You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુત્રીના હત્યારાને શોધવા માટે એક પિતાએ 27 વર્ષ સુધી કરેલા સંઘર્ષની દિલચસ્પ કહાણી
- લેેખક, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
- પદ, .
નેન્સી મેસ્ત્રે એક “યુનિવર્સિલ વિક્ટીમ” છે.
આશરે 30 વર્ષ અગાઉ કોલંબિયાની એક યુવતીની હત્યા બદલ જેઈમી સાદના કોલંબિયામાં પ્રત્યાર્પણને મંજૂરી આપતા બ્રાઝિલની સુપ્રિમ કોર્ટની સેકન્ડ ચેમ્બરે આ તર્ક આપ્યો હતો.
ગુનો બ્રાઝિલમાં ન થયો હોવાથી દોષિત હત્યારાના પ્રત્યાર્પણની મંજૂરી આપી ન શકાય તેવા 2020ના ચુકાદામાં સુપ્રિમ કોર્ટે આ રીતે સુધારો કર્યો હતો. નવી સુનાવણી દરમિયાન એક મૅજિસ્ટ્રેટે કહ્યું હતું કે “નારીહત્યાની છૂટ ક્યારેય આપી શકાય નહીં.”
જેઈમી સાદની સત્તાવાર રીતે ધરપકડ પછી તેમને બ્રાઝિલને સોંપવામાં આવશે. એ પછી તેમણે, જાન્યુઆરી, 1994માં કરેલા ગુના બદલ 27 વર્ષ જેલમાં રહેવું પડશે.
નેન્સીના 80 વર્ષના પિતા માર્ટિન મેસ્ત્રેએ તપાસ કરીને સાદને બેલો હોરિઝોન્ટેમાંથી શોધી કાઢ્યા હતા અને ન્યાય મેળવવા લડાઈ લડી હતી. માર્ટિન માટે આ ચુકાદો રાહત આપનારો અને શ્વાસ લેવાની ક્ષણ સમાન હતો.
પોતાના બર્રાંક્વિલા ખાતેના ઘરેથી એલ 'હેરાલ્ડો' નામના કોલંબિયાના અખબાર સાથે વાત કરતાં માર્ટિને કહ્યુ હતું કે “આ આનંદ પિતા તરીકેની ફરજ બજાવ્યાનો છે. મારી દીકરી પર જેમણે અત્યાચાર કર્યો હતો તેમને સજા થવી જ જોઈએ.”
સઘન શોધખોળ
જેઈમી સાદને 1996માં 27 વર્ષના કારાવાસની સજા કરાઈ હતી, પરંતુ તેઓ નેન્સીની હત્યા પછી ટૂંક સમયમાં કોલંબિયા ભાગી ગયા હોવાથી તેમની ધરપકડ નહોતી થઈ શકી. જેઇમીની ભાળ મેળવવામાં જ માર્ટિને તેમનું મોટા ભાગનું જીવન વિતાવ્યું હતું.
લગભગ ત્રણ દાયકા સુધી શોધખોળ પછી જેઈમી બ્રાઝિલના બોલો હોરિઝોન્ટેમાં હોવાની ખબર પડી હતી અને 2020માં ઇન્ટરપોલે તેની ધરપકડ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હત્યારો જેઈમી હેનરિક ડોસ સાન્ટોસ અબ્દાલા એવું ખોટું નામ ધારણ કરીને સામાન્ય અને આરામદાયક જીવન જીવતો હતો. તેણે બ્રાઝિલમાં એક મહિલા સાથે લગ્ન કર્યાં હતાં અને તેને બે સંતાનો પણ છે.
બ્રાઝિલમાં આ સંબંધિત કાયદો સમાપ્ત થઈ ગયો છે એવી દલીલ સાથે સુપ્રિમ કોર્ટે જેઈમીના પ્રત્યાર્પણની અરજીને થોડા સમય પહેલાં જ નકારી હતી.
ગુનાની વાત
માર્ટિનની સૌથી નાની પુત્રી નેન્સી રાજદ્વારી અધિકારી બનવા અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા કોલંબિયાથી અમેરિકા જવા ઇચ્છતી હતી.
માર્ટિન નેન્સીને રમૂજમાં કહેતા કે "હું તને ક્યાંય જવા દઈશ નહીં. તું અમારી આસપાસ રહે તેવી મારી ઇચ્છા છે. " જોકે, વાસ્તવમાં તેઓ તેમની દીકરીની મહત્વાકાંક્ષાનો આદર કરતા હતા અને દીકરીનું સપનું સાકાર થાય એ માટે બધું જ કરવા તૈયાર હતા.
બીબીસી ન્યૂઝ બ્રાઝિલ સાથે મે, 2022માં વાત કરતાં માર્ટિને કહ્યું હતું કે “નેન્સી બહુ ખુશખુશાલ છોકરી હતી. બહુ અભ્યાસુ. એ કાયમ વાંચતી રહેતી હતી. તે આંતરરાષ્ટ્રીય કાયદા અને ડિપ્લોમસીનો અભ્યાસ કરવા ઇચ્છતી હતી.”
જોકે, 1994ની પહેલી જાન્યુઆરીએ વહેલી સવારે 18 વર્ષની નેન્સીની તમામ યોજનામાં અવરોધ આવ્યો. નેન્સીએ તેમનાં માતા-પિતા અને ભાઈ સાથે ઘર પર નવા વર્ષની ઉજવણી કરી હતી.
આ સમયે નેન્સીનો બૉયફ્રેન્ડ જેઈમી સાદ તેના ઘરે આવ્યો હતો અને નેન્સી તેની સાથે નવા વર્ષની ઉજવણી કરવા ઇચ્છતી હતી એટલે પિતાએ મધરાત પછી તેમને બહાર મોકલ્યાં હતાં.
આ સમયે માર્ટિને દીકરીને કહ્યું હતું કે “સવારે ત્રણ વાગ્યા પહેલાં પાછા આવી જજો.” જેઈમીને તેમણે દીકરીનું ધ્યાન રાખવાની સૂચના પણ આપી હતી.
બીબીસી સાથે વાત કરતાં માર્ટિને કહ્યું હતું કે “સવારે છ વાગ્યે હું જાગ્યો ત્યારે મને કશું અયોગ્ય થયાની અનુભૂતિ થઈ હતી.” તેઓ નેન્સીને ઘરમાં શોધવા લાગ્યા હતા પણ નેન્સીના રૂમમાં કોઈ ન હતું.
શરૂઆતમાં શેરીઓમાં શોધ કર્યા પછી નેન્સી અને જેઈમી નાઇટક્લબમાં હોવાનું ધારીને તેઓ ત્યાં પણ ગયા હતા, પરંતુ એ બન્ને ત્યાં પણ મળ્યાં ન હતાં. તેમની ચિંતા વધવા લાગી હતી. દીકરી સહીસલામત ઘરે પાછી આવે તેવી મનમાં પ્રાર્થના તેઓ કરવા લાગ્યા હતા.
આખરે તેમણે જેઈમીનાં માતા-પિતાના ઘરે જવાનો નિર્ણય કર્યો હતો. જેઈમી તેમનાં માતા-પિતા સાથે રહેતો હતો. જેઈમીના ઘરે જઈને જોયું તો તેના માતા સફાઈ કરતાં હતાં.
માર્ટિને કહ્યું હતું કે “અંધારું હતું અને મને ખબર નહોતી કે હું મારી દીકરીના લોહી પર જ પગલાં માંડી રહ્યો છું અને હત્યારાની માતા ગુનાના સ્થળની સફાઈ કરી રહ્યાં છે.”
જેઈમીનાં માતાએ કહ્યું હતું કે “તમારી દીકરીને અકસ્માત નડ્યો છે અને તે કેરિબીયન ક્લિનિકમાં છે.”
માર્ટિન દોડતા હૉસ્પિટલે પહોંચ્યા ત્યારે જેઈમીના પિતા ત્યાં હાજર હતા. તેમણે કહ્યું હતું કે “તમારી દીકરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને તે ઑપરેશન થિયેટરમાં છે.” ઇમરજન્સી રૂમમાં ડૉક્ટરો નેન્સીને ભાનમાં લાવવાના પ્રયાસ કરતા હતા. નેન્સી કોમામાં હતી.
આરોપી નાસી છૂટ્યો
જેઈમી, તેના પિતા અને તેમના પારિવારિક ઘરમાં રહેતી એક સ્ત્રી નેન્સીને હૉસ્પિટલે લઈ ગયાં હતાં. તેઓ નેન્સીને એક ચાદરમાં વિંટાળી અને પિકઅપ ટ્રકમાં સુવડાવી હૉસ્પિટલે લાવ્યાં હતાં.
માર્ટિને કહ્યું હતું કે “ખરેખર શું થયું હશે એ તબક્કાવાર સમજવાનું મેં ધીમે-ધીમે શરૂ કર્યું હતું. તેમણે મારી દીકરી પર બળાત્કાર કર્યો હતો, તેની સતામણી કરી હતી અને પછી ટ્રકની પાછળ ફેંકી દીધી હતી. હે ભગવાન, તેમણે મારી દીકરી સાથે શું કર્યું!”
એ પછી ઉચાટભર્યા આઠ દિવસ હૉસ્પિટલમાં પસાર થયા હતા. નેન્સી ક્યારેય ભાનમાં આવી નહોતી.
માર્ટિને કહ્યું હતું કે “ડૉક્ટરોએ અમને કહી દીધેલું કે નેન્સી લાંબું જીવશે નહીં. હું, નેન્સીની માતા તથા અમારો દીકરો હૉસ્પિટલના રૂમમાં ભેગાં થઈ પ્રાર્થના કરવા લાગ્યાં હતાં. નેન્સી નાની હતી ત્યારે તેને જે ગીતો ગમતાં એ પણ અમે ગાયાં હતાં.”
અચાનક નેન્સીના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા.
નેન્સીનાં માતા-પિતા હૉસ્પિટલમાં વિસાદમાં હતાં અને પોલીસ નેન્સી સાથે પહેલી જાન્યુઆરીએ શું થયું તેની તપાસ કરી હતી, એવામાં મુખ્ય શકમંદ જેઈમી સાદ કોલંબિયા નાસી છૂટ્યો હતો.
માર્ટિને બીબીસી ન્યૂઝ બ્રાઝિલને 2022માં જણાવ્યું હતું કે “જેઈમી હત્યાના દિવસે જ ભાગી ગયો હતો અને ફરી ક્યારેય આ દેશમાં જોવા ના મળ્યો.” નેન્સીએ આપઘાત કર્યો હોવાની વાતને પોલીસે નકારી કાઢી હતી. તેના લમણામાં જમણી બાજુ ગોળી મારવાના કારણે તેનું મૃત્યુ થયું હતું.
કોલંબિયાના સત્તાધીશોએ જણાવ્યા અનુસાર, નેન્સીના ડાબા હાથ પરથી ગનપાઉડરના અવશેષો મળી આવ્યા હતા, જે નેન્સીએ સ્વબચાવનો પ્રયાસ કર્યાનો એક સંકેત હતો.
પોલીસના જણાવ્યા મુજબ, નેન્સી જમણેરી હતી. તેથી ડાબા હાથમાં બંદુક પકડીને લમણામાં જમણી બાજુ ગોળી મારવા તેને બહુ મહેનત કરવી પડે. તેથી તેણે એવું કર્યાની શક્યતા નહીંવત હતી.
તપાસના અંતે એવું બહાર આવ્યું હતું કે નેન્સી પર બળાત્કાર કરાયો હતો. તેના આખા શરીર પર ઇજાના નિશાન હતાં અને હાથના તૂટી ગયેલા નખમાં ચામડીના અંશો જોવા મળ્યા હતા, જે નેન્સીએ પોતાને બચાવવા કરેલાં પ્રયાસનો વધુ એક સંકેત હતો.
નેન્સીના મૃત્યુનાં બે વર્ષ પછી 1996માં કોલંબિયાની એક અદાલતે જેઈમી સાદને હત્યા અને બળાત્કારના ગુનામાં 27 વર્ષના કારાવાસની સજા કરી હતી.
કોલંબિયાની અદાલતના ચુકાદા મુજબ, નેન્સી પર બળાત્કાર કરી અને તેના લમણામાં ગોળી માર્યા બાદ જેઈમી ડરી ગયો હતો. તેણે તેના પિતાની મદદ માગી હતી. તેણે નેન્સીના નગ્નદેહને ચાદરમાં વિંટાળ્યો હતો અને હૉસ્પિટલે લઈ ગયા હતા. પિતા હૉસ્પિટલમાં રહ્યા હતા, જ્યારે જેઈમી છુપાઈ ગયો હતો.
એ ક્ષણથી જ જેઈમીને શોધવાનું કામ માર્ટિનના જીવનનું એકમાત્ર લક્ષ્ય બની ગયું હતું. એ શોધનો અંત 26 વર્ષ પછી આવ્યો. માર્ટિને કહ્યું હતું કે “થોડો સમય લાગશે તેની મને ખબર હતી, પણ મારી દીકરીના હત્યારાને આખરે શોધી કાઢીશ તેની મને ખાતરી હતી.”
તપાસમાં શું થયું?
જેઈમી દોષી સાબિત થયો પછી માર્ટિન તેમને મળેલી માહિતી શૅર કરવા કોલંબિયાના સત્તાધીશો અને ઇન્ટરપોલ સાથે સતત સંપર્કમાં રહેતા હતા.
નેન્સીના મૃત્યુને કારણે માર્ટિનના પરિવારનું ભાગ્ય કાયમ માટે બદલાઈ ગયું હતું. માર્ટિન અને તેમનાં પત્ની અલગ થઈ ગયાં હતાં. તેમનો એકમાત્ર દીકરો અમેરિકા ચાલ્યો ગયો હતો.
જોકે, આર્કિટૅક્ટ અને પ્રોફેસર માર્ટિને તેમનો તમામ સમય અને ઊર્જા નેન્સીના હત્યારાને શોધવા પર કેન્દ્રીત કર્યાં હતાં. પોતાની તપાસમાં સહાય થાય તે માટે તેમણે ગુપ્તચરસેવાનો અભ્યાસ કર્યો હતો અને નૌકાદળના અધિકારી તરીકે તેમણે જે જ્ઞાન મેળવ્યું હતું તેનો ફરી ઉપયોગ કર્યો હતો.
બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ સાથે વાત કરતાં માર્ટિને કહ્યું હતું કે “મેં ચાર કાલ્પનિક પાત્ર બનાવ્યાં હતાં અને જેઈમીના સંબંધીઓનો ભરોસો જીતવા તથા મને તેના સુધી પહોંચાડી શકે તેવી માહિતી મેળવવા સોશિયલ નેટવર્ક્સ મારફતે તેમનો સંપર્ક કરવાનું શરૂ કર્યુ હતું.”
માર્ટિને તેમને મળેલી બધી માહિતી કોલંબિયા પોલીસ અને ઇન્ટરપોલને પહોંચાડી હતી. 26 વર્ષ સુધી ચાલેલી શોધ દરમિયાન જુદા-જુદા અધિકારીઓના હાથ પર તેમનો કેસ આવ્યો હતો.
માર્ટિને કહ્યું હતું કે “તપાસનો હવાલો સંભાળતી વ્યક્તિ બદલાય ત્યારે હું તેમને તમામ બાબતોથી વાકેફ કરવા બધા દસ્તાવેજો સાથે તેમને મળવા જતો હતો.”
ખોટી પ્રોફાઇલનો ઉપયોગ કરીને જેઈમીના સબંધીઓ સાથે કરેલી વાતચીત પછી માર્ટિન એવા તારણ પર આવ્યા હતા કે જેઈમી કોલંબિયાના સાન્તામાર્ટામાં નહીં, પરંતુ (રિયો ડી જાનેરોથી ઉત્તરમાં 440 કિલોમીટર દૂર આવેલા) બેલો હોરિઝોન્ટેમાં હોવો જોઈએ.
આ માહિતીના આધારે બ્રાઝિલ પોલીસ અને ઇન્ટરપોલે જેઈમી સાદ જેવી જ પ્રોફાઇલ ધરાવતી વ્યક્તિને શોધી કાઢી હતી.
કેવી રીતે જેલના સળીયા પાછળ પહોંચ્યો આરોપી?
તપાસ અધિકારીઓ શકમંદની પાછળ એક કૉફી શોપમાં ગયા હતા અને શકમંદે જે કપમાં કૉફી પીધી હતી તે કપ જપ્ત કર્યો હતો. નેન્સીની હત્યા માટે દોષિત સાબિત થયેલી વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ સાથે એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ મૅચ થાય છે કે નહીં તે ચકાસવા તેમણે એ કપ તાબામાં લીધો હતો. બન્ને ફિંગરપ્રિન્ટ્સ સમાન હતી.
બ્રાઝિલ પોલીસે તે શકમંદની ધરપકડ કરી અને બ્રાઝિલમાં ખોટી ઓળખના આધારે રહેવાના ગુના બદલ તેની પૂછપરછ શરૂ કરી હતી. તેના થોડા સમય પછી કોલંબિયા સરકારે પ્રત્યાર્પણની વિનંતી રજૂ કરી હતી, જેથી જેઈમી તેની 27 વર્ષની સજા એ દેશમાં જ ભોગવી શકે.
એ દિવસોને યાદ કરતાં માર્ટિને કહ્યું હતું કે “ઇન્ટરપોલના ડિરેક્ટરે મને જેઈમીની ધરપકડની જાણ કરવા બોલાવ્યો ત્યારે મેં ઘૂંટણિયે પડીને ભગવાનનો આભાર માન્યો હતો. મારા પ્રભુ! લગભગ 27 વર્ષ પછી મને ન્યાય મળવાનો હતો.”
“મેં અમેરિકામાં રહેતા મારા પુત્ર તથા સ્પેનમાં રહેતી તેની માતાને ફોન કરીને આ વાત જણાવી હતી અને અમે બધાં સાથે રડવા લાગ્યાં હતાં.”
માર્ટિન એવું માનતા હતા કે જેઈમી થોડા મહિનામાં જ કોલંબિયાની જેલમાં સજા ભોગવતો થઈ જશે. તેના પ્રત્યાર્પણને બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે એટલી જ વાર હતી, પરંતુ માર્ટિનની ધારણાથી વિપરીત ઘટના બની હતી.
અદાલતી ખટલો
2020ની 28, સપ્ટેમ્બરે માર્ટિનને એક વકીલનો ફોન આવ્યો હતો. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી નહીં આપવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે બ્રાઝિલના કાયદા મુજબ શિક્ષાત્મક દાવા માટે 20 વર્ષની મર્યાદા છે અને પ્રસ્તુત કેસમાં નેન્સીની હત્યાના 26 વર્ષ પછી જેઈમીને શોધી કઢાયો હતો.
જોકે, સુપ્રીમ કોર્ટે બહુમતીથી નહીં, પરંતુ સમાન મતથી આ નિર્ણય લીધો હતો. કાયદાના બે અર્થઘટન બાબતે ન્યાયાધીશોમાં ભિન્ન મત હતો.
બ્રાઝિલના કાયદા મુજબ, ગુનો બ્રાઝિલમાં નિર્ધારિત હોય તો પ્રત્યાર્પણની મંજૂરી આપી શકાતી નથી, પરંતુ કાયદો એમ પણ કહે છે કે એ જ વ્યક્તિ બીજો ગુનો કરે તો પહેલો કાયદો લાગુ પડતો નથી.
જેઈમીએ ખોટી ઓળખ તથા દસ્તાવેજો ઊભા કરવાનો ગુનો કર્યો હતો અને તેણે એ બધું પહેલા ગુનામાંથી છટકવા માટે કર્યું હતું.
જેઈમીના વકીલ ફર્નાન્ડો ગોમેઝ ડી ઓલિવિરાએ બીબીસી, બ્રાઝિલને ગયા વર્ષે કહ્યું હતું કે “સુપ્રીમ કોર્ટ આ કેસ ચલાવી રહી હતી ત્યારે પણ પબ્લિક મિનિસ્ટ્રીએ મારા અસીલ પર જાહેરમાં દોષારોપણ કર્યું ન હતું.”
નેન્સીની હત્યા કરવા છતાં તેની કોઈ પણ સજા ભોગવ્યા વગર જેઈમે સાદે બ્રાઝિલમાં રહી શક્યો હતો.
છેલ્લો ઉપાય
સુપ્રીમ કોર્ટે આખરી નિર્ણય લીધો હતો અને કોલંબિયાની સરકારે તેની સામે કોઈ અપીલ કરી ન હતી, પરંતુ માર્ટિન મેસ્ત્રેએ આશા ગુમાવી ન હતી. માર્ટિને છેલ્લા વિકલ્પરૂપે એક આંતરરાષ્ટ્રીય ઑફિસ શોધી કાઢી હતી.
માર્ટિને એક અરજી દાખલ કરી અદાલતને તેના ચુકાદાની સમીક્ષાની વિનંતી કરી. તે અપીલની સુનાવણી હાથ ધરાઈ હતી, કારણ કે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એલેકઝાન્દ્રે ડી મોરિસે ગત માર્ચમાં એવો ચુકાદો આપ્યો હતો કે યુવતીના પિતાને ચુકાદાને રદ કરવાની માગ કરતી અરજી કરવાનો અધિકાર છે. તેમણે પ્રત્યાર્પણ અટકાવતા ચુકાદાની સમીક્ષાની તરફેણમાં મત આપ્યો હતો.
બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ગત 18 એપ્રિલે પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. સાથે માર્ટિન મેસ્ત્રેને એવો દિલાસો પણ આપ્યો હતો કે તેમની દીકરીની હત્યાના કેસમાં આખરે ન્યાય થશે.