અમદાવાદ : મૉડલ બનાવવાનું કહીને બાંગ્લાદેશી યુવતીને કઈ રીતે દેહવેપારમાં ધકેલી દેવાઈ? ચોંકાવનારી કહાણી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મૉડલ બનાવવાનું કહીને ગેરકાયદે બાંગ્લાદેશથી મને ભારત લાવ્યા. હું અહીં નિરાધાર હતી એટલે મારી મજબૂરીનો લાભ ઉઠાવી મને પહેલા સ્પામાં અને પછી દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી.’

આ શબ્દો ગેરકાયદે બાંગ્લાદેશથી ગુજરાતમાં લાવવામાં આવેલ સલમાના છે.

એક સમયે અમદાવાદ દેહવ્યાપારનું કામ કરવા મજબૂર સલમા હવે પાંચ મહિનાથી સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવી રહ્યાં છે. મહિલાઓ માટે કામ કરતી એક સામાજિક સંસ્થાની મદદથી હવે એમને બાંગ્લાદેશ પરત મોકલી દેવાશે.

સલમાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “હું બાંગ્લાદેશમાં ગરીબ પરિવાર જન્મી. એક દિવસ ઇબ્રાહિમ નામનો માણસ મારા ઘરે આવ્યો હતો અને મારી માતાને કહ્યું કે ભારતમાં મૉડલિંગની ઊજળી તકો છે અને એ મને ભારત લઈ જઈ મૉડલિંગ દ્વારા પૈસા કમાવાની વાત કરી આપશે. હું તેની વાતોમાં આવી ગઈ અને એ મને ગેરકાયદે બંગાળના રસ્તે ભારત લઈ આવ્યો. એ બાદ કોલકાતાથી ટ્રેન મારફતે સુરતના ઊધના લાવ્યો.”

“અહીં મને મૉડલિંગના બદલે સ્પામાં કામ કરાવ્યું અને મારું નકલી આધારકાર્ડ પણ બનાવડાવ્યું. જોકે, મેં જ્યારે મૉડલિંગનું કામના કામ અંગે પૂછપરછ કરી તો મને માર પડ્યો અને કહેવામાં આવ્યું કે ભારત લાવવા માટે ખર્ચાયેલા 90 હજાર જમા કરાવવા પડશે. હું વિરોધ કરું તો એ લોકો મને ડરાવતા હતા કે ગેરકાયદે ભારત આવી હોવાથી મને પોલીસમાં પકડાવી દેવાશે. આમ ડરાવીને મને બળજબરીથી દેહવ્યાપારમાં ધકેલી દેવાઈ.”

તેઓ જણાવે છે કે, “મને અમદાવાદમાં દેહવેપારનો ધંધો કરાવાતો. નિષાદ ઉર્ફે પપ્પુ અમને ધમકી આપીને પૈસા ઊઘરાવતો હતો. તેનું પાંચ મહિના પહેલાં ખૂન થઈ ગયું એટલે મેં આ ધંધો બંધ કરી દીધો. હવે એક સામાજિક સંસ્થાની મદદથી મારું બાંગ્લાદેશ પરત જવાનું નક્કી થયું છે અને હવે હું આ ધંધો છોડીને બાંગ્લાદેશ પરત જઈશ.”

આ રેકેટમાં કોણ સંડોવાયેલું છે?

સલમાએ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં પાંચ મહિના પહેલાં દેહવેપાર કરતી મહિલાઓ પાસેથી પૈસા પડાવતી ગૅંગના આંતરિક ઝઘડામાં નિષાદ ઉર્ફે પપ્પુનું ખૂન થયું હતું. સુરતનો ઇબ્રાહિમ બાંગ્લાદેશથી મારાં જેવી ગરીબ દીકરીઓને અહીં લાવે છે. એનું સાચું નામ રાજ શેખ છે. ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ બનાવી અમને પહેલાં સ્પાના ધંધામાં નાખે છે અને પછી અમને દેહવેપારમાં ધકેલી દે છે.”

સુરતના પોલીસ કમિશનર અજય તોમરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “સુરતના પલસાણા અને ઊધના વિસ્તારમાં કેટલાક લોકો ગેરકાયદે રીતે બાંગ્લાદેશથી છોકરીઓને ગુજરાત લાવી પહેલાં સ્પા અને પછી સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો કરાવાતા હોવાની માહિતી અમને મળી હતી. એના આધારે અમે સ્પૅશિયલ ઑપરેશન ગ્રૂપની ટીમ દ્વારા આ તપાસ શરૂ કરી હતી.”

“તપાસના આધારે સૌપ્રથમ બાંગ્લાદેશી તારીક-ઉલ-મંડલ અને એની પત્ની બૉબી મંડલની સુરતના પુણા પાટિયા પાસેથી અટકાયત કરવામાં આવી હતી. બંને પાસેથી બાંગ્લાદેશી અને ભારતીય ઓળખપત્રો મળ્યાં હતાં. આ બંનેની ધરપકડ કરતાં ખબર પડી કે આ બંને ગેરકાયદે ભારત આવ્યાં હતાં. બંને સુરતના પલસાણા અને ઊધનામાં મકાન ભાડે રાખીને બે વર્ષથી દેહવિક્રયનો ધંધો કરતાં હતાં. બાંગ્લાદેશથી ગરીબ છોકરીઓને મૉડલ બનાવવાના નામે બંગાળ મારફતે ગેરકાયદે સુરત લાવતાં હતાં.”

તેઓ વધુ જણાવતા કહે છે કે, “આ લોકોનો બૉસ ઇબ્રાહિમ ઉર્ફે રાજ તોબિબ-ઉર-શેખ બાંગ્લાદેશથી 90 હજારમાં લોકોને ગેરકાયદે ભારત લાવતો હતો. ઇબ્રાહિમ ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ભાડે મકાન પણ અપાવતો હતો. એ બાંગ્લાદેશીઓ ભારતમાં આસાનીથી રહી શકે એ માટે અમદાવાદના સાહિદખાન મુસ્તફાખાનની મદદથી નકલી ભારતીય આધારકાર્ડ અને પાનકાર્ડ પણ બનાવી આપતો હતો. સ્પાની આડમાં દેહવેપાર કરતા લોકોને મહિલાઓ સપ્લાય કરી એ પૈસા કમાતો હતો.”

સુરત પોલીસ કમિશનર અજય તોમર કહે છે કે, “અમે જ્યારે મંડલના ઘરે દરોડો પાડ્યો ત્યારે સુમોના શેખ અને શરીફ કેહતું નામની બે મહિલા મળી આવી હતી. બાંગ્લાદેશથી ગેરકાયદે આવેલા માફીઝુર રહેમાન અને ફઝાક રબ્બી ઉપરાંત મુખ્ય ઍજન્ટ ઇબ્રાહિમ પણ ધરપકડ કરાઈ છે. આ લોકો પાસેથી બાંગ્લાદેશનાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ઓળખપત્રો, નિકાહનામાં સહિત કોવિડની રસીનાં સર્ટિફિકેટ ઉપરાંત બાંગ્લા બૅન્કનાં એટીએમ કાર્ડ પણ મળ્યાં છે. આ લોકોને નકલી ભારતીય આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી આપનાર સાહિદખાન નાસી છૂટ્યો હતો. પરંતુ સુરતથી પકડાયેલા આ લોકોના મોબાઇલ ફૉનની કોલ ડિટેઇલ્સના આધારે એની પણ ધરપકડ કરાઈ છે અને આગળની તપાસ ચાલી રહી છે.”

એક ખૂન થયું અને મામલો પ્રકાશમાં આવ્યો

અમદાવાદમાં દેહવિક્રયના ધંધામાં સંડોવાયેલી મહિલાઓ પાસેથી હરિલાલ નિષાદ ઉર્ફે પપ્પુ ખંડણી ઉઘરાવતો હતો. આ જ વિસ્તારમાં દેવાંશુ ચૌહાણ ઉર્ફે દેવો પણ આ જ કામ કરતો હતો. આ બંને વચ્ચે ઝઘડો થતાં દેવાના સાથીદારોએ પપ્પુની હત્યા કરી નાખી હતી. દેવો અને તેના સાથીદારો નાસતા ફરતા હતા જેમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. ચૈતન્ય માંડલિકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આ દેવાંશુ ચૌહાણ અને તેના સાથીદારોએ સનાથળ પાસે દેહવિક્રયનો ધંધો કરતી મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં તેમના હરીફ પપ્પુ ઉર્ફે હરિલાલ નિષાદનું ખૂન કરી નાખ્યું હતું. પાંચ મહિનાથી નાસતા ફરતા આ દેવાંશુ ચૌહાણ અને તેના બે સાથીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ચાલતા સ્પાના ઓઠા હેઠળ દેહવિક્રયનો ધંધો કરાવતા દુકાનમાલિકો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે.”

ગૃહરાજ્યમંત્રીએ શું કહ્યું?

માત્ર અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતમાં સ્પાના ઓઠા નીચે અનૈતિક દેહવ્યાપારની પ્રવૃત્તિ બંધ કરવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશો આપ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં સંઘવીએ જણાવ્યું, “17 ઑક્ટોબરે ગેરકાયદે સ્પા અને હોટલોમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તે બંધ કરવા માટે ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને વીડિયો કૉન્ફરન્સથી સૂચના આપવામાં આવી હતી. જેમાં 18 ઑક્ટોબરથી રાજ્યભરમાં આવાં સ્પા અને હોટલોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.”

તેમણે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં આ ડ્રાઇવમાં શંકાસ્પદ હોય તેવાં 851 સ્પા અને હોટલ ઉપર દરોડા પાડી 152 લોકો સામે 103 જેટલા ગુના દાખલ કરી, કુલ 105 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ અનૈતિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં 27 સ્પા અને હોટલનાં લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યાં છે.”