રાજકોટ : એ 'અકસ્માત' જેમાં એક પતિએ પત્ની, એના પ્રેમી અને પુત્ર પર ટ્રક ચલાવી દીધી, ટ્રિપલ મર્ડરની ચોંકાવનારી ઘટના

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

રાજકોટ શહેરમાં આજી ડૅમ ચોકડી પાસે એક પૂરપાટ દોડતી ટ્રકે એક્ટિવાને અડફેટે લેતાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જોકે, બાદમાં આ અકસ્માત ત્રિપલ મર્ડર હોવાનો દાવો કરાયો હતો.

બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર અકસ્માતની ઘટના મામલે પોલીસે તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડર હોવાનો ખુલાસો થયો છે.

આરોપીએ અકસ્માત સર્જી ત્રણ લોકોની હત્યા કરી હોવાની વાત પોલીસતપાસમાં સામે આવી છે. આ ઘટના 22 ઑક્ટોબર, રવિવારના રોજ બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર એક પતિએ પોતાની પત્ની અને એના પ્રેમીની હત્યા કરવાનો કારસો ઘડ્યો હતો અને એના પગલે આ 'અકસ્માત' કર્યો હતો.

આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. મૃતદેહને સિવિલ હૉસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?

ઘટનાની વિગત એવી છે કે પ્રવીણ દાફડા નામના આરોપીએ ઍક્ટિવા સ્કૂટર પર જઈ રહેલાં તેમનાં પત્ની, પુત્ર અને અન્ય એક પુરુષ પર ટ્રક ચલાવી દીધી હતી.

આ ઘટનામાં આરોપીનાં પત્ની પારુલ દાફડા, એમનો દસ વર્ષનો પુત્ર પ્રદીપ અને નવનીત વરૂ નામના એક પુરુષનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

પોલીસ એફઆઈઆરમાં કરાયેલી નોંધ અનુસાર પારુલ અને નવનીત વચ્ચે પ્રેમસંબંધ હતો, જે પ્રવીણને મંજૂર નહોતું. આને પગલે બન્ને વચ્ચે સતત ઝઘડાઓ પણ થતા હતા.

મૃતક પારુલ છેલ્લા કેટલાક સમયથી પોતાના પુત્ર સાથે નવનીતના ઘરે જ રહેતાં હતાં, જેને પગલે નવનીત અને પ્રવીણ વચ્ચે પણ બોલાચાલી પણ થઈ હતી.

એફઆઇઆર પ્રમાણે આરોપી પ્રવીણને આ પ્રેમસંબંધ મંજૂર ન હોઈ તેણે પોતાની ટ્રકને ઍક્ટિવા પર જઈ રહેલાં પારૂલ, નવનીત અને પોતાના પ્રદીપ સાથે અથડાવી દીધી હતી. આ ઘટનામાં પ્રદીપનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન પારુલ અને નવનીતનાં મૃત્યુ થયાં હતાં.

અહીં ઉલ્લેખનીય છે કે મૃતક નવનીતના પણ લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા હતા અને તેમને એક સંતાન પણ છે.

પોલીસે શું કહ્યું?

પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે મૃતક મહિલા અને પુરુષ કૅટરિંગનું કામ કરતાં હતાં.

સમગ્ર મામલે રાજકોટ(પૂર્વ)ના એસીપી બી.વી. જાધવે બિપીન ટંકારિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ અકસ્માત નહીં પરંતુ ટ્રિપલ મર્ડર છે એમ તપાસમાં સામે આવ્યું છે. જેમાં પારુલ નામની મૃતક મહિલાને નવનીત રામજીભાઈ વરૂ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી આ મામલે પારુલના પતિ સાથે માથાકૂટ ચાલતી હતી. જેને લઈને એના પતિએ જ હત્યા કરવાના ઈરાદે ટ્રકને ઍક્ટિવા પર ચડાવી દીધી હતી અને પત્ની પારુલ, તેના પ્રેમી નવનીત અને પોતાના 10 વર્ષના બાળકની હત્યા કરી હતી.”

તેમણે ઉમેર્યું, "આ ઘટનાના થોડા દિવસ પહેલાં પારુલબહેને હેલ્પલાઇન 181 પર ફોન કરી તેમના પતિની ફરિયાદ કરી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલા તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે હું રાજીખુશીથી મારા પ્રેમી સાથે રહેવા માગું છું."

આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 302 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક નવનીતના ભાઈ હિતેશ વરૂએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.