ગુજરાત: મા-દીકરીનો એક જ પુરુષને પ્રેમ કરવાનો સિલસિલો 'માની હત્યા' સુધી કેવી રીતે પહોંચ્યો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“મારી માતાનો પ્રેમી મારા કરતાં બમણી વયનો હતો પણ મને એ ગમતો. હું પણ એના પ્રેમમાં પડી. પણ એક દિવસ મારી માએ અમને પકડી પાડ્યાં.”

“એટલે મેં અમારા પ્રેમમાં આડખીલી બનેલ માતાનું ખૂન કરી નાખ્યું. પણ જો મારી કાર દરિયાની રેતીમાં ન ફસાઈ હોત તો હું મારા પ્રેમી સાથે હોત.”

માતાની હત્યાના આરોપમાં જુવેનાઇલ હોમમાં રહેલી સગીરા ટીના (બદલેલ નામ) પોલીસની પકડમાં આવ્યાં બાદ ઉપરોક્ત વાત કહે છે.

બીબીસી ગુજરાતીએ જુવેનાઇલ હોમના કાઉન્સેલરની મદદથી સગીરા સાથે વાત કરી હતી અને તેની ઓળખ ગુપ્ત રાખી છે.

ટીના અને તેના કથિત પ્રેમી યોગેશ જોતિયાની મુન્દ્રા મરીન પોલીસે 3 સપ્ટેમ્બરના રોજ 38 વર્ષીય ગીતા (બદલેલ નામ) નામની મહિલાની હત્યા કરી કચ્છના હમીર મોરા ગામ પાસેના દરિયાની રેતીમાં દાટી દેવાના આરોપસર ધરપકડ કરાઈ છે.

પોલીસે આ કેસમાં મૃતક ગીતાની સગીર દીકરી ટીના, યોગેશ જોતિયા અને નારણ જોગીની સીઆરપીસી 154 અને આઇપીસીની કલમ 302 અને 120 (બી) અંતર્ગત ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવેલી હકીકત પ્રમાણે મૃતક ગીતાના યોગેશ જોતિયા સાથે કથિત લગ્નેત્તર સંબંધ સ્થાપિત થયા બાદ તેની દીકરી ટીનાને પણ યોગેશ પ્રત્યે આકર્ષણ થયું હતું.

માતાને બંનેના સંબંધ વિશે ખબર પડતાં ખટરાગ બાદ યોગેશ અને ટીનાએ કથિતપણે ગીતાની હત્યા કરી દીધી. તેના માટે કથિતપણે નક્કર આયોજન પણ કર્યું. પરંતુ આખરે એક એવી ભૂલ થઈ જેણે બંને આરોપીનું પગેરું પોલીસને આપી દીધું.

‘મારી પત્નીની કૉન્ટ્રેક્ટર સાથે આંખ મળી ગઈ’

આ સમગ્ર ઘટનાક્રમમાં જીવ ગુમાવનાર મહિલાનો ઉછેર અમદાવાદમાં પરિવાર સાથે થયો હતો.

તેમના અને પરિવાર વિશે બીબીસી ગુજરાતીને તેમના જ વિસ્તારમાં રહેતી એક મહિલાએ માહિતી આપી હતી.

આર્થિક તંગીનો સામનો કરતા કુટુંબમાં જન્મેલાં ગીતા પણ પોતાની બહેનોની માફક નાની ઉંમરે કડિયાકામે લાગી ગયાં.

પડોશી મહિલાએ કહ્યું કે, “ગીતાએ લેબર કૉન્ટ્રેક્ટર કિશોર વેકરિયા સાથે લગ્ન કર્યાં હતાં. દંપતીને ચાર બાળકો થયાં, જેમાં ત્રણ છોકરા અને એક છોકરી હતાં. પરંતુ થોડા સમયમાં જ બંનેના છૂટાછેડા થતાં તે તેની બહેનના ઘરે કચ્છમાં રહેવા જતી રહી.”

ત્યાં પહોંચીને ગીતાને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતાં જિતેન્દ્ર ભટ્ટ નામના વધુ એક મજૂર સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધાં.

એ સમયે ગીતા પાસે તેમનો છ વર્ષનો દીકરો અને આઠ વર્ષની દીકરી હતાં.

બંનેએ બાળકોનો સાથે ઉછેર કરવાનું નક્કી કર્યું. નવ વર્ષ પહેલાં બંનેનાં લગ્ન થયાં. પરંતુ બંનેનાં સુખરૂપ લગ્નજીવનમાં નવો વળાંક આવવાનો હતો.

જિતેન્દ્ર ભટ્ટ પોતાના લગ્નજીવનમાં શરૂ થયેલ મુશ્કેલીના તબક્કાને યાદ કરતાં કહે છે કે, “એ સમયમાં અમારી ઓળખાણ માધાપરમાં કલર કૉન્ટ્રેક્ટનું કામ કરતાં યોગેશ જોતિયા સાથે થઈ. એની અને ગીતાની આંખ મળી ગઈ. બંને હું કડિયાકામે જઉં ત્યારે એકબીજા સાથે સમય પસાર કરતાં અને ટીના આ વાત છુપાવતી.”

‘કપડાં પરથી મૃતદેહની ઓળખ થઈ’

જિતેન્દ્ર ભટ્ટ પોતાના પરિવારની કહાણી કહેતા જણાવે છે કે, “એ બંનેના સંબંધ દરમિયાન જ યોગેશે ટીના પર પણ જાણે કોઈ જાદુ કરી દીધો. એ પણ જોતિયાના પ્રેમમાં પડી ગઈ. અને એ મા-દીકરી બંને સાથે સંબંધ રાખતો થઈ ગયો.”

આ બાબતે જ બન્ને માતાપુત્રી વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ જિતેન્દ્ર જણાવે છે.

જિતેન્દ્રના જણાવ્યાનુસાર ગત 10 જુલાઈએ જ્યારે તેઓ કામ પરથી પરત આવ્યા ત્યારે તેમની દીકરી ટીનાએ ગીતા અંજાર ગયાં હોવાનું જણાવેલું. બીજા દિવસે ટીના પણ તેની માસીના ઘરે નીકળી ગઈ. ગીતાનો ફોન બંધ આવતો હોઈ તેમજ ઘણી રાહ જોવા છતાં એ ઘરે ન આવતાં પતિ જિતેન્દ્રે 20 દિવસ બાદ માધાપર પોલીસ સ્ટેશનમાં ગીતાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી દીધી.

જિતેન્દ્ર સાથે થયેલી વાતચીત અનુસાર એક દિવસ માધાપર પોલીસ સ્ટેશનમાં મુન્દ્રા પાસે અવાવરું જગ્યાએથી મળેલા મૃતદેહના ફોટો બતાવાયા ત્યારે ગીતાનું મરણ થયું હોવાની વાત સામે આવી હતી.

જિતેન્દ્ર જણાવે છે કે, “ઘટનાના દિવસે ગીતાએ પહેરેલ કાળા રંગનું ફ્રૉક, ગળાનાં ચેઇન અને લૉકેટ અને ઝાંઝર પરથી મેં એનો મૃતદેહ ઓળખી બતાવ્યો હતો.”

‘હત્યા કરીને મૃતદેહ દરિયાની રેતીમાં દાટી દીધો’

આ કેસની તપાસ કરનાર મુન્દ્ર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. એ. જાડેજાએ સમગ્ર કેસ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, “ગત 13 જુલાઈએ હમીર મોરા ગામ પાસેથી અજાણી સ્ત્રીનો મૃતદેહ મળ્યો હતો. આ વિસ્તાર મોટા ભાગે સૂમસામ રહેતો. તેની ઓળખના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. મૃતદેહ ડિકમ્પોઝ થઈ જવાને કારણે અમે કચ્છનાં તમામ પોલીસ સ્ટેશનમાં ફોટો મોકલી આપ્યા.”

તેઓ કેસ વિશે આગળ વાત કરતાં કહે છે કે જ્યારે અંતે 17 દિવસ બાદ મૃતદેહની ઓળખ થઈ ત્યારે આ કેસમાં પોલીસ પાસે કોઈ કડી નહોતી.

મૃતદેહ મળ્યો એ વિસ્તારમાં મોટા ભાગે માછીમારો અને પશુપાલકો જ આવતા તેથી પોલીસને કોઈ પગેરું નહોતું મળ્યું. પરંતુ ટેકનિકલ સર્વેલન્સ બાદ અંતે એક આશા જાગી.

પીએસઆઇ જાડેજા કહે છે કે, “સર્વેલન્સને અંતે ખબર પડી કે અહીંથી એક યુવાનને રાત્રે ત્રણ વાગ્યે 18 મિનિટે ફોન આવ્યો હતો. એને પૂછપરછ માટે બોલવતાં એ ફોન એના બનેવી નારણ જોગી નામના શખસનો હોવાની ખબર પડી.”

આ વ્યક્તિએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, “મારા બનેવી વેગન-આર કાર લઈને માધાપરથી હમીર મોરા આવ્યા હતા, જ્યાં તેમની કાર દરિયાની રેતીમાં ફસાઈ જતાં તેમણે મને ફોન કર્યો હતો. મદદ કરતી વખતે મેં જોયું કે કારમાં તેમની સાથે તેમના મિત્ર અને નાની ઉંમરની છોકરી હતી.”

જ્યારે પોલીસે નારણ જોગીની કૉલ ડિટેઇલ કઢાવી ત્યારે સામે આવ્યું કે તેણે 10 જુલાઈના રોજ યોગેશ જોતિયાને ફોન કર્યો હતો.

પોલીસ સમક્ષ નારણ જોગીએ આપેલ નિવેદન પ્રમાણે, “યોગેશ જોતિયા એની પ્રેમિકા ગીતા અને તેની દીકરીને સાથે લઈને મુન્દ્ર પાસે પિકનિક કરવા માગતો હતો, તેમની સાથે નારણ જોગી પણ આવ્યો હતો. ખટરાગ બાદ યોગેશે તેની પ્રેમિકા દીકરી સાથે સંબંધ ન રાખવાનું કહ્યું હતું.”

“પરંતુ આ બધા લોકો ઓછી અવરજવરવાળા વિસ્તારમાં પહોંચ્યાં. જ્યાં યોગેશ અને ગીતાની દીકરીએ ભેગાં મળીને ગીતાને મારી અને દરિયાની રેતીમાં દાટી દીધી. ત્યાંથી બધાં રવાના તો થયાં, પરંતુ ગાડી ફસાઈ જતાં મારા સાળાને બોલાવવો પડ્યો. ત્યાંથી અમે ગીતાની દીકરીને મુન્દ્રાના લૂણી પાસે ઉતારી માધાપર ગયા હતા.”

‘ફોન કૉલથી પકડાયા આરોપી’

પીએસઆઇ જાડેજા જણાવે છે કે બધી હકીકતો સામે આવ્યા બાદ પોલીસે તરત જ યોગેશ જોતિયા અને ગીતાની દીકરીની ધરપકડ કરતાં તેમણે ગુનો કબૂલી લીધો.

તેઓ કહે છે કે, “બંનેએ એકબીજા સાથે સંબંધ હોવાની વાત કબૂલી હતી. ગીતાએ ટીના પર સંબંધ તોડી નાખવા દબાણ કરતાં ટીનાએ મુદ્દાના સમાધાન માટે પિકનિક ગોઠવવાનું સૂચન કર્યું. અને આમ એ લોકો માધાપરથી ચાર કલાકનું અંતર કાપીને હમીર મોરા ગયાં હતાં. જ્યાં ગીતાનું ખૂન કરીને મૃતદેહ સગેવગે કરીને નીકળતી વેળા રેતીમાં કાર ફસાતાં ફોનનો ઉપયોગ કર્યો અને એ વાત પોલીસ માટે મદદરૂપ બની ગઈ. આ એક કૉલ સિવાય બધાએ આ દરમિયાન ફોન પણ બંધ રાખ્યા હતા.”

બીબીસી ગુજરાતીએ અમદાવાદમાં રહેતા અને ડ્રાઇવરનું કામ કરતા ગીતાના ભાઈનો એક ટ્રાવેલ કંપનીના માલિકની મદદથી સંપર્ક કર્યો તો તેમણે પોતાની બહેન વિશે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.