અમદાવાદ : યુવતીએ નોકરી માટે અરજી કરી તો નકલી IT અધિકારીનો ફોન આવ્યો, પોણો કરોડ પડાવી લીધો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદમાં રહેતાં પૂર્વા પંડ્યાની કોરોનાકાળમાં નોકરી છૂટી ગઈ હતી. એમણે નવી નોકરી માટે એક વેબસાઇટ પર અરજી કરી અને એમના ખરાબ દિવસો શરૂ થયા.

ઘટના એવી ઘટી કે નોકરી માટે ઑનલાઇન અરજી કર્યા બાદ પૂર્વા સાઇબર ક્રાઇમનો ભોગ બન્યાં અને આરોપીઓએ તેમની પાસેથી પોણો કરોડથી વધુ રૂપિયા પચાવી પાડ્યા.

સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં પૂર્વા પંડ્યા એમ.બી.એ. થઈ ચૂક્યાં છે. તેમની પાસે સારી એવી નોકરી પણ હતી. જોકે, કોરોના આવ્યો અને એમની નોકરી લેતો ગયો.

પોતાની કરમકહાણી બીબીસી સાથે જણાવતાં પૂર્વા કહે છે, "હું ખુબ સારા પગારવાળી નોકરી કરતી હતી. એના પીએફ અને ગ્રૅચ્યુઇટીનાં નાણાં થકી અમદાવાદના પૉશ વિસ્તારમાં ઘર લીધું હતું અને ઘરની લૉન પણ ચૂકવી હતી. પણ કોરોનાકાળમાં નોકરી છૂટી અને બચત તથા મ્યુચઅલ ફંડમાં રોકેલા પૈસાથી ઘરનું ગુજરાન ચલાવવું પડ્યું."

આ દરમિયાન પૂર્વાની નોકરીની શોધ ચાલી રહી હતી. એવામાં એમણે એક વેબસાઇટ પર નોકરી માટે અરજી કરી. એ અરજી બાદ એમને ઘણા ફોન આવ્યા અને આવામાં જ એક ફોન બાદ પૂર્વાની મુશ્કેલીઓ શરૂ થઈ.

87.47 લાખ પડાવી લીધા

પૂર્વા જણાવે છે, "22 એપ્રિલના રોજ મને એક ફોન આવ્યો. ખૂબ સારો પગાર ઑફર થયો અને મેં નોકરીની હા પાડી. થોડી વાર બાદ મને બીજો ફોન આવ્યો અને 'સિક્યૉરિટી મની' તરીકે અમુક પૈસા ચૂકવવા માટે કહેવાયું. નોકરી મળ્યા બાદ આ પૈસા મને પરત મળવાના હતા એટલે મેં હા પાડી અને ઑફર લેટરની રાહ જોવા લાગી."

"એવામાં મારા પર એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો. એ ફોન કરનારે પોતાની ઓળખ ઇન્કમટૅક્સના અધિકારી તરીકે આપી અને મને દિલ્હીમાં ઇન્કમટૅક્સની ઑફિસે બોલાવી. એ વ્યક્તિએ આરોપ લગાડ્યો કે કોઈ દેશદ્રોહીનાં ખાતાંમાં મેં સાડા ચાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે અને એક કરોડ એંસી લાખ રૂપિયાનો એક ચેક પણ લખ્યો છે. "

"એ વ્યક્તિએ મને વૉટ્સઍપ પર એનું ઓળખપત્રક પણ મોકલ્યું જે મને અસલ સરકારી અધિકારીના કાર્ડ જેવું જ લાગ્યું. એ કાર્ડમાં વ્યક્તિનો હોદ્દો ઇન્કમટૅક્સ કમિશનર લખેલો હતો. મેં બે ત્રણવ્યક્તિને કાર્ડ બતાવ્યું તો એમણે પણ હામી ભરી. એટલે હું ડરી ગઈ."

પૂર્વા આગળ જણાવે છે, "હું કંઈ સમજું એ પહેલાં જ રાતે બીજો કૉલ આવ્યો અને એ વ્યક્તિ ઇન્કમટૅક્સ કમિશનરનો મદદનીશ બોલી રહી હોવાનો દાવો કર્યો. પ્રિતેશકુમાર નામની એ વ્યક્તિએ મને કહ્યું કે એમણે મારા ટ્રાન્જેક્શનની તપાસ કરી છે અને મેં છ કરોડ રૂપિયા દેશદ્રોહીઓનાં ખાતાંમાં નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે મને આજીવન જેલમાં નાખી દેવાની પણ ધમકી આપી. એમણે મને વીડિયો કૉલ કરીને મારી સહીવાળા ચૅક પણ બતાવ્યા. "

"આ બધાને લીધે હું ખૂબ ડરી ગઈ. એણે મને એવું પણ કહ્યું કે જો મારે આ બધાથી બચવું હો તો એ માંડવાળ કરાવી શકે એમ છે અને મારે એમને પૈસા મોકલવા પડશે. હું એમની વાતમાં આવી ગઈ અને મેં બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા."

"મેં આવું કર્યું એટલે એ લોકો મારો ડર જાણી ગયા અને મારી પાસે છ કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા એની તપાસ કરવાના નામે મારા પિતાનું ઘર સીઝ કરવાની ધમકી આપવા લાગ્યા. હું ખૂબ ડરી ગઈ એટલે મેં લોકો પાસેથી ઉધાર લઈને અને ઘરને ગિરવી મૂકી ટુકડેટુકડે 87.47 લાખ રૂપિયા આપ્યા. આ દરમિયાન મારા એક સંબંધીએ મને જણાવ્યું કે ઇન્કમટૅક્સ અધિકારીને જેલમાં પૂરવાનો અધિકાર નથી. એ બાદ મને સમજાયું કે હું એક મોટા ષડ્યંત્રનો ભોગ બની છું. જે બાદ મેં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી."

કઈ રીતે ભેદ ઉકેલાયો?

અમદાવાદની સાઇબર પોલીસે આ મામલે તપાસ કરી અને આખરે કેસ ઉકેલ્યો. પોલીસે આ મામલે મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી છે.

આ કેસને ઉકેલનાર અમદાવાદ સાઇબર ક્રાઇમના એ.સી.પી. જે. એમ. યાદવે જણાવ્યું, "મારી પાસે જ્યારે આ કેસ આવ્યો ત્યારે જ મને ખબર પડી ગઈ કે આ કોઈ 'ફિશી કૉલ'થી પૈસા પડાવવાનું ષડ્યંત્ર છે. જે બૅન્કખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા, એ ખાતાંને અમે ફ્રિઝ કરાવ્યાં. જે નંબર પરથી કૉલ આવ્યા હતા એનું ટેકનિકલ ઍનાલિસીસ કર્યું તો જાણવા મળ્યું કે કેટલાંય સીમકાર્ડ બદલવામાં આવ્યાં હતાં. એ બાદ ફોનનો આઈ.એમ.ઈ.આઈ. નંબર ચકાસ્યો, તો ત્રણ ફોન મળ્યા જેમાં સિમકાર્ડ ઍક્ટિવ થયેલાં હતાં. "

"ડ્યુઅલ સિમ ધરાવતા આ ત્રણેય ફોન મોંઘા નહોતા એટલે એ ફોન આરોપી વેચી નાખે કે એનો નાશ કરે એ પહેલાં જ એનું ટેલિકૉમ કંપનીની મદદથી ઍનાલિસીસ કર્યું. એટલે નકલી ઇન્કમટૅક્સ ઑફિસર બનેલો પ્રિતેશકુમાર નામનો માણસ મુંબઈના મલાડમાંથી ઝડપી લીધો. એનો બીજો સાથીદાર દિલ્હીમાં રહે છે. આરોપી હાલ રિમાન્ડ પર છે. એના સિમકાર્ડમાંથી થયેલા ફોનના આધારે અમે ટૂંક સમયમાં એના બીજા સાથીદારને ઝડપી પાડીશું."

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીબીસીને આ મામલે જણાવ્યું, "સરકારે સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે ખાસ અભિયાન આરંભ્યું છે. આ પડકારને પહોંચી વળવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. માત્ર આર્થિક ગુના જ નહીં પણ સાઇબર ક્રાઇમ બ્રાન્ચની મદદથી અમે ચોરાયેલા ફોન પણ પરત મેળવી શકાય એવું આયોજન કર્યું છે. ચોરાયેલા ફોન પરત મેળવીને અમે એના માલિકોને પરત આપ્યા છે. આ ઉપરાંત સાઇબર ક્રાઇમને પહોંચી વળવા માટે પોલીસના કર્મચારીઓને ખાસ ઇન્સેન્ટિવ આપવાનું પણ શરૂ કર્યું છે. "

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સાઇબર ક્રાઇમના કુલ 2,800 કરતાં વધુ કેસ નોંધાયા છે. વર્ષ 2020માં 1,283 કેસ અને વર્ષ 2021માં કૂલ 1,536 કેસ નોંધાયા હતા.

સાઇબર ફ્રોડના પણ છેલ્લાં બે વર્ષમાં 1,800 કરતાં વધુ કેસ નોંધાયા છે. સાઇબર ફ્રોડના કેસ વર્ષ 2020માં 875 અને વર્ષ 2021માં 968 નોંધાયા હતા.

તો વર્ષ 2020માં સાઇબર ક્રાઇમમાં જાતિય સતામણીના 37 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2021માં 64 કેસ નોંધાયા હતા. સાઇબર સ્ટોકિંગના વર્ષ 2021માં 30 કેસ નોંધાયા હતા. જ્યારે ઓટીપી ફ્રોડના 28 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બૅન્કીંગ ફ્રોડના 2021માં 58 કેસ નોંધાયા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો