You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પિતાની આત્મહત્યાનો બદલો લેવા જ્યારે 'દીકરીએ 20 દિવસમાં પાંચ સાસરિયાઓને મારી નાખ્યાં', કેવી રીતે ભેદ ખૂલ્યો?
- લેેખક, નિતેશ રાઉત
- પદ, બીબીસી મરાઠી માટે
એક પછી એક પરિવારના સભ્યોમાં ઊલટી, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો અને વાળ ખરવા જેવાં લક્ષણો દેખાવા લાગ્યાં.પરિવારનાં પાંચ સભ્યો એક પછી એકબીમાર પડવા લાગ્યાં અને મૃત્યુ પામતાં ગયાં.
20 દિવસમાં પરિવારમાંથી એક જ રીતે બીમાર પડીને પાંચ સભ્યોનું મૃત્યુ થઈ ગયું અને ગામમાં ચકચાર મચી ગયો.
ગામના લોકો જ નહીં પણ પોલીસ પણ વિમાસણમાં પડી ગઈ કે એક જ રીતે પરિવારનાં પાંચ સભ્યો કેવી રીતે મૃત્યુ પામી શકે અને એ પણ આટલા ટૂંકા સમયગાળામાં.
આ કહાણી છે ગઢચિરૌલીનીં જ્યાં થયેલી હત્યાઓની ગૂંચ અંતે ઉકેલાઈ ગઈ છે. મહગાંવમાં એક જ પરિવારના પાંચ લોકોને ખોરાકમાં અને પાણીમાં ઝેર ભેળવીને મારી દેવામાં આવ્યા હતા અને આ હત્યાના દોષીઓ એ જ પરિવારની વહુ અને કાકી હોવાનું સામે આવ્યું છે.
લગભગ 20 દિવસની અંદર જ આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો.
ગઢચિરૌલીની અહેરી પોલીસે સંઘમિત્રા કુંભારે (વહુ) અને રોજા રામટેકે (કાકી)ની ધરપકડ કરી છે. જ્યારે બંનેને કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યાં ત્યારે કોર્ટે તેમને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
સંઘમિત્રા અને રોજાએ મળીને રોશન કુંભારે, શંકર કુંભારે, વિજયા કુંભારે, કોમલ દહગાંવકર અને આનંદ ઉરાડેની હત્યા કરી નાખી હતી.
રોશન કુંભારે સંઘમિત્રાના પતિ હતા, શંકર અને વિજયા તેમનાં સાસુ-સસરા હતાં જ્યારે કોમલ દહગાંવકર તેમનાં નણંદ હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહેરી તાલુકાના મહાગાંવમાં 20 દિવસમાં પાંચ લોકોનાં રહસ્યમય મૃત્યુને કારણે ડર ફેલાઈ ગયો હતો. પહેલાં પતિ-પત્ની, પછી વિવાહિત દીકરી, પછી કાકી અને પછી દીકરો. અંતે પોલીસ આખા મામલાનો ખુલાસો કરવામાં સફળ રહી અને તેની પાછળ નિર્મમ હત્યાનું ષડયંત્ર સામે આવ્યું.
20 દિવસ સુધી ઝેર આપ્યું
ગઢચિરૌલીના ઍડિશનલ પોલીસ ડાયરેક્ટર યતીશ દેશમુખે એ અંગે માહિતી આપી હતી કે પુત્રવધૂ અને કાકીની ગુનાહિત જોડીએ આ હત્યા કેવી રીતે કરી.
યતીશ દેશમુખે કહ્યું કે, "છેલ્લા 20 દિવસમાં અહેરી પોલીસ સ્ટેશનને મહાગાંવમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં રહસ્યમય મૃત્યુની માહિતી મળી હતી. ત્યારપછી અમે તરત જ તપાસ શરૂ કરી હતી."
છેલ્લા 20 દિવસમાં પરિવારના સભ્યોને અલગ-અલગ દિવસે ઝેર આપવામાં આવ્યું હતું. ઝેર આપ્યા પછી પાંચેયને હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ચંદ્રપુરની હૉસ્પિટલમાં બે લોકો મૃત્યુ પામ્યા જ્યારે ત્રણ લોકો નાગપુરની હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા."
પરિવારના ડ્રાઇવર રાકેશ મડાવી, વિજયા કુંભારેના મોટા પુત્ર સાગર અને તેમનાં બહેનનો દીકરો બંટી- એમ ત્રણેય લોકોની સારવાર હજુ ચાલુ છે અને તેમની હાલત સ્થિર છે.
દરેક પીડિતોમાં ઊલટી, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો અને વાળ ખરવા જેવાં લક્ષણો જોવાં મળ્યાં હતાં.
એટલા માટે જ આ દર્દીઓના મોતનું સાચું કારણ ડૉક્ટરોને પણ ખબર પડી ન હતી. જોકે, ચોથા અને પાંચમાં મોત પછી ડૉક્ટરોએ જોયું કે દરેકમાં સમાન લક્ષણો હતાં જે વિષક્તતાનો સંકેત આપતાં હતાં.
આ પરિવારની વહુ સંઘમિત્રા કુંભારેનું નિવેદન લેવામાં આવ્યું જેમાં તેમણે આપેલો જવાબ પણ સંદિગ્ધ હતો. પરિવારમાં માત્ર સંઘમિત્રા જ એકમાત્ર વ્યક્તિ હતી જેમાં કોઈ પ્રકારનાં લક્ષણો જોવાં મળ્યાં ન હતાં. એટલા માટે સંઘમિત્રાની પૂછપરછ કરવામાં આવી હતી.
તેની તપાસ કરતા જણાયું કે સંઘમિત્રા અને રોશન કુંભારેના કાકી રોજા રામટેકે બંનેએ અલગ-અલગ દિવસે પરિવારના સદસ્યોને ભોજનમાં ઝેર ભેળવીને આપી દીધું હતું જેના કારણે પાંચ લોકોનાં મૃત્યુ થયાં અને ત્રણ લોકો હજુ સારવાર હેઠળ છે.
પાંચ હત્યાઓ કેમ કરી?
આગળ તપાસમાં જાણવા મળ્યું કે સંઘમિત્રાના કહેવા પ્રમાણે તેમનાં સાસરિયાઓ તેમને પરેશાન કરી રહ્યાં હતાં.
સંઘમિત્રાએ એક વર્ષ પહેલાં પોતાના પરિવારની મરજીની વિરુદ્ધ જઈને રોશન કુંભારે સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારે સંઘમિત્રાના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. સંઘમિત્રાએ પોતાના પિતાની આત્મહત્યા અને સાસરિયાઓના ત્રાસનો બદલો લેવા માટે આ હત્યા કરી હોવાનું મનાય છે.
મામલામાં બીજી આરોપી રોજા રામટેકે છે. રોજા એ રોશન કુંભારેનાં કાકી છે. રોજા અને કુંભારે પરિવાર વચ્ચે જમીનના મામલે વિવાદ થયો હતો. હત્યામાં રોજા રામટેકે સામેલ હોવા પાછળનું કારણ એ હતું કે જો કુંભારે પરિવારને ખતમ કરી દેવામાં આવે તો જમીનનો ભાગ આપવાની જરૂર જ નહીં પડે.
સંઘમિત્રા અને રોજા બંનેએ હત્યાનું ષડયંત્ર રચ્યું અને રાજ્યની બહારથી ઝેર લાવીને પરિવારના સદસ્યોને અલગ-અલગ દિવસે ઝેર આપ્યું. જેના કારણે પાંચ લોકોનું મૃત્યુ થઈ ગયું.
હવે સંઘમિત્રા અને રોજાને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે અને પોલીસ આગળની તપાસ કરી રહી છે.