સુરત : પોલીસકર્મીની હત્યાના કેસમાં પકડાયા બાદ કસ્ટડીમાંથી ભાગી ગયેલો આરોપી 20 વર્ષે કેવી રીતે પકડાયો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરત પોલીસને 20 વર્ષથી વણઉકેલાયેલો કેસ ઉકેલીને આરોપીને બે દાયકા પછી પકડી લેવામાં સફળતા મળી છે. નોંધપાત્ર બાબત એ છે કે આરોપી એક પોલીસ કર્મચારીની હત્યાના કેસમાં ફરાર હતો અને તેની ભાળ પોલીસને એક અધૂરા ફોન નંબરથી મળી હતી.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કથિતપણે ગુનો આચર્યા બાદ પોલીસ પકડમાંથી નાસતા ફરતા ‘ગુનેગારો’ને પકડવાનું અભિયાન ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

સુરત પોલીસ પણ આ અભિયાન હેઠળ પોતાની પાસે નોંધાયેલા પરંતુ વણઉકેલાયેલા ગંભીર ગુના ઉકેલવાનું કામ કરી રહી છે.

પોલીસ કર્મચારીની હત્યાનો આ આરોપી 20 વર્ષ પહેલાં જ્યારે રિમાન્ડ હેઠળ પોલીસની કસ્ટડીમાં હતો ત્યારે જ પોતાના સાથીદારો સાથે ભાગી છૂટ્યો હતો.

એટલું જ નહીં તે મહારાષ્ટ્રમાં પણ એવી રીતે રહેતો હતો કે તેને શોધી કાઢવાનું કામ ઘાસમાંથી સોય શોધવા જેવું હતું.

આરોપી પોલીસ કસ્ટડીમાંથી કેવી રીતે ભાગ્યો?

સુરતના 'પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ'ના (પીસીબી) પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરાએ પોલીસની આ કાર્યવાહી અંગે ક્હ્યું કે, “ખૂન કરી પોલીસથી છેલ્લાં 20 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવા માટે છેલ્લા ચાર મહિનાથી પોલીસ સતત પ્રયત્નશીલ હતી.”

તેમણે કહ્યું, “અમને લૂંટફાટ બાદ પથ્થરમારો કરીને ભાગી છૂટતી પારઘી ગૅંગના એક આરોપીને પકડવામાં સફળતા મળી હતી. એની પાસેથી અમને માહિતી મળી હતી કે લગભગ 20 વર્ષ પહેલાં સુરતના ઉચ્છલ પાસે પારઘી ગૅંગ દ્વારા લૂંટ કરવામાં આવી હતી.”

“એ સમયે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ સાથે થયેલી અથડામણમાં પારઘી ગૅંગે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. એ અથડામણમાં એક પોલીસ જવાનને ગંભીર ઈજા થતાં એમનું મૃત્યુ થયું હતું.”

"ત્યાર બાદ પોલીસની તપાસમાં પકડાયેલા પારઘી ગૅંગના ત્રણ આરોપીઓ રાજુ ખંડુ અને શિવાનંદ કાળે અને વિષ્ણુ પવારના સુરત રુરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં રિમાન્ડ માટે લૉક-અપમાં રાખવામાં આવ્યા હતા."

ઇન્સ્પેક્ટર સુવેરાએ વધુમાં કહ્યું, “રિમાન્ડ દરમિયાન જેના પર પથ્થરમારો કરીને પોલીસની હત્યા કરવાનો આરોપ હતો તે રાજુ સુદર્શન ખંડુએ નાઇટ ડ્યૂટીમાં ફરજ બજાવનારા પોલીસ જમાદાર શર્ટના ક્યાં ખિસ્સામાં લૉક-અપની ચાવી રાખે છે એ જોઈ લીધું હતું.”

“લૉક-અપમાંથી તેણે એ જમાદારની રોજિંદી પ્રવૃત્તિને પણ ઝીણવટપૂર્વક અવલોકન કરીને જાણી લીધું હતું કે નાઇટ ડ્યૂટીના પોલીસ જમાદાર રાત્રે 12 વાગ્યે જમ્યા પછી ગરમીને કારણે પોતાનો શર્ટ ખીંટી પર ટાંગીને પોલીસ લૉક-અપથી થોડે દૂર આવેલા નળ પાસે ટિફિન સાફ કરવા જાય છે.”

ઇસ્પેક્ટર સુવેરાએ જણાવ્યું, “આ સમયને ખંડુએ ધ્યાનમાં રાખ્યો હતો. પોલીસ જમાદાર શર્ટ લટકાવીને ટિફિન સાફ કરવા જતા ખીંટી લૉક-અપથી દૂર નહોતી. એટલે એક રાત્રે પોલીસ જમાદાર જ્યારે જમીને ટિફિન સાફ કરવા ગયા, ત્યારે ખંડુએ લૉક-અપમાં પાથરેલી ચટાઈને વાળીને તેની મદદથી લૉક-અપની ચાવીવાળું પોલીસનું શર્ટ ખેંચી લીધું અને લૉક-અપનું તાળું ખોલી એ અને એના સાથીદારો સાથે ભાગ્યા."

તેમણે ઉમેર્યું કે, “આ દરમિયાન, રાજુ ખંડુ અને શિવાનંદ કાળે ભાગવામાં સફળ રહ્યા હતા અને એમનો ત્રીજો સાથી વિષ્ણુ પવાર એ સમયે જ પોલીસના હાથે પકડાઈ ગયો હતો.”

કેવી રીતે પોલીસને મળી ભાળ?

આ વાત 20 વર્ષ પહેલાંની હતી. પરંતુ રાજુ ખંડુને જ્યારે ફરીથી શોધવા માટે સુરત પોલીસે પ્રયત્ન શરૂ કર્યા ત્યારે તેમને એક અધૂરો ફોન નંબર મળ્યો હતો.

આ વિશે ઇન્સ્પેક્ટર સુવેરાએ કહ્યું, “આ દરમિયાન અમારી પાસે પારઘી ગૅંગનો એક આરોપી પકડાયો હતો અને તેની પાસેથી અને તેના જૂના સાથીદાર રાજુ ખંડુનો અધૂરો ફોન નંબર મળ્યો, જે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા બાદ છેલ્લાં 20 વર્ષથી મુંબઈમાં ભિખારી બનીને રહેતો હતો.”

પીસીબીના અધિકારી સુવેરા વધુમાં કહે છે કે, “એ આરોપીઓ જ્યારે લૉક-અપમાંથી ભાગ્યા હતા ત્યાર બાદની શોધખોળમાં શિવાનંદ કાળે તો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.”

“પણ રાજુ ખંડુ પકડમાં નહોતો આવ્યો. ખંડુની ઘણી તપાસ કરી પણ એ સમયે તે મહારાષ્ટ્રના અહમદનગર અને ઔરંગાબાદ જિલ્લામાં ફેલાયેલાં ફૂલધરણનાં જંગલોમાં છુપાઈ ગયો હતો.”

તેમણે વધુમાં કહ્યું “આ જંગલોનો રસ્તો ભુલભુલામણીવાળો હોવાથી સુરત પોલીસ એને પકડવા જાય ત્યારે, એ જંગલોમાં એવી રીતે છુપાઈ જતો કે પોલીસ પકડી શકતી નહોતી.”

“અમારી પાસે પારઘી ગૅંગનો એક બીજો ગુનેગાર પકડાયો ત્યારે એની પાસેથી જાણવા મળ્યું કે, રાજુ ખંડુ મુંબઈના કુર્લા અને ઘાટકોપરનાં લોકલ રેલવે સ્ટેશન પર ભીખ માંગે છે.”

“તેણે અમને ખંડુનો ફોન નંબર આપ્યો, પણ એના ફોન નંબરના આંકડા વ્યવસ્થિત ક્રમમાં નહોતા. એટલે અમારા માટે એના મોબાઇલ નંબરનું લોકેશન શોધવું પણ અઘરું હતું.”

આ કેસ અંગે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમે સુરતમાં મોસ્ટ વોન્ટેડ 17 આરોપીઓનું એક લિસ્ટ બનાવ્યું હતું. જેમાંથી અમારી પોલીસ રાજુ ખંડુને શોધવાની નજીક પહોંચી ગઈ હતી. અમે ફોન નંબરની આસપાસના મળતાં આવતા નંબરોનાં લોકેશનને ચેક કર્યાં.”

“તપાસમાં એક નંબર એવો મળ્યો જેનું લોકેશન કુર્લા અને ઘાટકોપરની આસપાસ રહેતું હતું અને એ જ નંબરનું બીજું લોકેશન ઔરંગાબાદ પાસેના કરજત પોલીસ સ્ટેશન હેઠળ આવેલાં ફૂલધરણનાં જંગલોની આસપાસ જોવા મળ્યું હતું. જેના પરથી અમને ખાતરી થઈ ગઈ કે આ લૉક-અપમાંથી ભાગી ગયેલા રાજુ ખંડુનો જ નંબર હોવો જોઈએ.”

કમિશનર તોમરે વધુમાં કહ્યું, “મહારાષ્ટ્ર પોલીસ સાથે તાલમેલ સાધીને સુરત પોલીસે એક ટીમ મહારાષ્ટ્ર મોકલી હતી. આ ટીમે કુર્લા અને ઘાટકોપરનાં લોકલ રેલવે સ્ટેશનો પર કરેલી તપાસમાં જાણવા મળ્યું કે અહીંથી એક ભિખારી નિયમિતપણે અહમદનગર જાય છે.”

“જોકે એ સમયે એ ભિખારી સ્ટેશન પર હાજર નહોતો. એટલે અમે સ્પેશિયલ ટીમ બનાવી પીસીબીને આરોપીને પકડવા માટે સૂચના આપી હતી."

આરોપી કેવી રીતે પકડાયો?

આખરે આરોપી કઈ રીતે પકડાયો એ વિશે પીસીબીના અધિકારી સુવેરા ઉમેરે છે, “અમારા માટે રાજુ ખંડુને શોધવું ગંજીમાંથી સોય શોધવા જેવું હતું. અમારી પાસે તેનો 20 વર્ષ જૂનો ફોટો હતો. તે આટલાં વર્ષોમાં ઘણો બદલાઈ ગયો હોય અને તે ભિખારીના વેશમાં ફરતો હોવાથી એને ઓળખવો મુશ્કેલ હતો. જો તેને પોલીસ શોધી રહી છે, એવી શંકા જાય તો એ ભાગી છૂટે એવું જોખમ હતું.”

તેમણે વધુમાં કહ્યું, “અમારી ટીમે સળંગ ચાર મહિના સુધી તપાસ કરી ઘાટકોપર અને કુર્લા સ્ટેશન પર ભીખ માંગતા બીજા ભિખારીઓને બાતમી માટેના સ્રોત બનાવ્યા.”

“અહમદનગરથી કે ઔરંગાબાદથી આવતા ભિખારીઓની જાણકારી મેળવી ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સથી ખબર પડી કે અમારી પાસે જે નંબર હતો એ બરાબર હતો.”

તેમણે ઉમેર્યું, “રાજુ ખંડુ ઘાટકોપરમાં જે ખોલીમાં રહેતો હતો એની સાથે રહેનારા ભિખારીને અમે વિશ્વાસમાં લીધો અને એના ફોનથી ફોન કરાવ્યો એ સમયે એ કરજતનાં જંગલોમાં હતો."

સુરતના પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું, “અમારી પાસે માહિતી પાકી થયા પછી એક ટીમને અમે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરીને કરજત મોકલી હતી. જ્યારે ટીમ ફૂલધરણનાં જંગલોમાં પહોંચીને વેશપલટો કરીને સ્થાનિકો જેવો પહેરવેશ ધારણ કરીને પાંચ દિવસ રહી અને પછી રાજુ ખંડુને પકડી લીધો.”

તેમણે જણાવ્યા અનુસાર આ વર્ષે સુરત પોલીસે ‘ગંભીર ગુનામાં પોલીસને થાપ આપી નાસતા ફરતા’ રાજુ ખંડુ સહિત 17 આરોપીઓને પકડ્યા છે.