ટ્રેનમાં કપાયેલું ધડ અને દરિયામાં ડૂબેલું માથું, લગ્નેતર સંબંધો અને દગાખોરીની કહાણી

    • લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથન
    • પદ, બીબીસી તામિલ સંવાદદાતા

ચેતવણીઃ આ સ્ટોરીમાંની કેટલીક વિગત વિચલિત કરનાર હોઈ શકે છે.

તે 1950ના દાયકાની શરૂઆત હતી. તામિલનાડુથી એક ટ્રેન ચાલતી હતી. તેનું નામ 'ઇન્ડો-સિલોન એક્સપ્રેસ' હતું. તે ચેન્નઈના એગમોર સ્ટેશનથી ધનુષકોડી જતી હતી અને ત્યાંથી શ્રીલંકાના થલાઈમન્નાર જવા માટે ચેન્નઈથી ટિકિટ ખરીદવી પડતી હતી.

ચેન્નઈના એગમોરથી ધનુષકોડી સુધીની મુસાફરી માટે 19 કલાકનો સમય લાગતો હતો. ધનુષકોડી પહોંચ્યા પછી પ્રવાસીઓ ટ્રેનમાંથી ઊતરી જતા હતા અને ત્યાંથી શ્રીલંકાના થલાઈમન્નાર સુધી ફેરી બોટ મારફત જતા હતા. તે પ્રવાસ સાડા ત્રણ કલાકનો હતો અને ફેરી બોટને લોકભાષામાં 'બોટ મેલ એક્સપ્રેસ' કહેવામાં આવતી હતી.

લગભગ 70 વર્ષ પહેલાં આ બોટમાં માથા વગરનું શરીર મળી આવતાં તામિલનાડુ ચોંકી ઊઠ્યું હતું. આ હત્યા કઈ રીતે કરવામાં આવી હતી અને હત્યાનું કારણ શું હતું એ બન્ને મુદ્દે તામિલનાડુમાં દિવસો સુધી ચર્ચા ચાલી હતી.

પેટીમાં માથા વગરનો મૃતદેહ

તે 1952ની 29 ઑગસ્ટ હતી. એક્સપ્રેસ ટ્રેન આગલી રાતે આઠ વાગ્યે ચેન્નઈથી નીકળી હતી અને સવારે 10 વાગ્યે મનમદુરાઈ પહોંચી હતી.

એ પછી મુસાફરોએ ફરિયાદ કરી હતી કે કોચમાં એક પેટીમાંથી દુર્ગંધ આવી રહી છે. ત્યાર બાદ પોલીસ અને રેલવે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. ટ્રેન મનમદુરાઈ પહોંચી ત્યારે પોલીસે પેટી ખોલી તો તેમાંથી માથા વિનાનો માનવદેહ મળી આવ્યો હતો.

મૃતકના પગમાં લીલાં મોજાં હતાં, પરંતુ મૃતદેહની ઓળખ કરી શકાય તેવું કશું ન મળ્યું હોવાથી મૃતદેહને અહીંની સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં તેનું પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. એ મૃતદેહ 25 વર્ષના યુવકનો હોવાનું તારણ ડૉક્ટરોએ કાઢ્યું હતું.

પુરુષે સુન્નત કરાવી હતી તેથી એ મુસ્લિમ હોવો જોઈએ, એવું પોલીસે જણાવ્યું હતું, પરંતુ મામલો ઉકેલાયો ત્યારે બન્ને તારણ ખોટાં સાબિત થયાં હતાં.

ચેન્નઈમાં એફઆઈઆર

એ દરમિયાન એક મહિલા પોતાના પતિને શોધી રહી હતી અને પોતાની એક પરિચિત મહિલા દેવકીના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. દેવકીના બદલે તેના પતિ પ્રભાકર મેનને દરવાજો ખોલ્યો હતો.

મહિલાએ પ્રભાકરનને કહ્યું, "મારા પતિ ગઇકાલથી ઘરે પાછા આવ્યા નથી. લોકોએ તેમને દેવકી સાથે જોયા હતા. તેથી હું અહીં આવી છું."

પ્રભાકરને તે મહિલાને જણાવ્યું હતું કે આવી કોઈ વ્યક્તિ તેમને ત્યાં આવી નથી.

મહિલાનો ગુમ થયેલો પતિ વેપારી હતો. તેમનું નામ આલવંદાર હતું અને એ રાતે ઘરે પરત ફર્યો નહોતો. એટલે જ તેમનાં પત્ની બીજા દિવસે સવારથી જ તેમને શોધી રહી હતી.

પતિનો કોઈ પત્તો ન મળતાં મહિલાએ આલવંદારના નજીકના મિત્ર સાથે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી.

મહિલાના કહેવા મુજબ, પોલીસે દેવકીના ઘરથી તપાસની શરૂઆત કરી હતી, પરંતુ પોલીસ દેવકીના ઘરે પહોંચી ત્યારે તેના ઘર પર તાળું હતું. પાડોશીઓને પૂછપરછ કરતાં ખબર પડી હતી કે દેવકી અને પ્રભાકર મેનન મુંબઈ ગયાં હતાં.

દરિયાકિનારે બૅગમાંથી મળ્યું માથું

પાડોશીના જણાવ્યા મુજબ, આગલા દિવસે પ્રભાકર મેનન બૅગ લઈને સમુદ્રકિનારા તરફ જતાં જોવા મળ્યા હતા. એ પછી પોલીસ દ્વારા થોડા દિવસ રાયપુરમ બીચ પર પણ શોધખોળ કરાઈ હતી.

રાયપુરમ બીચ પર પડેલી એક બૅગમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ સ્થાનિક રહેવાસીઓએ ત્રીજા દિવસે પોલીસને કરી હતી. જેને પગલે પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને તપાસ કરી ત્યારે બૅગમાંથી ભૂરા રંગના શર્ટમાં વીંટાળેલું એક માથું જોવા મળ્યું હતું. માથું સડી ગયું હતું. એ પછીના દિવસે અખબારોમાં સમાચાર પ્રકાશિત થયા અને ચેન્નઈમાં હલચલ મચી ગઈ.

એ કપાયેલા માથાને તપાસ માટે મદ્રાસ મેડિકલ કૉલેજ મોકલવામાં આવ્યું હતું. આ દરમિયાન, મદુરાઈથી એક માથા વગરનો મૃતદેહ પણ ચેન્નઈ મોકલવામાં આવ્યો હતો. આ બન્ને બાબતની તપાસ પ્રખ્યાત ફૉરેન્સિક પ્રોફેસર સી. પી. ગોપાલકૃષ્ણન કરતા હતા. તપાસ બાદ તેમણે જણાવ્યું હતું કે મૃતદેહની વય 42થી 45 વર્ષની હોવી જોઈએ.

ચેન્નઈમાંથી મળી આવેલા માથાના કાનમાં બે કાણાં હતાં, જ્યારે ચેન્નઈની મહિલાને એ માથું બતાવવામાં આવ્યું ત્યારે તેણે કાનમાંથી છિદ્ર અને દાંતની રચના જોઈને તરત જણાવ્યું હતું કે એ માથું તેના પતિનું છે.

આલવંદાર કોણ હતો?

1952માં હત્યા કરવામાં આવી ત્યારે આલવંદાર કદાચ 42 વર્ષના હતા. તેઓ લશ્કરી કચેરીમાં સબ-ડિવિઝનલ ઓફિસર હતા, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી સેનામાંથી નિવૃત્ત થયા હતા.

ઘરે આવ્યા પછી તેમણે પ્લાસ્ટિકની વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું હતું. તેમના મિત્ર કુનમ ચેટ્ટી ચેન્નઈમાં પેન વેચતા હતા. આલવંદારે તે જ સમયગાળામાં પોતાની નાનકડી દુકાન શરૂ કરી હતી.

એ સિવાય તેઓ ગ્રાહકોને હપ્તેથી સાડીઓનું વેચાણ પણ કરતા હતા. એ સમયે હપ્તેથી વેચાણ કરવાનો વિચાર નવો હતો એટલે આ ધંધામાં તેમને સારો નફો થયો હતો. આલવંદારને બે સંતાન હતાં, તેમ છતાં તેમને લગ્નબાહ્ય સંબંધ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. એ ઉપરાંત આલવંદાર અફીણ જેવા માદક પદાર્થનું સેવન પણ કરતા હતા.

એક રાતે આલવંદાર ઘરે પાછા ન ફર્યા ત્યારે તેમનાં પત્ની દુકાને ગયાં હતાં અને પતિ વિશે પૂછપરછ કરી હતી. છેલ્લે તેઓ દેવકીને મળવા ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

દેવકી-પ્રભાકરે રચ્યું હત્યાનું કાવતરું

દેવકી મૂળ કેરળનાં હતાં અને કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ચેન્નઈમાં એક ભાષાસંવર્ધન સંસ્થામાં નોકરી શરૂ કરી હતી.

દેવકી અને આલવંદારની ઓળખ એક દુકાનમાં થઈ હતી. એ દુકાનમાં તેઓ સ્ટેશનરી ખરીદવા આવતાં હતાં. ઑગસ્ટ, 1951માં થયેલો પરિચય પ્રેમમાં પરિવર્તીત થઈ ગયો હતો. એ વખતે દેવકીનાં લગ્ન થયાં નહોતાં, પરંતુ આલવિંદાર પરિણીત હતા.

આલવંદારને દેવકી સાથે લગ્નેતર સંબંધ હતો. તે થોડા દિવસ ચાલ્યો હતો અને 1952માં દેવકીનાં લગ્ન પ્રભાકરન મેનન સાથે થયાં હતાં. પ્રભાકરન અગાઉ ખાનગી વીમાકંપનીમાં કામ કરતા હતા. બાદમાં તેઓ 'સ્વતંત્ર' નામના સામયિકના તંત્રી બન્યા હતા.

પ્રભાકરન પોતાના સામયિકના પ્રસાર માટે મહેનત કરતા હતા ત્યારે દેવકી તેમને આલમંદારની દુકાને લઈ ગયાં હતાં. દેવકીએ પ્રભાકરનને જણાવ્યુ હતું કે આલવંદાર સામયિક માટે જાહેરખબર લાવી આપશે.

આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી એમ. સિંગરવેલુના જણાવ્યા અનુસાર, આલવંદાર લગ્ન બાદ પણ દેવકીને પરેશાન કરતા હતા. તેથી દેવકીએ આલવંદારનો 'કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. '

આઈપીએસ અધિકારી એમ. સિંગારાવેલુએ 1955માં મદ્રાસ પોલીસ જર્નલમાં આ વિશે વિગતવાર લેખ લખ્યો હતો.

તેમણે લખ્યું હતું કે અલાવંદાર એક વખત પ્રભાકરનને મળ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે 'એક મોટી કંપનીના અધિકારીને મળવા જવાનું છે. દેવકી પણ મારી સાથે આવશે તો સામયિક માટે મોટી જાહેરાત માગી શકીશું. ' એ બાદ દેવકી આલવંદાર સાથે ગયાં હતાં, પરંતુ આલવંદારનો ઈરાદો જુદો હતો.

તે દેવકીને સીધો એક હોટલમાં લઈ ગયe હતો. ત્યાં તેના પર બળજબરી કરી હતી. દેવકી રડતાંરડતાં ઘરે પાછાં ફર્યાં હતાં અને આખી ઘટના પતિને જણાવી હતી.

બધું સાંભળ્યા પછી પ્રભાકરને દેવકીને સવાલ કર્યો હતો કે “તારે આલવંદાર સાથે ક્યારેય પ્રેમસંબંધ હતો?” દેવકીએ 'હા' પાડી હતી અને જણાવ્યું હતું કે ક્યારેક દબાણ હેઠળ સંબંધ બંધાયો હતો.

એ બાદ પ્રભાકરને દેવકીને આશ્વાસન આપ્યું હતું અને દેવકી સાથે મળીને આલવંદારની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.

આલવંદારને ઘરે બોલાવીને ખતમ કર્યો

1952ની 28 ઑગસ્ટે દેવકી આલવંદારની દુકાન ગયાં હતાં અને તેમને ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું. આલવંદાર આવે તે પહેલાં દેવકીએ તેના નોકર નારાયણને થોડા પૈસા આપીને બહાર મોકલી દીધો હતો અને સાંજે ઘરે પાછા આવવાની સૂચના આપી હતી.

આલવંદાર ઘરે આવ્યા પછી દેવકીએ બહારની બહાર જઈને રસ્તા પર ચાંપતી નજર રાખી હતી. આ દરમિયાન પ્રભાકરને અલાવંદારની હત્યા કરીને તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.

એ બાદ મૃતદેહને એક પેટીમાં રાખી, માથું બૅગમાં ભરીને રાયપુરમના દરિયામાં ફેંકી દેવાયું દેવાયું હતું, પરંતુ દરિયાનાં મોજાં સાથે એ બૅગ થોડી જ વારમાં ઘસડાઈને કાંઠે પાછી આવી હતી. પ્રભાકરને એ બૅગમાં થોડી રેતી ભરીને પાછી પાણીમાં ફંગોળી દીધી હતી. જોકે, એટલામાં કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને પ્રભાકરન ત્યાંથી નાસી ગયા.

ઘરે પાછા ફર્યા બાદ દેવકી અને પ્રભાકરને આલવંદારનું ધડ ભરેલી પેટી લઈને રિક્ષા દ્વારા ચેન્નઈ સૅન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચ્યાં હતાં, પણ ત્યાં પોલીસની હાજરી હોવાથી તેઓ રિક્ષા લઈને એગમોર રેલવે સ્ટેશન ગયા હતા.

પ્રભાકરે એક કુલીની મદદથી તે પેટી 'બોટ મેલ'માં ચડાવી હતી અને ઘરે પાછા ફર્યા હતા.

બીજા દિવસે આલવંદારનાં પત્ની તેમને શોધવા દેવકીના ઘરે આવ્યાં હતાં પરંતુ પોલીસ હાથે પકડાઈ ન જવાય એટલા માટે દેવકી અને પ્રભાકરન તરત મુંબઈ જવા રવાના થઈ ગયાં હતાં.

આલવંદારની હત્યા અને દેવકી-પ્રભાકરન વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવામાં પોલીસને લાંબો સમય લાગ્યો ન હતો. તેનું કારણ એ હતું કે અનેક લોકોએ આલવંદારને પ્રભાકરના ઘરમાં પ્રવેશતા જોયા હતા, પણ ત્યાંથી બહાર નીકળતા કોઈએ જોયા ન હતા.

મદ્રાસ પોલીસે મુંબઈ જઈને દેવકી તથા પ્રભાકરનની ધરપકડ કરી હતી. પ્રભાકરન દંપતી મુંબઈમાં તેમના એક સગાને ત્યાં રોકાયું હતું. તેમને મુંબઈથી ચેન્નઈ પાછું લાવવામાં આવ્યું હતું અને પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેમણે હત્યાનો આરોપ નકારી કાઢ્યો હતો, પરંતુ તેમની સામે મજબૂત પુરાવા હતા.

જે રિક્ષામાં પ્રભાકરન પેટી લઈને રેલવે સ્ટેશન ગયા હતા તે રિક્ષાચાલકે અને એ પેટી જે કુલીએ ટ્રેનમાં મૂકી હતી એ બન્નેએ પ્રભાકરનને ઓળખી કાઢ્યા હતા. દેવકીના નોકર નારાયણને પણ ઘણી વાતો કહી હતી.

ફૉરેન્સિક તપાસમાં પુરવાર થયું હતું કે તે પૂર્વયોજિત હત્યા હતી, પરંતુ ન્યાયાધીશનો આલવંદાર પ્રત્યેનો અભિગમ બહુ નકારાત્મક હતો. તેથી ન્યાયાધીશે હત્યારાં દેવકી તથા પ્રભાકરનને ઓછી સજા આપવાનો નિર્ણય કર્યો હતો.

જે મુજબ પ્રભાકરનને સાત વર્ષની, જ્યારે દેવકીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. સજાની મુદ્દત પૂર્ણ થયા પછી પ્રભાકરન અને દેવકીનો પચાસના દાયકામાં છૂટકારો થયો હતો. એ પછી તેઓ તેમના વતન કેરળ ગયાં હતાં અને ત્યાં નવી દુકાન શરૂ કરી હતી.

આ હત્યા કેસને તામિલનાડુ પોલીસના તપાસ ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે હત્યા સાબિત કરવામાં ફૉરેન્સિક સાયન્સે અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી.

બાદમાં આ હત્યા બાબતે તામિલનાડુમાં અનેક પુસ્તકો લખવામાં આવ્યાં હતાં, એટલું જ નહીં, 1995માં આ કેસને આધારે એક ટેલિવિઝન સિરિયલ પણ બનાવવામાં આવી હતી.