જોશીમઠ : જ્યાં જમીન ધસવાની સાથે પરિવારો અને સપનાં વિખેરાતાં જઈ રહ્યાં છે – ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, જોશીમઠ
  • જોશીમઠમાં કડકડતી ઠંડી વચ્ચે લોકો પોતાના પાંચ, છ, સાત ઓરડાના ઘરનાં આરામ અને સગવડતાથી વંચિત રહીને હોટલના રૂમ, સ્ટે-હોમમાં દિવસો કાપી રહ્યા છે
  • જોશીમઠ ધ્વસ્ત થવાથી તેમના ભવિષ્ય પર શું અસર થશે તેવી ચર્ચા ચાલી રહી છે
  • જોશીમઠના લોકો પોતાનાં બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે
  • 2011ની વસ્તીગણતરી મુજબ અહીં 4,000 જેટલાં મકાનોમાં 17,000 લોકો રહેતા હતા
  • ઑક્ટોબરમાં બીબીસીના અહેવાલ બાદ બે મહિનામાં તિરાડો પહોળી થઈ ગઈ છે અને ઘરોમાં રહેવું હવે જોખમી થઈ ગયું છે
  • એવું તો શું થયું કે તિરાડો પહોળી થઈ ગઈ, એની સ્પષ્ટ ખબર પડતી નથી
  • ભૂસ્તરશાસ્ત્રીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે
  • ઘણા લોકો મોંઘી ઘરવખરી, ઢોરની એટલી ચિંતા કરે છે કે તેઓ દિવસે ઘરે આવી જાય છે અને સાંજે અથવા રાત્રે હોટલ અને સ્ટે-હોમ પર પાછા ફરે છે
  • રૂમના એક ખૂણામાં ગૅસ, વાસણો અને ખાદ્યસામગ્રી રાખવામાં આવી હતી

જોશીમઠમાં કડકડતી ઠંડી પડી રહી છે અને આ ઠંડીમાં અહીંના લોકો પોતાના પાંચ, છ, સાત ઓરડાના ઘરનાં આરામ અને સગવડતાથી વંચિત રહીને હોટલનાં રૂમ, સ્ટે-હોમમાં દિવસો કાપી રહ્યા છે.

ક્યારેક પડતો ઝરમર વરસાદ ઠંડીમાં વધારો કરે છે. સાથે એ ડરમાં પણ વધારો કરે છે કે ક્યાંક શહેરની તિરાડો તેમને જમીનમાં વધુ ધકેલી ન દે.

એક તરફ જોશીમઠ ધ્વસ્ત થવાથી તેમના ભવિષ્ય પર શું અસર થશે તેવી ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ જોશીમઠના લોકો પોતાનાં બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે.

કેટલાક સમયથી ઉત્તરાખંડના લોકો ફરિયાદ કરી રહ્યા હતા કે તેમનાં ઘર જમીનમાં ધસી રહ્યાં છે, તેમાં તિરાડો પડી રહી છે.

જોશીમઠ ભારતના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર ઝોન-5માં આવે છે. 2011ની વસ્તીગણતરી મુજબ અહીં 4,000 જેટલાં મકાનોમાં 17,000 લોકો રહેતા હતા, પરંતુ સમય જતાં આ શહેર પર માનવવસ્તી પણ વધી છે.

ઑક્ટોબરમાં જ્યારે બીબીસીની ટીમ ત્યાં પહોંચી ત્યારે અમે રસ્તાઓ અને મકાનોમાં પડેલી તિરાડો વિશે અહેવાલ આપ્યો હતો. પરંતુ બે મહિના બાદ એ તિરાડો પહોળી થઈ ગઈ છે અને ઘરોમાં રહેવું હવે જોખમી થઈ ગયું છે.

એવું તો શું થયું કે તિરાડો પહોળી થઈ ગઈ, એની સ્પષ્ટ ખબર પડતી નથી. ભૂસ્તરશાસ્ત્રીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

ચમોલી જિલ્લા મૅજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે 169 પરિવારોને અલગ-અલગ હોટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સ્થળોએ પહોંચ્યા બાદ પણ ઘણા લોકો મોંઘી ઘરવખરી, ઢોરની એટલી ચિંતા કરે છે કે તેઓ દિવસે ઘરે આવી જાય છે અને સાંજે અથવા રાત્રે હોટલ અને સ્ટે-હોમ પર પાછા ફરે છે.

આ આવજાથી બાળકોનું ભણતર ખોરવાઈ રહ્યું છે. તેઓ સમજી શકતા નથી કે તેમના જીવનમાં આ ઊથલપાથલની સ્થિતિ સર્જાવાનું કારણ શું છે.

લોકો ક્યાં રહે છે?

શહેરની મધ્યમાં આવેલી નગરપાલિકાની રૂમોમાં અને એવી જગ્યાઓ પર પરિવારોને રાખવામાં આવી રહ્યા છે.

અહીં રહેતા લોકોની સુવિધાની કાળજી લેવા માટે જવાબદાર અધિકારી રઘુવીરસિંહના જણાવ્યા અનુસાર 58 લોકો નગરપાલિકાની રૂમોમાં રોકાયા છે.

આવા જ એક રૂમની બહાર 27 વર્ષીય અંશુ રાવત તેમની છ મહિનાની પુત્રી ખુશી સાથે ખુરશી પર રમી રહ્યાં હતાં.

થોડા દિવસ પહેલાં સુધી તેઓ નવ રૂમ અને ત્રણ રસોડાવાળા બે માળના મકાનમાં રહેતાં હતાં. એ ઘરમાં આઠ વર્ષ પહેલાં લગ્ન કરીને તેઓ આવ્યાં હતાં અને એ ધરમાં રહીને જ તેમણે બીએ, એમએનો અભ્યાસ પૂરો કર્યો હતો. એ ઘરમાં તેમની પુત્રીનો જન્મ થયો હતો.

આજે તેઓ આ નગરપાલિકામાં એક રૂમમાં રહે છે. રૂમના એક ખૂણામાં ગૅસ, વાસણો અને ખાદ્યસામગ્રી રાખવામાં આવી હતી. તેની સામે દીવાલ પર ઘણાં બધાં કપડાં લટકેલાં હતાં. વચ્ચે બે પથારી હતી જેમાં અંશુ, તેમની પુત્રી, સાસુ અને સસરા સૂતાં હતાં.

પતિ અને દિયરે જમીન પર સૂવું પડે છે.

અંશુ કહે છે, "અહીં રહેવું ખૂબ જ મુશ્કેલ છે. અમારે ઘેર એક રૂમ હોય તો પણ અમે ઍડજસ્ટ કરી લઈએ. અહીં દીકરી વારંવાર બહાર જવાનો પ્રયાસ કરે છે. તેને ઊલટી થઈ રહી છે, તેને શરદી અને ઉધરસ પણ છે."

તે રાત્રે શું થયું હતું?

2 જાન્યુઆરીની રાત્રે લગભગ 12.30 થી 1.00 વાગ્યાનો સમય હતો, જ્યારે તેમણે ઘર ધસી જવાનો અવાજ સાંભળ્યો. તે રાત્રે શું થયું તે સ્પષ્ટ નથી થતું.

અંશુ યાદ કરતાં કહે છે, "એવું લાગવા લાગ્યું કે મકાન જોરથી નીચે ધસી રહ્યું છે. પડોશના બધા લોકો બહાર નીકળી ગયાં. લોકો તેમનાં નાનાં બાળકોને લઈને ભાગી રહ્યાં હતાં."

અંશુના કહેવા પ્રમાણે, લોકો કહેતા હતા કે નજીકની હોટલ પડી ગઈ છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે હોટલને નુકસાન થયું નથી, પરંતુ તેમના ઘરને ઘણું નુકસાન થયું હતું.

ઘરમાં તિરાડો પડી હતી, વરંડો સાવ તૂટી ગયો હતો.

ડરના માર્યા તેઓ તેમની પુત્રી ખુશી, સાસુ, સસરા, દિયર અને પતિ સાથે ઘરની છત પર ચડી ગયાં.

તેમણે કડકડતી ઠંડીની એ રાત અગાસી પર વિતાવી અને દિવસના પ્રકાશની રાહ જોઈ. દીકરી આખી રાત રડતી રહીં.

અંશુ એ રાત યાદ કરતાં કહે છે, "અંદર જતાં મકાન પડી જવાનો ડર લાગતો હતો. અમે આખી રાત અગાસી પર રહ્યાં. બાળકીએ જાકીટ પહેર્યું હતું. મેં તેને આખી રાત એ જ જાકીટમાં રાખી. અમે ચંપલ પહેર્યાં હતાં. માથે ટોપી પણ ન હતી."

પણ તેઓ રસ્તા પર કેમ ન આવ્યાં અને તૂટેલા ઘરની છત પર રહેવાનું તેમણે કેમ વિચાર્યું? જવાબમાં અંશુ કહે છે, "અમે રસ્તા પર ગયાં ત્યારે ત્યાં થોડો ડરામણો માહોલ હતો. તેથી મને લાગ્યું કે બાળક ડરી જશે. એટલા માટે અમે ત્યાં છત પર જ ઊભા રહ્યાં."

બીજા દિવસે સવારે તેઓ પોતાનો સામાન કારમાં મૂકીને પાલિકાના આ રૂમમાં પહોંચ્યાં હતાં.

અંશુ રાવત ઇચ્છે છે કે જો તેમને ઘરની કિંમત, જે તેમના હિસાબે 70-80 લાખ જેટલી છે, તે મળી જાય તો તેઓ તેમને જ્યાં જવું હશે ત્યાં જતાં રહેશે.

ચમોલી જિલ્લા મૅજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર પુનર્વસન અને સહાય પૅકેજ પર કામ કરી રહ્યું છે અને તેના માટે સમિતિ બનાવવામાં આવી છે, તેમની સાથે વાતચીત ચાલી રહી છે.

તેઓ કહે છે, “અમે આના પર ટૂંક સમયમાં સર્વસંમતિ પર આવીશું કારણ કે લોકોની માગ અલગ અલગ છે. કેટલાકને વળતર જોઈએ છે, કેટલાક પુનર્વસન ઇચ્છે છે, તેથી અમારે હિતધારકો (અથવા ભાગીદારો) સાથે વાત કરવી પડશે. અમે પ્રક્રિયા ઝડપી કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે તેને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

'ઘરે પાછા નહીં જઈએ'

હેમલતા રાવત તેમના પુત્ર સાથે અંશુની બાજુની રૂમમાં રહે છે. તેમનાં પુત્રવધૂ તેમનાં બે બાળકો સાથે દહેરાદૂન જતાં રહ્યાં છે.

પરંતુ તમે 18 વર્ષથી દસ રૂમના મકાનમાં રહેતા હો અને અચાનક તમને ભારે સામાન સાથે એક રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવે ત્યારે જીવન સરળ નથી રહેતું.

તેઓ કહે છે, "તમારે ઘરની બહાર જવાનું થાય ત્યારે સમસ્યા તો આવે જ. જો દસ રૂમનાં મકાનમાંથી એક રૂમમાં આવી જવાનું થાય તો શું થાય? બાળકો પાગલ જેવાં થઈ ગયાં છે અને પૂછી રહ્યા છે કે શું થઈ રહ્યું છે."

તેઓ પોતાની સાથે બે પલંગ, બે કબાટ, ટેબલ, સોફા, રસોઈનાં વાસણો વગેરે સામાન સાથે લઈ આવ્યાં છે.

પરિવારે ખૂબ મહેનત કરીને બે માળનું મકાન બનાવ્યું હતું. ઘર બનાવતી વખતે તેમણે જોશીમઠના મકાનોમાં પડેલી તિરાડો વિશે વિચાર્યું ન હતું.

તેઓ કહે છે, "જોશીમઠ સાવ તૂટી ગયું છે. જોશીમઠ એવું જ છે."

જોશીમઠમાં જ તેમનું જીવન પસાર થયું છે, અહીં જ તેમનાં બાળકો ભણ્યાં અને અહીં જ તેમના પતિએ આખા જીવનની કમાણી આ ઘર બનાવવા માટે ખર્ચી નાખી.

તેઓ યાદ કરે છે કે 2 જાન્યુઆરીની રાત્રે તેઓ સૂતાં હતાં ત્યારે તેમણે અવાજ સાંભળ્યો, પરંતુ તેમને ઊઠવાનું મન ન થયું. જ્યારે પુત્રે એક વ્યક્તિને ફોન કર્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે અવાજો આવી રહ્યા છે અને તેઓ પણ બહાર નીકળી જાય અને સતર્ક રહે.

બીજા દિવસે તેઓ પણ નગરપાલિકાની આ રૂમમાં આવી ગયાં. તેઓ ઇચ્છે છે કે સરકાર તેમને તેમનાં ઘરની કિંમત આપી દે જેથી તેઓ બીજે ક્યાંક જઈને પોતાનું ઘર બનાવી શકે.

તેઓ કહે છે કે, અમે ગામમાં કે ગમે ત્યાં ઘર બનાવીએ. અમે વિચારીને ઘર બનાવીશું. અમે સારી રીતે રહેવા માંગીએ છીએ."

હેમલતા કહે છે કે તેમનું ઘર એટલી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે કે તેઓ તે ઘરમાં ફરી પાછા જઈ શકે તેમ નથી.

તેઓ કહે છે, "વર્ષો પહેલાં અમે તાણીતૂસીને અમે ઘર બનાવ્યું હતું, હવે અમે ત્યાં જવાનાં નથી. ઘરની હાલત ખરાબ છે."

ઠંડીમાં રહેવું સહેલું નથી

અહીં શરણ લેનાર મંદોદરીદેવી તેમનાં પુત્રવધૂ, પુત્ર અને બે બાળકો સાથે અહીં એક રૂમમાં રહે છે.

તેઓ રૂમની સુવિધાઓથી ખુશ નથી. તેમની ફરિયાદ છે કે શિયાળામાં તેમને લાકડાની નહીં પણ હીટરની જરૂર છે અને તેમને અહીં પાણીની સમસ્યા છે.

તેમની પાસે દસ રૂમનું ઘર હતું, જેમાંથી સાત રૂમ ભાડા પર હતી અને ત્રણ રૂમમાં તેઓ રહેતાં હતાં.

તેઓ કહે છે, "અમે હમણાં જ ઘરનું સમારકામ કરાવ્યું હતું. તેમાં 1.5 લાખના ખર્ચે કાચ અને ટાઇલ્સ લગાવવામાં આવ્યાં હતાં."

સુવિધાઓના અભાવની ફરિયાદો પર ચમોલી જિલ્લા મૅજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ ખાતરી આપી કે તેમની ટીમો તમામ આશ્રય સ્થાનોના સંપર્કમાં છે અને તેઓ કોઈ પણ અછત વિશેની માહિતી પર તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યા છે.