મહારાષ્ટ્ર રાજકીય સંકટ: ઉદ્ધવ ઠાકરેનો સમય પૂર્ણ, એકનાથ શિંદે ભાજપ સાથે મળી સરકાર બનાવશે- રામદાસ આઠવલે

એકનાથ શિંદે અને શિવસેનાના ધારાસભ્યોએ પાર્ટી સામે કરેલી બગાવતનો આજે ચોથો દિવસ છે. ગત ત્રણ દિવસથી મુંબઈ, સુરત અને ગૌહાટીમાં અનેક ઘટનાઓ ઘટી છે.

એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની પાસે શિવસેનાના 46 ધારાસભ્યો છે અને કેટલાક અપક્ષ છે, ત્યારે બીજી બાજુ સરકાર આના પર વિચાર કરવા લાગી છે કે શું ધારાસભ્યોની સામે કોઈ કાર્યવાહી કરી શકાય કે કેમ.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર આજે આ ધારાસભ્યોની સંખ્યા 50 થઈ શકે છે.

કેન્દ્રીયમંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલાં રાજકીય ગજગ્રાહ વચ્ચે નિવેદન આપ્યું હતું.

તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનો સમય પૂર્ણ થઈ ગયો છે. મોટા ભાગના ધારાસભ્યો એકનાથ શિંદે સાથે છે અને તેઓ ભાજપ સાથે મળીને સરકાર બનાવશે.

મહારાષ્ટ્રના ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું, "ભાજપ સરકાર પાડવાના પ્રયાસો કરી રહ્યો નથી. આ શિવસેનાની આંતરિક બાબત છે. ભાજપ હાલ રાહ જોઈને સ્થિતિની સમીક્ષા કરી રહ્યો છે."

મુંબઈ આવશે ત્યારે બાલાસાહેબ પ્રત્યે તેમની 'ભક્તિ'ની પરીક્ષા થશે – સંજય રાઉત

એક પત્રકારે સંજય રાઉતને પૂછ્યું કે એકનાથ શિંદેએ કહ્યું કે બહુમતીનો આંકડો તેમના પક્ષમાં છે. આના પર તમારો શો મત છે?

સંજય રાઉતે આનો જવાબ આપતા કહ્યું, "આ કાયદાની લડાઈ છે, કેટલાક નિયમ છે, સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓ છે. જોઈએ શું થાય છે. તેમણે નિર્ણય કર્યો છે. બહુમતી માત્ર ચર્ચા માટે છે, જ્યારે તેઓ મુંબઈ આવશે ત્યારે બાલાસાહેબ પ્રત્યે તેમની ભક્તિની પરીક્ષા થશે."

હાલ મહારાષ્ટ્રના લોકો વિચાર કરી રહ્યા છે કે હવે આગળ શું થશે, આ સરકાર ચાલશે કે નહીં અને નવી બનશે તો કોની બનશે?

એકનાથ શિંદે નેતા તરીકે

એકનાથ શિંદેને ગુરુવાર 23 જૂન, 2022ના રોજ ગૌહાટીની રેડિશન બ્લૂ હોટલમાંથી એક વખત ફરીથી વિધાનસભામાં પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શિંદેના કાર્યાલયથી કેટલીક તસવીરો અને વીડિયો જાહેર કરીને જાણકારી આપવામાં આવી હતી.

એકનાથ શિંદેએ ટ્વિટ કરીને કહ્યું, "12 ધારાસભ્યોની સામે કાર્યવાહીની અરજી આપીને તમે મને ડરાવી નહીં શકો, કારણ કે અમે આદરણીય શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના સાચા શિવસૈનિક છીએ."

એકનાથ શિંદેએ સીધી રીતે ભાજપનું નામ લીધું ન હતું પરંતુ કહ્યું કે પરોક્ષ રીતે એક રાષ્ટ્રીય પક્ષ તેમનું સમર્થન કરી રહ્યો છે.

શરદ પવારે કરી ભાજપની ટીકા

એનસીપી અધ્યક્ષ શરદ પવારે વિદ્રોહમાં એકનાથ શિંદેનું સમર્થન કરવા માટે પરોક્ષ રીતે ભાજપની ટીકા કરી છે.

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, "એકનાથ શિંદેના વીડિયોમાં ઉલ્લેખ છે કે તેમને એક રાષ્ટ્રીય પાર્ટીનું સમર્થન પ્રાપ્ત છે. એ કહેવાની જરૂર નથી કે શિંદેની સાથે કંઈ રાષ્ટ્રીય પાર્ટી છે. ભાજપ, બસપા, કૉંગ્રેસ, સપા, ભાકપા, સીપીએમ, એનસીપી અધિકૃત રાષ્ટ્રીય પક્ષ છે. એટલે આ કહેવાની જરૂરિયાત નથી કે આમાં કોણ સામેલ છે."

તેમણે કહ્યું, "જો ધારાસભ્ય પરત ફરશે તો એ વાત સ્પષ્ટ થશે. મને વિશ્વાસ છે કે તમામ ધારાસભ્ય પરત આવશે. પછી ગૌહાટી જવાનું કારણ સામે આવશે. બાગીઓને અહીં વિધાનસભા પરિસરમાં આવવું પડશે. વિધાનસભામાં એક લડાઈ છે તમારે લડવી પડશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો