પોલીસ LRD ભરતી : 10 હજારથી વધુની નોકરી સામે સાડા નવ લાખ અરજી, શું આ બેરોજગારીની નિશાની છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલમાં ગુજરાતમાં અનેક યુવક-યુવતીઓ પોલીસ ભરતી પરીક્ષાની તૈયારીઓ કરતાં જોવા મળે છે. 23મી ઑક્ટોબરના રોજ લોકરક્ષકદળની ભરતીની જાહેરાત બાદ 9 નવેમ્બર સુધી ઑનલાઇન ફૉર્મ સ્વીકારમાં આવ્યાં હતાં.

આ સમય દરમિયાન રાજ્ય સરકારને 9,46,524 અરજીઓ મળી છે, જેમાં પુરુષ અને મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ સાડા નવ લાખ જેટલા ઉમેદવારો માત્ર 10459 જગ્યા માટે સ્પર્ધા કરશે.

હાલમાં જ્યારે તમામ ફૉર્મ ભરાઇ ચૂક્યાં છે, ત્યારે ભરતી બોર્ડના અધિકારીઓ હવે ડેટા પ્રોસેસિંગમાં લાગી ગયા છે.

પત્રકારો સાથેની પોતાની વાતચીત દરમિયાન ભરતી બોર્ડના અધ્યક્ષ અને IPS અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું કે 12મી નવેમ્બર સુધી લોકોએ ફી ભરી દેવાની રહેશે.

20મી નવેમ્બરથી ઉમેદવારો કૉલલેટર ડાઉનલોડ કરી શકશે, 1થી 10 ડિસેમ્બરની વચ્ચે ફિઝિકલ ટેસ્ટની શરૂઆત થશે. આ ટેસ્ટ આશરે બે મહિના સુધી ચાલશે. માર્ચ મહિનાના પહેલાં સપ્તાહમાં ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે.

જોકે એવા અનેક લોકો છે, જેઓ હજી આ સ્પર્ધામાંથી બાકાત રહી ગયા છે. તેમાંથી ઘણા એવા લોકો છે કે જેઓ છેલ્લા દિવસે એટલે કે 9 નવેમ્બરના રોજ ફૉર્મ ભરી ન શક્યા.

બીબીસી ગુજરાતીએ વાત કરી તેમાંના મોટા ભાગના લોકોનું કહેવું હતું કે છેલ્લા દિવસે સર્વર ડાઉનના મૅસેજ મળતા હોવાને કારણે તેઓ ફૉર્મ ભરી નથી શક્યાં.

જોકે લોકરક્ષકદળ ભરતી બોર્ડના અધ્યક્ષ અને IPS અધિકારી હસમુખ પટેલે ટ્વીટ મારફતે જણાવ્યું હતું કે લોકોને તકલીફ ન પડે તે માટે બે વધારાનાં સર્વર ઉમેરાયાં હતાં.

જોકે તેમ છતાંય સંદીપ કવાડ જેવા અનેક લોકો ફૉર્મ ભરી નહોતાં શક્યાં.

'13 કલાક ફૉર્મ ભરવાનો પ્રયાસ કર્યો પરંતુ...'

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સુરતના રહેવાસી અને બી.એસ.સી.નો અભ્યાસ પૂર્ણ કરનારા સંદીપ કવાડ કહે છે કે, "તેઓ બીમાર હોવાને કારણે હૉસ્પિટલમાં દાખલ હતા અને તેમને ખ્યાલ હતો કે 8મી તારીખે તેમણે LRDની પરીક્ષા માટેનું ફૉર્મ ભરવાનું છે.

"મેં તે માટે ફોનમાં એલાર્મ પણ મૂક્યું હતું, પરંતુ 8 અને 9 નવેમ્બર બન્ને દિવસે, સર્વર ડાઉન હોવાને કારણે મારું ફૉર્મ ભરાયું નથી."

તેઓ સર્વર ડાઉન હોવાના કારણે પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરતાં કહે છે કે, "9મી તારીખે તો આશરે 13 કલાક સુધી મેં સતત ફૉર્મ ભરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મને સફળતા મળી ન હતી."

કવાડ જેવા બીજા અનેક યુવાઓ છે, જેઓ છેલ્લા દિવસે ફૉર્મ નહોતા ભરી શક્યા.

જોકે ફૉર્મ ભરતી વખતે માત્ર સામાન્ય ઉમેદવારો જ નહીં, પરંતુ ઍક્સ સર્વિસમૅનને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. જયદીપસિંહ વાઘેલા એક ઍક્સ સર્વિસમૅન છે.

તેમણે 8 અને 9 નવેમ્બર બન્ને દિવસે ઍક્સ સર્વિસમૅનના ક્વૉટામાં ફૉર્મ ભરવા માટે પ્રયાસો કર્યો હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી.

જ્યારે બીબીસી ગુજરાતીએ તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "જ્યારે એક્સ સર્વિસમૅન તરીકે અમે ફૉર્મ ભરીએ ત્યારે સરકારની તમામ જાહેરાતોમાં વયમર્યાદાની કૉલમ હઠી જતી હોય છે, કારણ કે અમને વયમર્યાદામાંથી બાદ કરવામાં આવેલા છે. પરંતુ LRDનું ફૉર્મ ભરતી વખતે આ કૉલમ ન હઠવાને કારણે હું ફૉર્મ ભરી શક્યો ન હતો."

તેમનું કહેવું છે કે અગાઉ બીજી સરકારી નોકરીઓ જે ગૌણ સેવા આયોગ થકી લેવામાં આવતી હતી, તેમાં આ પ્રકારની સમસ્યાનો તેમને ક્યારેય સામનો કરવો પડ્યો ન હતો.

સરકારી નિયમ પ્રમાણે ઍક્સ સર્વિસમૅનને નોકરીનાં વર્ષો તેમની ઉંમરમાંથી બાદ મળતા હોય છે.

દાખલા તરીકે જયદીપસિંહની હાલમાં 40 વર્ષની ઉંમર છે અને તેમણે 16 વર્ષ સુધી આર્મીમાં નોકરી કરી છે, તો તેઓ 24 વર્ષના ઉમેદવાર તરીકે ફૉર્મ ભરી શકે છે, પરંતુ ઑનલાઇન ફૉર્મ તેઓ ટેકનિકલ ખામીને કારણે ભરી શક્યા ન હતા.

"માત્ર ફૉર્મ જ નહીં ફી ભરવામાં પણ પડી મુશ્કેલી"

જોકે ઘણા લોકોનું ફૉર્મ ભરાઈ ગયું હોય તે તેમને ફી ભરવામાં પણ તકલીફ પડી હતી.

આવા જ એક ઉમેદવાર સાબરકાંઠાના રૂપેશ પંચાલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે "તેમનું ફૉર્મ ભરાઈ ચૂક્યું છે, પરંતુ તેઓ ઑનલાઇન ફી ભરી નથી શક્યા અને દરેક સમયે ટ્રાન્સેકશન ફેઇલ એવો મૅસેજ આવે છે."

તેમણે કહ્યું કે જો તેમની ફી સ્વીકારવામાં નહીં આવે તો તેમનું ફૉર્મ રદ થઈ શકે છે.

હસમુખ પટેલે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "હું વારંવાર ટ્વિટરના માધ્યમથી કહેતો આવ્યો છું કે ફૉર્મ ભરવા માટે છેલ્લી તારીખની રાહ ન જુઓ. છેલ્લી ઘડીએ ઘણા લોકોએ ફૉર્મ ભરતા સર્વર ડાઉન થયાં હતાં અને અમે વધારાનાં બે સર્વર પણ શરૂ કર્યાં હતાં. તેમ છતાં કેટલાક લોકો રહી ગયા છે. જોકે હવે આમાં કશું થઈ શકે તેમ નથી."

રનિંગમાં મેરિટ ક્યારે મળશે?

પોલીસ ભરતીની જાહેરાત પ્રમાણે દોડની કસોટીના 25 ગુણ રહેશે.

ઉમેદવાર જેટલા ઓછા સમયમાં આ દોડ પૂર્ણ કરશે તેમને તેટલા વધુ ગુણ મળશે.

દાખલા તરીકે પુરષ ઉમેદવારને 25માંથી 25 ગુણ મેળવવા માટે પાંચ કિલોમીટરનું અંતર 20 મિનિટમાં કાપવાનું રહેશે. અને જો તેઓ આ દોડ 24થી 25 મિનિટ વચ્ચે પૂર્ણ કરે તો તેમને 10 ગુણ મળશે.

25 મિનિટથી વધુ સમય લેનારા ઉમેદવારને નાપાસ ગણવામાં આવશે.

આવી જ રીતે 21.30થી 22 મિનિટમાં પાંચ કિલોમીટરની દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 20 ગુણ મળશે. એટલે કે ઉમેદવારે લીધેલા સમય પ્રમાણે તેમને ગુણ આપવામાં આવશે.

આવી જ રીતે મહિલા ઉમેદવારે 1600 મીટરની દોડની કસોટીને પૂરા 25 ગુણ મેળવવા માટે સાત મિનિટમાં દોડ પૂરી કરવી પડશે.

જ્યારે નવથી સાડા નવ મિનિટના સમયમાં દોડ પૂરી કરનાર મહિલા ઉમેદવારને દસ ગુણ મળશે.

તેનાથી વધુ સમય લેનાર ઉમેદવાર નાપાસ ગણાશે.

ઍક્સ સર્વિસમૅનને પાસ થવા માટે 2400 મીટરની દોડ 12.30 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને પૂરા 25 ગુણ મેળવવા માટે તેમણે આ દોડ સાડા નવ મિનિટમાં પૂરી કરવી પડશે.

લેખિત પરીક્ષા માટે જાણવા જેવું

ભરતી બોર્ડની વેબસાઇટ પ્રમાણે :

  • લેખિત પરીક્ષા ગુજરાતી ભાષામાં લેવામાં આવશે
  • ખોટા જવાબ માટે 0.25 માર્ક કાપી લેવામાં આવશે. એટલે કે ચાર ખોટા જવાબ પછી ઉમેદવારનો એક ગુણ કાપી લેવામાં આવશે
  • જો પ્રશ્નનો કોઈ જવાબ જ આપવામાં ન આવે તો પ્રયાસ ન કરેલા પ્રશ્ન માટે કોઇ નૅગેટિવ માર્કિંગ નથી
  • ફિઝિકલ ટેસ્ટમાં 40 ટકા ગુણ મેળવનાર ઉમેદવારને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે
  • લેખિત પરીક્ષાની રિચૅકિંગ પરિણામના બીજા દિવસથી 15 દિવસ સુધી કરાવી શકાશે
  • લેખિત પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ -1860, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 અને ભારતીય પુરાવા અધિનિયમ - 1872ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આવરી લેવાશે

10459 નોકરી સામે 946000 અરજીઓ - શું આ આંકડા રાજ્યની બેરોજગારી પર એક પ્રશ્ન છે?

એક તરફ જ્યાં આશરે 20 હજાર રૂપિયાની નોકરી માટે આશરે 9.5 જેટલા લોકો ફૉર્મ ભરી રહ્યા છે, જેમાં બી.એસ.સી, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, ત્યારે ઘણા લોકોનું માનવું છે કે સરકારી નોકરી માટે આ પડાપડી રાજ્યની હાલની પરિસ્થિતિનો ચિતાર આપે છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ જાણીતાં અર્થશાસ્ત્રી અને પ્રોફેસર ઇંદિરા હીરવે સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "એ વાતમાં કોઈ નવાઈ નથી કે આટલી મોટી સંખ્યામાં લોકો સરકારી નોકરી માટે પડાપડી કરી રહ્યા છે. હાલમાં દેશ અને રાજ્યની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિ, ભલે તે નોકરી કરતી હોય તો તે પણ એક સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરશે, કારણ કે છેલ્લાં બે વર્ષમાં પ્રાઇવેટ સેક્ટરમાં ઘણી નોકરીઓ ગઈ છે, માટે લોકોને સરકારી નોકરી જોઈએ છે."

હીરવેએ ગુજરાત રાજ્યની વાત કરતાં કહ્યું કે, "ગુજરાતમાં પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ વધારે છે, પરંતુ તે નોકરીઓની ગુણવત્તા સારી નથી, લોકોને ઓછો પગાર મળે છે, તેમને ગમે ત્યારે કાઢી મૂકવામાં આવે છે. અહીંની પરિસ્થિતિ કર્ણાટક કે કેરળ જેવાં રાજ્યો કરતાં પણ ખરાબ છે, માટે અહીં દરેક વ્યક્તિને પોતાની નોકરીની સેફ્ટી જોઈએ અને એટલા માટે જ આ પ્રકારનો ધસારો જોવા મળી રહ્યો છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો