'તમે મારી આંખ પર ગોળી મારી છે, પણ મારું દિલ હજુ ધડકે છે'

    • લેેખક, પૌયા ગોરબાની
    • પદ, બીબીસી ફારસી

ચેતવણી : આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.

એક યુવતી હૉસ્પિટલના પલંગમાં સૂતી છે, તેની જમણી આંખ પર પટ્ટી બાંધેલી છે. તેની ડાબી આંખ બંધ છે, તે કણસી રહી છે અને પીડાથી આક્રંદ કરી રહી છે.

ગત સપ્ટેમ્બરમાં ઈરાનના ઉત્તર-પૂર્વમાં આવેલા શહેર મશહાદ નજીક વિરોધ પ્રદર્શન દરમિયાન ઈરાની સુરક્ષાદળોએ પીએચડીનો અભ્યાસ કરી રહેલાં ઈલાહે તાવોકોલિયનને ગોળી મારી હતી.

આ ગોળી તેમની જમણી આંખ પર વાગી હતી. જેના કારણે તેમણે દૃષ્ટિ ગુમાવવી પડી હતી.

પરંતુ આ ઘટનાના ત્રણ મહિના બાદ તેમણે ખુદ પર જે વીતી હતી, તે વિશે પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

જેની સાથે તેમણે લખ્યું, "તમે મારી આંખ પર ગોળી મારી છે, પણ મારું હ્રદય હજુ ધબકે છે. મારી આંખોની દૃષ્ટિ લેવા બદલ આભાર, જેના લીધે ઘણા લોકોની આંખો ખુલી છે."

"મારા હ્રદયની અંદરનો પ્રકાશ અને આવનારા સારા દિવસોની આશા મને ખુશ રાખશે પરંતુ તમારા અને તમારા આકાઓના હ્રદયમાં દિવસેને દિવસે અંધારું થતું જાય છે."

"મને ટૂંક સમયમાં કાચની આંખ મળશે, અને તમને મેડલ."

આંખ ગુમાવ્યા બાદ ઈલાહેએ તાજેતરમાં ઈરાન છોડી દીધું હતું અને ગોળી કઢાવવા માટે ઈટલીમાં મોટી સર્જરી કરાવી હતી. તેમણે હૉસ્પિટલમાંથી પોતાનો એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું, "હું આને વર્ણવવા માટે જીવીશ."

સર્જરી પછી બીબીસી પર્શિયન સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તેઓ ભવિષ્યમાં "આંતરરાષ્ટ્રીય અદાલતમાં ગોળીનું પ્રદર્શન" કરવાની યોજના ધરાવે છે.

ઈલાહેની જેમ સંખ્યાબંધ લોકોને આંખમાં ગોળી મારવામાં આવી છે

સપ્ટેમ્બરમાં એક યુવાન કુર્દિશ મહિલા મહસા અમિનીનું યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ કસ્ટડીમાં મૃત્યુ થયાં બાદથી હજારો લોકો ઈરાનની સરકારના વિરોધમાં ઊતરી પડ્યા હતા.

આ વિરોધ આજે પણ ચાલુ છે.

હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી (એચઆરએએનએ) અનુસાર, સરકારનો વિરોધ કરી રહેલા 20 હજાર જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 500 લોકો માર્યા ગયા હતા.

જે યુવાનોને અંધ કરવામાં આવ્યા છે, તેમનું કહેવું છે કે તેમને શરૂઆતમાં અલગ કરવામાં આવ્યા હતા.

જોકે, ઈરાનની રાયટ (હુલ્લડ) પોલીસના વડા બ્રિગેડિયર જનરલ હસન કારમીએ તાજેતરમાં જ ઈરાની મીડિયામાં આ પ્રકારના આરોપો ફગાવી દીધા હતા.

તેમણે કહ્યું કે તેમના દળો પર આ પ્રકારનો આરોપ મૂકવો એ દુષ્પ્રચાર છે.

કાયદાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થિની ગઝલ રંજકેશ તેમાંના એક હતાં. તેમને નવેમ્બર મહિનામાં દક્ષિણ ઈરાનમાં આવેલાં શહેર બંદર અબ્બાસમાં ગોળી મારવામાં આવી હતી.

21 વર્ષીય ગઝલ આ અત્યાચાર વિશે જાગૃતિ લાવવા ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારાં પ્રથમ વ્યક્તિ હતાં.

તેમણે હૉસ્પિટલમાંથી શૅર કરેલાં વીડિયોમાં તેમની જમણી આંખમાંથી લોહી નીકળતું જોવા મળે છે, પણ તેઓ હસતા મોંએ 'વિક્ટરી સાઇન' દેખાડતાં નજરે પડે છે.

"આંખોનો અવાજ કોઈ પણ ચીસો કરતાં વધુ હોય છે."

તેમનો આ વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. જેના લીધે દેશવિદેશમાં વસતા ઈરાનીઓને જોવા મળ્યું હતું કે કેવી રીતે યુવાનોને સત્તાધીશો દ્વારા ટાર્ગેટ કરાઈ રહ્યા છે.

ગઝલે અપલોડ કરેલા વીડિયો સાથે લખ્યું હતું, "તમે જ્યારે મને ગોળી મારી, ત્યારે હસી કેમ રહ્યા હતા?"

જોકે, વીડિયોમાં મેડિકલ સ્ટાફનો અવાજ પણ આવતો હોવાથી બાદમાં તેમણે એ ડીલિટ કરી નાખ્યો હતો.

એ પછી તેમણે કંઈક અલગ શરૂ કર્યું.

તેમના જેવી જ સમાન ઇજાઓ ધરાવતા યુવાનોને સમજાયું કે તેઓ એકલા નથી અને તેમના આઘાતમાં મદદ કરવા માટે ઓનલાઇન લોકોને શોધી શકે છે.

ઇન્સ્ટાગ્રામ પર ગઝલનું અંગત નિવેદન છે, "આંખોનો અવાજ કોઈ પણ ચીસો કરતાં વધુ હોય છે."

તાજેતરમાં તેમણે બીજી એક તસવીર પોસ્ટ કરી છે. પહેલી નજરે આ તસવીર કોઈ ફોટોશૂટ માટે લેવાયેલી હોય તેમ લાગે છે, પણ ધ્યાનથી જુઓ તો તેનાં બે પાસા છે.

તસવીર સાથે ગઝલે લખ્યું છે, "પીડા અસહ્ય છે, પણ હું તેની સાથે જીવતા શીખી લઈશ. હું મારું જીવન જીવીશ કારણ કે મારી કહાણી હજી પૂરી થઈ નથી. અમારો વિજય હજુ થયો નથી, પણ એ નજીક છે."

તેમને કૃત્રિમ આંખ ફીટ કરવામાં આવી છે અને તેમણે તેને સ્વીકારવા માટેના સંઘર્ષ વિશે પણ લખ્યું છે. તેમને પોતાના ચહેરા પરના ઘાની આદત પડી ગઈ છે અને તેના પર ગર્વ પણ અનુભવે છે.

તેમણે અંતે લખ્યું છે, "હું એક આંખથી સ્વતંત્રતાની સાક્ષી બનીશ."

'મને ગર્વ છે કે મેં આઝાદી માટે મારી આંખનું બલિદાન આપ્યું.'

સમગ્ર ઈરાનમાં આ રીતે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં છે તેનો સ્પષ્ટ આંકડો કોઈને ખબર નથી.

હૉસ્પિટલમાં ધરપકડ થવાનો ડર છે, કેટલાક પ્રદર્શનકારીઓ તબીબી સહાય મેળવવામાં ડરે છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ ગત વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે સમાન પ્રકારની ઈજા ધરાવતા 500 લોકોએ તેહરાનની ત્રણ હૉસ્પિટલોમાં સારવાર લીધી હતી.

તેહરાન સ્થિત સ્ટ્રીટ પર્ફૉમર 32 વર્ષીય મોહમ્મદ ફરઝીને સપ્ટેમ્બરમાં ડાબી આંખ પર ગોળી મારવામાં આવી હતી.

તેઓ કહે છે, "મને તેનો અફસોસ નથી. મને ગર્વ છે કે મેં આઝાદી માટે મારી આંખનું બલિદાન આપ્યું."

જોખમ હોવા છતા તેઓ હૉસ્પિટલમાં ગયા. જ્યાં તેમની આંખ બચાવી શકાય તેમ હતી, પરંતુ પૈસાના અભાવે ત્રીજા ઑપરેશન પહેલાં જ તેમણે સારવાર બંધ કરાવી હતી.

મોહમ્મદ કહે છે, "મુખ્ય મુદ્દો આર્થિક, મનોવૈજ્ઞાનિક અને તબીબી સહાયનો હતો."

અંદાજ છે કે તેમણે પોતાની અધૂરી સારવાર પાછળ 2,500 ડૉલર એટલે કે બે લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે.

ડૉ. મોહમ્મદ જાફર આ રીતે ઇજાગ્રસ્ત થયેલાં લોકોની સારવારમાં સહાય કરવા માટે સરકારને લખેલા પત્રમાં સહી કરનારા 300 આંખોના ડૉક્ટર્સ પૈકીના એક છે.

તેઓ કહે છે કે દૃષ્ટિવિહીન પ્રદર્શનકારીઓ હંમેશાં માટે સમાજમાં ચિહ્નિત રહેશે.

વાઇરલ થયેલા એક વીડિયોમાં તેઓ કહેતા નજરે પડે છે કે "તેમનાં મૃત્યુ સુધી આ યુવાનો એ વાતની જીવિત સાબિતી બનીને રહેશે કે ઈરાનમાં શું-શું થયું હતું."

મોહમ્મદ ફરઝીએ એ વાત નક્કી કરી હતી કે તેમને જે ઓનલાઇન મદદ મળી હતી તે વાસ્તવિક જીવનની મિત્રતામાં પરિવર્તિત થવી જોઈએ.

એટલે જ તેમણે અન્ય એક ઈજાગ્રસ્ત કોસર એફ્તેખારી સાથે ઈલાહેની એક મોટા ઑપરેશન પહેલાં 900 કિલોમિટરની મુસાફરી કરીને મુલાકાત લીધી હતી.

તેમણે આ મુલાકાતનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો.

તેઓ કહે છે, "અમે દર્દ, તકલીફ અને આઘાતને સારી રીતે જાણીએ છીએ અને એકબીજા માટે હાજર રહેવાથી વિશેષ કંઈ કરી શકીએ તેમ નથી."

ઈલાહેએ પોતાની સર્જરી બાદ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે પિતા, મોહમ્મદ અને કોસરનો હાજર રહેવા બદલ આભાર માન્યો હતો.

સાથે જ તેમણે લખ્યું હતું, "મારા ઘામાંથી આશા ખીલે છે."