ જાત મહેનતથી જ તમામ ખર્ચને પહોંચી વળવાના પ્રયાસ કર્યા છે.

હાજી જાનના તમામ સંતાન અભ્યાસ કરી રહ્યાં છે અને તેઓ તેમના સંતાનોના અભ્યાસ પાછળ બહુ પૈસા ખર્ચી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે બાળકો પાછળના ખર્ચ માટે મેં કોઈની મદદ માગી નથી, પરંતુ સરકાર તરફથી નાગરિક તરીકેના તમામ અધિકાર મારા સંતાનોને મળવા જોઈએ.

‘બાળકોને કારમાં ફરવા લઈ જવાનું હવે મુશ્કેલ’

સરદાર જાન મોહમ્મદના જણાવ્યા મુજબ, તેઓ પ્રવાસના શોખીન છે અને તેઓ ઇચ્છે છે કે તેમનાં સંતાનો પણ આખા પાકિસ્તાનનો પ્રવાસ કરે.

તેમણે કહ્યું હતું કે તેમના સંતાનો નાના હતાં ત્યારે તેમને કારમાં ફરવા લઈ જવાનું આસાન હતું, પણ હવે એ શક્ય નથી.

બાળકોને પ્રવાસ કરાવવામાં સરકારે મદદ કરવી જોઈએ, એવું પણ તેઓ ઇચ્છે છે.

હાજી જાને કહ્યું હતું કે “સરકાર મને એક બસ આપે તો હું મારા તમામ સંતાનને આસાનીથી પાકિસ્તાન લઈ જઈ શકીશ.”

સરદાર જાન મોહમ્મદ અનેક સંતાનના પિતા તરીકે ખ્યાતિ પામેલા બલૂચિસ્તાનના બીજા વ્યક્તિ છે. અગાઉ બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લાના અબ્દુલ મજીદ મેંગલ નામના એક પુરુષે છ લગ્ન કર્યાં હતાં અને તેમને ત્યાં 54 સંતાનનો જન્મ્યાં હતાં.

અબ્દુલ મજીદ ગયા મહિને 75 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. તેમની બે પત્ની અને 12 બાળકો તેઓ જીવતા હતા ત્યારે જ મૃત્યુ પામ્યા હતા.