લોકોના જીવ બચાવવા ઘાતક એચઆઇવી વાઇરસની ચોરી કરીને દેશમાં લાવનાર મહિલા વિજ્ઞાનીની કહાણી

    • લેેખક, જેનેટ બેરી
    • પદ, બીબીસી વિટનેસ હિસ્ટરી
  • 80ના દાયકામાં જ્યારે એચઆઇવીનો ચેપ વિશ્વ માટે નવો અને ખૂબ ખતરનાક પણ ત્યારે એક મહિલા ડૉક્ટર પોતાના દેશમાં આ વાઇરસ લાવ્યાં હતાં
  • આ વાત છે બલ્ગેરિયાનાં ટોચનાં વાઇરોલૉજિસ્ટ ડૉ. રાડકા આર્ગિરોવાની
  • એચઆઇવી વાઇરસ દેશમાં સ્મગલિંગ થકી લાવવામાં કેવી રીતે સફળ રહ્યાં ડૉક્ટર?
  • વાઇરસ દેશમાં પહોંચાડ્યાનાં અમુક વર્ષો બાદ જ ડૉ. રાડકાને જે દેશમાં એચઆઇવી તથા એઇડ્સ વિશે લોકોને શિક્ષિત કરવાની જવાબદારી કેમ સોંપાઈ હતી, જાણો આ અજબ કહાણી

શીતયુદ્ધની ચરમસીમાએ 1985માં વિશ્વમાં એક નવા રહસ્યમય વાઇરસનો ચેપ ઘણા લોકોને લાગ્યો હતો અને સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યાં હતાં.

યુવા સમલૈંગિકોમાં અસામાન્ય ચેપ તથા દુર્લભ કૅન્સરથી મોતનું પ્રમાણ વધવા લાગ્યું ત્યારે 1981માં એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ (એઇડ્સ) નામના નવા રોગને ઓળખી કાઢવામાં આવ્યો હતો.

આ રોગ નસ વાટે ડ્રગનું સેવન કરતા લોકો પણ થતો હતો અને કેટલાકને તે લોહી ચડાવવાને કારણે થયો હતો.

એ સમયે બીબીસીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, “આ રોગના દર્દીઓને અનેક પ્રકારનો ચેપ લાગે છે અને તેઓ સંખ્યાબંધ બીમારીનો ભોગ બને છે. એઇડ્ઝ રોગીઓની પ્રતિરોધક ક્ષમતાને ખતમ કરી નાખે છે અને તેથી મોટા ભાગે ઘાતક સાબિત થાય છે.”

તેનું કારણ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાઇરસ (એચઆઇવી) હોવાનું વર્ષો પછી શોધી કાઢવામાં આવ્યું હતું.

લોકો ભયભીત હતા અને આ રોગ વિશેની માહિતી આપતી ઝુંબેશ અનેક દેશોમાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ બલ્ગેરિયા તેમાંથી બાકાત હતું.

બલ્ગેરિયામાં એ વખતે સામ્યવાદી સરકારનું ચુસ્તપણે નિયંત્રિત શાસન હતું. તેના સત્તાવાળાઓ આ રોગના જોખમને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

બલ્ગેરિયાની હૉસ્પિટલોમાં વિદેશી વિદ્યાર્થીઓ તથા નાવિકો મરી રહ્યા હોવા છતાં સરકારે તેને ‘સમલૈંગિક પુરુષોને થતો રોગ’ અને ‘અધોગામી પશ્ચિમની અનન્ય સમસ્યા’ ગણાવીને તેની અવગણના કરી હતી.

નિષ્ણાતની વાત

દેશના ટોચના વાઇરોલૉજિસ્ટ્સ પૈકીનાં એક ડૉ. રાડકા આર્ગિરોવા એ સમયે બલ્ગેરિયાની રાજધાની સોફિયાની હાઇ-પ્રોફાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતાં હતાં.

તેમણે મોસ્કોની પ્રતિષ્ઠિત ઇવાનોવ્સ્કી ઇન્સ્ટિટ્યૂટમાં 1970ના દાયકાની શરૂઆતમાં પીએચ.ડી. કર્યું હતું.

ડૉ. આર્ગિરોવાએ બીબીસીને કહ્યું હતું કે, “હું બલ્ગેરિયન ઍકેડૅમી ઑફ સાઇન્સની એક લૅબોરેટરીમાં કામ કરતી હતી અને તે ઇન્સ્ટિટ્યૂટમાં વાઇરોલૉજી માટે અત્યંત રસપ્રદ પ્રયોગશાળા હતી.”

ડૉ. આર્ગિરોવા અને તેમના સાથીઓ ઘણા બધા હ્યુમન વાઇરસનો અભ્યાસ કરતા હતા અને તે પૈકીનો એક હતો એચઆઇવી.

તેઓ 1970ના દાયકાના અંતથી સંશોધન કરતાં હતાં અને પરદેશી વૈજ્ઞાનિક સાહિત્યથી સતત પરિચિત રહેતાં હતાં. નવા વાઇરસથી તેઓ પરિચિત હતાં, પણ તે જીવલેણ રોગ કઈ રીતે બન્યો છે તે રહસ્ય હતું.

તે જાહેર કરવામાં બલ્ગેરિયાના સત્તાવાળાઓને રસ ન હતો, પરંતુ ડૉ. આર્ગિરોવાએ તેનું રહસ્ય ભેદવાનું નક્કી કર્યું હતું.

વાઇરસની દાણચોરી

ડૉ. આર્ગિરોવા માટે બલ્ગેરિયામાંથી બહાર નીકળવું આસાન ન હતું, પરંતુ તેઓ તેમનો સંશોધનપત્ર રજૂ કરવા જૂન-1985માં હેમ્બર્ગ યોજાયેલી વિજ્ઞાન પરિષદમાં હાજરી આપવા ગયાં હતાં. હેમ્બર્ગ એ વખતે પશ્ચિમ જર્મનીમાં હતું.

તે કૉન્ફરન્સ લ્યુકેમિયા અને નવા વાઇરસ સાથેની તેની સંભવિત કડી વિશેની હતી.

તે કૉન્ફરન્સમાં વિશ્વના મહાન અનેક વાઇરોલૉજિસ્ટે હાજરી આપી હતી. તેમાં અમેરિકાના વિખ્યાત સંશોધક ડૉ. રૉબર્ટ ગાલ્લોનો પણ સમાવેશ થતો હતો.

એઇડ્સ રોગ માટે એચઆઇવી સંક્રામક એજન્ટની ભૂમિકા ભજવતો હોવાનું સ્થાપિત કરવામાં, તેના નિદાન માટેના બ્લડ ટેસ્ટની પ્રક્રિયા વિકસાવવામાં તેમજ એ પછીના એચઆઇવી સંબંધી સંશોધનમાં ડૉ. રૉબર્ટ ગાલ્લાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મહત્ત્વપૂર્ણ યોગદાને ડૉ. રૉબર્ટ ગાલ્લાને ખ્યાતિ અપાવી હતી.

એ સમયે રોગ વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ હતી.

ડૉ. ગાલ્લોએ એ જ વર્ષે બીબીસીને કહ્યું હતું કે, “તે ઝડપભેર ફેલાશે તેની અમને ખબર ન હતી, કારણ કે આ પ્રકારના વાઇરસનો પ્રસાર મુશ્કેલ હોય છે, પરંતુ તે ધીમેધીમે દુનિયાના વિવિધ પ્રદેશોમાં ફેલાઈ રહ્યો હતો.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમે તેના ઉચ્ચ મૃત્યુદરનું અનુમાન પણ કરી શક્યા ન હતા. ગંભીર રીતે બીમાર પડતા સંક્રમિત લોકોનું પ્રમાણ ઘણું વધારે હતું અને તેમાં સતત વધારો થતો હતો.”

એક દિવસ તેમની અને ડૉ. આગ્રિરોવા વચ્ચે વાતચીત થઈ.

ડૉ. આગ્રિરોવાએ કહ્યું હતું કે, “હું સિગારેટ ફૂંકી રહી હતી અને તેઓ મારી પાસે સિગારેટ માગવા આવ્યા હતા. હું ક્યાંથી આવી છું એ જાણ્યા બાદ તેમણે મને સવાલ કર્યો હતો કે બલ્ગેરિયામાં એઇડ્સ સંબંધે કેવી પરિસ્થિતિ છે?”

“મેં તેમને જવાબ આપ્યો હતો કે એ હું તમને નહીં જણાવી શકું, કારણ કે અમારી પાસે તેનું કોઈ નિદાન નથી. તેથી તેના વિશે હું કશું જાણતી નથી. આ બાબતે પરીક્ષણ કરવું જરૂરી છે. તેમણે મને કહ્યું કે પરીક્ષણ જરૂર કરો. મેં તેમને કહ્યું હતું કે સાચી વાત છે, પરંતુ અમારી પાસે વાઇરસ નથી.”

ડૉ. ગાલ્લોએ તે સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો હતો. તેમણે એક જર્મન સહયોગીને તેની લૅબોરેટરીમાં એચઆઇવી તૈયાર કરવા અને તેને આધુનિક મોબાઇલ ફોનના કદના એક શીશીમાં પૅક કરવા જણાવ્યું હતું.

થોડા દિવસો પછી તેમણે એ પૅકેટ ડૉ. આગ્રિરોવાને આપ્યું હતું, જેથી તેઓ તેને પોતાની બૅગમાં છુપાવીને દાણચોરીથી સોફિયા લઈ જઈ શકે.

ડૉ. આગ્રિરોવાએ બીબીસીને કહ્યું હતું કે, “તેનો રંગ લાલ હતો. તેમાં વાઇરસ કે કોષ દેખાતા ન હતા. તે રેડ વાઇન જેવું હતું. તે બે શીશીમાં હતું. એકમાં ચેપગ્રસ્ત કોષો હતા, જ્યારે બીજામાં બિનચેપી કોષો હતા. મેં તે શીશીઓ મારી બેગમાં રાખી દીધી હતી અને ફ્રેન્કફર્ટ આવી હતી. ત્યાંથી મેં સોફિયાની ફ્લાઇટ પકડી હતી.”

ભય અને ઈર્ષ્યા

ઍરપૉર્ટ પર તેમને એક દોસ્ત મળ્યા હતા અને તેઓ ડૉ. આગ્રિરોવાની બલ્ગેરિયન ઍકેડૅમી ઑફ સાયન્સ ખાતે બન્ને શીશીને મહત્તમ તાપમાનમાં સ્ટોર કરવા માટે ગયા હતા, પરંતુ સમગ્ર પ્રવાસ દરમિયાન લોખંડી દરવાજા વચ્ચે એચઆઇવીના કોષો જીવંત રહેશે તેની ડૉ. આગ્રિરોવાને ખાતરી ન હતી.

તેમણે કહ્યું હતું કે, “તાપમાન 37 ડિગ્રી ન હોય ત્યારે કોષો અને વાઇરસને થોડું નુકસાન થતું હોય છે. તેથી અમારે તે વાઇરસને ઇન્ક્યુબેટરમાં રાખવા પડ્યા હતા, પરંતુ સોમવારે લૅબોરેટરી પહોંચીને જોયું તો કોષો બહુ જ સારા હતા. તેથી મને આનંદ થયો હતો અને મેં સામગ્રી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.”

એચઆઇવીના કોષો તેમના નવા ઘરમાં ઉછરવા લાગ્યા હતા, જ્યારે ડૉ. આગ્રિરોવા માટે પરિસ્થિતિ વણસી હતી.

તેઓ દેશમાં ઘાતક વાઇરસ લાવ્યાં છે એ સમાચાર ફેલાયા હતા અને તેમના સાથી વિજ્ઞાનીઓ પણ ગભરાઈ ગયા હતા.

ડૉ. આગ્રિરોવાએ કહ્યું હતું કે, “અખબારોમાં આ બાબતે ઘણો ઘોંઘાટ થતો હતો અને ઘણા લોકો એ હકીકતથી ખુશ ન હતા કે અમારી પાસે લૅબોરેટરીમાં વાઇરસ છે. મને ખબર નથી કે કેટલાક શા માટે ભયભીત હતા અને કેટલાક થોડી ઈર્ષ્યા શા માટે કરતા હતા?”

પૂછપરછ

એ પછી ડૉ. આગ્રિરોવા દેશની કુખ્યાત સિક્યૉરિટી સર્વિસની નજરમાં આવ્યાં હતાં.

તેમણે ડૉ. આગ્રિરોવાની એચઆઇવીના કોષો બલ્ગેરિયામાં કઈ રીતે પહોંચ્યા એ બાબતે મહિનાઓ સુધી પૂછપરછ કરી હતી.

ડૉ. આગ્રિરોવાએ કહ્યું હતું કે, “દેશના ગૃહ મંત્રાલયના માણસો મને દરરોજ પૂછતા હતા કે ડૉ. ગાલ્લોએ મને વાઇરસના કોષો કઈ રીતે, શા માટે આપ્યા, તેમનો હેતુ શો હતો? એ પ્રકારના સવાલો રોજેરોજ પૂછવામાં આવતા હોવાથી હું કંટાળી ગઈ હતી.”

આવી પ્રારંભિક મુશ્કેલી છતાં ડૉ. આગ્રિરોવાને સામ્યવાદી સત્તાવાળાઓમાં સાથી મળી આવ્યા હતા અને વ્યવસ્થામાંનું અંતર ધીમેધીમે વિસ્તર્યું હતું.

આખરે તેમને સાથીઓને એકત્ર કરવાની અને પરીક્ષણપ્રણાલી વિકસાવવાની પરવાનગી આપવામાં આવી હતી.

1986માં સમગ્ર બલ્ગેરિયામાં 28 પરીક્ષણકેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં હતાં અને બલ્ગેરિયાના 20 લાખ નાગરિકોનું એચઆઇવી માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ત્રણ વર્ષ પછી બનેલી એક દસ્તાવેજી ફિલ્મમાં પ્રસ્તુતકર્તાએ જણાવ્યું હતું કે રેડિયો, ટેલિવિઝન તથા અખબારો એઇડ્સ વિશે સતત રિપોર્ટ કરતાં રહ્યાં છે.

એચઆઇવી અને તેને લીધે થતા રોગ વિશે આખરે લોકો જાણતા થયા હતા અને ડૉ. આગ્રિરોવા તથા તેમના સાથીઓ કોને ચેપ લાગ્યો લાગ્યો છે અને તેનું સંક્રમણ કઈ રીતે થયું છે તેની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે, “હેડફોન્સ, પ્લેટ કે ગ્લાસ શૅર કરવા જેવા ઘરેલુ સંપર્ક સાથે આ તેનો ચેપ પ્રસરવાને કશું લાગતું વળગતું ન હતું.”

પોતાની બેગમાં છુપાવીને વાઇરસ દાણચોરીથી દેશમાં લાવ્યાનાં ચાર વર્ષ પછી ડૉ. આગ્રિરોવાને એચઆઇવી તથા એઇડ્સ વિશે લોકોને શિક્ષિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

આજે તેઓ બલ્ગેરિયાની સૌથી મોટી હૉસ્પિટલો પૈકીના એકમાં વાઇરોલૉજિસ્ટ તરીકે કાર્યરત્ છે.

તેઓ દેશના ખ્યાતિપ્રાપ્ત તથા ભરોસાપાત્ર કોવિડ-19 નિષ્ણાતો પૈકીનાં એક પણ છે.