ચાર-ચાર સંતાનોની 'હત્યા'માં 20 વર્ષ જેલમાં રહ્યાં બાદ માતા કેવી રીતે નિર્દોષ છૂટ્યાં?

    • લેેખક, ટોમ હોસડન
    • પદ, બીબીસી ન્યૂઝ, સિડની

ઑસ્ટ્રેલિયાની એક મહિલા પર પોતાના જ ચાર શીશુઓની હત્યાનો આરોપ લાગ્યો હતો, પણ આખરે 20 વર્ષ પછી તેમને આ ગુનાની માફી મળી ત્યારે આ ઘટનાને ‘વિજ્ઞાન’ અને ‘સત્ય’ના વિજય તરીકે જોવામાં આવી રહી છે.

20 વર્ષ પછી ગત સોમવારે જ કેથલિન ફોલબીગને જેલમાંથી મુક્તિ મળી. તેના કેસમાં નવેસરથી પુરાવા મળ્યા અને આ ગુનામાં ‘વાજબીશંકા’ તેનાથી ઊભી થઈ એટલે મુક્તિ મળી હતી.

કેથલિન પર સંતાનોને ગુંગળાવી દેવાના આરોપો લાગ્યા હતા, પરંતુ આખરે એવા પુરાવા મળ્યા કે આ બહુ જ દુર્લભ એવી જિનેટિક સમસ્યા છે જેનાથી મોત થયાં હતાં.

55 વર્ષે કેદમાંથી છૂટ્યા પછી કેથલીને કહ્યું કે પોતે મુક્તિ સાથે બોજ હલકો થયાની અને આભારની લાગણી અનુભવી રહ્યાં છે.

વીડિયો સ્ટેટમેન્ટમાં તેમણે કહ્યું કે, "છેલ્લા 20 વર્ષથી હું જેલમાં હતી અને હું હંમેશાં મારાં સંતાનોનું વિચારતી રહી હતી અને વિચારતી રહીશ અને તેનો શોક અનુભવતી રહીશ."

ફોલબીગના કેસને રિવ્યૂ કરવા માટે મિત્રો અને સમર્થકોએ સતત માગણીઓ કરી હતી, તેમનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો.

"આ સૌના સાથ વિના હું આ મુશ્કેલીમાંથી પસાર થઈ શકી ના હોત," એમ તેઓ કહે છે.

જેલના દરવાજે તેમના સ્વાગત માટે બહુ જૂના દોસ્ત ટ્રેસી ચેપમેન હાજર હતા. ચેપમેને કહ્યું કે મુક્તિનો પ્રથમ દિવસ સહજ આનંદ સાથે તેમણે વિતાવ્યો.

પિત્ઝા અને ગાર્લિક બ્રેડનો સ્વાદ માણ્યો અને આરામ કર્યો. ચેપમેને પત્રકારો સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે સ્માર્ટફોન જેવી આધુનિક વસ્તુઓ જોઈને ફોલબીગને બહુ આશ્ચર્ય પણ થયું.

તેમણે ઉમેર્યું કે, "કેથના દિલમાં કોઈના માટે નફરત નથી. જીવનનાં 20 વર્ષ તેમણે જેલમાં ગુમાવ્યાં તેનું સાટું વાળવા હવે તેઓ સારી રીતે જીવવા માગે છે બસ."

ફોલબીગે હવે કોર્ટ ઑફ ક્રિમિનલ અપીલમાં અરજી કરીને પોતાની સામેના આરોપોને દૂર કરાવવાના છે.

તેમના વકીલ રેની રેગો કહે છે, "એક કરુણાંતિકામાંથી ઑસ્ટ્રેલિયા કંઈ સારું શીખવા માગતું હોય તો પછી પોસ્ટ-કન્વિક્શન સિસ્ટમના રિવ્યૂ માટે ગંભીરતાથી વિચારવાનો આ સમય છે."

ફોલબીગના કેસની ચકાસણી માટે બહુ લાંબો સમય લાગી ગયો હતો એમ વાત તરફ તેઓ ધ્યાન દોરે છે.

ફોલબીગે સતત કહ્યું હતું કે પોતે નિર્દોષ છે અને પોતાની સજા સામે બે વાર અપીલ કરી હતી, પણ સફળતા મળી નહોતી.

ન્યૂ સાઉથ વેલ્સના એટર્ની જનરલે સોમવારે જણાવ્યું હતું કે આ વખતે તેમને માફી મળી ગઈ, કેમકે તેમના કેસમાં હાલમાં નવેસરથી તપાસ થઈ તેમાં નવા પુરાવા મળ્યા હતા.

આ નવેસરની તપાસ નિવૃત્ત જજ ટોમ બાથર્સ્ટે કરી હતી અને તેમની સામે રજૂઆત થઈ હતી કે ચારેય સંતાનોનાં મોત કુદરતી રીતે થયા હોવાની શક્યતા છે.

ઇમ્યુનોલૉજિસ્ટની એક ટીમે તપાસ કરી, તેમાં ખ્યાલ આવ્યો હતો કે ફોલબીગની બે દીકરીઓ, સારા અને લોરાને એક જિનેટિક મ્યુટેશનની સમસ્યા હતી. CALM2 G114R નામે ઓળખાતા આ મ્યુટેશનને કારણે અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવી શકે.

કેમોડ્યુલિનોપથી તરીકે ઓળખાતી હૃદયની આ સ્થિતિ બહુ રેર હોય છે અને વિશ્વભરમાં આવા માત્ર 134 કેસો થયા હોવાનું નોંધાયું છે. તેમના બે દીકરાઓને જુદા પ્રકારનું જિનેટિક મ્યુટેશન હતું તેનો પણ ખ્યાલ આવ્યો હતો. આ મ્યુટેશનને કારણે ઉંદરોમાં અચાનક વાઈ આવે તેવું જોવા મળ્યું છે.

તપાસમાં એવો ખ્યાલ આવ્યો હતો કે એક પુત્ર પેટ્રિકને મોતના થોડા મહિના પહેલાં વાઈ આવવાનું શરૂ થયું હતું. ફોલબીગ ડાયરી લખતા હતા અને તેમાં નોંધ કરતા હતા, તેના આધારે તેમને ગુનેગાર ના ઠરાવવા જોઈએ એવું પણ જણાવાયું હતું.

તેમના પૂર્વ પતિ ક્રેગ ફોલબીગે આ ડાયરીઓનું લખાણ વાંચ્યું હતું અને તે પછી તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. તેના આધારે તપાસકર્તાઓએ એવું તારણ કાઢ્યું હતું કે ફોલબીગે પોતાના સંતાનોને ઈજા પહોંચાડી હતી.

પૂર્વ પતિનો હજીય દાવો છે કે તે ગુનેગાર છે. ફોલબીગના છુટકારા પછી તેમના વકીલે કહ્યું કે તેમની મુક્તિના સમાચારથી તેના ક્લાયન્ટે છેલ્લા બે દાયકા દરમિયાન જે પીડા અનુભવી છે તેમાં વધારો જ થયો છે.

'ઑસ્ટ્રેલિયાની સૌથી ખતરનાક મહિલા સિરિયલ કિલર' નું બિરુદ અપાયું

ફોલબીગ પોતાને ખોટી રીતે ગુનેગાર ઠરાવાયાં હતાં તેવું કોર્ટમાં સાબિત કરશે તો પછી સરકાર પાસેથી તેઓ નુકસાનના વળતર તરીકે મોટો દાવો પણ કરી શકે છે.

તેમની અપીલ આ વખતે માન્ય રહે તો તેઓ ન્યૂ સાઉથ વેલ્સ સરકાર સામે કાનૂની પગલાં લઈ શકે છે અથવા વળતર સ્વીકારીને સેટલમૅન્ટ કરી શકે છે.

કેથલિન ફોલબીગનો કિસ્સો બહુ ચર્ચાસ્પદ બન્યો, કેમકે વિજ્ઞાનની નવી શોધને કારણે તેમને સંતાનોની હત્યાના આરોપમાંથી મુક્તિ મળશે કે કેમ તેની ઉત્સુકતા હતી.

કેથલિનનાં ચાર સંતાનો દસ વર્ષના ગાળામાં એક પછી એક મૃત્યુ પામ્યાં હતાં. આ પછી તેમની સામે આરોપ મૂકાયો કે તેમણે જ સંતાનોને ગુંગળાવીને મારી નાખ્યાં હતાં. તે કેસ ચાલ્યો અને તેમને 30 વર્ષની કેદની સજા થઈ હતી.

ન્યૂ સાઉથ વેલ્સની હન્ટર વેલીમાં રહેતા કેથલીનની કહાણી બહુ વળાંકદાર સાબિત થઈ છે.

2003માં તેમને ગુનેગાર ઠરાવવામાં આવ્યાં, ત્યારે 'ઑસ્ટ્રેલિયાની સૌથી ખતરનાક મહિલા સિરિયલ કિલર' એવા બિરૂદ સાથે તેમની બહુ બદનામી પણ થઈ હતી.

તે પછી 18 વર્ષ સુધી તેમણે કેદ રહેવું પડ્યું, પરંતુ હવે નવા પુરાવા સામે આવ્યા કે તેમનાં ચાર સંતાનોનાં મૃત્યુ કુદરતી બીમારીઓને કારણે થયાં હતાં.

ગયા અઠવાડિયે 90 જેટલા અગ્રણી વિજ્ઞાનીઓ અને તબીબી નિષ્ણાતોએ આ નવી તપાસનો અહેવાલ તૈયાર કરીને ન્યૂ સાઉથ વેલ્સના ગર્વનરને સોંપ્યો હતો. અહેવાલમાં ભલામણ કરવામાં આવી હતી કે ફોલબીગને માફી આપવામાં આવે.

આ તપાસ અહેવાલ પર સહી કરનારામાં બે નોબલ વિજેતાઓ પણ હતા. એક ભૂતપૂર્વ ચીફ સાયન્ટિસ્ટ હતા અને ઑસ્ટ્રેલિયા એકેડમી ઑફ સાયન્સના પ્રૅસિડેન્ટ જ્હોન શાઇન પણ હતા.

પ્રોફેસર શાઇને જણાવ્યું કે, "આ કેસમાં હવે જે વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવા મળ્યા છે તે પછી આ પિટિશન પર સહી કરવાનું યોગ્ય જ હતું."

આખરે ફોલબીગને માફી આપવામાં આવી અને ઑસ્ટ્રેલિયાનો ખોટી રીતે સજા થયાના આ સૌથી મોટા કિસ્સાનો સુખદ અંત આવ્યો.

વિજ્ઞાનનો આધાર મહત્ત્વનો સાબિત થયો

વિજ્ઞાન અને કાનૂન વચ્ચે કેટલી ખાઈ છે તે પણ આ કેસથી બહાર આવ્યું છે.

ઘણી બધી અપીલ પછી 2019માં પણ ફોલબીગના કેસનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ન્યાયાધીશો આ કેસમાં વાજબી શંકા કરી શકાય છે તેવી વાત સ્વીકારવા જ તૈયાર નહોતા. તેના બદલે આ કિસ્સામાં તેમની ડાયરીનાં લખાણો અને અન્ય પુરાવાઓને જ વધારે ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

એક ન્યાયાધીશે એવું કહેલું કે, "બાળકોને ઇરાદાપૂર્વક ઈજાઓ થઈ છે તેવું જ તારણ દેખાય છે અને તે વ્યક્તિ ફોલબીગ જ હોઈ શકે તેવા પુરાવાઓ દાખવે છે."

જોકે આખરે વિજ્ઞાનનો આધાર મહત્ત્વનો સાબિત થયો અને તેના આધારે એવું તારણ કાઢી શકાયું કે આ કિસ્સામાં વાજબી શંકાનો લાભ માતાને મળી શકે છે.

હ્મુમન જેનેટિસિસ્ટ પ્રોફેસર જોસેફ ગેઝ કહે છે, "આ કિસ્સામાં વિજ્ઞાનનું તારણ બહુ મજબૂત છે અને તેની અવગણના થઈ શકે નહીં."

ચાઇલ્ડ અને પબ્લિક હેલ્થના સંશોધક પ્રોફેસર ફિયોના સ્ટેનલી પણ કહે છે, "મેડિકલ અને વૈજ્ઞાનિક પુરાવાની અવગણના કરવામાં આવી તે બહુ ચિંતાજનક છે. હવે આપણી પાસે ફોલબીગનાં બાળકો કેવી રીતે મૃત્યુ પામ્યાં હશે તેના વૈકલ્પિક કારણો છે."

આ વૈકલ્પિક કારણોનો આધાર હાલના સમયમાં જેનેટિક મ્યુટેશનની તપાસ છે. કેથલિન ફોલબીગની બે દીકરીઓમાં પેથોજેનિક મ્યુટેશન હોવાનું તપાસમાં તારણ નીકળ્યું હતું અને તેના કારણે જ દીકરીઓનાં મોત થયાં તેવું વૈજ્ઞાનિકોને લાગ્યું હતું. તેમના બે દીકરાઓને જુદા પ્રકારનું મ્યુટેશન હતું તે પણ તપાસમાં બહાર આવ્યું હતું.

2019માં ઑસ્ટ્રેલિયન નેશન યુનિવર્સિટીનાં ઇમ્યુનોલોજી અને જેનોમિક મેડિસિનનાં પ્રોફેસર કેરોલા વિનુએસાની આગેવાની હેઠળ જિનેટિક તપાસ થઈ હતી અને તેમાં બંને દીકરીઓનાં મ્યુટેશનનો ખ્યાલ આવ્યો હતો.

આ પ્રકારના મ્યુટેશનને કારણે અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવી શકે છે તેવું સંશોધન પણ વિશ્વમાં ઘણી જગ્યાએ થતું રહ્યું છે. આખરે આ પ્રકારના સંશોધનને સ્વીકારવામાં આવ્યું અને સંતાનોને કુદરતી બીમારીઓ હતી, તેથી મોત થયાં હશે તેવી શંકાને આધારે ફોલબીગને બિનશરતી માફી મળી છે.

આ ક્ષેત્રમાં વધારે સંશોધનની જરૂર છે એમ વિજ્ઞાનીઓ સ્વીકારે છે, પરંતુ હાલ પૂરતું વિજ્ઞાનને કારણે એક વ્યક્તિને ન્યાય મળી શક્યો તેવું સૌને લાગ્યું છે.