'કૅમેરા સામે મારાં કપડાં ઊતરાવ્યાં, નિર્વસ્ત્ર ફોટો લીધા', ઈરાનની મહિલા કેદીની આપવીતી

    • લેેખક, પરહામ ગોદાબી
    • પદ, પદનામ, બીબીસી વર્લ્ડ સર્વિસ

ઈરાનની પૂર્વ મહિલા કેદીઓએ બીબીસીને જણાવ્યું કે જેલમાં તેમનાં કપડાં ઉતારીને તેમની તપાસ કરવામાં આવતી હતી.

કેદીઓને તેમના સૅનિટરી પૅડ અને ટૅમ્પૂન હઠાવવા માટે મજબૂર કરવામાં આવ્યા અને એ દરમિયાન બેઠકઊઠક કરાવાઈ હતી.

એવિન અને ક્વાર્ચાક જેલમાં લગભગ 3 વર્ષ વિતાવનાર મોઝગાન કેશાવાર્ઝ કહે છે, “તેઓ અમારું અપમાન કરવા માટે આવું કરતા હતા.”

તેમણે જણાવ્યું કે ત્રણ વાર સુરક્ષા કૅમેરાની સામે કપડાં ઉતારવા મજબૂર કરીને તેમની તપાસ કરવામાં આવી હતી. વર્ષ 2022માં તેઓ જેલમાંથી બહાર આવ્યાં હતાં.

તેમના અનુસાર ત્રીજી વખત એક મહિલા ગાર્ડે તેમની નિર્વસ્ત્ર તસવીર ખેંચી હતી. જ્યારે કેશાવાર્ઝે વિરોધ કર્યો તો તેમણે એવું કહ્યું કે આ કરવું જરૂરી હતું, જેથી ભવિષ્યમાં કોઈ યાતનાનો આરોપ ન લાગી શકે.

તેઓ કહે છે, “આ વીડિયો અને ફોટોને કોણ જોશે, શું એનો ઉપયોગ સરકાર પછી અમને ચૂપ કરવા માટે કરશે.”

તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમની ઘણી તસવીરો હિજાબ વગરની છે. તેમના પર ‘દેશની સુરક્ષા વિરુદ્ધ ષડયંત્ર કરવાનો, ઇસ્લામનું અપમાન કરવાનો, ઈરાન વિરુદ્ધ કુપ્રચાર, ભ્રષ્ટાચાર અને અશ્લીલતાનો પ્રચાર કરવાનો’ આરોપ છે.

તેમને 12 વર્ષની સજા થઈ હતી. તાજેતરમાં જે તેમને ભ્રષ્ટાચાર મામલે સજા થઈ છે. આ આરોપ માટે મૃત્યુદંડની સજાની પણ જોગવાઈ છે. હવે તેઓ નિર્વાસન (જેમને ઘર-દેશમાંથી નિકાલ કરાયા હોય)માં છે, જ્યાંથી તેમણે બીબીસી સાથે વાત કરી.

એકથી વધુ વાર ફિલ્મિંગની ઘટના

ઈરાનની પૂર્વ મહિલા કેદીઓએ બીબીસીને જણાવ્યું કે ઈરાનમાં ડ્રગ્સ સાથે જોડાયેલા મામલામાં હિરાસતમાં લેવાયેલા કેદીઓને કપડાં ઉતારવા મજબૂર કરીને તપાસ કરવાનું ચલણ કેટલાંય વર્ષોથી ચાલતું રહ્યું છે.

પરંતુ સારા આચરણવાળા કેદીઓને આનાથી દૂર જ રાખવામાં આવતા હતા અને કૅમેરા સામે તો આવું બિલકુલ નહોતું થતું.

જૂનની શરૂઆતમાં ઈરાનની ન્યાય-વ્યવસ્થાએ કેદીઓના આવા આરોપો ખોટા ગણાવીને તેને ‘હાઈબ્રિડ જંગ અને પશ્ચિમનો મોટા પાયે ચાલતો કુપ્રચાર’ ગણાવ્યા હતા.

જોકે, જૂનના મધ્યમાં ઈરાની ન્યાયપાલિકાના પ્રમુખે એ માન્યું કે કેદીઓનું ફિલ્મિંગ થાય છે અને કહ્યું હતું કે ‘માત્ર મહિલા ગાર્ડ જ આ ફૂટેજને જુએ છે.’

એવા પણ આરોપ લાગ્યા હતા કે ફિલ્મિંગ એવા વિસ્તારોમાં થાય છે, જ્યાં કૅમેરા ન હોવા જોઈએ.

તહેરાનના એક વકીલ મોહમ્મદ હુસૈન અસાસીએ બીબીસીને કહ્યું, “સીસીટીવીની મંજૂરી એ જ જગ્યાઓ માટે છે, જ્યાં કેદીઓ ચાલતા હોય, જેમ કે કૉરિડોરમાં.”

સ્ટ્રિપ સર્ચનું રેકૉર્ડિંગ કરવું ઈરાન માટે નવી વાત નથી. અન્ય દેશોમાંથી પણ આવા સમાચાર આવ્યા છે, જેમ કે ઑસ્ટ્રેલિયાના દક્ષિણ વેલ્સમાં આવી એક ઘટના ઘણી ચર્ચાસ્પદ બની હતી.

દસ્તાવેજોથી એ માલૂમ પડે છે કે ઑફિસર સર્ચ દરમિયાન ઘણી વાર ફિલ્મિંગ કરે છે.

પરંતુ ઈરાનમાં અલગ અને ડરામણી વાત એ છે કે અમારી સાથે વાત કરનારાઓએ જણાવ્યું કે આ પ્રક્રિયા તેમનું અપમાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

બીબીસીને હૅકિંગ સમૂહ ઇદલાત અલી પાસેથી નવેમ્બર 2021ના ગુપ્ત દસ્તાવેજો મળ્યા છે, જેમાં એક પત્ર છે તેમાં ઈરાનની ન્યાયપાલિકા એક સ્ટ્રિપ સર્ચની વાતને સ્વીકાર કરે છે.

આ પત્રમાં મોઝગન કાવોસીનો ઉલ્લેખ પણ છે, જે કુર્દોના અધિકાર માટે અવાજ ઉઠાવે છે. તેમને પણ જેલમાં આ પ્રથાનો શિકાર થવું પડ્યું.

'મારાં કપડાં ઉતારીને તપાસ કરી'

ઈરાનના એક સૂત્રે બીબીસીને જણાવ્યું કે કાવોસીની પાંચ વખત કપડાં ઉતારીને તપાસ કરવામાં આવી.

દસ્તાવેજોથી માલૂમ પડે છે કે માનવાધિકાર સમાચાર એજન્સી હ્યાના દ્વારા તેમનાં કપડાં ઉતારીને તપાસ કરવા સંબંધિત રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ ઈરાનના અધિકારીઓને કાર્યાલયના મામલાની તપાસ કરવાનું કહેવાયું હતું. કાવોસી હવે જામીન પર છે.

એલહેહ ઇઝબારી એક અધિકાર કાર્યકર્તા છે જે બલૂચ અલ્પસંખ્યક માટે કામ કરે છે.

બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “બંને વખત ધરપકડ બાદ મારા કપડાં ઉતારીને તપાસ કરવામાં આવી અને શરીરને મજાક બનાવી દીધું.”

તેમણે પોતાના હાથ પર એક નિશાન બતાવ્યું જે તેમના અનુસાર તપાસ કરનારાઓએ સિગારેટથી ડામ આપ્યા હતા. તેમની નવેમ્બર 2022માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ અલગ-અલગ અજાણી જગ્યાએ રાખવામાં આવ્યાં હતાં.

સુરક્ષા એજન્સીઓ વારંવાર કૉલ કરીને તેમને ધરપકડ કરવાની ધમકી આપતી, જેથી તેઓ ઈરાનથી ભાગી ગયાં. નસીબે શમશી પણ ઈરાની મહિલા છે, જેમનાં કપડાં ઉતારીને તપાસ થઈ હતી.

તેઓ રિવોલ્યૂશન સ્ટ્રીટ નામના સમૂહનો ભાગ રહ્યાં છે, જેમણે હિજાબની અનિવાર્યતા વિરુદ્ધ પોતાનો હિજાબ હઠાવીને 2018માં પ્રદર્શન કર્યું હતું. એ સમયે ડઝનબંધ લોકોની ધરપકડ કરાઈ હતી.

તેમના પર કેટલાય આરોપો લાગ્યા, જેમાં ‘હિજાબ હઠાવીને ઈરાન વિરુદ્ધ કુપ્રચાર ફેલાવવાનો અને તેના સ્થાપક તથા સુપ્રીમ લીડરના અપમાન’નો આરોપ પણ સામેલ હતો.

તેમને ત્રણ મહિનાની જેલ બાદ છોડી દેવાયાં અને હવે તેઓ નિર્વાસનમાં છે.

તેઓ કહે છે કે હવે તેમણે સીસીટીવી સામે કપડાં ઉતારવા મામલે ફરિયાદ કરી, તો એક ગાર્ડે તેમને કહ્યું, “આજથી બધું જ શક્ય છે.”