બે ભાઈ સોનાના દાગીના ચોરીને રાત્રે જમીનમાં દાટી દેતા, પછી માતા બૅન્કમાં ડિપૉઝિટ કરી દેતાં, કેવી રીતે પડકાઈ મા-દીકરાઓની ગૅન્ગ?

તમે એવી કલ્પના કરી શકો કે મા-દીકરાઓની એક ટોળકી ત્રણ વર્ષથી ઘરેણાંઓની ચોરી કરી રહી હોય અને છતાં પણ કોઈ એને પકડી ન શકે?

આવો જ એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. તામિલનાડુના મદુરાઈના અનેક વિસ્તારોમાં એક ટોળકી ત્રણ વર્ષથી એવા ઘરને નિશાન બનાવી રહી હતી કે જેના દરવાજા રાત્રે ખુલ્લા રહેતા હોય. આ સંબંધિત અનેક ફરિયાદો પોલીસને મળી હતી.

ફરિયાદને પગલે પોલીસે વાહનોની તલાશી લેતાં ટુ-વ્હીલર પર સવાર એ બે લોકોને ઝડપ્યા હતા જેઓ ચોરી માટે હથિયાર અને બીજો સામાન લઇને જઈ રહ્યા હતા. ત્યારબાદ તેમના ઘરની તલાશી લેતાં ઘરની આજુબાજુ ખોદકામ કરવાથી સોનાનાં ઘરેણાં મળી આવ્યાં હતાં.

પોલીસે સોનાનાં કુલ 180 આભૂષણો અને 9 લાખ રૂપિયા રોકડાની રોકડ જપ્ત કર્યાં અને એ મામલામાં એક મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી.

આ ટોળકીને પોલીસે કેવી રીતે પકડી? આ અંગે જિલ્લા પોલીસ શું કહે છે?

કઈ રીતે કરતા હતા ચોરી?

છેલ્લાં ત્રણ વર્ષથી મદુરાઈના સિલ્લામન, તિરૂમંગલમ, કરુપ્પાયુરાની જેવા વિસ્તારોમાં એક ટોળકી ઘરનો દરવાજો ખુલ્લો રાખીને ઊંઘવાની આદત ધરાવતા લોકોનાં ખરે ખાતર પાડી રહી હતી.

આ મામલે પોલીસને મળેલી ફરિયાદોને આધારે જિલ્લા એસપીના આદેશ અનુસાર એક વિશેષ ટુકડીની રચના કરવામાં આવી હતી અને ચોરોની તલાશ શરૂ કરવામાં આવી હતી.

બે અઠવાડિયાં પહેલાં પોલીસને સિલ્લામન વિસ્તારમાં એક ઘરમાંથી આભૂષણો ચોરી થયાં હોવાની ફરિયાદ મળી હતી. ત્યારબાદ આ વિશેષ ટુકડીએ ઘણી સઘનતાથી અભિયાન ચલાવ્યું હતું. ત્યારે જ પોલીસને ગુપ્ત સૂચના મળી હતી કે કલમેડુ વિસ્તારમાં લૂંટારુંઓની એક ટોળકી ફરી રહી છે.

એ માહિતીના આધારે પોલીસ ત્યાંથી પસાર થઈ રહેલાં વાહનોને ચેક કરી રહી હતી અને એમાં જ એક વાહનમાં હથિયારો, માસ્ક વગેરે ચીજો મળી આવી.

આગળ તપાસ કરતા તેમણે આરોપીઓએ સ્વીકાર્યું કે પોતાના ભાઈ પોન્નુચામી અને મા અસૈબ પોન્નુ સાથે એ ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમયથી આ વિસ્તારોમાં રાતે ખુલ્લા દરવાજા રાખીને ઊંઘતા લોકોનાં ઘરોમાં ચોરી કરતો હતો.

પોલીસે ચારેય લોકોને ઝડપી લીધા અને તેમના ઘરની તલાશી લીધી. પોલીસને મળેલી જાણકારી અનુસાર તેમના ઘરની આજુબાજુ જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ચોરી કરવામાં આવેલાં ઘરેણાં ઘણી જગ્યાએ દાટવામાં આવ્યાં છે. પોલીસે ઘરેણાં અને પૈસા જપ્ત કર્યાં છે અને ચારેય લોકોને મદુરાઈ સૅન્ટ્રલ જેલમાં બંધ કરી દેવામાં આવ્યાં છે.

લૂંટારુઓ એક જ પરિવારના છે. આમાંથી બે યુવકોએ ઘરેણાં લૂંટ્યાં હતાં અને તેણે તેના ભાઇને અને માતાના ઘરની ચારે તરફ છુપાવવાં માટે આપી દીધાં હતાં. 30થી વધારે ઘરેણાં તો તેમણે બૅન્કોમાં જમા કરાવી દિધા હતા. તેની રસીદો પણ તેમના ઘરેથી મળી આવી હતી.

પોલીસ દ્વારા આ રસીદોને પણ જપ્ત કરાઈ છે. પોલીસે બીબીસીને જણાવ્યું છે કે તેઓ બૅન્કમાં જમા કરવામાં આવેલાં આભૂષણોને પરત મેળવવા માટે કાયદાકીય રીતે પ્રયત્ન કરી કરી હી છે.

કેટલાં ઘરેણાં મળ્યાં?

મદુરાઈના એસપી શિવપ્રસાદે કરુપાયુરાની પોલીસ સ્ટેશનમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, “આ ચોરી છેલ્લાં ત્રણ વર્ષથી, સતત થઈ રહી હતી. માત્ર આ વર્ષની જ વાત કરીએ તો સિલ્લામન, કરુપાયુરાની અને તેની આસપાસના વિસ્તારોમાં 12થી વધુ મામલા સામે આવ્યા છે.”

આ તપાસ માટે ઓમચિકુલમના ડીએસપી કૃષ્ણનના નેતૃત્વમાં એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું અને આ ટીમ છેલ્લાં ત્રણ વર્ષથી આ અપરાધમાં સામેલ શંકાસ્પદ લોકો પર નજર રાખી રહી હતી.

પોલીસને મળેલી જાણકારીના આધારે ઇલામાનૂરના ચિન્નાસ્વામી અને સોનામીને વાહનતલાશી દરમિયાન પકડી લેવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તેના ભાઈ કરુપ્પાસામી અને મા અસાઈ પોન્નૂની ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય લોકો એક જ પરિવારના છે.

તેમના ઘરની આસપાસ સોનાનાં દાટેલાં 180 ઘરેણાં અને 9 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યાં છે. 2021માં નોંધાયેલી 7 ફરિયાદ, 2022માં નોંધાયેલી 5 ફરિયાદ અને 2023માં નોંધાયેલી 12 ફરિયાદો સહિત કુલ 30 જેટલી ફરિયાદોમાં તેમને આરોપી બનાવવામાં આવ્યાં છે.

બાકીના પૈસા ક્યાં ગયા?

આ ટોળકી દ્વારા 240થી વધુ ઘરેણાંની ચોરી કરવામાં આવી છે તેમાંથી માત્ર 180 જ હજુ સુધી મળી આવ્યાં છે.

આ સાથે જ કુલ 16 લાખથી વધુ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી, જેમાંથી હજુ 9 લાખ રૂપિયા જ જપ્ત કરવામાં આવ્યા છે. તેમણે આ આભૂષણો અને પૈસાથી કાર અને ઘર ખરીદી લીધાં હતાં. એટલે બધું પાછું મેળવવામાં મુશ્કેલી આવી રહી છે.

ધરપકડ કરાયેલા લોકોનો કબજો મેળવીને પોલીસ આગળ તપાસ કરશે એટલે ખ્યાલ આવશે કે એ લોકો બીજા કેટલા અપરાધોમાં સંડોવાયેલા છે.