રાજકોટ : બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટરથી એલઆરડીમાં ભરતીનું 'કૌભાંડ' કેવી રીતે પકડાયું?

ગુજરાતમાં ફરી એકવાર ભરતીને નામે છેતરપિંડી કરવાનું કૌભાંડ પકડાયું છે. રાજકોટ પોલીસે બોગસ નિમણૂકપત્રના આધારે પોલીસ લોકરક્ષકદળના એલઆરડી (પોલીસ કૉન્સ્ટેબલ)ની ભરતી કરવાના આરોપમાં સાત વ્યક્તિઓની ઘરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ અત્યાર સુધીમાં 28 લોકો માટે બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર બનાવ્યા હતા.

આ 28 લોકો એલઆરડીની પરીક્ષામાં નિષ્ફળ ગયા હતા અને આરોપીએ તેમની પાસેથી નાણાં લઈને તેમને બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર બનાવી આપ્યા હતા.

જોકે પોલીસનો દાવો છે કે આ પ્રકારે રાજકોટમાં કોઈ વ્યક્તિ બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટરના આધારે નોકરી પર હાજર થઈ ગયો હોય તે તેણે નોકરી મેળવી લીધી હોય તેવું તપાસમાં જાણવા મળ્યું નથી.

પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર કૌભાંડમાં અન્ય વ્યક્તિઓની પણ સંડોવણી હોઈ શકે છે.

શું હતો સમગ્ર મામલો

રાજકોટ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 2021માં પોલીસ લોકરક્ષકદળની શારીરિક કસોટીમાં નાપાસ થયેલો પ્રદીપ મકવાણા રાજકોટ પોલીસ કમિશનરની કચેરીમાં નોકરીમાં હાજર થવા આવ્યો હતો. આ યુવાને તેની પાસે નિમણૂકપત્ર હોવાનો દાવો કર્યો હતો. તેના આધારે પોલીસે તપાસ કરી ત્યારે જાણ થઈ હતી કે એ નિમણૂકપત્ર બોગસ છે.

રાજકોટની ક્રાઇમ બ્રાંચે આ મામલે વધુ તપાસ શરૂ કરી તો પૈસા લઈને બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર ઇશ્યુ કરવાનો સમગ્ર મામલો બહાર આવ્યો.

રાજકોટના ડીસીપી (ક્રાઇમ બ્રાંચ) ડૉ. પાર્થરાજસિંહ ગોહેલે રાજકોટમાં બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાને જણાવ્યું હતું, "પ્રદીપ મકવાણા નામનો એક યુવક આવો બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર લઈને ફરજ પર હાજર થવા આવ્યો હતો."

"તપાસ કરતા ખબર પડી કે આ જ કચેરીમાંથી આ જ નંબરનો એક ઍપૉઇન્ટમૅન્ટ લેટર પહેલાં પણ ઇશ્યુ થઈ ચૂક્યો છે."

"આ લેટર મેહુલ તરંબુડિયા નામના એક વિદ્યાર્થીનો હતો. જે પોલીસ લોકરક્ષકદળની પરીક્ષામાં પાસ થયો હતો અને તે પહેલાંથી જ ફરજ પર હાજર થઈને તાલીમ લઈ રહ્યો હતો."

ડીપીસી ગોહેલ વધુમાં જણાવે છે, "એટલે ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી. પહેલા પ્રદીપને પકડ્યો. તેની પૂછપરછમાં ખબર પડી કે આ કાંડમાં ઘણા બધા લોકો સામેલ છે. કુલ સાતની ધરપકડ કરી છે."

‘બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર બનાવવાના ચાર-પાંચ લાખ લેતા હતા આરોપીઓ’

પોલીસે આ કાંડના આરોપી પ્રદીપ મકવાણા, ભાવેશભાઈ ચાવડા અને બાલાભાઈ ચાવડા, સીમા સાકરિયા, સાગર સાકરિયા, ધીરુભાઈ ખોરાણી અને રમેશ ઓડકિયાની ધરપકડ કરી છે. પોલીસે જ્યારે પ્રદીપની પૂછપરછ કરી તો ખબર પડી કે તેને તેના માસાના મારફતે આ ગૅંગની માહિતી મળી હતી.

ડીસીપી ગોહેલ કહે છે, "પ્રદીપે પોતે પણ પરીક્ષા આપી હતી, પણ તે નાપાસ થયો એટલે તેણે તેના માસા ભાવેશનો સંપર્ક કર્યો."

"ભાવેશને આ કાંડના આરોપી બાલુ સાથે સંપર્ક હતો. બાલુ ચોટીલા ખાતે જે બે મુખ્ય આરોપીઓ સાથે સંપર્કમાં હતો, જે આ પ્રકારના બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર બનાવતા હતા."

પોલીસનો દાવો છે કે કુલ 28 યુવાનોએ આ ગૅંગ પાસેથી આ પ્રકારે બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર બનાવડાવ્યા હતા.

તેમણે દરેક પાસેથી ચારથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. વચેટિયાને 50 હજાર આપવામાં આવતા હતા અને બાકીને મુખ્ય આરોપીઓ રાખી લેતા હતા.

ડીસીપી ગોહેલ કહે છે, "આ ગૅંગ પ્રદીપનો ટ્રાયલ તરીકે ઉપયોગ કરવા માગતી હતી. જો પ્રદીપ નોકરીએ લાગી જાય તો બાકીના લોકો પણ રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટરના આધારે નોકરી પર હાજર થવા જવાના હતા. પણ તેમનો ભાંડો ફૂટી ગયો."

અન્ય 15-20 જણા સામે પણ પોલીસને છે શંકા

બીબીસીના રાજકોટ ખાતેના સહયોગી બિપિન ટંકારિયા જણાવે છે, "રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર પંથકના જે તાલુકાઓ હતા, ત્યાંથી ઘણા વિદ્યાર્થીઓએ પોલીસ લોકરક્ષકદળની પરીક્ષા આપી હતી. તે પૈકીના જે નાપાસ થયા હતા, તેઓ આ ગૅંગના સંપર્કમાં આવ્યા હતા. પોલીસ મુજબ આખા કૌભાંડનું સંચાલન ચોટીલાની બે વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હતું. આ બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર પણ ચોટીલામાં જ તૈયાર થતા હતા."

બિપિન ટંકારિયા વધુમાં જણાવે છે, "જે પ્રદીપ રાજકોટ સીપી ઑફિસે હાજર થવા ગયો હતો, તેને કથિત રીતે ગાંધીનગરથી 9 ઑગસ્ટના રોજ કોઈક મહિલાનો ફોન આવ્યો હતો."

"એ મહિલા પોતે એલઆરડી કચેરીમાંથી બોલતાં હોવાનો દાવો કરતાં હતાં. વળી પ્રદીપને તેનો બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર પણ પોસ્ટ દ્વારા પ્રાપ્ત થયો હતો."

આ પ્રકારનો ફોન કરનાર મહિલા સીમા સાકરિયાની પણ પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

ડીસીપી ગોહેલ આ મામલે કહે છે, "પોલીસ તમામ પાસાંની તપાસ કરી રહી છે. અમને આશંકા છે કે આ કાંડમાં વધુ 15-20 લોકો સામેલ હોઈ શકે છે. તેમની પણ ભવિષ્યમાં અટકાયત કરીને પૂછપરછ કરીશું."

પોલીસનું કહેવું એમ પણ છે કે જેમણે બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર મેળવ્યા છે, તે તમામ પણ આ ગુનામાં સહભાગી છે. કારણકે તમને ખબર હતી કે તેઓ ખોટું કામ કરી રહ્યા છે.