You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિદેશમાં ઊંચા પગારે નોકરી લાલચ આપી રૂ. 22 લાખ ઠગી લેનાર 9મું પાસ આરોપી કેવી રીતે ઝડપાયો?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"તેમણે કસમ ખાઈને કહ્યું હતું કે, તેઓ ફ્રૉડ નથી પણ સાચા એજન્ટ છે. મને વિદેશમાં ઊંચા પગારની નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો. મેં મારી બહેનનાં ઘરેણાં ગીરવી મૂકીને 1.40 લાખ રૂપિયા તેમને આપ્યા હતા. વિદેશમાં નોકરી અપાવવાના નામે અમારી સાથે છેતરપિંડી થઈ ગઈ છે. હું આર્થિક તંગીમાં છું. હવે મારા પર રૂપિયા 1.40 લાખનો બોજ આવી પડ્યો છે."
આ શબ્દો છે રાજસ્થાનમાં સામાન્ય મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા 34 વર્ષના કશ્મીરુદ્દીન મોહમ્મદ સાબિર કુરૈશીના.
કશ્મીરુદ્દીન રાજસ્થાનના ખંડેલા તાલુકામાં રહે છે અને સામાન્ય મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને કાયમ મજૂરી ન મળતી હોવાથી પરિવારની આર્થિક તંગી દૂર કરવા તેઓ સારા પગારની નોકરીની શોધમાં હતા.
જોકે, અમદાવાદમાં ચાર શખ્સોએ વિદેશમાં ઊંચો પગાર અપાવવાની લાલચ બતાવી કશ્મીરુદ્દીન સહિત કુલ 13 લોકો પાસેથી 22.40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ચાર આરોપીઓએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાની પોલીસને શંકા છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે.
કેવી રીતે આરોપીઓના સંપર્કમાં આવ્યા?
કશ્મીરુદ્દીન સહિત અન્ય 13 લોકો સાથે કેવી રીતે છેતરપિંડી થઈ તે અંગે તેમણે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "અમને સારું જીવન મળે તેથી અમે નોકરી કરવા માગતા હતા. મુસ્તાક અને દિનેશ અમને મળવા માટે અમારા ગામમાં આવ્યા હતા. જેમણે અમને અલ્લાની કસમ ખાઈને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ ફ્રૉડ નહીં પણ સાચા એજન્ટ છે. અલ્લાની કસમના કારણે મને તેમના પર વિશ્વાસ બેઠો. અને મેં બહેનનાં ઘરેણાં ગીરવી મૂકીને તેની સામે લોન લઈને 1.40 લાખ રૂપિયા તેમને આપ્યા હતા. પણ વિદેશમાં નોકરી આપવાની લાલચે તેમણે અમારી સાથે છેતરપિંડી કરી. જેની અમે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે."
રૂપિયા આપ્યા બાદ તેમને ક્યારે ખબર પડી કે તેઓ છેતરાયા છે? તે અંગે બીબીસી સાથે તેમણે વિસ્તારથી વાત કરતા જણાવ્યું કે "અમે ક્યારે પણ વિમાનની ટિકિટ જોઈ નથી. અમને ટિકિટ આપવામાં આવી હતી. અમે જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે ત્યાં ટિકિટ ચૅક કરનારે કહ્યું હતુ કે, તમારી ટિકિટ નકલી છે ત્યારે અમને ખબર પડી હતી કે, અમારી સાથે છેતરપીંડી થઈ છે. ત્યાર બાદ અમે ઍજન્ટની શોધખોળ શરૂ કરી, પણ પણ અમને કોઈ ન મળ્યું."
ભાડાની ઑફિસમાં કરતા હતા કામ
આરોપીએ કેવી રીતે છેતરપિંડી કરતા હતા. તે અંગે બીબીસીએ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર મંજુલાબહેન પરડવા સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે "આરોપીઓ અમદાવાદમાં ભાડાંના ઘરમાં રહેતા હતા. અને અહીં તેમણે ભાડાની ઑફિસ રાખી હતી. આ કેસમાં બિહારથી આરોપીઓની ધરપકડ કરાઈ છે. તેઓ લોકો પાસેથી ઓરિજિનલ પાસપૉર્ટ લઈ લેતા હતા. આરોપીઓ પાસેથી અમે 13 ફરિયાદી સિવાયના અન્ય પાંચ પાસપૉર્ટ કબજે કર્યા છે. આ પાંચ પાસપૉર્ટ હિંમતનગરના લોકોના હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. આ કેસમાં આગાઉ એક મુસ્તાક નામના આરોપીની ધરપકડ કરી હતી."
'આરોપીઓ પેપરમાં ખોટી જાહેરાતો આપતા'
આરોપીઓએ કમ્બોડિયામાં ડ્રાઇવર, હેલ્પર અને વર્કરની નોકરીમાં ઊંચો પગાર મળવાની લાલચ આપતી 'એસ.ડી. ટુર્સ ઍન્ડ ટ્રાવેલ્સ કંપની'ના નામની જાહેરાત અખબારમાં આપી હતી.
આ જાહેરાતનાં કટિંગ તેમને ગુજરાતમાં રહેતા સંબંધીઓ પાસેથી મળ્યાં હતાં.
ભોગ બનનારાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે કે સમગ્ર બાબતે તેમણે મુસ્તાક અંસારી સાથે ફોન પર વાત કરી હતી. અંસારીએ તેમને અમદાવાદ ખાતેની ઓફિસે મળવા બોલાવ્યા. અંસારીએ રૂબરૂમાં તેમને કમ્બોડિયાની નોકરીની વિગતો આપી હતી અને તમામને કમ્બોડિયા ખાતેની ગેલ કંપનીનો ઍમ્પ્લૉયમૅન્ટ ઑફર લેટર પણ આપી દીધો. ત્યાર બાદ તેમનું મેડિકલ ચૅકઅપ પણ કરાવાયું. જેના રિપોર્ટ પણ તેમણે મોકલી આપ્યા. આ રિપોર્ટ અને ઓરીજનલ પાસપૉર્ટ તેમણે રાખી લીધા હતા. અને ફીના નામે વ્યક્તિ દિઠ રૂપિયા 1.40 લાખની માગણી કરી."
ફીની માગણી કરતા જ કશ્મીરુદ્દીન સહિતના લોકોને શંકા ગઈ અને તેમણે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો.
"તેથી તેમને સમજાવવા માટે મુસ્તાક અન્સારી અને દિનેશભાઈ નામના શખ્સ તેમના ગામ રાજસ્થાન તેમના ઘરે ગયા હતા. જ્યાં તેમણે ખોટી રીતે વિશ્વાસમાં લીધા કે તેમની ટ્રાવેલ કંપનીએ કમ્બોડિયાની ગેલ કંપની સાથે કરાર કર્યો છે."
"તેમના વિશ્વાસમાં આવીને 13 માર્ચ 2023ના રોજ સિકંદર હમીદ, અક્રમ આરબ, મોહમ્મદ રિયાઝ, મોહમ્મદ હારુન આ ચાર લોકોએ મુસ્તાક સાથે જઈને એસ. ડી. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઑફિસમાં વ્યક્તિદીઠ રુ. 1.40 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જેની સામે મુન્ના ચૌહાણ નામના વ્યક્તિએ તેમને મુંબઈથી કમ્બોડિયાની ટિકિટ આપી હતી."
દિલ્હી આવ્યા ત્યારે ખબર પડી ટિકિટ નકલી છે
ચાર વ્યક્તિએ રૂપિયા ભર્યા બાદ અન્ય લોકોએ પણ વ્યક્તિ દિઠ 1.40 લાખ રૂપિયા ભર્યા.
"અચાનક દિનેશ યાદવે સિકંદર અબ્દુલને ફોન કરીને જણાવ્યું કે, તમારે બધાએ વ્યક્તિ દીઠ 60 હજાર રૂપિયા લઈને મુંબઈ આવવાનું રહેશે. આટલા રૂપિયા તેમની પાસે ન હોવાથી તેમણે આવવાનો ઇનકાર કરી દીધો તો તેમને મુંબઈથી કમ્બોડિયાની ટિકિટ કૅન્સલ કરીને તમામને દિલ્હીના પહાડગંજ બોલાવ્યા."
"અહીં આરોપી મુન્ના ચૌહાણ અને દિનેશ યાદવે તમામ લોકો પાસેથી પાસપૉર્ટ અને વ્યક્તિ દીઠ 60 હજાર રૂપિયા લઈ લીધા. અને તેમને ટિકિટ આપીને કહ્યું કે દિલ્હીથી બેંગકૉક અને ત્યાંથી કમ્બોડિયાની ટિકિટ થઈ ગઈ છે. તેમણે ટિકિટ પણ આપી. અને 25 એપ્રિલે તેમને દિલ્હી બોલાવ્યા."
દિલ્હીમાં તેમની સાથે જે બન્યું તેનું વર્ણન કરતા કશ્મીરુદ્દીને ફરિયાદમાં જણાવ્યું કે,"25 એપ્રિલે અમે દિલ્હી આવી ગયા હતા. જ્યાં અમે બહુ રાહ જોઈ પરંતુ મુન્ના ચૌહાણ અને દિનેશ યાદવ આવ્યા નહીં. અમે તેમને અવારનવાર ફોન કર્યો હતો પરંતુ તેમનો ફોન સતત બંધ આવતો હતો."
"જેથી અમે મુસ્તાક અન્સારીને ફોન કર્યો હતો. તેમનો ફોન પણ બંધ આવતો હતો. ત્યારે અમને ખબર પડી કે, કમ્બોડિયામાં નોકરી આપવાના બહાને તેમણે અમારી બધા પાસેથી ટુકડેે ટુકડે 22.40 લાખ રૂપિયા પડાવ્યા છે. તેમણે પૂર્વ આયોજીત કાવતરું કરીને અમારી સાથે છેતરપિંડી કરી છે."
બિહારથી ઝડપાયો આરોપી
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી. તેમને મુખ્ય આરોપીનું લૉકેશન બિહાર હોવાનું જાણવા મળ્યું. સમગ્ર બાબતે સાયબર ક્રાઇમ પોલીસે મીડિયાને પણ માહિતી આપી હતી. જેમાં જણાવાયું હતું કે, "ઇન્વેસ્ટિગેશન ટીમ બિહાર ગઈ હતી. જ્યાંથી ગૅંગના સભ્ય અંસારુલ હક ઉર્ફે મુન્ના ચૌહાણની અટકાયત કરાઈ છે. 43 વર્ષનો આરોપી હાલ બેકાર છે અને ધોરણ 9 સુધીનો તેણે અભ્યાસ કર્યો છે. જે સાઉદી અરેબિયા ખાતે બે વર્ષ ડ્રાઇવરની નોકરી પણ કરી આવ્યો છે."
આ કેસમાં મુસ્તાક અન્સારી, મુન્ના ચૌહાણ, દિનેશ યાદવ અને વિદ્યા સાગરનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 406, 420, 120(બી) અને આઈટી એક્ટની કલમ 66 (સી), 66 (ઇ) હેઠળ ગુનો નોંધ્યો છે.