You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં કોરોનાનો કેર, એક જ મહિનામાં 59,938 લોકોનાં મોત
- ચીને સ્વીકાર્યું કે ત્યાંની હૉસ્પિટલોમાં 59,938 મોત થયાં છે
- સાત ડિસેમ્બરથી ચીનમાં કોરોનાના સંક્રમણમાં મોટો ઉછાળો આવ્યો હતો
- ચીને ગત મહિને પોતાની ઝીરો-કોવિડ પૉલિસી ખતમ કરી નાખી હતી
- ચીનની હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોવાના અહેવાલો પણ આવ્યા હતા
ચીનનું કહેવું છે કે ત્યાંની હૉસ્પિટલોમાં 59,938 મોત થયાં છે. ચીનનો આ છેલ્લા 30 દિવસનો આંકડો છે.
ચીને આ આંકડો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એ નિવેદન બાદ જાહેર કર્યો છે, જેમાં કહેવાયું હતું કે ચીની સરકાર કોવિડની ભયાવહતાનું અંડર રિપોર્ટિંગ કરી રહી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ચીનના સરકારી મીડિયાએ શનિવારે નેશનલ હેલ્થ કમિશનના આંકડાના હવાલાથી જણાવ્યું કે આઠ ડિસેમ્બર 2022થી લઈને 12 જાન્યુઆરી 2023 સુધી હૉસ્પિટલમાં કોવિડ સંબંધિત 59,938 મોત થયાં છે.
ઉલ્લેખનીય છે કે સાત ડિસેમ્બરથી ચીનમાં કોરોનાના સંક્રમણમાં મોટો ઉછાળો આવ્યો હતો.
ચીનમાં કોરોનાના કેસ વધતા ભારતમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને સરકારે સંબંધિત સંસ્થાઓ અને અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી.
ચીનમાં કોરોનાનો કેર
નેશનલ હેલ્થ કમિશનના ડાયરેક્ટર જિયાઓ યાહુઈ અનુસાર, મેડિકલ સંસ્થાઓએ કહ્યું કે કોવિડ-19ને કારણે શ્વાસ સંબંધી સમસ્યાથી 5,503 લોકોનાં મોત થયાં છે.
જોકે તેમણે કહ્યું કે 54,435 મોત એ લોકોનાં થયાં છે, જે કૅન્સર, હૃદયની બીમારીથી પીડિત હતા. પણ કોવિડને કારણે તેમની હાલત ખરાબ થતા તેમનાં મોત થયાં છે.
જે લોકોનાં મોત થયાં, તેમની ઉંમર સરેરાશ 80 વર્ષની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીને ગત મહિને પોતાની ઝીરો-કોવિડ પૉલિસી ખતમ કરી નાખી હતી. બાદમાં આ વર્ષે આઠ જાન્યુઆરીએ તેણે આંતરરાષ્ટ્રી પર્યટકો માટે પોતાની સીમા ખોલી નાખી હતી.
ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોનાની પરિસ્થિતિને લઈને લાદવામાં આવેલાં નિયંત્રણોનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો.
કેટલીક ઘટનાઓમાં સરકાર દ્વારા લાદવામાં આવેલાં કડક નિયંત્રણોના કારણે લોકોનાં મૃત્યુ થયાં હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા.
જોકે, ચીનના સાર્વજનિક આરોગ્ય અધિકારીઓ ચેતવણી ઉચ્ચારી ચૂક્યા છે કે આવનારા કેટલાક મહિનામાં કોરોનાથી 80 કરોડ લોકો સંક્રમિત થશે અને મૃત્યુઆંક પાંચ લાખ થઈ શકે છે.
ચીન માટે હજુ કેટલું જોખમ?
ચીનની હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોવાના અહેવાલો પણ આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍૅન્ડ પ્રિવેન્શનના અધિકારી શુ વેન્બોએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વાઇરસનો નવો વૅરિયન્ટ ઝડપથી મ્યૂટેટ થશે, પરંતુ તેમણે તેના જોખમને ઓછું આંક્યું છે.
અમેરિકન મીડિયા સંસ્થા એનપીઆરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, યેલ યુનિવર્સિટીના જાહેર આરોગ્ય પર સંશોધન કરનાર અને ચીનની સ્વાસ્થ્ય-પ્રણાલીના નિષ્ણાત શી ચેને કહ્યું હતું કે ચીનના આરોગ્ય અધિકારી ડૉ. શાઓફેંગ લિયાંગનું કહેવું છે કે કોરોનાની આ લહેરથી ચીનમાં લગભગ 60 ટકા વસ્તી પ્રભાવિત થઈ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "આનો અર્થ થયો કે પૃથ્વીની 10 ટકા વસ્તી આવનારા 90 દિવસમાં કોરોનાથી સંક્રમિત થઈ શકે છે."
ચીન જે આંકડા રજૂ કરી રહ્યું છે તેના પર પણ શંકા વ્યક્ત કરાઈ હતી અને માનવામાં આવતું હતું કે વાસ્તવિક આંકડા આના કરતાં ઘણા વધારે છે.