આકરી ગરમીમાં એસી વિના ઘરને ઠંડાં રાખતી હજારો વર્ષ જૂની 'બાદગીર' તકનીક શું છે?

    • લેેખક, શેરવિન અબ્દુલ્લાહમદી
    • પદ, બીબીસી ટ્રાવેલ

ઈરાનના યઝ્દ શહેરના રહેવાસી સાબેરી જણાવે છે, "મારી પાસે પાણી વાળા ઍરકંડિશનર પણ છે. પરંતુ મને અહીં કુદરતી એસીમાં બેસવું ગમે છે. જે મને વિતેલા દિવસોની યાદ અપાવે છે."

આમ કહીને સાબેરી 'બાદગીર' તરફ નજર નાંખે છે. 'બાદગીર' અર્થ ઈરાનમાં ' હવા પકડવાવાળા' તરીકે કરવામાં આવે છે.

રણમેદાનમાં આવેલા યઝ્દ શહેરમાં અતિશય ગરમી પડે છે. ઘણી વખત ગરમીનો પારો 40ને પાર કરી જાય છે. પરંતુ બાદગીરના ટાઢક આપતાં આંગણામાં બેસીએ તો તપતા સૂરજની ગરમી પણ ઓછી લાગે છે.

અહીં એટલો આરામ મળે છે કે આપણને યજમાન પાસેથી વિદાય લેવાની ઇચ્છા જ ન થાય.

અહીં બેસીને જ્યારે તમે આસપાસના વાતાવરણનું અવલોકન કરો ત્યારે સમજાય કે માણસે ગરમીમાંથી રાહત મેળવવાની આવી તકનીક હજારો વર્ષો પહેલાં વિકસાવી લીધી છે.

આ છે ઈરાનના પરંપરાગત એસી

'બાગદીર' એટલે કે હવા પકડવાનું સાધન, આ વસ્તુ એક ચીમની જેવી છે, જે યઝ્દ અને ઈરાનના રણ વિસ્તારની જૂની ઇમારતો પર જોવા મળે છે.

તે ઠંડી હવા પકડીને ઇમારતમાં નીચે લઈ જવાનું કામ કરે છે. તેની મદદથી મકાનને ઠંડું રાખી શકાય છે અને સખત ગરમીથી ખરાબ થઈ જતી વસ્તુઓને પણ બચાવી શકાય છે.

તમામ સંશોધનો બાદ સાબિત થયું છે કે 'બાદગીર'ની મદદથી તાપમાનને દસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું લાવી શકાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રાચીન સમયમાં પર્શિયા(હાલનું )થી લઈને મિસ્ર (ઇજિપ્ત), અરબ અને બેબીલૉનની સંસ્કૃતિ સુધી એવું સ્થાપત્ય તૈયાર કરવાના પ્રયત્નો થયા જે આકરા તાપ સામે રક્ષણ આપી શકે છે.

આવી મોટા ભાગની ઇમારતોને એ રીતે બનાવવામાં આવતી કે હવાની અવરજવર કુદરતી રીતે થઈ શકે. બાદગીર અથવા આવી હવાદાર ઇમારતો મધ્ય-પૂર્વથી લઈને મિસ્ત્ર અને ભારત-પાકિસ્તાન સુધી જોવા મળે છે.

કેવી રીતે બને છે 'બાદગીર'

બાદગીર ઇમારતોનાં સૌથી ઉપરના ભાગમાં બનાવવામાં આવે છે. તેથી તેની દેખરેખ રાખવી એ સૌથી મોટો પડકાર હોય છે.

દોઢ હજાર વર્ષ જૂની ફારસી કવિ નાસિર ખુસરોની નઝમોમાં બાદગીરનો ઉલ્લેખ જોવા મળે છે. એ જ રીતે, મિસ્ત્રના લકસર શહેરમાં ઈસુથી 1300 વર્ષ જૂનાં કેટલાંક ચિત્રોમાં પણ બાદગીર જોવા મળે છે.

ડૉક્ટર અબ્દુલ મોનિમ અલ-શોરબાગી સાઉદી અરેબિયાની જેદ્દા સ્થિત ઇફત યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર અને ડિઝાઇનના પ્રોફેસર છે.

ડૉ. શોરબાગીએ જણાવે છે, "મધ્ય-પૂર્વના દેશોથી લઈને પાકિસ્તાન અને સાઉદી અરબ સુધી 'બાદગીર' જોવા મળે છે. તે ઇરાકની અબ્બાસી ખલીફાઓના વખતના મહેલોની ચોરસ ઇમારતોને મળતી આવે છે."

આ મહેલો ઇરાકના ઉખૈદર વિસ્તારમાં આઠમી સદીમાં બનાવ્યા હતા.

જોકે એક માન્યતા એવો પણ છે કે બાદગીરનો વિકાસ પહેલાં આરબ દેશોમાં થયો. જ્યારે આરબોએ ઈરાન પર જીત મેળવી ત્યારે તેમની સાથે આ શૈલી પર્શિયા પહોંચી હતી.

છ અને આઠ મોંના 'બાદગીર'

યઝ્દ શહેરના મોટા ભાગના બાદગીર લંબચોરસ આકારના છે. જેમાં ચારે તરફ હવાની અવરજવર માટે ખાંચા છે. પરંતુ સ્થાનિકો જણાવે છે કે, છ અને આઠ મોંવાળા બાદગીર પણ હોય છે.

યઝ્દમાં આવેલા એક કૅફેના કર્મચારી મોઇન જણાવે છે કે બાદગીરમાં દરેક દિશામાંથી આવતી હવા પકડવા માટે ખાંચા બનાવવામાં આવે છે. જ્યારે યઝ્દથી થોડે દૂર આવેલા કસબા મેબૂદમાં માત્ર એક તરફ ખાંચાવાળા બાદગીર જોવા મળે છે કારણ કે, ત્યાં હવા માત્ર એક જ દિશામાંથી આવે છે.

બાદગીરની રચના એવી રીતે કરવામાં આવી છે કે, તે દરેક તરફથી આવતી હવાને ખેંચીને સાંકડા રસ્તામાંથી નીચે સુધી લઇ જાય છે.

ઠંડી હવાના દબાણથી ગરમ હવા બહાર નીકળી જાય છે.

આ ગરમ હવાને બહાર નીકળવા માટે બાદગીરની પાછળની તરફ એક બારી જેવી જગ્યા રાખવામાં આવે છે.

જો ઠંડો પવન વાતો ન હોય તો પણ તે ગરમ હવા પર દબાણ કરીને તેને ધક્કો મારીને બહાર કાઢવાનું કામ કરે છે.

તેનાથી ઘરની અંદર પણ ઠંડક જળવાઈ રહે છે.

ઠંડી અને ગરમીનાં ઘર

યઝ્દ શહેરમાં કઝારી યુગનાં ઘણાં મકાનો હજી પણ સારી હાલતમાં છે.

તે પૈકી એક છે જાણીતું જાણીતું લારિહા હાઉસ. ઓગણીસમી સદીમાં બનેલી આ ઇમારત પર્શિયન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.

તેની વચ્ચે લંબચોરસ આંગણું છે. ઇમારતમાં ગરમી અને ઠંડીની મોસમના હિસાબે અલગઅલગ ભાગ બનેલા છે.

ઇમારતને બે ભાગમાં વહેંચવાનો હેતુ ઠંડીમાં સૂરજનાં તાપનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો અને ગરમીમાં સૂરજથી દૂર રહેવાનો છે.

આ ઇમારતના ગરમીવાળા ભાગમાં 'બાદગીર' બનાવવામાં આવ્યું છે.

બાદગીરમાં થઈને આવતી હવા એક કમાનમાં થઈને પસાર થાય છે, જે ભોંયરા સુધી જાય છે.

ભોંયરામાં ગરમીને લીધે જલ્દી બગડી જતી વસ્તુઓ મૂકવામાં આવે છે, આ ઇમારતનાં 38 પગથિયાં ઊતરીને જો નીચે જઈએ તો ઠંડીનો અનુભવ થાય છે.

આ ભાગને સર્દાબ (ઠંડું પાણી) કહેવાય છે, ત્યાંથી નહેરોનું પાણી પસાર કરવામાં આવે છે.

ઠંડી હવા અને પાણી મળીને આ કોઠારને રેફ્રિજરેટર બનાવી દે છે. એક જમાનામાં આવા કોઠારમાં બરફ રાખવામાં આવતો હતો.

કોલ્ડ સ્ટોરેજ કે કનાત

આજે જેમ કનાત પદ્ધતિ જૂની થઈ ગઈ છે, તે જ રીતે વિકાસના કારણે બાદગીરની પદ્ધતિ પણ જૂની થતી જાય છે. એ.સી. તેનું સ્થાન લઈ રહ્યા છે.

યઝ્દના જૂના બાશિંદા 85 વર્ષના અબ્બા ફરોગી જણાવે છે કે, એમના મહોલ્લાના ઘણા લોકો એપાર્ટમેન્ટમાં રહેવા જતા રહ્યા છે.

ફરોગી જણાવે છે કે, જૂનાં મકાનો ખાલી પડ્યાં છે અથવા બહારથી આવતા કામદારો, મજૂરોને ભાડે આપી દેવાયા છે. જે ઘર મોટાં અને સારી હાલતમાં હતાં, તેમાં તહેરાન અને શિરાઝથી આવેલા અમીરોએ હોટલ ખોલી નાખી છે.

યઝ્દના જૂનાં મહોલ્લા હાનાનાં રહેવાસી શ્રીમતી ફારુકીએ તાજેતરમા જ પોતાનું ઘર વેચ્યું છે. તેઓ નજીકમાં જ બનેલા એક એપાર્ટમેન્ટમાં રહે છે.

તેઓ ઘણી વખત જૂના દિવસોને યાદ કરે છે.

તેઓ કહે છે કે પહેલાં આખા મહોલ્લાનાં બાળકો એક જગ્યાએ ભેગા થઈને રમતાં હતાં. લોકો બાદગીર નીચે બેસીને હાશકારો અનુભવતા, સાંજના સમયે ત્યાં બેસીને લોકો ગપ્પા મારતા અને ખાતા-પીતા હતા.

હવે તેમનાં ઘરમાં 'રૉયય ઘદીમ' અટલે કે પુરાના ખ્વાબ નામની હોટલ બની ગઈ છે.

તેઓ કહે છે કે હું ક્યારેક મારા જૂના ઘરે જઉં છું એટલું તો સારું લાગે છે કે એ લોકો તેને સાચવીને રાખે છે.

વૈશ્વિક વારસો બન્યું યઝ્દ શહેર

યુનેસ્કોએ 2017માં યઝ્દ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યુ છે.

ત્યારબાદ કલ્ચરલ હેરિટેજ ઇન્સ્ટિટ્યૂટે તેને ભંડોળ આપવાનું શરૂ કર્યુ છે.

જે લોકોએ અહીંના જૂનાં મકાનો ખરીદ્યા છે, એ લોકોએ ભંડોળની મદદથી મકાનનું સમારકામ કરીને તેમાં હોટલ ખોલવા લાગ્યા છે.

તેનાથી જૂનાં મકાન સાચવી શકાય છે. પરંતુ સ્થાનિક ટૂર એજન્સી ચલાવતા ફરસાદ ઓસ્તાદાન કહે છે કે, હવે ભંડોળ મળવુ મુશ્કેલ થઇ ગયુ છે.

સરકાર પાસે જૂના વારસાને સાચવવા માટે પૈસા નથી. છતાં ઓસ્તાદાનને આશા છે કે, યઝ્દની ઐતિહાસિક ઇમારતોને બચાવી શકાશે, ખાસ કરીને બાદગીરને.

તેઓ બાળપણના દિવસોને યાદ કરીને કહે છે કે તેઓ એક સમયે પોતાના દાદાનાં ઘરમાં બાદગીર નીચે સૂઈને ઉનાળાની બપોર વિતાવતા હતા.

ઓસ્તાદાન કહે છે, એ દિવસો જ અલગ હતા. બાદગીરમાંથી આવતી હવા આજના એસી જેવો અહેસાસ કરાવતી. અમને તો એ દિવસોમાં ખબર જ નહોતી કે એસી શું ચીજ છે.

તેઓ કહે છે, જ્યાં સુધી પ્રવાસીઓ આવતા રહેશે,ત્યાં સુધી સ્થિતિ સારી રહેશે. પ્રવાસીઓમાંથી આવતા પૈસા જ આ ઇમારતોની જાળવણીમાં કામ આવે છે.

અહીં આવતા પ્રવાસીઓને જૂની ઇમારતો અને બાદગીરની ચિંતા હોય છે. અમારે પણ તેનું ધ્યાન રાખવાનું છે. આશા છે કે અમે તેમાં સફળ થઈશું.

(આ અહેવાલ સૌપ્રથમ 9 નવેમ્બર, 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો