નોરો વાઇરસ : કોરોનાકાળમાં ભારતમાં નવો વાઇરસ, લક્ષણો અને ઉપચાર શું છે?

કેરળના વાયનાડમાં નોરો વાઇરસના કેસની પુષ્ટિ થઈ છે. કેરળનાં સ્વાસ્થ્યમંત્રી વીના જૉર્જે શુક્રવારે લોકોને સચેત રહેવા માટે જણાવ્યું છે અને તે અંગેના દિશાનિર્દેશ જારી કર્યાં છે.

ઊલટી અને ઝાડાની સમસ્યા થવી એ આ વાઇરસનાં મુખ્ય લક્ષણ છે.

આ વાઇરસ પણ પશુઓ મારફતે માણસ સુધી પહોંચે છે. બે અઠવાડિયાં પહેલાં વાયનાડ જિલ્લામાં વિથિરી પાસે પુકોડેમાં એક પશુ ચિકિત્સા કૉલેજના 13 વિદ્યાર્થીઓમાં નોરો વાઇરસનું સંક્રમણ જોવા મળ્યાની માહિતી મળી હતી.

સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને વાઇરસનું સંક્રમણ વધુ ફેલાયાની માહિતી નથી મળી. લોકોમાં વાઇરસને લઈને જાગૃતિ ફેલાવવા સહિત પશુચિકિત્સા વિજ્ઞાન કૉલેજના વિદ્યાર્થીઓના ડેટા પણ તૈયાર કરાઈ રહ્યો છે.

પશુચિકિત્સા કૉલેજના અધિકારીઓએ કહ્યું કે સંક્રમણ સૌથી પહેલા પરિસરની બહાર છાત્રાવાસોમાં રહેનારા વિદ્યાર્થીઓમાં મળી આવ્યું હતું. સ્વાસ્થ્ય અધિકારીએ નમૂના લીધા અને ટૂંક સમયમાં જ તે અલાપ્પુઝામાં વાઇરસ વિજ્ઞાન સંસ્થાન (એનઆઇવી) મોકલી દેવાયા. આ સંક્રમણથી પીડિત વ્યક્તિને ઊલટી અને ઝાડાની સમસ્યા થાય છે.

કેરળમાં તમામને સચેત રહેવા સૂચના અપાઈ

રાજ્યનાં સ્વાસ્થ્યમંત્રી વીના જૉર્જે સ્વાસ્થ્ય અધિકારીઓની એક બેઠકની અધ્યક્ષતા કરી અને વાયનાડની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર, મંત્રીએ અધિકારીઓને વાઇરસનો પ્રસાર રોકવા માટેની પ્રવૃત્તિઓને વધુ ઝડપી બનાવવા માટેની સૂચના આપી.

રિલીઝમાં કહેવાયું છે કે હાલ ચિંતા કરવા જેવી કોઈ વાત નથી, પરંતુ તમામે સચેત રહેવું જોઈએ.

આ વાઇરસ દૂષિત ભોજન અને પાણીથી અને સંક્રમિત વ્યક્તિથી ફેલાય છે. અધિકારીઓએ કહ્યું છે કે પાણીને સ્વચ્છ કરવા માટે 'સુપર ક્લોરીનીકરણ' કરાઈ રહ્યું છે.

કેરળના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી દિશાનિર્દેશોમાં કહેવાયું છે કે નોરો વાઇરસથી સંક્રમિત લોકોએ ઘરે આરામ કરવો જોઈએ. ORS અને ઉકાળેલું પાણી પીવું જોઈએ. લોકોને ભોજન પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ પોતાના હાથ સાબુ અને પાણી વડે સારી રીતે ધોવા જોઈએ.

દિશાનિર્દેશોમાં એવું પણ કહેવાયું છે કે પશુઓના સંપર્કમાં રહેનારાઓએ વધુ સાવધ રહેવું જોઈએ.

નોરો વાઇરસ સ્વસ્થ લોકોને વધુ પ્રભાવિત નથી કરતો, પરંતુ નાનાં બાળકો, વૃદ્ધો અને અન્ય સ્વાસ્થ્યસંબંધી સમસ્યાથી પીડાઈ રહેલા લોકો માટે તે ગંભીર સાબિત થઈ શકે છે.

નોરો વાઇરસ લક્ષણો

ઇંગ્લૅન્ડમાં આ વર્ષે જુલાઈ માસમાં નોરો વાઇરસના સંક્રમણના 154 નવા કેસ નોંધાયા હતા. અચાનક ઊલટી અને ઝાડા થવાં એ આ વાઇરસના સંક્રમણનાં લક્ષણ છે.

આ સાથે તાવ, કળતર પણ તેનાં લક્ષણો છે. સંક્રમિત થવાના એકથી બે દિવસ બાદ આ લક્ષણ દેખાય છે.

આ વાઇરસ ખૂબ ઝડપથી ફેલાય છે, કારણ કે એક પીડિત વ્યક્તિ નોરો વાઇરસના કરોડો કણ ફેલાવી શકે છે અને સંક્રમિત થવા માટે માત્ર અમુક જ કણ પૂરતા છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી કે અન્ય વ્યક્તિના થૂંકના કારણે તે ફેલાઈ શકે છે.

નોરો વાઇરસથી બચવા શું કરવું?

ડૉક્ટરોનો મત છે કે આ વાઇરસથી બચવા માટે વારંવાર સાબુ અને ગરમ પાણીથી હાથ ધોવા જોઈએ.

કપડાં અને શૌચાલય સાફ રાખવાં અને પાણીમાં બ્લીચ નાખીને ઘરની સફાઈ કરવી જોઈએ.

આ વાઇરસ કોરોના વાઇરસની જેમ આલ્કોહોલથી ખતમ નથી થતો. બલકે કપડાંને 60 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર સાફ કરવાથી લાભ થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો