સંપત્તિ લૂંટીને યુવતીઓની હત્યાના આરોપી 'દુપટ્ટા કિલર'ની દાસ્તાન

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્ષ 2009માં ગોવા પોલીસે મહિલાનું ગળું દબાવીને હત્યા કરવાના આરોપસર મહાનંદ નાઇકની ધરપકડ કરી એ પછી ચોંકાવનારા ખુલાસા થયા.

એક પછી એક 16 મહિલાની હત્યાનો રેલો આરોપી સુધી પહોંચતો હતો. 1994થી 2009 દરમિયાન આ હત્યાઓને અંજામ આપ્યો હતો.

શ્રેણીબદ્ધ હત્યાના આરોપી નાઇકનું જીવન થ્રિલર વેબસિરીઝથી કમ ન હતું. તાજેતરમાં એક ઓટીટી પ્લૅટફૉર્મ પર આવેલી વેબસિરીઝ અને મહાનંદના જીવનમાં ઘણી સમાનતા જોવા મળે છે.

આ ખુલાસાથી પર્યટકો માટે વિખ્યાત ગોવામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. મીડિયામાં 'દુપટ્ટા કિલર' તરીકે ચર્ચિત બનેલો મહાનંદ નાઇક યુવતીઓને લગ્ન માટે તૈયાર કરતો અને તેની હત્યા કરી નાખતો.

તાજેતરમાં તેને અદાલત દ્વારા ફર્લો આપવામાં આવી છે, જેના કારણે ફરી એક વખત આ પ્રકરણ ચર્ચામાં આવી ગયું છે.

પહેલો શિકાર, પત્નીની બહેનપણી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મહાનંદ રિક્ષાચાલક તરીકે કામ કરતો. વર્ષ 1995 આસપાસ તેનો પહેલો શિકાર તેનાં પત્નીનાં બહેનપણી ગુલાબી ગાંવકર હતાં.

ગુલાબીની ઉંમર 30 વર્ષ આસપાસ હતી. તે સિલાઈકામ કરતાં હતાં અને માથું છૂંદીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે તેને મળવા માટે એક દાઢીધારી શખ્સ વારંવાર આવતો હતો. આ શંકાને આધારે પોલીસે મહાનંદની અટકાયત કરી હતી.

મહાનંદે દાવો કર્યો કે જ્યારે હત્યા થઈ, ત્યારે તે સ્ટૅન્ડ પર જ હતો. અન્ય રિક્ષાચાલકોએ આ વાતની પુષ્ટિ કરી એટલે મહાનંદનો આબાદ બચાવ થયો. સીસીટીવી કૅમેરાનું એટલું ચલણ ન હોવાથી પોલીસ પાસે જરૂરી પુરાવા ન હતા અને તેને છોડી મૂક્યો, પરંતુ આના કારણે તેની હિંમત ખૂલી ગઈ. આવનારાં 15 વર્ષ દરમિયાન તેણે વધુ 15 જેટલી હત્યાઓ કરી.

દહાડ, દુપટ્ટો અને યુવતી

એમેઝોન પ્રાઇમ પર રજૂ થયેલી વેબસિરીઝ 'દહાડ'ની કહાણી મુજબ સિરિયલ કિલર એક પછી એક 27 યુવતીઓને પોતાની જાળમાં ફસે છે. ઉંમરલાયક પરંતુ દહેજ ન આપી શકે તેવા પરિવારની છોકરીઓને પોતાની જાળમાં ફસે.

તેમની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેમનું જાતીય શોષણ કરે છે અને તેમનાં દાગીના, મોબાઇલ અને પૈસા લૂંટી લે છે. ત્યારબાદ સાઇનાઇડ નામનું અતિઘાતક ઝેર આપીને તેમની હત્યા કરી નાખે.

કંઈક આવી જ દાસ્તાન મહાનંદની હતી. પણજીમથી 40 કિલોમીટરના હદવિસ્તારમાં પોંદા, શિરોદા, મારગો અને બિચોલીમાં બસસ્ટેશન, ઔદ્યોગિક વસાહતો અને બજારમાં એવી યુવતીઓની શોધ કરતો જેની લગ્નની ઉંમર થઈ ગઈ હોય, દહેજ આપી શકે તેમ ન હોય અને યોગ્ય મુરતિયો મળવાની શક્યતા બહુ થોડી હોય.

જો મહિલાનું નામ ગુલાબી હોય તો ગોવિંદ તરીકે અને યોગિતા હોય તો યોગેશ તરીકે પોતાની ઓળખ આપતો. તેમની સાથે નિકટતા કેળવતો અને મોટા ભાગે પોતાની ઓળખ વેપારી તરીકે આપતો.

તે મહિલાઓ સાથે ખેતરમાં, જંગલમાં, ગેસ્ટહાઉસમાં, હોટલમાં કે પોતાના ઘરમાં પણ શારીરિક સંબંધ બાંધતો. એક વખત વિશ્વાસ કેળવાઈ જાય એટલે યુવતીને સારી રીતે તૈયાર થઈને આવવા માટે કહેતો, જેથી કરીને પરિવાર સાથે મુલાકાત કરાવી શકાય.

એક તબક્કે તે મહિલાઓની હત્યા તેમના જ દુપટ્ટાથી કરી નાખતો. એટલે તે 'દુપટ્ટા કિલર' તરીકે મીડિયામાં ચર્ચિત બન્યો. આ પછી મહાનંદ પત્ની બીમાર છે એવું બહાનું કરીને મૃતકનાં ઘરેણાં વેચી દેતો. રોકડ પોતાની પાસે રાખી લેતો અને સીમકાર્ડને તોડી નાખતો હતો, જેથી કરીને તેનું પગેરું દાબી ન શકાય.

'દહાડ'માં મૃતકના પરિવારજનો આર્થિક રીતે સંપન્ન કે પહોંચેલા ન હોવાને કારણે પરિવારની દીકરી ગુમ થવાની તેમની ફરિયાદ ઉપર ખાસ કાર્યવાહી નથી થતી. કંઈક આવું જ મહાનંદના કિસ્સામાં બન્યું હતું.

તેનાં મોટા ભાગનાં પીડિતા આર્થિક રીતે સદ્ધર ન હતાં અને કેટલાંક તો કાચા ઘરમાં રહેતાં હતાં. મીડિયા રિપોર્ટ્સ મુજબ દર્શના, વાસંતી, સુનીતા, દીપાલી, નિર્મલા, કેસર, નયન અને સુશીલા સહિત વધુ 14 યુવતીઓને શિકાર બનાવી. તે એ વાતની ખાતરી કરતો કે મૃતકની ઓળખ પુરવાર થાય તેવો કોઈ પુરાવો આસપાસ ન રહે. મહાનંદનો છેલ્લો શિકાર યોગિતા હતાં.

જનમટીપની સજા

યોગિતાની હત્યાના કેસમાં હાઈકોર્ટે તેને જનમટીપની સજા ફટકારી છે તથા લૂંટ, પુરાવાનો નાશ સહિતના અલગ-અલગ ગુના માટે આર્થિકદંડ તથા અલગ-અલગ કેદની સજા સંભળાવી હતી.

'દહાડ'માં ગુનેગાર દ્વારા પીડિત મહિલાઓના સીમકાર્ડનો ઉપયોગ કરીને અન્ય મહિલા સાથે સંપર્ક કરવામાં આવતો અને આ રીતે એક પૅટર્ન ઊભી થાય છે. આવી જ રીતે મહાનંદને દોષિત પુરવાર કરવામાં લતા નામનાં મહિલાની જુબાની મહત્ત્વપૂર્ણ બની હતી.

જેઓ મહાનંદનાં પત્નીનાં બહેનપણી હતાં, પરંતુ મહાનંદ તેમની સાથે દુષ્કર્મ આચરતો અને તેમનાં નામ પર નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ પણ કરતો હતો. તેણે ગોવાના જંગલવિસ્તાર, ખેતર અને અવાવરું સ્થળોએથી અનેક પીડિતાની હત્યા અને પુરાવાનાં ખુલાસા કર્યાં હતાં.

જ્યારે શ્રેણીબદ્ધ હત્યાઓમાં મહાનંદની હત્યાની સંડોવણી બહાર આવી ત્યારે શિરોદાના ગ્રામજનો ચોંકી ગયા હતા. કેન્દ્ર સરકારમાં કામ કરતાં પત્ની અને સંતાનો સાથે રહેતો અને અતડું જીવન ગુજારતો શખ્સ આ પ્રકારે હત્યાઓને અંજામ આપી શકે તે તેમના માટે કલ્પના બહારની વાત હતી.

ગ્રામજનોએ મહાનંદના ઘરમાં તોડફોડ કરી હતી અને તેને સળગાવી દીધું હતું. આ પછી મહાનંદનાં પત્ની ઘર છોડીને દીકરી સાથે સલામતસ્થળે જતાં રહ્યાં હતાં. પત્નીનું કહેવું હતું કે મહાનંદની વર્તણૂક પરથી ક્યારેય તેની ઉપર શંકા નહોતી ગઈ. તે 'સમર્પિત' પતિ અને પિતા હતો.

ગત બે વર્ષ દરમિયાન બે-એક વખત મહાનંદે પેરોલ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે મંજૂર થઈ ન હતી. જેલમાં ગયા પછી તે જૂન-જુલાઈ દરમિયાન પ્રથમ વખત બહાર આવ્યો હતો.

તાજેતરમાં તેને 21 દિવસની ફર્લો આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પેરોલએ હંગામી કે કાયમી હોઈ શકે છે. તેમાં સજા મોકૂફ રહે છે અને આ દરમિયાન ગુનેગારે સારું આચરણ કરવાનું રહે છે.

ફર્લોમાં ગુનેગારે સારું આચરણ કરવાની બાંહેધરી આપવી પડે છે અને નિર્ધારિત પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી આપવી પડે છે. એટલું જ નહીં એ ગાળો પૂર્ણ થયે તેણે જેલમાં પરત ફરવું પડે છે. લાંબી મુદ્દતની જેલ કાપી રહેલા ગુનેગારોને પેરોલ આપવામાં આવે છે.

મહાનંદની સામેના બીજા કેટલાક કેસ અદાલતી કાર્યવાહીના અલગ-અલગ તબક્કામાં છે. કેટલાક કિસ્સામાં મહાનંદે ગુનો કબૂલ્યો, પરંતુ મૃતકના મૃતદેહ નહીં મળવાથી અથવા તો ખૂબ જ સડેલી અવસ્થામાં હોવાથી પોલીસ અને સરકારી વકીલો માટે કેસને આગળ વધારવો મુશ્કેલ બની રહ્યો. છતાં કેટલાક કેસમાં સુનાવણી બાકી છે. જે આવનારા સમયમાં તેની મુશ્કેલીઓ વધારી શકે છે.