You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફૈસલાબાદ: માતાએ 15 વર્ષ પછી દીકરીના 'હત્યારા પતિ'ને કેવી રીતે શોધી કાઢ્યો?
- લેેખક, મોહમ્મદ ફહાદ
- પદ, પત્રકાર
આ વાતની શરૂઆત લગભગ 15 વર્ષ પહેલાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈસલાબાદ શહેરના 'બોલે દી ઝુગ્ગી' વિસ્તારમાં શરૂ થઈ હતી અને ત્યારે તબસ્સુમ માત્ર 16 વર્ષનાં હતાં. તબસ્સુમના પિતા એક મસ્જિદના ઈમામ હતા અને ઘરની નજીકની મસ્જિદમાં કામ કરતા હતા.
તબસ્સુમને ભણવાનો શોખ હતો અને તેથી જ તેના માતા-પિતાએ ઘરની નજીકની એક ખાનગી શાળામાં ભણાવતા મોહમ્મદ સિદ્દીકને હોમ ટ્યુટર તરીકે રાખ્યા હતા જેથી તે તબસ્સુમને તેના અભ્યાસમાં મદદ કરી શકે.
સિદ્દીક દરરોજ સાંજે તબસ્સુમને ઘરે ભણાવવા આવતો હતો. તબસ્સુમની માતા હફીઝાન બીબીના જણાવ્યા અનુસાર, તેની પુત્રીને અભ્યાસ દરમિયાન કોઈ ખલેલ નહોતું પહોંચાડતું જેથી તે પરીક્ષાની સારી તૈયારી કરી શકે.
તેઓ જણાવે છે કે એક દિવસ મગરીબ એટલે કે સૂરજ આથમ્યા પછી તેને ખબર પડી કે ઘરનો બેઠક રૂમ ખાલી છે અને તબસ્સુમ ક્યાંય દેખાતી નથી. તેના ઘરના લોકો નજીકમાં આવેલા સિદ્દીકના ઘરે પહોંચ્યા પરંતુ ત્યાં દરવાજે તાળું લાગેલું હતું. પાડોશીઓને પૂછતાં ખબર પડી કે તે ઘરની છોડીને જતો રહ્યો છે.
ત્યાં સુધીમાં તબસ્સુમના માતા-પિતાને પણ એ ખબર પડી ગઈ હતી કે તબસ્સુમનો જરૂરી સામાન પણ ઘરમાં નહોતો અને થોડી જ વારમાં તેમને ખબર પડી કે તબસ્સુમ તેના શિક્ષક સિદ્દીક સાથે ઘરેથી ભાગી ગઈ છે.
તબસ્સુમની માતા જણાવે છે કે પરિવારના સભ્યોએ તબસ્સુમને શોધવાની ઘણી કોશિશ કરી પરંતુ તે મળી નહીં. બાદમાં સિદ્દિકે તબસ્સુમના પરિવારને ફોન કરીને જણાવ્યું કે તેણે તબસ્સુમ સાથે શાદી કરી લીધી છે અને તે સુખી જીવન જીવી રહ્યા છે.
સમાજમાં બદનામીનો ડર
તબસ્સુમની માતા હફિઝા બીબીએ જણાવ્યું હતું કે તબસ્સુમના પિતા પુત્રીના ઘર છોડવાના દુખમાં ડૂબી ગયા હતા, પરંતુ આડોશ-પાડોશના લોકો અને સંબંધીઓના ડરને કારણે તેમણે આ બાબતે મૌન ધારણ કરી લીધું હતું અને પુત્રી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.
તેઓ કહે છે કે તેમના પતિએ 'બદનામી'ના ડરથી પોલીસ ફરિયાદ પણ નોંધાવી ન હતી અને ઘટનાના થોડા મહિના પછી તબસ્સુમના પિતાનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હફિઝા કહે છે કે આ ઘટના પછી 10 વર્ષ સુધી તેમણે તબસ્સુમનો સંપર્ક કર્યો ન હતો, પરંતુ આ દરમિયાન "એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે તબસ્સુમની યાદ ન આવી હોય."
હફીઝા બીબીના કહેવા પ્રમાણે, "તેનો ચહેરો મારી આંખો સામે તરતો હતો. દરરોજ હું મારી દીકરીની એક ઝલક મેળવવા માટે ઝંખતી હતી. ક્યારેક સપનામાં પણ તબસ્સુમનો ચહેરો દેખાતો અને હું એ સમયને કોસતી રહેતી કે તબસ્સુમને ટ્યુશન આપવા સિદ્દીકને કેમ બોલાવ્યો.
તેઓ કહે છે કે તેમને પુત્રી વિશે ખૂબ જ વિચિત્ર વિચારો આવતા હતા અને કેટલીકવાર તેમને એવું લાગતું હતું કે તબસ્સુમ તેમને બોલાવી રહી છે.
તેઓ કહે છે, "આ દુખમાં દિલ ભારે થઈ જતું તો રોઈ પડતી. સમાજની બદનામીથી બચવા માટે તે પોતાનું દુખ કોઈને કહી શકતી નહોતી."
આ ઘટનાના 10 વર્ષ પછી તબસ્સુમની મોટી બહેને તેમના પતિના કહેવાથી સિદ્દિકનો ટેલિફોન પર સંપર્ક કર્યો, જેમાં સિદ્દિકે જણાવ્યું કે તે લાહોરના ચૌહંગ વિસ્તારમાં રહે છે.
આ માહિતી તબસ્સુમની માતા સુધી પણ પહોંચી અને તેમણે રાહત અનુભવી કે તેમની પુત્રી સુરક્ષિત છે, પરંતુ તે ઘટનાને લઈને તેમનુ હૃદય દુખી હતું, પરંતુ આટલો સમય વિત્યા પછી જ્યારે પરિવારના સભ્યોએ તબસ્સુમ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો સિદ્દિકે માંદગીનું બહાનું બતાવીને મળવાની ના પાડી.
સમય પસાર થતો ગયો એમ સિદ્દીક વધુ બહાના કાઢતો રહ્યો. એકદિવસ અચાનક સિદ્દીકનો મોબાઈલ ફોન સ્વીચ ઑફ થઈ ગયો અને તેના સુધી પહોંચવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ ગયા.
તબસ્સુમ હત્યા કેસ સંક્ષિપ્તમાં
- મોહમ્મદ સિદ્દીક 15 વર્ષનાં તબસ્સુમને ભણાવવા માટે તેમનાં ઘરે આવતો હતો.
- 15 વર્ષ પહેલા એક દિવસ અચાનક મોહમ્મદ સિદ્દીક અને તબસ્સુમ બંને ગુમ થઈ ગયા. બાદમાં સિદ્દિકે જણાવ્યું કે બંનેએ લગ્ન કરી લીધા છે.
- 10 વર્ષ પછી સિદ્દિકે જણાવ્યું કે તેઓ લાહોરના એક વિસ્તારમાં રહે છે. બાદમાં તેનો ફોન સ્વીચ ઑફ થઈ ગયો.
- તબસ્સુમની માતાએ તેમની શોધ શરૂ કરી અને તે જ્યાં સિદ્દીક ભણાવતો હતો તે શાળામાં પહોંચ્યાં. દીકરી વિશે પૂછતાં સિદ્દીક એકાએક ભાગી નિકળ્યો.
- ત્યારબાદ તબસ્સુમ અને સિદ્દીકના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી.
- પૂછપરછમાં સિદ્દિકે જણાવ્યું કે તેણે 15 વર્ષ પહેલા તબસ્સુમની હત્યા કરી હતી.
- તેણે કહ્યું કે હત્યાની વાત છુપાવવા માટે તેણે લાશના અનેક ટુકડા કરી દીધા અને તેને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.
શંકાએ શોધવાની ફરજ પાડી
હફિઝા બીવી કહે છે કે આ સ્થિતિએ તેના દિલમાં શંકા જન્માવી કે તેમની પુત્રી મુશ્કેલીમાં છે, પરંતુ જ્યારે તે વારંવાર પ્રયત્નો કરવા છતાં તેની પુત્રી સાથે વાત કરી શક્યા નહીં ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે કંઈક ખોટું થયું છે.
તેઓ જણાવે છે કે જાન્યુઆરી 2022માં તેઓ તેમની મોટી પુત્રી અને જમાઈ સાથે તબસ્સુમની શોધમાં લાહોરના ચૌહંગ વિસ્તારમાં પહોંચ્યાં. આ એ જ જગ્યા હતી જ્યાંથી સિદ્દિકે છેલ્લે તેમનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તે આ વિસ્તારમાં રહે છે.
તબસ્સુમની માતા તેમની પુત્રી અને જમાઈ સાથે આપેલા સરનામે પહોંચ્યાં અને સિદ્દીકને શોધવાનું શરૂ કર્યું પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં.
હફીઝા બીવીના જણાવ્યા મુજબ, સિદ્દીકને શોધવામાં નિષ્ફળતાથી તેમની એ શંકા વધુ મજબૂત થઈ કે ચોક્કસપણે કંઈક ખોટું થયું છે. જોકે બીજી સમસ્યા એ હતી કે લાહોરમાં તેમનું કોઈ ઓળખીતું નહોતું.
તેમના કહેવા પ્રમાણે, તેમણે આ સમસ્યાનો એવો ઉકેલ કાઢ્યો કે તે વિસ્તારના રહેવાની વ્યવસ્થા પણ થાય અને પુત્રીના સમાચાર પણ મળી શકે.
આ માટે તેમણે ચૌબરજી વિસ્તારમાં લોકોના ઘરોમાં કામ શરૂ કર્યું. તેમના કહેવા મુજબ, તે દિવસ દરમિયાન લોકોનાં વાસણ, કપડાં અને ઘર સાફ કરતાં હતાં અને સાંજે પુત્રીની શોધમાં નીકળી જતાં હતાં. ચાર મહિના આમ જ વીતી ગયા.
દરમિયાન એક દિવસ તેમની પુત્રીને શોધતાં ચૌબરજીની એક માધ્યમિક શાળામાં પહોંચ્યાં જ્યાં મોહમ્મદ સિદ્દીક બાળકોને ભણાવતો હતો.
આ મામલામાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, હફીઝાએ પોલીસને જણાવ્યું કે સિદ્દીક તેમને જોતા વેંત જ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેમના ચહેરા પર બેચેની અને મુશ્કેલીની રેખાઓ પણ દેખાવા લાગી. તબસ્સુમ વિશે પૂછવા પર મોહમ્મદ સિદ્દીક બહાના કાઢતો રહ્યો અને વાત કરતા જ અચાનક ભાગી ગયો.
સિદ્દીકના અચાનક ભાગી જવાને કારણે હાફિઝા બીવીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમને ખાતરી થઈ ગઈ કે તેમની દીકરી સાથે કંઈક અજૂગતું થયું છે.
તેઓ તરત જ ચૌબરજી નજીકના સાંડા પોલીસ સ્ટેશને પહોંચી ગયા જ્યાં તેમણે એસએચઓ અદીલ સઈદને તેની પુત્રીના ગુમ થવા અંગે અને મોહમ્મદ સિદ્દીક અંગે જાણ કરી અને તેમને મદદ માટે અપીલ કરી.
તેમણે સિદ્દીકની તસવીરો પોલીસને આપી અને ટુંક સમયમાં જ પોલીસ સિદ્દીકને શોધવામાં સફળ થઈ.
હત્યાનો પર્દાફાશ
સાંદા પોલીસ મથકના એસએચઓ આદીલ સઈદે બીબીસીને જણાવ્યું કે જ્યારે કસ્ટડી દરમિયાન આરોપી મોહમ્મદ સિદ્દીકની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે શરૂઆતમાં બહાના કાઢ્યા અને અલગ-અલગ વાતો કહી, પરંતુ થોડી તપાસ બાદ આરોપીએ કબુલી લીધું કે તેણે 15 વર્ષ પહેલાં તબસ્સુમની હત્યા કરી નાખી હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોહમ્મદ સિદ્દિકે જણાવ્યું કે તેણે 2007માં તબસ્સુમ સાથે લગ્ન કર્યાં હતાં અને તે પહેલાં તેણે તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા, જેનાથી તેને બે બાળકો હતા.
પોલીસના જણાવ્યા અનુસાર સિદ્દિકે જણાવ્યું કે તે તબસ્સુમને ભગાડીને લાહોર લાવ્યો હતો અને તેના બાળકો પણ તેની સાથે હતા. આરોપીએ જણાવ્યું કે બાળકોના કારણે રોજ ઝઘડા થતા હતા અને આ દરમિયાન તબસ્સુમ બાળકોને ઘરેથી કાઢવાની વાત કરતી હતી.
તબસ્સુમ સાથેના લગ્નને પાંચ મહિના જ થયા હતા કે એક રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો અને લડાઈએ જોર પકડ્યું. સિદ્દિકે પોલીસને જણાવ્યું કે ઝઘડામાં તે પોતાના ઉપરનો કાબુ ગુમાવી બેઠો અને તબસ્સુમને ચૂપ કરાવવા તેણે તેમને ઉપાડીને ખાટલા પર ફેંકી. સિદ્દિકે તબસ્સુમનું ગળું દબાવી દીધું અને અવાજ બંધ કર, અવાજ બંધ કર એવી બૂમો પાડતો રહ્યો.
જેવો તબસ્સુમનો અવાજ બંધ થયો એ સાથે સિદ્દીકની ચીસો બંધ થઈ અને તબસ્સુમનું શરીર નિર્જીવ બની ગયું હતું.
પોલીસે દાવો કર્યો છે કે તપાસ દરમિયાન આરોપીએ કહ્યું કે તેણે તબસ્સુમના શરીરના ટુકડા કરી નાખ્યા જેથી તે તેની હત્યા છુપાવી શકે અને લાશને ઠેકાણે પાડી શકે.
આ તપાસની દેખરેખ રાખનાર વરિષ્ઠ પોલીસ અધિકારી એસપી અમ્મારા શીરાઝીએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના શરીરના નાના-નાના ટુકડા કરીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.
સિદ્દિકે 2007માં બકરીઈદના ત્રીજા દિવસે તેની પત્નીની હત્યા કરી હતી અને તેના શરીરના ટુકડા કરી કુરબાનીના પ્રાણીઓના અવશેષો વચ્ચે ફેંકી દીધા હતા જેથી કોઈને શંકા ન જાય અને કેટલાક ટુકડા ગટરમાં ફેંકી દીધા. આ ઘટના બાદ આરોપીએ ત્રીજી શાદી કરી હતી અને તે લાહોરના સાંડા વિસ્તારમાં છુપાઈને રહેતો હતો.
એસપી અમ્મારા શિરાઝીએ જણાવ્યું હતું કે તબસ્સુમના પરિવારના સભ્યોએ તેમના ઘરેથી ભાગી જવા, ગુમ થવા અથવા અપહરણ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાથી પોલીસ દ્વારા તબસ્સુમને શોધવા માટે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી.
પોલીસે હવે આરોપીનું નિવેદન લઈને પ્રાથમિક તપાસ પૂરી કરી છે અને રિમાન્ડ બાદ મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને કલમ 164 હેઠળ સિદ્દીકનું નિવેદન લીધું છે. તેને જ્યુડિશિયલ રિમાન્ડ પર કેમ્પ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ કેસના રિસર્ચ ઈન્ચાર્જ હસન રઝાના જણાવ્યા અનુસાર, આરોપીના નિવેદનની સાથે આ કેસની ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી છે. રિમાન્ડ બાદ આરોપી તરફથી કોઈ વકીલ હાજર થયા નથી કે જામીન અરજી પણ કરવામાં આવી નથી.
પુરાવાનો અભાવ કેસને કેવી અસર કરશે?
કાયદાના જાણકારોના મતે ગુનાના સ્થળેથી મળતા પુરાવા, લાશ અને જે હથિયારથી હત્યા કરવામાં આવી તે હથિયાર મેળવવા સાથે આરોપીના કબૂલાતના નિવેદન સાથેની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે તો કૉર્ટ કડક સજા સંભળાવે તેવી શકયતા પ્રબળ બને છે.
તબસ્સુમ હત્યા કેસમાં પોલીસ પાસે આરોપીનું કબૂલાતનામું તો છે, પરંતુ હત્યામાં વપરાયેલ હથિયાર કે લાશના અવશેષો મળવાની કોઈ આશા નથી. આવા કેસોની તપાસની ચાર્જશીટ નબળી બને છે, જેનો સીધો ફાયદો આરોપીઓને થાય છે, કારણ કે જો આરોપી કોર્ટમાં પોતાનું નિવેદન બદલી નાખે તો કેસ ઘણા વર્ષો સુધી ખેંચાય એવી સંભાવના રહે છે અને અંતે આરોપી નિર્દોષ છૂટી જાય છે.
કાનૂની નિષ્ણાત એડવોકેટ અસદ અબ્બાસ બટ્ટનું કહેવું છે કે જો પોલીસ આ કેસની તપાસમાં ગંભીરતા દાખવે અને આરોપીએ જણાવેલ જગ્યાએથી તબસ્સુમના મૃતદેહના ટુકડા કે હાડકાં રીકવર કરે અને ડીએનએ રિપોર્ટ સાથે હત્યામાં વપરાયેલ હથિયાર પણ રીકવર કરે તો આરોપીઓને સજા અપાવવામાં સફળતા મળી શકે છે. પરંતુ આની શક્યતા ઓછી દેખાઈ રહી છે કારણ કે પંદર વર્ષ પછી પુરાવા નાશ પામ્યા હોય એવી સંભાવના છે.
બીજી તરફ તબસ્સુમની માતાનું કહેવું છે કે જો તેમણે સમયસર તેમની પુત્રીના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હોત તો કદાચ આજે તેમની પુત્રી જીવીત હોત.