You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બદલ મોતની સજા પામેલા લોકો પણ મારી સાથે જેલમાં હતા’ ઈરાનની જેલમાંથી છૂટેલા યુવાનની કહાણી
- લેેખક, જિયર ગોલ
- પદ, બીબીસી પર્શીયન સર્વિસ
ઈરાન દ્વારા કેદીઓની અદલાબદલીના ભાગરૂપે ગયા મહિને મુક્ત કરવામાં આવેલા યુરોપના ચાર નાગરિકમાં ડેન્માર્કના એક ટ્રાવેલ બ્લોગરને પણ સમાવેશ થાય છે.
થોમસ કેજેમ્સ નામના ડેન્માર્કના એ નાગરિકે અટકાયત દરમિયાન થયેલા અનુભવની વાત બીબીસી સાથેની ખાસ મુલાકાતમાં કરી હતી. તેમને હુમલાની કથિત યોજના ઘડવા બદલ બેલ્જિયમમાં કેદ કરવામાં આવેલા ઈરાનના એક રાજદ્વારી અધિકારીની મુક્તિના બદલામાં પોતાને મુક્ત કરવામાં આવ્યા બદલ દોષની લાગણી થતી હોવાનું જણાવ્યું હતું.
કેજેમ્સે ગયા વર્ષે જ્યાં પ્રવાસ કર્યો એ બધી જગ્યાએ તેઓ ટૂંક સમયમાં જ સંઘર્ષ કે સંકટમાં ફસાઈ ગયા હોય એવું લાગે છે.
28 વર્ષના કેજેમ્સે જાન્યુઆરી, 2022માં ડેન્માર્કથી યુક્રેન માટે સાહસયાત્રા શરૂ કરી હતી, પરંતુ તેઓ યુક્રેન પહોંચ્યાના થોડા સમયમાં જ રશિયન આક્રમણ શરૂ થઈ ગયું હતું.
એ પછી તેમણે આર્મેનિયા જવાનો નિર્ણય કર્યો હતો, જ્યાં તેમને પાડોશના ઈરાનમાં રસ પડ્યો હતો. યેરેવાન ખાતેની ઈરાનની રાજદ્વારી ઓફિસે સપ્ટેમ્બરમાં તેમને ટૂરિસ્ટ વિઝા આપ્યા હતા, પરંતુ તેઓ એ પર્શીયન દેશમાં પહોંચ્યા ત્યારે યોગાનુયોગે માહસા ઝીના અમિની નામની એક યુવતીના પોલીસ કસ્ટડીમાં મોતનો વિવાદ સર્જાયો હતો. ઇસ્લામી ગણતંત્ર ઈરાનના કડક ડ્રેસ કોડનું કથિત ઉલ્લંઘન કરવા બદલ દેશની મોરાલિટી પોલીસે 22 વર્ષની કુર્દ યુવતી માહસાને અટકાયતમાં લીધી હતી.
માહસાનું પોલીસ કસ્ટડીમાં મોત થતાં રાષ્ટ્રવ્યાપી વિરોધ ફાટી નીકળ્યો હતો અને કેજેમ્સે ઈરાનના જેટલાં શહેરોની મુલાકાત લીધી તે તમામમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.
તમામ સાવચેતી અપૂરતી હતી
કેજેમ્સે બીબીસીને કહ્યું હતું, “ઈરાનમાં કોઈ પણ સંઘર્ષ કે રાજકીય બાબતથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેં મારી જાતને કહ્યું હતું કે કોઈ લશ્કરી સ્થળો કે સરકારી ઇમારતોની નજીક જવાનું નથી. તેના ફોટોગ્રાફ કે વીડિયો ક્લિક કરવાના નથી. પછી મેં કોઈ વિરોધ પ્રદર્શનની નજીક નહીં જવાનો નિર્ણય પણ કર્યો હતો.”
જોકે, કેજેમ્સ ઈરાની સલામતી દળો પર નજર નાખવાનું ટાળી શક્યા ન હતા. ગુપ્તચર એજન્ટોએ ઑક્ટોબરની શરૂઆતમાં કેજેમ્સને તહેરાનની હોસ્ટેલમાંથી અટકાયતમાં લીધા હતા. તેમને કુખ્યાત એવિન જેલમાં લઈ જવામાં આવ્યા હતા. એવિન જેલ ઘણા સરકાર વિરોધીઓ અને રાજકીય કેદીઓને રાખવા માટે કુખ્યાત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેજેમ્સના કહેવા મુજબ, “મારી ધરપકડ શા માટે કરવામાં આવી છે એ તેમણે મને જણાવ્યું ન હતું. તેમણે મને વળતો સવાલ કર્યો હતો કે અમે તમને શા માટે જેલમાં લઈ જઈ રહ્યા છીએ? હું મૂંઝાયેલો હતો. મેં કહ્યુ હતું, મેં કેટલાક વીડિયો બનાવ્યા છે. શા માટે તે ખબર નથી.”
પછી ફરિયાદ પક્ષે કેજેમ્સ પાસે પર્શીયન ભાષામાં લખેલા બે કાગળ પર ધરાર સહી કરાવી હતી. કેજેમ્સે કહ્યું હતું, “હું શેના પર સહી કરતો હતો તેની મને ખબર ન હતી, પરંતુ મૂળભૂત રીતે મેં સ્વીકાર્યું હતું કે મારી સામેના આક્ષેપો સાચા છે.”
કેજેમ્સ પર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનો અને તેનો વીડિયો બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આમ કરવું તેને ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધનું કૃત્ય માનવામાં આવે છે.
એક અણધાર્યું આશ્ચર્ય
એવિન જેલમાં કેજેમ્સને રમખાણ દરમિયાન અટકાયતમાં લેવાયેલા કેટલાક ઈરાનીઓ સાથે એક કોટડીમાં રાખવામાં આવ્યા હતા. કેજેમ્સ અગ્નિપરીક્ષા માટે તૈયાર હતા, પરંતુ તેમને અણધારી કૃપાનો અનુભવ થયો હતો.
જેલમાં તેમની સાથે ઈરાનના સર્વોચ્ચ નેતાના ટીકાકાર આયાતુલ્લાહ અબ્દોલહામિદ માસૂમી-તહેરાની પણ હતા. તેમને ઑક્ટોબરમાં તહેરાનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમણે બીબીસીને એક વીડિયો કૉલમાં કહ્યું હતું, “થોમસ તેમને જે લોકોએ જેલમાં નાખ્યા હતાં, તેમના પગલાંને આધારે ઈરાનનું મૂલ્યાંકન નહીં કરે, એવી અમને આશા છે.”
આયાતોલ્લાહ જેલમાં પોતાના ખોરાકનો એક હિસ્સો રોજ મને આપતા હતા, એમ જણાવતાં કેજેમ્સે ઉમેર્યું હતું, “આ બહુ નાની વાત છે, પણ જેલમાં તે બહુ મોટી ચેષ્ટા કહેવાય.”
20 વર્ષની વયના વિરોધ પ્રદર્શનકર્તા મોહમ્મદ બોરોઘાની પણ કેજેમ્સની સાથે એક કોટડીમાં રહેતા હતા. બોરોઘાનીને તહેરાનની ક્રાંતિકારી અદાલતે ‘ભગવાન પ્રત્યે દુશ્મનાવટ’ રાખવા બદલ નવેમ્બરમાં દોષી ઠેરવ્યા હતા અને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
બોરોઘાની પર એક સલામતી રક્ષક પર હુમલો કરવાનો અને એક સરકારી ઇમારતને આગ ચાંપવાનો આરોપ પણ હતો. તેમની સામેનો ખટલો એક છેતરપિંડી હોવાનો દાવો ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કર્યો હતો.
કેજેમ્સના જણાવ્યા મુજબ, બોરોઘાનીને મૃત્યુદંડની સજાની જાણ કરવામાં આવી ત્યારે તેઓ જેલમાં હતા. “તે ગુસ્સે શા માટે થયેલો છે, એવો સવાલ મેં કર્યો ત્યારે તેના સાથી કેદીઓએ મને કહ્યું હતું કે તેની અટકાયત વધુ એક મહિનો લંબાવવામાં આવી છે. મેં તેને ધરપત આપવાનો પ્રયાસ કર્યો હતો.”
થોડા દિવસ પછી તેમણે સત્ય શોધી કાઢ્યું હતું. “મને આઘાત લાગ્યો હતો,” એમ કહેતાં કેજેમ્સે ઉમેર્યું હતું, “પોતે એક પોલીસકર્મી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો, પણ તે નિષ્ફળ રહ્યો હોવાનું તેણે મને કહ્યું હતું. જેલમાં ચાર અન્ય લોકો પણ હતા, જેમને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પ્રકાશિત કરવા બદલ મોતની સજા ફરમાવવામાં આવી હતી.”
કેજેમ્સે જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્ટોએ તેને શારીરિક હાનિ પહોંચાડી ન હતી, પરંતુ અન્ય કેદીઓને ક્રૂર યાતનાઓ આપવામાં આવતી હોવાની વાતો જરૂર સાંભળી હતી.
કેદીઓની અદલાબદલી
સાત મહિનાની અટકાયત પછી જૂનમાં જેલ અધિકારીઓએ કેજેમ્સને તેનો સામાન પૅક કરવા અને કોટડીમાંથી બહાર આવવા જણાવ્યું હતું. કેજેમ્સને તહેરાનના મેહરાબાદ ઍરપૉર્ટ પર લઈ જવામાં આવ્યા હતા અને તેઓ ઓમાન જતી ફ્લાઈટમાં રવાના થયા હતા.
ઓમાનની સરકારની મધ્યસ્થીને કારણે કેજેમ્સને ઈરાને મુક્ત કર્યા હતા. કેદીઓની અદલાબદલીના ભાગરૂપે બે ઈરાની-ઑસ્ટ્રિયન નાગરિકો મસૂદ મોસ્સાહેબ તથા કામરાન ઘડેરી અને બેલ્જિયમના સહાય કાર્યકર ઑલિવિયર વેન્ડેકાસ્ટીલેને પણ મુક્ત કરવામાં આવ્યા હતા. આ ત્રણેયને જાસૂસી બદલ દોષીત ઠેરવવામાં આવ્યા હતા. જોકે, તેમણે એ આરોપને નકારી કાઢ્યો હતો.
એ જ સમયે બેલ્જિયમે ઈરાની રાજદ્વારી અધિકારી અસદોલ્લા અસાદીને મુક્ત કર્યા હતા. ફ્રાન્સમાં નિર્વાસિત ઈરાની વિપક્ષી જૂથની 2018ની એક રેલીમાં બૉમ્બ વિસ્ફોટના કાવતરા બદલ તેમને 20 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી અને બેલ્જિયમની જેલમાં તેઓ એ સજા ભોગવી રહ્યા હતા.
અસાદીને મુક્ત કરવામાં આવ્યાનું જાણ્યા પછી મેં પારાવાર અપરાધભાવ અનુભવ્યો હતો, એમ જણાવતા કેજેમ્સે ઉમેર્યું હતું, “કેદીઓની અદલાબદલીની ઘટના એક નૈતિક દુવિધા છે.”
તેમના ડેન્માર્કના વકીલ સામ જલાઈએ જણાવ્યું હતું કે તેઓ નિર્દોષ છે, પરંતુ આ કેસીસનું નિરાકરણ માત્ર ઈરાનમાં કાનૂની પ્રક્રિયા દ્વારા શક્ય ન હતું.
તેમણે કહ્યું હતું, “આ એક રાજકીય બાબત છે એ અમે શરૂઆતથી જ જાણતા હતા. તેથી અમે વિદેશ મંત્રાલય તથા ડેન્માર્કની ગુપ્તચર સેવાના સતત સંપર્કમાં હતા.”
કેજેમ્સના કહેવા મુજબ, સાત મહિના જેલમાં રહ્યા બાદ હું ઘરે જવા ઇચ્છતો હતો અને મારી મમ્મીએ બનાવેલી કોફી પીવા ઇચ્છતો હતો.
ડેન્માર્કની રાજધાની કોપનહેગનના એક કૅફેટેરિયામાં ઍસ્પ્રેસો કૉફી પીતાં કેજેમ્સે કહ્યું હતું, “ઈરાનમાં સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, તેઓ વિદેશીઓનો ઉપયોગ ચલણ કે પૈસા તરીકે કેવી રીતે કરે છે તેની મને હવે ખબર પડી ગઈ છે. હવે હું ક્યારેય ઈરાન જઈશ નહીં.”