એ ફોન રેકૉર્ડિંગ જેને કારણે ચાર સંતાનોની માતાને તેના જ પતિના ખૂનના આરોપમાં પકડાઈ ગઈ

    • લેેખક, ભાર્ગવ પરિખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“આંખ મિચાય કે દબાય દો, ઔરત હું ઐસી બાતેં ન કરો, વર્ના હિંમત ઉખડ જાયેગી. પ્યાર ભરી બાતેં કરો જો હિંમત કો ઉખડને ન દે."

"દુનિયા કી નજર મેં રોના હૈ. રોયેંગે નહીં તો આદમી કો શક હો જાયેગા.”

“જૈસે બેહોશ હોગા ઉસકા ટેટવા ઉટુવા ચેક કર લેના, સાંસ ચલતી હૈ કી નહીં.”

“જોસો પડો હૈ વૈસો પડો રહે તો સમજ લેના ખેલ ખતમ”

કોઈ વેબ સિરીઝનો ડાયલૉગ હોય તે પ્રકારની આ વાતચીત અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં લખાયેલો છે.

અને આ સંવાદ ઉત્તર પ્રદેશમાં બેઠેલી, માત્ર 6 ધોરણ સુધી ભણેલી અને ચાર સંતાનોની માતા તેના પતિના સાથીદાર સાથે ફોન પર વાત કરતી હતી ત્યારના છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે તેમની પાસે રહેલા રેકર્ડ થયેલા સંવાદો પૈકીનો આ સંવાદ જ્યારે એ મહિલાના પતિનું ખૂન થયું ત્યારે ઍમ્બ્યુલન્સ બોલાવવા પહેલા પતિના સાથીદારે તેની સાથે જે વાતચીત કરી હતી તેનું રેકૉર્ડિંગ છે.

આ મામલો અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન આવતા કણભામાં એક પુરુષની હત્યા થઈ તેનો છે. 40 વર્ષના જે પુરુષની હત્યા થઈ છે, તેના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે તેમના પુત્રનું ખૂન તેમની પુત્રવધૂના પ્રેમસબંધોને કારણે થયું છે.

પોલીસે આ ફોન રેકૉર્ડિંગના આધારે તપાસ હાથ ધરીને મૃતકની પત્ની અને તેના આરોપી પ્રેમીની ધરપકડ કરી છે.

પોલીસનું કહેવું છે કે ધરપકડ કરાયેલાં બંને આરોપીઓએ તેમનો ગુનો કબૂલી દીધો છે.

શું છે સમગ્ર મામલો?

આ ખૂન કેસની કહાણીની શરૂઆત થાય છે ઉત્તર પ્રદેશથી. યુપીના ઇટાવાના બિલોલી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા મલખાનસિંહ યાદવના પુત્ર હાકિમસિંહનાં લગ્ન 18 વર્ષ પહેલાં કિરણદેવી સાથે થયાં હતાં.

હાકિમસિંહને દારૂની લત લાગી હતી અને તે કોઈ કામ-ધંધો કરતો નહોતો, ઉપરાંત અવારનવાર તેની પત્ની કિરણદેવીને મારતો પણ હતો.

હાકિમસિંહના પિતા મલખાનસિંહે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, “અમારા ગામની બાજુમાં આવેલા કથોડીયામાં દીપુ શાક્યા નામનો યુવક ગુજરાતમાં નોકરી કરતો હતો. તેને મારા દીકરા સાથે દોસ્તી થઈ. ઉંમરમાં નાનો હતો. તેણે એક દિવસ મારી પુત્રવધુ કિરણદેવીને વાત કરી કે તે ગુજરાતમાં હાકિમસિંહને નોકરી અપાવશે. મારી પુત્રવધુએ મારી સાથે વાત કરી. મેં તેને અમદાવાદ મોકલવાનું નક્કી કર્યું.”

તેમના જણાવ્યા પ્રમાણે તેમણે હાકિમસિંહને નોકરી માટે અમદાવાદ મોકલવાની એટલા માટે પરવાનગી આપી હતી કારણકે ગુજરાતમાં દારૂબંધી છે. તેમને લાગ્યું હતું કે હાકિમસિંહ કામધંધો પણ કરશે અને સાથે તેની દારૂની લત પણ છૂટી જશે.

8મી ઑગસ્ટના રોજ હાકિમસિંહ અમદાવાદ આવ્યો અને નોકરીએ લાગ્યો.

પણ તેમને ક્યાં ખબર હતી કે દીકરાને અમદાવાદ મોકલ્યાના 13 દિવસે જ તેના પુત્રના મોતના સમાચાર તેમને મળશે.

પોલીસ ફરિયાદમાં નોંધેલી વિગતો અનુસાર 21મી ઑગસ્ટના રોજ સવારે સાડા દસના વાગ્યે હાકિમસિંહની પત્ની કિરણદેવીના મોબાઇલ ફોન પર અમદાવાદ પોલીસનો ફોન આવ્યો.

અમદાવાદ પોલીસે તેમને જણાવ્યું કે હાકિમસિંહનું મોત થયું છે.

પોલીસને કેવી રીતે ગઈ શંકા?

હકીકતમાં જ્યારે હાકિમસિંહ અમદાવાદ આવ્યો ત્યારથી તે દીપુ શાક્યાની સાથે જ રહેતો હતો.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના કણભા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. યુ. કાલોતરા આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “હાકિમસિંહના રૂમપાર્ટનર દીપુ શાક્યાએ 108માં ફોન કર્યો, ત્યારે એણે એવું કહ્યું હતું કે તેનો સાથીદાર બીમારીને કારણે મૃત્યુ પામ્યો છે. તે હાકિમસિંહના મૃતદેહને લઈને અમદાવાદની એલ.જી. હૉસ્પિટલમાં ગયો હતો. હૉસ્પિટલના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હૉસ્પિટલે અમને જાણ કરી. અમને તેના પર શંકા ગઈ. તેની તમામ વિગતોમાં વિરોધાભાસ હતો.”

"અમે તેની સઘન પૂછપરછ કરી. અમે તેનો ફોન તપાસ્યો તો ખબર પડી કે કિરણના નામે સેવ થયેલા નંબર પર તેની વારંવાર વાતચીત થતી હતી. આ નંબર પર દીપુએ સંખ્યાબંધ વોઇસકૉલ અને વીડિયોકૉલ કર્યા હતા."

પી.આઈ. કાલોતરા કહે છે, “અમે જ્યારે હાકિમસિંહના પરિવારજનોને ફોન કર્યો ત્યારે કિરણના નામે સેવ થયેલા ફોનને પણ અમદાવાદ લાવવા કહ્યું હતું. અમે જ્યારે આ મોબાઇલ જોયો ત્યારે તેના ઑટો રેકૉર્ડિંગમાં કિરણદેવી અને દીપુ વચ્ચેનો પ્રેમાલાપ સાંભળ્યો.”

પી.આઈ. કાલોતરાએ કહ્યું, "અમે જ્યારે દીપુને કડકાઈથી પૂછ્યું તો તેણે કબૂલાત કરી કે તે અને કિરણદેવી પ્રેમ સબંધમાં હતાં. તે ઉંમરમાં મોટી હતી અને ચાર સંતાનની માતા હતી છતાં તે તેના પ્રેમમાં પાગલ બની ગયો હતો."

કાલોતરા પૂછપરછમાં બહાર આવેલી વિગતો વિશે ચર્ચા કરતા કહે છે, “દીપુએ કબૂલાત કરી કે કલાકો સુધી ફોન પર વાતચીત અને વીડિયો ચેટીંગને કારણે તેમનો પ્રેમ ગાઢ થયો હતો.”

હાકિમસિંહના કાકા મુલાયમસિંહે પણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “જ્યારથી હાકિમસિંહ અમદાવાદ ગયો, ત્યારથી કિરણ સતત ફોન પર વાતચીતમાં લાગેલી રહેતી. તે અમને એવું કહેતી હતી કે તે હાકિમસિંહ સાથે વાત કરે છે, પણ તે સંતાઈને વાત કરતી હોવાથી અમને શંકા થઈ હતી. અમે હાકિમસિંહને જ્યારે આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે કિરણના ફોન તો આવતા જ નથી. આ વિશે અમારી વધુ વાતચીત થાય તે પહેલા તો તેના મોતના સમાચાર આવી ગયા.”

‘વૅબ સિરીઝ જોઈને દીપુએ હાકિમસિંહની હત્યા કરી’

પીઆઈ કાલોતરા કહે છે, “હાકિમસિંહ શારીરિક રીતે સક્ષમ નહોતો. દીપુએ વૅબ સિરીઝમાં જોઈને, જ્યારે હાકિમસિંહ સૂતો હતો ત્યારે તેના ગળાને તેણે કોણીથી દબાવ્યું હતું. ગળા પર કોઈ નિશાન ન બને અને મોત કુદરતી લાગે તેનું તેણે ધ્યાન રાખ્યું હતું પણ જ્યારે હાકિમસિંહની ગરદન વળેલી જોઈ ત્યારે અમને શંકા ગઈ. ફોનમાં જે રેકૉર્ડિંગ છે તે સાંભળતા આ શંકા પાકી થઈ.”

પોલીસના જણાવ્યા પ્રમાણે પૂછપરછમાં દીપુએ તેનો ગુનો કબૂલી લીધો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ફોનનું રોકૉર્ડિંગ તેમને હાકિમસિંહની પત્ની કિરણદેવીને સંભળાવતા તે પણ ભાંગી પડ્યાં હતાં.

પી.આઈ. કાલોતરા કહે છે, “દારૂ પીને હાકિમસિંહ ધમાલ કરતો હતો, તેને કારણે કિરણદેવી ત્રાસી ગયાં હતા. હાકિમસિંહ હંમેશાં દારૂ માટે પૈસા માગતો રહેતો. તેવામાં દીપુ તેના જીવનમાં આવ્યો. બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. કિરણદેવીએ દીપુ સાથે સબંધ બનાવવા માટે હાકિમસિંહની હત્યા કરવાનું કહ્યું અને બદલામાં એક વિધા જમીન આપવાની વાત કરી. બંનેએ પ્લાન બનાવ્યો.”

પોલીસે કહ્યું કે બંને હાકિમસિંહના મોત બાદ લગ્ન કરીને અમદાવાદમાં સ્થાયી થવાના હતા. દીપુ તેમની બે દીકરીનાં લગ્ન કરાવવા પણ રાજી થઈ ગયો હતો.

કિરણદેવીએ પોલીસ સમક્ષ એ પણ કબૂલાત કરી હતી કે તેમની અને દીપુની વાતચીત રેકર્ડ થાય છે તે તેને ખબર નહોતી.

કાલોતરા કહે છે, “કિરણદેવીને વિશ્વાસ હતો કે ખૂન અમદાવાદમાં થવાનું છે અને તે ઉત્તર પ્રદેશ ખાતે રહે છે તેથી તે પકડાશે નહીં. પરંતુ ફોનમાં રેકૉર્ડ થયેલી વાતચીતના આધારે તેઓ પકડાઈ ગયાં.”

પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.