1400 વર્ષ પહેલાંની એ હિજરત, જે ઇસ્લામ અને તેના કૅલેન્ડરના પ્રારંભનું બિંદુ બની

    • લેેખક, એડિસન વેઇગા
    • પદ, સ્લોવેનિયાથી, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ માટે

ધર્મોની સ્થાપના માટે માન્યતા જરૂરી હોય છે. ઇસ્લામના કિસ્સામાં આ સીમાચિહ્ન હિજરા (હિજરત) છે, પયગંબર મહમદ (751-632) અને તેમના અનુયાયીઓનું મક્કાથી મદીનામાં સ્થળાંતર, હિજરત છે. આ બન્ને શહેર સાઉદી અરેબિયામાં આવેલાં છે.

લગભગ 500 કિલોમિટરનો વિસ્તાર 12 દિવસમાં જીતી લેવામાં આવ્યો હતો.

મહમદ આદરણીય ધાર્મિક વડા તરીકે પ્રસ્થાપિત હતા. મુસ્લિમો તેમને અલ્લાહના દૂત ગણે છે. તેમણે ખ્રિસ્તી તથા યહૂદી બન્ને ધર્મમાં સુધારાને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ અનેક દેવોની મૂર્તિપૂજા કરતા ધર્મો સામે લડત આપી હતી. એ કારણે તેમનું વતન મક્કા દુશ્મનાવટનું લક્ષ્ય બની ગયું હતું.

તેમના સિદ્ધાંતોથી પ્રભાવિત મદીનાના નેતાઓના આમંત્રણને પગલે તેમણે હિજરતની ચળવળને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું હતું. તેમની વય 50થી વધુ વર્ષની હતી. ગ્રેગોરિયન કૅલેન્ડર મુજબ, હિજરા (હિજરત) 1,400 વર્ષ પહેલાં થઈ હતી.

નૃવંશશાસ્ત્રી અને સાઓ પાઉલો યુનિવર્સિટીના પ્રોફેસર તથા ‘હિજરા: ધ પિલગ્રિમેજ એક્સપીરિયન્સ’ પુસ્તકના લેખક ફ્રાન્સીરોસી કેમ્પોસ બાર્બોસા સમજાવે છે કે “મક્કામાં મુસ્લિમો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો. ત્યાં બહુ હિંસા, ઘણા વિવાદો થતા હતા અને વ્યાપક રોષ હતો. ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો તેવા લોકોનું એક જૂથ પયગંબર મહમદને એ જણાવવા ગયું હતું કે તેઓ તેમનું કામ ત્યાં કરી શકશે. એ મહત્ત્વનું હશે, કારણ કે યહૂદીઓ અને મૂર્તિપૂજક લોકો વચ્ચે વિવાદ ચાલતો હતો અને ત્યાંના મતભેદોના નિવારણ માટે પયગંબરનું આગમન મહત્ત્વનું હતું.”

ધર્મવિજ્ઞાની, સંશોધક તથા સાઓ પાઉલોની પોન્ટિફિકલ કૅથલિક યુનિવર્સિટીના શિક્ષક અને ‘ધ કૉન્સ્ટિટ્યૂશન ઑફ મદીના’ પુસ્તકના લેખક અટિલ્લા કુસ સમજાવે છે કે “સામાન્ય અર્થમાં હિજરા મુસ્લિમોનું મદીના શહેરમાં અને એબિસિનિયામાં, વધુ સ્પષ્ટ સમજીએ તો એરિટ્રિયા તથા ઇથોપિયાનું મિલન થાય છે તે સ્થળમાં સૌપ્રથમ સ્થળાંતર હતું.”

આ ઐતિહાસિક ઘટનાની ચોક્કસ તારીખ બાબતે અનેક કારણોસર મતભેદ છે. તે સમયની ગણતરી આજ કરતાં અલગ હતી. મોટા ભાગના વિશ્વમાં ગ્રેગોરિયન કૅલેન્ડરનો ઉપયોગ થાય છે, પરંતુ મુસ્લિમો ચંદ્ર આધારિત કૅલેન્ડરનો ઉપયોગ કરે છે અને તેઓ હિજરાને પ્રારંભનો સમય ગણે છે.

ગ્રેગોરિયન કૅલેન્ડરનો ઉપયોગ બહુ થોડા સમય પહેલાં, 440 વર્ષ પહેલાં શરૂ થયો હતો અને તે પહેલાં સમયની ગણતરીમાંની ખામીઓને સુધારવા સમયાંતરે એટલું બધું સમાયોજન કરવામાં આવ્યું હતું કે ચોક્કસ અપડેટ કરવાનું બહુ મુશ્કેલ બની જાય છે.

કુસ કહે છે કે “એ ઉપરાંત ઘટનાઓ મૌખિક રીતે બયાન કરવામાં આવી હતી. તેથી કેટલાક એક તારીખ કહે છે, જ્યારે અન્યો બીજી તારીખ જણાવે છે.”

ઘણા લોકો એવું માને છે કે હિજરા 622ની 21 જૂને શરૂ થઈ હતી, બીજી તરફ કેટલાક લોકો તે 15 કે 16 જુલાઈએ કે સપ્ટેમ્બરની કોઈ અન્ય તારીખે શરૂ થયાનું જણાવે છે.

મુસ્લિમ કૅલેન્ડર મુજબ, હિજરાની ઘટના 1,444 વર્ષ પહેલાં બની હતી. આ કૅલેન્ડરમાં ગત વર્ષ 2021ની 10 ઑગસ્ટે શરૂ થયું હતું અને 2022ની 28 જુલાઈએ પૂર્ણ થયું હતું.

હિજરાનો અર્થ

હિજરા શબ્દનો અર્થ થાય છે વિચ્છેદ, અલગતા. કુસ કહે છે કે “પોતાની જાતને કેટલીક વ્યક્તિથી, અમુક વસ્તુથી, અમુક સ્થળેથી દૂર કરવી તે હિજરા. ઇસ્લામના ઉત્તમ ગ્રંથો અને પયગંબર મહમદનાં કથનોમાં હિજરા શબ્દનો ઉપયોગ ખરાબ બાબતોથી દૂર રહેવું એવા અર્થમાં કરવામાં આવ્યો છે. દુષ્ટ તથા અન્યાયી સમાજને તેમાં ખરાબ બાબત ગણવામાં આવ્યો છે. હિજરા એટલે માત્ર શરીરનું ભૌતિક સ્થળાંતર જ નહીં, પરંતુ તેનો એક આધ્યાત્મિક અર્થ પણ છે. ઇસ્લામમાં સાચો સ્થળાંતરી એ છે જે, અલ્લાહ દ્વારા પ્રતિબંધિત બાબત છે, પાપ છે, તેનાથી દૂર રહે છે.”

કુસ સંદર્ભ સમજાવતાં કહે છે કે એ અર્થમાં “હિજરા થઈ ત્યારે ભિન્ન મત ધરાવતા એક અનુચિત, અસમાન સમાજને ઉખેડી ફેંકવામાં આવ્યો હતો.”

રસપ્રદ વાત એ છે કે પરદેશગમન(ઇમિગ્રેશન)નો મુદ્દો ઘણા ધર્મમાં મૂળભૂત છે. મુસા તેમના ઘણા લોકોને ઇજિપ્તમાંથી મુક્ત કરીને ઉત્તમ દેશમાં લઈ ગયા હશે. ઇસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થયો હતો, કારણ કે એ વખતે ત્યાંની વસ્તીગણતરીમાં નોંધ કરાવવાનું જોસેફ માટે જરૂરી હતું અને ઇસુ પોતે પુખ્ત જીવનમાં ઉપદેશક બન્યા હતા.

બૌદ્ધ ધર્મના પિતામહ સિદ્ધાર્થ ગૌતમના કિસ્સામાં પણ આવું જ બન્યું હતું. તેઓ 29 વર્ષની વયે મહેલનું જીવન ત્યાગીને જીવનનો અર્થ પામવા નીકળી પડ્યા હતા.

નૃવંશશાસ્ત્રી ફ્રાન્સીરોઝી બાર્બોસા કહે છે કે, “વિવિધ ધર્મો વચ્ચેની ઘણી સમાનતા હોવાનું જાણીને મને આશ્ચર્ય થાય છે. બધા દમન થતું હોય એવાં સ્થળો ત્યાગીને વ્યક્તિ ધાર્મિકતા અને આધ્યાત્મિકતા સાથેનું શ્રેષ્ઠ જીવન જીવી શકે તેવા સ્થળે ગયા હતા.”

તેમણે ઉમેર્યું હતું કે, “આ બધું એવું છે કે જાણે ભગવાન પીડિત લોકોને સંકેત આપતા હોય કે અન્ય સ્થળે મુક્તિની સંભાવના છે, જ્યાં લોકો તેમના ધર્મને મુક્ત રીતે અનુસરી શકે છે. બધા ધાર્મિક અનુભવોમાં, પવિત્ર ગ્રંથોમાં આવું જોવા મળે છે. તેથી ઇસ્લામનો એક પાયો કુરાન પહેલાંના તોરાહ, ધ સામ્ઝ ઑફ ડેવિડ, ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ વગેરે જેવા પવિત્ર ગ્રંથોમાંની શ્રદ્ધામાં પણ છે. તેનું કારણ એ છે કે આ ગ્રંથોમાં પણ કહેવી જરૂરી હોય એવી મહત્ત્વની વાતોનો સંદર્ભ છે.”

સંશોધક કુસના જણાવ્યા મુજબ, મહમદની હિજરતની ચળવળ “ઇસ્લામી સંસ્કૃતિ તથા સભ્યતાના, ઇસ્લામી સમાજના પ્રારંભિક બિંદુનું પ્રતિનિધિત્વ કરે છે. અલગ-અલગ ઓળખ સંબંધે કામ કરવાનું હોય ત્યારે હિજરા એકેશ્વરવાદ અને બહુદેવવાદ વચ્ચેના તફાવતનો આધાર બને છે અને તે એકેશ્વરવાદમાં પણ ઇસ્લામને યહૂદી તથા ખ્રિસ્તી ધર્મથી અલગ પાડે છે.”

મદીના ત્યારે યાત્રેબ નામે ઓળખાતું હતું. કુસના જણાવ્યા મુજબ, મુસ્લિમોએ સૌપ્રથમ મદીનામાં પોતાની આગવી ઓળખ સ્થાપી હતી અને તે ઇસ્લામી સંસ્કૃતિની શરૂઆત હતી.

કુસ કહે છે કે, “સામાજિક ઉપદેશના વિચારનો પ્રારંભ કુરાનના લખાણથી થાય છે. તેમાં સામાજિક આદર્શનું વલણ સ્થાપિત કરે છે. મુસ્લિમોએ પરિવાર સાથે, અન્યો સાથે કેવું વર્તન કરવું જોઈએ, વેપારીનું, ખેડૂતનું વલણ કેવું હોવું જોઈએ અને ઇસ્લામિક સિદ્ધાંત અનુસારની સરકાર કેવી હોવી જોઈએ એ વિશે તેમાં જણાવવામાં આવ્યું છે.”

ઇસ્લામનું આદર્શ શહેર મદીના

એ સમયે વિદ્વાનો માટે મદીના ઇસ્લામનું આદર્શ નગર બની ગયું હતું. કુસ કહે છે કે “તે સદાચારી શહેરનો આદર્શ હતું, જેમાં કોઈની સાથે અન્યાય થતો ન હતો.”

બાર્બોસા સમજાવે છે કે એ સમયે કુરાન લખવાની પ્રક્રિયા ચાલુ હતી. તે દર્શાવે છે કે મદીનામાંના સુરા (કુરાનના પ્રકરણ) મક્કામાં પ્રકાશિત સુરા કરતાં અલગ છે. “મક્કામાં પ્રકાશિત સુરાઓમાં ‘ઓ લોકો’, ‘ઓ માનવો’ જેવી અભિવ્યક્તિ હોય છે, જ્યારે મદીનામાં ‘આસ્તિકોને’ સંબોધવામાં આવે છે, કારણ કે ત્યાં અલ્લાહ પહેલેથી જ શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કરતા હતા. મદીનામાં બધા મુસ્લિમ જ હતા,” એમ બાર્બોસા કહે છે.

મદીનામાં મહમદે સરકારની રચના માટે ઇસ્લામી સિદ્ધાંતો સાથેનું બંધારણ સ્થાપિત કર્યું હતું. “તેથી હિજરા સંપૂર્ણ ઇસ્લામી સમાજનું પ્રવેશ-સ્થાન છે,” એમ બાર્બોસા જણાવે છે.

તેમાં વાર્ષિક ઉપવાસ, પ્રાર્થના તેમજ દરેક મુસ્લિમની આવક પર આધારિત વાર્ષિક યોગદાનના નિયમો સ્થાપિત કરવામાં આવ્યા હતા.

બાર્બોસા કહે છે કે, “તે નિયમોનો અમલ કરવામાં આવ્યો હતો અને તેણે એક સૂત્રનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એ પૈકીની કેટલીક બાબતો મક્કામાં પહેલેથી જ અમલમાં હતી, પરંતુ આજની માફક ધાર્મિક માળખામાં ન હતી. મદીનામાં ધર્મપાલનની પ્રથાની રચના કરવામાં આવી હતી.”

આ વિષયના વિદ્વાન કુસ માને છે કે મદીનાના મૂળ સમાજમાં લોકશાહીના સિદ્ધાંતો પ્રગટ સ્વરૂપે જોવા મળતા હતા. “મારી દૃષ્ટિએ હિજરા પણ તેનું, ઇસ્લામ અને લોકશાહી વચ્ચેના સંબંધનું પ્રતીક છે. બહુ મજબૂત સંબંધ હતો. મદીનાના બંધારણ પર એ સમયના બહુદેવવાદી ખ્રિસ્તીઓ, યહુદીઓ, મુસ્લિમો અને આરબોએ હસ્તાક્ષર કર્યા હતા.”

તે લખાણ 622થી 624નાં વર્ષો દરમિયાન આકાર પામ્યું હતું અને કુસના સંશોધનના તારણ મુજબ, તે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મજબૂત પ્રારંભ હતો અને આરબ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સૌપ્રથમવાર રાજકીય સંધાન જોવા મળ્યું હતું.

તેઓ કહે છે કે, “આ અર્થમાં હિજરાને અન્યોના સ્વાતંત્ર્ય પર તરાપ માર્યા વિના મુક્તિની શોધ પ્રત્યેના રાજકીય તથા લોકશાહી આદરની પુષ્ટિ ગણી શકાય. સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા જેવું કામ, જેથી લોકોને ખાતરીપૂર્વકની સ્વતંત્રતા મળે.”

હિજરાની મુસ્લિમ કૅલેન્ડરના પ્રારંભ બિંદુ તરીકેની સમજ, મહમદના બીજા અનુગામી, બીજા ખલીફાએ કરેલું કામ છે.

ઉમર ઇબ્ન અલ્કાતાબ(586-644)એ મુસ્લિમોનું નેતૃત્વ 634થી 644 સુધી કર્યું હતું. તેમણે ધર્મના સ્થાપકના મૃત્યુનાં સાત વર્ષ પછી ઇસ્લામી કૅલેન્ડરની રચના કરી હતી.

કુસ કહે છે કે, “પ્રાચીન આરબ સમાજમાં કોઈ નિશ્ચિત કૅલેન્ડર ન હતું. વ્યવસ્થિત નોંધ ન હોવાને કારણે તારીખોમાં હંમેશાં ગડબડ થતી હતી. આ ગૂંચવાડો ટાળવા માટે ખલીફાએ હિજરાથી શરૂ થતા કૅલેન્ડરને વ્યવસ્થિત ઘાટ આપ્યો હતો.”