ઈરાન: 'યોગ્ય રીતે' હિજાબ ન પહેરવા પર મહિલાઓને પકડતી 'ગશ્તે ઇરશાદ' જેની સામે વિરોધ ભભૂક્યો

  • ઈરાનમાં કથિતપણે યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ 22 વર્ષીય યુવતીની ધરપકડ કરાઈ હતી
  • ઈરાનની મોરલ પોલીસ ગશ્તે ઇરશાદ દ્વારા કરવામાં આવી હતી ધરપકડ
  • યુવતીનું કસ્ટડીમાં મૃત્યુ થતા સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા
  • ઈરાનમાં મહિલાઓ પર ફાટેલાં જીન્સ, ચટક રંગનાં કપડાં અને ઘૂંટણ દેખાય તેવા ડ્રેસ પહેરવા પર મનાઈ
  • કોણ છે ગશ્તે ઇરશાદ, જે આવા કાયદાનું પાલન કરાવવાનું કામ કરે છે

કથિત રીતે હિજાબને યોગ્ય રીતે નહીં પહેરવા બાબતે ઈરાનની પોલીસના વિશેષ દળ ગશ્તે ઇરશાદે એક 22 વર્ષીય યુવતીની ધરપકડ કરી હતી. પરંતુ કસ્ટડીમાં જ તેમનું મૃત્યુ થઈ જતાં સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શન ફાટી નીકળતાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે.

અધિકારીઓનું કહેવું છે કે મહસા અમિનીનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું પરંતુ પરિવારનું કહેવું છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

તેઓ ઈરાનના ઉત્તર પશ્ચિમમાં આવેલા સાકેઝ શહેરમાં ત્રણ દિવસ સુધી કોમામાં રહ્યાં બાદ મૃત્યુ પામ્યાં હતાં.

તેઓ પરિવાર સાથે 13 સપ્ટેમ્બરના દિવસે રાજધાનીમાં આવ્યાં હતાં ત્યારે નૈતિકતાના આધારે મોરાલિટી પોલીસ અધિકારીઓએ તેમની યોગ્ય રીતે હિજાબ પહેરવાના કાયદાનો ભંગ કરવા અંગે ધરપકડ કરી હતી. તેમને ડિટેન્શન સેન્ટરમાં લઈ જવાયાં હતાં.

રિપોર્ટ અનુસાર મહસાને માથામાં અધિકારીઓએ છડીથી માર માર્યો હતો અને તેમનું માથું પોલીસની એક ગાડી સાથે અથડાવ્યું હતું. પોલીસનું કહેવું છે કે આ આરોપના કોઈ પુરાવા નથી અને તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું.

કમ સે કમ સાત દિવસથી તહેરાનમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે જેમાં કાર્યકરો અનુસાર આઠ લોકોને ગોળી મારવામાં આવી હતી. જોકે સ્થાનિક સમાચારપત્રો અનુસાર બે પૅરામિનિટરીકર્મીઓનાં પણ મૃત્યુ થયાં છે.

મહસા અમિનીના કેસથી ઈરાનમાં મોરાલિટી પોલીસ એટલે કે ગશ્તે ઇરશાદ ચર્ચામાં છે.

પોલીસનું આ દળ ઈરાનના લોકોના દૈનિક જીવનનો મહત્ત્વનો ભાગ છે અને તેના પર ઇસ્લામિક નૈતિક મૂલ્યોને કડક હાથે અમલ કરાવવાનો આરોપ છે.

ઈરાનમાં આ પ્રકારનાં મોરાલિટી પોલીસનાં દળો અલગ-અલગ સ્વરૂપોમાં 1979ના ઇસ્લામિક ક્રાંતિ વખતથી હાજર છે પરંતુ ગશ્તે ઇરશાદ પર જ હાલ મુખ્ય રૂપથી લોકોમાં ઇસ્લામિક નીતિનિયમોને લાગુ કરવાની જવાબદારી છે.

તેમના પર લોકોની ખાસ કરીને મહિલાઓની ધરપકડ કરવાની જવાબદારી છે જેમણે રૂઢિચુસ્ત પહેરવેશનું ઉલ્લંઘન કર્યું હોય. આ ધરપકડનો હેતુ "સદાચારને પ્રોત્સાહન આપવાનો અને દુર્ગુણોને દૂર રાખવાનો" હોય છે.

તેમનું ધ્યાન હિજાબ પહેરવાના નિયમનું પાલન કરવવા પર કેન્દ્રિત હોય છે, હિજાબ એ મહિલાના વાળ ઢાંકવા માટે હોય છે. આ મોરાલિટી પોલીસનાં દળો મહિલાઓમાં કૉસ્મેટિક્સ (મેકઅપ)ના વપરાશને ઘટાડવાનો પ્રયત્ન કરે છે.

ગશ્તે ઇરશાદ વૅન લઈને નીકળે છે જેમાં પુરુષ એજન્ટ્સ હોય છે અને તેમની સાથે ચાદર ઓઢેલી મહિલાઓ પણ હોય છે. ચાદર એટલે કે જાહેર જગ્યાઓ જેમકે શૉપિંગ મૉલ્સ, પ્લાઝા, સબવે સ્ટેશન પર મહિલાઓનાં શરીર અને માથું ઢંકાયેલાં રહે.

અધિકારીઓને કથિત રીતે યોગ્ય રીતે હિજાબ ન પહેરનાર મહિલાઓને રોકવાની શક્તિઓ મળેલી હોય છે. એવી મહિલાઓ જેમના વધુ પડતા વાળ દેખાતા હોય, કપડાં ટૂંકાં હોય કે તેમની પૅન્ટ વધુ ટાઇટ હોય અથવા તો તેમણે વધુ પડતો મેકઅપ કર્યો હોય, તેઓ ગશ્તે ઇરશાદના નિશાન પર હોય છે

નિયમો અનુસાર મહિલાઓ ફાટેલાં (રિપ્ડ) જીન્સ, ચટક રંગનાં કપડાં અને ઘૂંટણ દેખાય તેવા ડ્રેસ ન પહેરી શકે.

નાગરિકોને પાઠ અને દંડ

અટકાયતીઓને ચેતવણી આપવામાં આવે છે કે કેટલાક કિસ્સાઓમાં "સુધારણા કેન્દ્ર" પર લઈ જવામાં આવે છે જ્યાં તેમને "નૈતિક રીતે" કેવી રીતે પોશાક પહેરવો અને કેવી રીતે વર્તવું તે શીખવવામાં આવે છે.

તેમને સામાન્ય રીતે તે જ દિવસે મુક્ત કરવામાં આવે છે અને તેમના પુરૂષ સગાંને સોંપવામાં આવે છે.

કેટલીકવાર નિયમો તોડવાની સજારૂપે દંડ, કેદ અથવા કોરડા મારવામાં આવે છે.

ગશ્ત-એ-ઈરશાદને 1980ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધ માટે તૈયાર કરાયેલા અર્ધલશ્કરી દળ બાસીજમાંથી બનાવવામાં આવ્યું છે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં યુવકો અને યુવતી સાથે ભણતાં હોવાથી તેમના પહેરવેશ અને વર્તન પર નજર રાખવા માટે તમામ ઈરાની યુનિવર્સિટીઓમાં બાસીજની હાજરી હોય છે.

પરંતુ ઇસ્લામિક ક્રાંતિના દાયકાઓ બાદ અત્યારે શાસકોને નિયમોની અમલવારીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પોલીસનું કહેવું છે કે...

એક મુશ્કેલ ઇન્ટરવ્યૂમાં એક મોરાલિટી પોલીસ અધિકારીએ બીબીસી સાથે નામ નહીં આપવાની શરતે પોલીસ દળની કામ કરવાની શૈલી વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું, "અમને કહેવામાં આવ્યું હતું કે અમે મહિલાઓની સુરક્ષા માટે મોરાલિટી પોલીસ એકમો માટે કામ કરી રહ્યા છીએ. કારણ કે જો તેઓ યોગ્ય પોશાક ન પહેરે તો પુરુષો ઉત્તેજિત થઈને તેમને નુકસાન પહોંચાડી શકે છે."

તેમણે કહ્યું કે તેઓ ચાર પુરુષો અને બે મહિલાઓની બનેલી છની ટીમમાં કામ કરે છે અને ભારે ટ્રાફિકવાળા અને ભીડભાડવાળા વિસ્તારોમાં તહેનાત રહે છે.

તેમણે કહ્યું કે "મને પણ વિચિત્ર લાગે છે, કારણ કે જો અમારે માત્ર લોકોને માર્ગદર્શન જ આપવાનું હોય તો આવી ઘોંઘાટવાળી જગ્યા કે જ્યાં અમારે વધુ લોકોની ધરપકડ કરવી પડે ત્યાં શું કામ ઊભું રહેવું?"

"એવું લાગે છે કે અમે શિકાર કરવા જઈ રહ્યા છીએ."

અધિકારીએ ઉમેર્યું હતું કે જો તે ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરનારા પૂરતા લોકોને ન પકડે તો તેમના કમાન્ડર તેમને ઠપકો આપે છે અને જ્યારે લોકો ધરપકડનો વિરોધ કરે છે ત્યારે તેને ખાસ કરીને મુશ્કેલ લાગે છે.

"તેઓ અપેક્ષા રાખે છે કે અમારે તેમને બળજબરીથી વાનમાં બેસાડી દેવા. શું તમે જાણો છો કે હું આવું કરતી વખતે કેટલી વાર રડી હતી?"

"હું તમને કહેવા માગુ છું કે હું તેમના જેવી નથી. અમારામાંના મોટા ભાગના સામાન્ય સૈનિકો છે જે ફરજિયાત લશ્કરી સેવા કરી રહ્યા છે. મને બહુ ખરાબ લાગે છે."

ઈરાનમાં વિરોધ પ્રદર્શન

કેટલાંક વર્ષોથી ઈરાનમાં મહિલાઓ હિજાબ મુદ્દે અલગઅલગ રીતે વિરોધ વ્યક્ત કરી રહી છે.

સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને પણ મહિલાઓ અનેક વખત હિજાબ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે.

માય હિડન ફ્રીડમ, વ્હાઇટ વેડનસડેઝ અને રિવોલ્યુશન સ્ટ્રીટ ગર્લ્સ જેવા અનેક આંદોલન ઇન્ટરનેટ પર ચલાવવામાં આવ્યાં હતાં.

સમાચાર એજન્સી એએફપી અનુસાર મહસા અમિનીના મૃત્યુથી દેશમાં મોરાલિટી પોલીસના વર્તન સામે રોષ પ્રકટ થઈ રહ્યો છે.

સંસદના સ્પીકર મહમદ બઘેર ઘાલિબાફે કહ્યું કે પોલીસદળના વર્તનની તપાસ થવ જોઈએ.

સરકારી સમાચાર સંસ્થા આઈઆરએનએ મુજબ તેમણે કહ્યું હતું કે," આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આ દળોની પ્રક્રિયાઓ અને તેમને લાગુ કરવાની રીતની તપાસ થવી જોઈએ

સરકાર સાથે સંકળાયેલી અન્ય સંસ્થા ઑર્ગેનાઇઝેશન ફૉર ધ પ્રમોશન ઑફ વર્ચ્યુ ઍન્ડ પ્રિવેન્શન ઑફ વાઇસ જેની સ્થાપના સારા વર્તનને પ્રોત્સાહન આપવા અને ગેરરીતિપૂર્ણ ગતિવિધિઓને રોકવા માટે થઈ હતી, તેણે પણ કહ્યું હતું કે આ પોલીસદળે ડ્રેસ કોડના ઉલ્લંઘન માટે લોકની ધરપકડ ન કરવી જોઈએ.

આ સંસ્થાનું નિવેદન છે કે, "આ મુદ્દે દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. સંસ્થાએ પહેરવેશ સંબંધિત ગુના માટે સામાન્ય લોકોની ધરપકડ અને કેસ ચલાવવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

નિવેદનમાં કહેવાયું કે "જે લોકો હિજાબ નથી પહેરતા, તેમને ગુનાહિત માનવા, તેમની ધરપકડ કરવી, તેમની સામે કેસ દાખલ કરવા અને તેમની સામે ખટલો ચલાવવાથી સમાજમાં તણાવ વધે છે...આને કાયદાકીય રીતે બદલવું જોઈએ."

ઈરાન એકમાત્ર દેશ નથી જ્યાં પોલીસ ઇસ્લામિક મૂલ્યોના પાલન માટે બળપ્રયોગ કરે છે. સાઉદી અરેબિયા, સુડાન અને મલેશિયા પણ એ દેશોમાં સામેલ છે જ્યાં આ રીતે જ ઇસ્લામિક મૂલ્યોનું પાલન કરાવાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો