'તેમણે કહ્યું કે જો અમે ચૂપ ન રહ્યાં તો તેઓ બળાત્કાર કરશે' - ઈરાનમાં વિરોધ પ્રદર્શન

"તેમણે મને જમીન પર ફેંકી અને એક ઑફિસરે તેનાં જૂતાં મારી પીઠ પર મૂક્યાં. તેમણે મને પેટમાં માર્યું, હાથ બાંધી દીધા, મને ઉઠાવીને ગાડીમાં ધકેલી દીધી."

51 વર્ષીય મરિયમના કહેવા પ્રમાણે ગયા અઠવાડિયે ઈરાનની રાજધાની તેહરાનમાં એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી વખતે તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું.

22 વર્ષીય મહસા અમીનીનું 16 સપ્ટેમ્બરે કસ્ટડીમાં મૃત્યુ થયાં બાદથી ઈરાનમાં સતત પ્રદર્શન થઈ રહ્યા છે. અમીનીની કથિતપણે હિજાબ પહેરવાના નિયમ તોડવાના આરોપસર મોરાલિટી પોલીસે ધરપકડ કરી હતી.

જોકે, પોલીસ પોતાની વાત પર કાયમ છે કે તેમનું મૃત્યુ હાર્ટ ઍટેકથી થયું છે, પરંતુ પરિવારનો આરોપ છે કે એક ઑફિસરે તેમનાં માથા પર દંડો મારીને ગાડી પર પછાડ્યું હતું.

તેમનાં મૃત્યુ બાદ સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની આગેવાની મહિલાઓ જ કરી રહી છે.

વિરોધ પ્રદર્શનોની શરૂઆત ઈરાનના હિજાબ વિરોધી કાયદા વિરુદ્ધ થઈ હતી, પરંતુ હવે તેમાં ઇસ્લામિક રિપ્બલિક અને હાલના શાસન વિરુદ્ધ અવાજ ઊઠી રહ્યો છે. અત્યાર સુધી ઈરાનના 80થી વધુ શહેરોમાં ઘર્ષણ થયું હોવાના અહેવાલો આવ્યા છે.

ઘણી ધરપકડો

દેશભરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ છે, પરંતુ પ્રદર્શનકારીઓની ધરપકડ થતી હોવાના વીડિયો સતત સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે.

મરિયમ (બદલેલું નામ) કહે છે, "વીડિયોમાં જે દેખાય છે, હાલત તેનાથી વધારે ખરાબ છે. મેં જોયું છે કે એક કમાન્ડર પોતાના સૈનિકોને નિર્મમ થવાનું કહેતો હતો. પુરુષો તો ઠીક, મહિલા ઑફિસરો પણ ઘણી ક્રૂર છે. એકે મને થપ્પડ મારીને ઇઝરાયલની જાસૂસ અને વેશ્યા કહી."

બીબીસીના ધ્યાને એક વીડિયો આવ્યો છે. જેમાં કમાન્ડર પોતાના સૈનિકોને 'દયા ન દર્શાવીને ગોળી મારવાનો' આદેશ આપે છે.

બીબીસી દ્વારા આ વીડિયોની ચકાસણી કરવામાં આવી છે અને તેમાં સુરક્ષાદળો પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરતા અને તેમની ધરપકડ કરતા નજરે પડ્યા છે.

કેટલાક પ્રદર્શનકારીઓનાં નિવેદન

  • "અમને બાથરૂમ પણ જવા દેતા ન હતા, ભૂખ લાગે તો કહેતા કે ખુદનું મળ ખાઈ લો. અમે જ્યારે વિરોધ કરવાનું શરૂ કર્યું તો તેઓ કહેતા, 'ચૂપ થઈ જાઓ, નહીં તો તમારા પર બળાત્કાર ગુજરીશું.'"
  • "હું 25 વર્ષથી ઓછી ઉંમરના પ્રદર્શનકારીઓ સાથે હતો. ઘણા લોકોના મોં પર લોહી હતું, પણ તેઓ હસી રહ્યા હતા, વાત કરી રહ્યા હતા અને મજાકમસ્તી કરી રહ્યા હતા."
  • "વીડિયોમાં જે દેખાય છે, હાલત તેનાથી વધારે ખરાબ છે. મેં જોયું છે કે એક કમાન્ડર પોતાના સૈનિકોને નિર્મમ થવાનું કહેતો હતો. પુરુષો તો ઠીક, મહિલા ઑફિસરો પણ ઘણી ક્રૂર છે. એકે મને થપ્પડ મારીને ઇઝરાયલની જાસૂસ અને વેશ્યા કહી."
  • "મારા મોંમાંથી લોહી વહી રહ્યું હતું, તેમણે મને વીજ કરંટ આપ્યો. જમીન પર ફેંક્યો, મારા હાથ અને પગ બાંધી દીધા હતા. મને કસ્ટડીમાં લઈ જતી વખતે એક સૈનિકે મારી ડાબી આંખ પર મૂક્કો માર્યો હતો."

40 લોકોનાં મૃત્યુ

સરકારી મીડિયા પ્રમાણે, અત્યાર સુધી 40 પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં છે. જોકે, કેટલા લોકોની ધરપકડ થઈ છે, તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ઉત્તર ઈરાનમાં આવેલું પ્રાંત મઝારદારનના ચીફ પ્રૉસીક્યૂટર પ્રમાણે, પ્રથમ 10 દિવસોના પ્રદર્શન દરમિયાન 450 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે દેશભરમાંથી હજારો પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઈરાનના એક મુખ્ય શહેરમાં પ્રદર્શન કરી રહેલા સૅમે જણાવ્યું, "મેં સુરક્ષા અધિકારીને પાછળ ધકેલ્યાં અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. થોડી વારમાં 15 એજન્ટ આવ્યા અને મને મારવાનું શરૂ કરી દીધું હતું."

તેમણે કહ્યું, "મારા મોંમાંથી લોહી વહી રહ્યું હતું, તેમણે મને વીજ કરંટ આપ્યો. જમીન પર ફેંક્યો, મારા હાથ અને પગ બાંધી દીધા હતા. મને કસ્ટડીમાં લઈ જતી વખતે એક સૈનિકે મારી ડાબી આંખ પર મૂક્કો માર્યો હતો."

નીડર યુવતીઓ

રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીએ વિરોધ પ્રદર્શન સામે આકરા પગલાં લેવાની વાત કહી છે. પ્રદર્શન હવે ઈરાનનાં 31 શહેરો સુધી પહોંચ્યાં છે. ઘણા પ્રદર્શનકારીઓ 1980માં કેદીઓની હત્યાની સામૂહિક ફાંસીને યાદી કરી રહ્યા છે.

સૅમ કહે છે, "અમને લોકોને એક બસમાં એક-બીજા પર આશરે દોઢ કલાક સુધી સુવડાવવામાં આવ્યાં હતાં."

"હું કેદીઓને ફાંસી આપવામાં રઈસીની ભૂમિકા વિશે વિચારી રહ્યો હતો. એક ક્ષણ માટે મને લાગ્યું કે અમને પણ ફાંસી આપી દેવામાં આવશે. મને લાગ્યું તેમણે પહેલેથી આ માટે મંજૂરી આપી દીધી હશે."

આ વાતને લઈને કોઈ પુરાવા નથી કે રાષ્ટ્રપતિએ પ્રદર્શનકારીઓને ફાંસી આપવાનો કોઈ આદેશ આપ્યો હોય. મરિયમને જે વાનમાં લઈ જવાઈ રહ્યા હતા, તેમાં પણ પ્રદર્શનકારીઓ વિરોધ કરી રહ્યા હતા.

તેઓ કહે છે, "મારી સાથે બીજી યુવતીઓ પણ હતી, પરંતુ તેમની ઉંમર ઘણી ઓછી હતી. જ્યારે મેં તેમની હિંમત જોઈ તો મારી અંદર પણ સાહસ આવ્યું. તેમણે મારી મદદ કરી. તેઓ ચીસો પાડી રહ્યા હતા, અધિકારીઓનો મજાક ઉડાવી રહ્યા હતા. તેઓ અમારી પેઢીથી અલગ હતા, નીડર હતા."

બળાત્કારની ધમકી

બીબીસી પર્શિયનના ઘણા વીડિયોમાં તેહરાનના ઇવિન જેલ સામે લાંબી કતાર જોવા મળે છે. આ જેલમાં રાજનૈતિક કેદીઓને રાખવામાં આવે છે. ધરપકડ કરાયેલ લોકોના પરિવારજનો તેમના હાલચાલ જાણવા માટે બહાર ઉભા છે. તેમને દસ્તાવેજો સાથે આવવાનું કહેવાઈ રહ્યું છે.

ધરપકડ કરાયેલી એક વ્યક્તિના પરિવારના સભ્યએ જણાવ્યું કે અધિકારીઓએ તેમના પરિવારને પણ ધમકીઓ આપી છે અને કહ્યું છે કે "હાલત હજી પણ ખરાબ થઈ શકે છે." પણ તમામ લોકોને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા નથી. ઘણા લોકો નાના પોલીસસ્ટેશનમાં છે, જેમના વિશે વધારે માહિતી ઉપલબ્ધ નથી.

મરિયમે બીબીસીને જણાવ્યું, "અમને નાના પોલીસ સ્ટેશનોમાં મોકલી દેવાયા હતા. તેઓ અન્ય લોકોને લેવા તૈયાર ન હતા."

"તેમણે ઓછામાં ઓછી 60 મહિલાઓને એક નાનકડા રૂમમાં રાખી હતી. અમે એકબીજાને અડીને ઊભા હતા. બેસવાની તો ઘણી દૂર, હલવાની પણ જગ્યા ન હતી,"

મરિયમે આગળ કહ્યું, "તેમણે કહ્યું કે અમે બાથરૂમનો પણ ઉપયોગ ન કરી શકીએ અને જો ભૂખ લાગે તો ખુદનો મળ ખાઈ લેવું. એક દિવસ બાદ, જ્યારે અમે રૂમમાં બૂમો પાડવાનું અને વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે ધમકીઓ આપવાની શરૂ કરી કે જો અમે ચૂપ નહીં રહીએ તો તેઓ અમારા પર બળાત્કાર ગુજારશે."

પ્રદર્શનકારીઓએ જણાવી આપવીતી

દક્ષિણ ઈરાનના એક શહેરમાંથી ધરપકડ કરાયેલ પ્રદર્શનકારી મહિલાએ જણાવ્યું કે મહિલા પોલીસકર્મીઓ પણ ઉત્પીડનની ધમકીઓ આપી રહ્યા હતા.

તેમણે કહ્યું, "ડિટેન્શન સેન્ટરમાં તેઓ અમને વેશ્યા કહીને બોલવતા હતા. જ્યારે અમે ફરિયાદ કરી તો તેમણે કહ્યું કે તેઓ એક ભાઈ (અન્ય અધિકારી)ને મારી પાસે મોકલશે."

અન્ય એક પ્રદર્શનકારી બેહઝાદે કહ્યું, "ત્યાં એક નાનકડા રૂમમાં 80 લોકો હતા. અમે બધા દર્દથી કણસી રહ્યા હતા. અમારા ફોન લઈ લેવાયા હતા. તેમાં તમામ તસવીરો, વીડિયો અને મૅસેજ ચૅક કરવામાં આવ્યા કે અમે પ્રદર્શનને લઈને કોઈ મૅસેજ કે ન્યૂઝ શૅર કર્યા છે કે કેમ."

"બીજા દિવસે એક જજ અમને મળવા આવ્યા. તેમણે અમારા પર લાગેલા તમામ ચાર્જ હઠાવી દીધા અને મોટાભાગની યુવતીઓને છોડી દીધી. પણ વયસ્કોને જજે કેટલાક સવાલ પૂછ્યા અને આ નાનક઼ા કોર્ટ સૅશનમાં અમારો નિર્ણય લઈ લેવાયો."

બે દિવસ માટે કસ્ટડીમાં રહેલા એક પ્રદર્શનકારીએ કહ્યું કે અત્યાચારો થતા હોવા છતા તેઓ ઉત્સાહ કાયમ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

તેમણે કહ્યું, "હું 25 વર્ષથી ઓછી ઉંમરના પ્રદર્શનકારીઓ સાથે હતો. ઘણા લોકોના મોં પર લોહી હતું, પણ તેઓ હસી રહ્યા હતા, વાત કરી રહ્યા હતા અને મજાકમસ્તી કરી રહ્યા હતા."

"તેમાંથી એકે મને હસવા માટે કહ્યું અને મેં પૂછ્યું કેમ તો તેણે કહ્યું કે આપણે જીતી ગયા છે કારણ કે આપણે સાચા છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો