You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન : હિજાબવિરોધી દેખાવોમાં બદલ અપાઈ રહ્યા છે મૃત્યુ દંડ છતાં આંદોલન બન્યું ઉગ્ર
ઈરાનમાં પાછલા કેટલાક સમયથી ‘હિજાબવિરોધી’ પ્રદર્શનો ચાલી રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રદર્શનોને સમર્થન પણ હાંસલ થયું હતું.
આ પ્રદર્શન શરૂ થયા બાદ હવે દેશમાં કેવી પરિસ્થિતિ છે? તેમજ મહિલા પ્રદર્શનકારીઓને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે બીબીસીએ તપાસ કરી હતી.
ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આપેલી વિગતો અનુસાર મહસા અમિનીના મૃત્યુ બાદ ફાટી નીકળેલાં સામૂહિક પ્રદર્શનો બાદ ઈરાનમાં 11 મૃત્યુ દંડ જાહેર કરાયા છે. આ સિવાય અન્ય નવ લોકો પર એવી કલમો લગાડવામાં આવી છે જેમાં મૃત્યુ દંડની સજા ફટકારી શકાય છે.
પાછલા અઠવાડિયામા દેખાવો બદલ બે લોકોને જાહેરમાં ફાંસીની સજાની જાહેરાત કરાઈ ચૂકી છે.
કેટલાક પ્રદર્શનકારીઓને વકીલ રાખવાનો મૂળભૂત અધિકાર પણ આપવામાં ન આવ્યો હોવાના આરોપો થઈ રહ્યા છે. જે અંગે ઈરાનના સ્વતંત્ર વકીલ આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આ આકરી સજાની જાહેરાત છતાં ઈરાનમાં પ્રદર્શનો ધીમાં પડ્યાં હોવાના કોઈ સંકેત નથી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આ સજા વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
નોંધનીય છે કે ઈરાનમાં ‘હિજાબ યોગ્ય રીતે ન પહેરવાના કારણે’ મહસા અમિની નામક યુવતીની ઈરાનની મોરાલિટી પોલીસ દ્વારા અટકાયત અને તે બાદ મૃત્યુ થયા બાદ સમગ્ર દેશમાં આ મુદ્દે દેખાવો થવા લાગ્યા હતા.
પ્રદર્શનમાં સામેલ મહિલાઓએ પોતાનું સામાન્ય જીવન વિતાવવા માટે અલગ અલગ યુક્તિઓ અપનાવવી પડી રહી છે.
તેમની આપવીતી અને દેશની વર્તમાન પરિસ્થિતિ જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ.