અડધી ખાધેલી સેન્ડવીચ અને નોળિયા થકી 90 કરોડના હીરાની ચોરી કઈ રીતે પકડાઈ ગઈ?

    • લેેખક, એમિલી વેબ, જો ફિડજેન અને મરિયમ ફારુક
    • પદ, બીબીસી આઉટલૂક

અડધી ખાધેલી સેન્ડવિચ. આ એકમાત્ર પુરાવો હતો, જેના આધારે બેલ્જિયન ડિટેક્ટિવ પેટ્રિક પેસે ઍન્ટવર્પના એક વૉલ્ટમાંથી 2003માં થયેલી 100 મિલિયન ડૉલરના હીરાની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

એ સમયે તેને "સદીની લૂંટ" તરીકે વર્ણવવામાં આવી હતી. પેટ્રિક પેસ વિશ્વની પ્રથમ ડાયમંડ બ્રિગેડના મુખ્ય એજન્ટો પૈકીના એક હતા અને લૂંટની આ ઘટના તેમની કારકિર્દીનો સૌથી વધુ ચોંકાવનારો કેસ હતો. તેમણે સાવરણી, એક નોળિયો અને થોડી સલામી સેન્ડવિચ વડે તે ચોરીનું રહસ્ય ખોલ્યું હતું.

લૂંટનો દિવસ

લૂંટનો દિવસ ફેબ્રુઆરી, 2003. બેલ્જિયમ. દેશના ફ્લેમિશ વિસ્તાર ઍન્ટવર્પમાં વિનસ વિલિયમ્સ શહેરમાં, 'ડાયમંડ ગેમ્સ' નામની સ્પર્ધાની ફાઇનલમાં હતાં. સલામતીનો ચુસ્ત બંદોબસ્ત હતો. પોલીસ મોટા પ્રમાણમાં હાજર હતી, પરંતુ શહેરની બીજી બાજુ ઇતિહાસની સૌથી સાહસિક હીરાની ચોરી થઈ રહી હતી.

કોઈએ ચોરોને જોયા નહોતા. કોઈને ખબર નહોતી કે તેઓ કેવી રીતે અંદર આવ્યા અને કેવી રીતે બહાર નીકળી ગયા. કોઈને કશી ખબર નહોતી. એ પર્ફેક્ટ ક્રાઇમ હતો, પરંતુ ચાલાકીપૂર્વક ભાગી ન શકવાને કારણે તે નિષ્ફળ રહ્યો.

ઍન્ટવર્પનો ડાયમંડ ડિસ્ટ્રિક્ટ બહુ મોટો નથી, પરંતુ તેની ત્રણ નાની શેરીઓ ત્યાંના વેપારીઓનું વૈવિધ્ય દર્શાવે છે. તેમાં 60થી વધુ વીડિયો સર્વેલન્સ કૅમેરા છે અને 2003માં પણ એવું જ હતું. જંગી સંપત્તિને લીધે એ શેરીઓમાં સુરક્ષાની વ્યવસ્થા પણ પ્રચંડ છે.

સૌથી નિસ્તેજ અને બીબાઢાળ ઇમારતોમાં પણ જડબેસલાક સલામતી છે. આ શેરીમાંની કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ ઇમારત 'વર્લ્ડ ડાયમંડ સેન્ટર' તરફ પેસ ઇશારો કરે છે. ત્યાં વિશ્વના કેટલાક સૌથી વધુ નફાકારક સોદા થયા છે. 2003માં તેના બૅઝમૅન્ટમાં સંખ્યાબંધ સેફ્ટી ડિપોઝિટ બોક્સ હતાં, જેમાં અકલ્પનીય માત્રામાં હીરા રાખવામાં આવ્યા હતા. તે પૈકીના 189 એક મૅક્સિમમ સિક્યૉરિટી વૉલ્ટમાં હતા.

જાસૂસ જણાવે છે કે એ વૉલ્ટનો દરવાજો 30 સેન્ટીમીટર જાડાઈવાળો છે અને તેને ચાવી તથા સિક્યૉરિટી કોડ વિના ખોલી શકાતો નથી. તેઓ કહે છે, "તમે દરવાજો ખોલો તો ત્યાં એક ઍલાર્મવાળી મૅગ્નેટિક સિસ્ટમ પણ છે અને વૉલ્ટમાં તમામ પ્રકારની સિક્યૉરિટી છે." તેમાં હીટ ડિટેક્ટર, મોશન ડિટેક્ટર, સાઉન્ડ ડિટેક્ટર, લાઈટ ડિટેક્ટર છે. ત્યાં ભૂકંપ ડિટેક્ટર સુદ્ધાં છે. કોઈ ડ્રિલનો ઉપયોગ કરે તો તરત ઍલાર્મ વાગે છે.

સોમવાર, 17 ફેબ્રુઆરી, 2003ની સવારે પેસને સ્થાનિક પોલીસનો ફોન આવ્યો હતો. ડાયમંડ સેન્ટરમાં એક સેફ ખોલવામાં આવ્યું હતું. તેનો અભેદ્ય ગણાતો દરવાજો આખો ખુલ્લો હતો.

વૉલ્ટ તોડી પાડવામાં આવ્યો હતો અને સિક્યૉરિટી એજન્ટ્સને તેની ખબર નહોતી. પેસ યાદ કરે છે, "અંદર ફ્લોર પર હીરા, ઘરેણાં, પૈસા પડ્યા હતા." 100થી વધારે તિજોરીઓ ખાલી કરી નાખવામાં આવી હતી. "ફ્લોર પર તમામ પ્રકારના હીરા પડ્યા હતા. તેમાં કેટલાક નાના, લીલા હીરા પણ સામેલ હતા."

જાસૂસના ધ્યાનમાં એક અન્ય ચીજ આવી હતી અને તે હતી ચોરોનાં હથિયારો. "ચોરો તેમનો પોતાનો સામાન પાછો લઈ ગયા નહોતા. તેનો અર્થ એ થાય કે લૂંટ બહુ મોટી હશે. મને લાગે છે કે એક કિલો સોનાની ઈંટ અને એક ડ્રિલ - એ બેમાંથી કોઈની પસંદગી કરવાની હોય તો તમે સોનાની ઈંટને જ પસંદ કરો."

પેસ હીરાઓની વચ્ચેથી અને તિજોરીઓની પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના મનમાં એક સવાલ ચકરાતો હતો: અહીં વિશ્વની સૌથી અત્યાધુનિક સિક્યૉરિટી સિસ્ટમ પૈકીની એક હોવા છતાં એક પણ ઍલાર્મ ન વાગે તે કેવી રીતે શક્ય છે?

"મારા એક સાથીએ સિક્યૉરિટી કંપનીને ફોન કર્યો હતો અને તેમણે અમને કહ્યું હતું કે, સર, અમે અહીંથી જોઈ શકીએ છીએ કે વૉલ્ટ હજુ પણ બંધ છે અને બધું બરાબર છે. તેના જવાબમાં તેણે કહ્યું હતું, હું અત્યારે વૉલ્ટની અંદર છું."

"એ અત્યાર સુધીની હીરાની સૌથી મોટી ચોરી હતી અને અમે જાણતા હતા કે બીજે ક્યાંય જોવા ન મળે તેવા કાબેલ દુશ્મનોનો સામનો અમે કરી રહ્યા હતા."

'સદીની ચોરી'

એ ચોરી કોઈ ડ્રામા, ગોળીબાર વિના, વાહનોનાં ટાયરોની ચિચિયારી કે ખૂનખરાબા વિના થઈ હતી. એ ઘટના સમાચારમાં ચમકી તો તેને 'સદીની ચોરી' કહેવામાં આવી હતી.

પેસ કહે છે, "એ અમારી નજર સામે થયું હતું. અમે થોડા આશ્ચર્યચકિત હતા." તેમના એક સાથીને યાદ છે કે ચોરીનો ભોગ બનેલા લોકો સમાચાર સાંભળીને રડતા હતા. કેટલાક તો બેભાન થઈ ગયા હતા.

વૉલ્ટની અંદર તેમના પોતપોતાના સેફ હતા. ફ્લેમિશ હોય, ભારતીય હોય, આર્મેનિયન હોય, ઇટાલિયન હોય કે પછી યહૂદી હોય, ઍન્ટવર્પના હીરાના વેપારીઓના આંતરરાષ્ટ્રીય સમુદાયને માઠી અસર થઈ હતી. ડાયમંડ સેન્ટરની આખી બિલ્ડિંગમાં 24 કૅમેરા લગાવવામાં આવ્યા હતા.

કૅમેરા વૉલ્ટમાં પણ હતા. શકમંદ એટલા ચાલાક હતા કે તેઓ વૉલ્ટમાંના સામાનની સાથે સાથે એ રાતનું વીડિયો રેકૉર્ડિંગ પણ ચોરી ગયા હતા. તેઓ એક અલગ પ્રકારના અપરાધી હોવાનું સ્પષ્ટ થતું જતું હતું.

"કેટલીક સિક્યૉરિટી સિસ્ટમ્સને લગભગ બાળકની માફક નિષ્ક્રિય કરી નાખવામાં આવી હતી, તે આશ્ચર્યજનક હતું. આવું થઈ શકે તેની કોઈને ખબર નહોતી. દાખલા તરીકે, તમે હીટ ડિટેક્ટરને કેવી રીતે ડિસેબલ કરી શકો? લૂંટારૂઓએ ઝાડુનું એક હેન્ડલ ખરીદ્યું હતું અને તેના પર તેમણે પોલીસ્ટાઈન ફોમ કે એવું કશું લગાવ્યું હતું. તેને ડિટેક્ટરની સામે રાખી દીધું હતું. આ રીતે તે ગરમીને ડિટેક્ટ કરી શક્યું નહોતું." જાસૂસ પરેશાન હતા.

તેમની પાસે કોઈ કડી નહોતી. કોઈ સિક્યૉરિટી કૅમેરા નહોતો. કામ કરવા માટે કશું જ નહોતું, પરંતુ એ જ વખતે એક ફોન આવ્યો. તે ઑગસ્ટ વેન કેમ્પ નામના એક માણસે કર્યો હતો.

કેમ્પ એક નિવૃત્ત વ્યક્તિ હતી. તેમને કચરા વિશે ફરિયાદ કરવા માટે પોલીસને ફોન કરવાની આદત હતી. કેમ્પે નોળિયા પાળી રાખ્યા હતા અને તેઓ નોળિયાઓને નજીકના જંગલમાં કસરત કરવા લઈ જતા હતા.

જોકે, આ જંગલ હાઈવેની પાસે હતું અને ત્યાં કચરાનો મોટો ઢગલો હતો. ત્યાંથી પસાર થતા લોકો તેના પર પોતાનો કચરો ફેંકતા હતા. કેમ્પ અને કદાચ તેમના નોળિયાઓને પણ એ ગમતું નહોતું. "કેમ્પ બહુ પરેશાન હતા. તેથી કોણે, કયા પ્રકારનો કચરો ફેંક્યો છે તે રોજ જોતા હતા."

ફેબ્રુઆરીના એ દિવસે તેઓ બહાર નીકળ્યા અને જોયું તો કેટલાક લોકોએ ફરી કચરો ફેંક્યો હતો, પરંતુ અલગ રીતે ફેંક્યો હતો. "તેમણે જોયું કે એ કચરો સામાન્ય નહોતો. તેમાં ફાટેલા દસ્તાવેજો હતા. ચલણી નોટોના ટુકડા પણ હતા."

કચરાની વચ્ચે નાના-નાના લીલા હીરા જોવા મળ્યા હતા. કેમ્પે પોલીસને ફોન કર્યો હતો અને આ વખતે કચરો એકઠો કરવા પોલીસ તરત પહોંચી હતી. પોલીસ સ્ટેશને પાછા આવીને પેસના સાથીઓએ કલાકો સુધી તે કચરાને ઉપરતળે કર્યો હતો. કચરાની બૅગની અંદર એક પ્રકારનો દસ્તાવેજ હતો અને તેની ઉપર એક નામ લખ્યું હતું: લિયોનાર્દો નોટારબર્ટોલો.

પહેલી નજરમાં તે ડાયમંડ સેન્ટરમાં ઓફિસ અને વૉલ્ટ ધરાવતા એક ઇટાલિયન ડાયમંડ ડીલરના નામથી કશું જ વધારે નહોતું. પેસે તપાસ શરૂ કરી ત્યારે તેમને ખબર પડી હતી કે નોટારબર્ટોલોનો સેફ ડિપોઝિટ વૉલ્ટ કેટલાક એવા વૉલ્ટ્સ પૈકીનું એક હતું, જેને બળજબરીથી ખોલવામાં આવ્યું નહોતું.

તેથી તેમણે નોટારબર્ટોલો સાથે વાત કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, લિયોનાર્દો નોટારબર્ટોલો ક્યાંય મળ્યો નહીં. ઇટાલીમાં પૂછપરછ બાદ તે ઇટાલિયન હીરાચોરના સંદિગ્ધ ભૂતકાળની વિગત બહાર આવી હતી. દાખલા તરીકે, ગુનેગાર તરીકેનો તેનો લાંબો રૅકૉર્ડ.

તેમણે નોટારબર્ટોલોની ઓફિસની તલાશી લીધી હતી, પણ ત્યાંથી કશું મળ્યું નહોતું. "તે સંપૂર્ણપણે ખાલી હતી. એક ખુરશી અને ડેસ્ક હતું, પરંતુ કંપની કામકાજ કરતી નહોતી." તેથી તેઓ કોઈ સંકેત શોધવા ફરી કચરાના ઢગલા ભણી ગયા હતા.

"જંગલમાંથી મળી આવેલી ચીજો વચ્ચે કેટલીક બ્લેન્ક વીડિયોટેપ પણ હતી. અમને આશા હતી કે જો તમારી પાસે બ્લેન્ક વીડિયોટેપ હોય તો અસલી વીડિયોટેપ પણ ક્યાંક હોવી જોઈએ. અમારી પાસે પોલીસ અધિકારીઓની એક ટીમ હતી, જે તમામ વીડિયોટેપ જપ્ત કરવા માટે ઍન્ટવર્પથી બ્રસેલ્સ સુધી હાઈવે પર ચાલી રહી હતી. તેમને કેટલીક વીડિયોટેપ મળી આવી હતી. અમે તે ટેપ્સને ખાસ લેબોરેટરીમાં મોકલી આપી હતી. અમે એક મોટી ટીમ સાથે તે વીડિયોટેપને નિહાળી હતી, પરંતુ તેમાં પોર્નોગ્રાફી હતી."

નાના લીલા હીરા

નાના લીલા હીરા એક સપ્તાહની આકરી મહેનત પછી પેસ પાંચ દિવસ બાદ પહેલીવાર ઘરે ગયા હતા. તેઓ કહે છે, "અમે શુક્રવારે રાતે કેટલાક દોસ્તો સાથે ડિનરનો પ્લાન બનાવ્યો હતો અને હું ત્યાં જઈ રહ્યો હતો ત્યારે મને ફોનકોલ આવ્યો હતો. મને જણાવવામાં આવ્યું હતું કે નોટારબર્ટોલો બિલ્ડિંગમાં આવી ગયો છે."

એ બિલ્ડિંગ ડાયમંડ સેન્ટર હતી. નોટારબર્ટોલો આ કેસના મુખ્ય શકમંદો પૈકીનો એક હતો. તે આરામથી ઘટનાસ્થળે પાછો આવ્યો હતો. ઉતાવળે પોલીસને બોલાવવામાં આવી હતી અને તેની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી હતી.

પેસના સાથીઓ તપાસ દરમિયાન તેનું સરનામું શોધી શક્યા નહોતા અને 'તમે ક્યાં રહો છો', એવું એજન્ટોએ નોટારબર્ટોલોને પૂછ્યું ત્યારે એ સાવધ થઈ ગયો હતો અને બહાના કાઢવા લાગ્યો હતો. એ ત્રણ વર્ષથી ત્યાં રહેતો હતો, પરંતુ તેને ચોક્કસ સરનામું યાદ નહોતું, પરંતુ થોડીવાર પછી તેણે સાચું કહેવું પડ્યું હતું. નોટારબર્ટોલોના ઘરેથી પોલીસને એક મોટી સફળતા મળી હતી.

તેમને વાળીને રાખવામાં આવેલા ગાલિચાના સ્વરૂપે એક કડી મળી હતી. "વાળીને રાખવામાં આવેલા તે ગાલિચામાં અત્યંત નાનકડા લીલા હીરા હતા." એવા જ હીરા તેમને જંગલમાંથી મળ્યા હતા. એવા જ હીરા, જે વૉલ્ટમાં પેસના બૂટ પર ચોંટેલા હતા.

પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ તેઓ નોટારબર્ટોલો સાથે પોતાની પહેલી પૂછપરછ માટે બેસી ગયા હતા. "તેનો વ્યવહાર બહુ શાંતિપૂર્ણ હતો. એક પર્ફેક્ટ સજ્જન. અત્યંત વિનમ્ર." જોકે, તેના પર શા માટે શંકા છે, એ જણાવવામાં આવ્યું ત્યારે નોટારબર્ટોલોનું વર્તન બદલાઈ ગયું હતું.

તેનો જવાબ એકદમ સ્પષ્ટ હતો. તેણે કહ્યું હતું કે એ વધુ સવાલોના જવાબ આપશે નહીં. "અમારા માટે બધું ખતમ થઈ ગયું હતું, કારણ કે આ પ્રકારનું વલણ લેવાનો તેને કાયદેસર અધિકાર હતો અને અમે તેની ઈચ્છાનો આદર કરવા બંધાયેલા હતા. એ વખતે તેણે જે કહ્યું હતું એ મને યાદ છે. મેં કહેલું કે, 'તમને ખબર છે કે તમે કોણ છો, તમે ક્યાં રહો છો તે ચોરીનો ભોગ બનેલા લોકો જાણે છે? આપણે બહુ મોટા નુકસાનની વાત કરી રહ્યા છીએ ત્યારે તમને ખબર નથી કે પીડિતોમાંથી કોઈ આ મામલાને ઉકેલવાના પ્રયાસ જાતે કરી રહ્યું છે અને તમારા પરિવારને ધમકી આપવા કોઈને મોકલી શકે છે?"

નોટારબર્ટોલોએ પાંપણ સુધ્ધા ઝપકાવી નહોતી. "એ ક્ષણે મને ખબર હતી કે સહકાર આપવા માટે તેને મનાવવા હું કશું કરી શકું તેમ નથી."

ટ્યુરિન સ્કૂલ

ટ્યુરિન સ્કૂલ કચરાની બૅગમાં બીજો એક મહત્ત્વનો પુરાવો પણ હતો. તેમાં અડધી ખાધેલી સલામી સેન્ડવિચ અને ડાયમંડ ડિસ્ટ્રિક્ટ પાસેના કરિયાણાની એક મોટી દુકાની રસીદ હતી. તે કડીના આધારે પેસ એ સ્ટોર પર પહોંચ્યા હતા. સ્ટોરમાં એક સિક્યૉરિટી કૅમેરા હતો.

તેનું ફૂટેજ ચકાસતાં ખબર પડી હતી કે જે વ્યક્તિએ સલામી સેન્ડવિચ ખરીદી હતી તે ફર્ડિનેંડો ફિનોટો નામનો એક માણસ હતો. એજન્ટ્સ માટે એ નામ પરિચિત હતું, કારણ કે એ નામ એક લૂંટમાં સંકળાયેલું હતું. પેસ ફરીથી નોટારબર્ટોલોને મળ્યા હતા.

"હું તેમને ફર્ડિનેંડો ફિનોટોનો ફોટો દેખાડવાનો હતો." તેમણે ટેબલ પર ફિનોટોનો ફોટો ફેંક્યો, પરંતુ નોટારબર્ટોલોએ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં.

નોટારબર્ટોલો સહકાર આપતા નહોતા. તેમ છતાં પેસની ટીમ તેમને મળેલી કડીઓને આધારે તેના સાથીઓને પકડવામાં સફળ થઈ હતી. નોટારબર્ટોલોના સાથીઓ વિશે વધુ માહિતી મળી ત્યારે તેમને ખબર પડી હતી કે એ બધા 'ટ્યુરિન સ્કૂલ' નામના એક ગ્રુપનો હિસ્સો હતા.

પેસે કહ્યું હતું, "ગુનો કરીને છટકી જતા અપરાધીઓની સ્કૂલ વિશે અમે ક્યારેય સાંભળ્યું નહોતું, પરંતુ તે ગુનેગારોનું એક એવું ગ્રુપ હતું, જેમાં બધા અલગ-અલગ ટેકનિકના નિષ્ણાત હતા." તમામ પરિસ્થિતિજન્ય પુરાવા, કચરાની થેલીઓ, સેફ ડિપોઝિટ વૉલ્ટમાંથી મળેલી સામગ્રી અને કરિયાણાની દુકાનનું વીડિયો સર્વેલન્સ ફૂટેજ સાથે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ટ્યુરિન સ્કૂલના સાથીઓએ લૂંટ કેવી રીતે કરી હતી.

તેમનાં નામ કોઈ પોલીસ થ્રિલરનાં પાત્રો જેવાં હતાં: ધ જીનિયસ, ધ મોન્સ્ટર, ધ સ્પીડી વન અને ધ કિંગ ઓફ કીઝ.

થ્રિલરનાં પાત્રો જેવાં નામ

જીનિયસ એલાર્મનો નિષ્ણાત હતો. તેનું ડીએનએ વૉલ્ટની અંદર ત્યજી દેવાયેલા હથિયારો પૈકીના એક પરથી મળ્યું હતું.

મોન્સ્ટરને તેનું હુલામણું નામ દરેક બાબતમાં ઉત્તમ હોવાને તથા થોડો ડરપોક હોવાને કારણે મળ્યું હતું. તે તાળા ખોલવામાં નિષ્ણાત હતો. તેને સલામી સેન્ડવિચ પણ બહુ પસંદ હતી.

તેનું અસલી નામ ફર્ડિનેંડો ફિનોટો હતું અને તે એ જ માણસ હતો, જેનું ડીએનએ એન્ટીપાસ્ટી પરથી મળ્યું હતું, જે સિક્યૉરિટી કૅમેરામાં રૅકોર્ડ થયું હતું.

એ પછી હતો વેલોઝ. તે નોટારબર્ટોલોનો બાળપણનો દોસ્ત હતો. હાઈવેની પાસેના જંગલમાંથી મળેલા કચરાને ઠેકાણે પાડવાના કામનો ઇન્ચાર્જ તે હોવાનું માનવામાં આવે છે.

તેને અને બીજા ચોરોને સેલફોન રૅકોર્ડ તથા તેની ચિપ્સ કે સિમ કાર્ડ મારફત શોધી કાઢવામાં આવ્યા હતા. આખરે કિંગ ઓફ કીઝ નામે ઓળખાતા માણસની શોધ શરૂ થઈ હતી. તેણે વૉલ્ટનો દરવાજો ખોલવા માટે જરૂરી હાથ જેટલી લાંબી ચાવી બનાવી હતી.

ચાર ચોરમાં તે એક એવો હતો, જેની ક્યારેય ધરપકડ કરી શકાઈ ન હતી. બધા નિષ્ણાત ગુનેગારો હતા અને ટ્યુરિન સ્કૂલનો વડો નોટારબર્ટોલો હતો. "અમને પછી ખબર પડી હતી કે નોટારબર્ટોલો ઍન્ટવર્પમાં ત્રણ વર્ષથી રહેતો હતો, પરંતુ એ દરમિયાન તેણે હીરાની ખરીદી કે વેચાણ ક્યારેય કર્યું નહોતું. અમે જેને રેકી કહીએ છીએ એવું કામ તે કરતો રહ્યો હતો."

પેસની ટીમને નોટારબર્ટોલો વિરુદ્ધ વધુ પુરાવાની જરૂર હતી. તેમની પાસે ગુનાનું રેકૉર્ડિંગ નહોતું, પરંતુ ગુનો આચરવામાં આવ્યો એ પહેલાની ક્ષણોનું રેકૉર્ડિંગ હતું.

કલાકોનું ફૂટેજ નિહાળ્યા બાદ તેમણે એક માણસને ઓળખી કાઢ્યો હતો. "અમે જોયું હતું કે લૂંટના થોડા દિવસ પહેલાં નોટારબર્ટોલો તેની છેલ્લી રેકી કરી રહ્યો હતો. તે બગલમાં એક કાળી બૅગને લઈને જઈ રહ્યો હતો. અમને સવાલ થયો હતો કે બૅગ સાથે એ શું કરી રહ્યો છે? અમે તેને સિક્યૉરિટી તરફ ઇશારા કરતો જોયો હતો. અમે તેના ઍપાર્ટમેન્ટમાંથી એ કાળી બૅગ જપ્ત કરી ત્યારે તેમાં એક વીડિયો કૅમેરા હતો."

પછી શું થયું?

નોટારબર્ટોલો જે બનતું હતું તે બધું રૅકોર્ડ કરતો હતો. ગુપ્ત ફિલ્મિંગથી તેને સિક્યૉરિટી કોડ સમજવામાં મદદ મળી હતી, પરંતુ દરવાજો મેગ્નેટ વડે કામ કરતો હતો. દરવાજો ખુલે ત્યારે બે મેગ્નેટિક પ્લેટ્સ અલગ થઈ જતી હતી અને ઍલાર્મ વાગતો હતો.

ચોરોએ એડહેસિવ ટેપ ચોંટાડીને અને મેગ્નેટને દરવાજા સાથે જોડતા બૉલ્ટ્સ ખોલીને તેમ થવું અટકાવી દીધું હતું, જેથી મેગ્નેટને અલગ કર્યા વિના હટાવી શકાય અને ચૂપચાપ વૉલ્ટ ખોલી શકાય.

ચોરો ડાયમંડ સેન્ટરના અભેદ્ય કિલ્લામાં કેવી રીતે પ્રવેશ્યા તેની અને બીજી ટેકનિકની પોલીસને ક્યારેય ખબર પડી નહીં. પોલીસે એટલું કર્યું કે ચોરોએ કરેલાં કામો વિશે ઘણા પુરાવા એકઠા કર્યા હતા અને મે-2005માં કોર્ટમાં ખટલો ચાલુ થયો હતો.

જિનિયસ, મોન્સ્ટર અને સ્વિફ્ટને પાંચ વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી, જ્યારે ગૅન્ગ લીડર નોટારબર્ટોલોને દસ વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી. ગૅન્ગમાં લગભગ 10 સભ્યો હતા, પરંતુ માત્ર ચારની જ ઓળખ કરી શકાઈ હતી.

જે હીરા લૂંટી જવાયા હતા તે ફરી ક્યારેય જોવા મળ્યા નહોતા. નોટારબર્ટોલો અને તેના સાથીઓ ઇટાલી ચાલ્યા ગયા હતા અને તેઓ લૂંટનો માલ પોતાની સાથે લઈ ગયા હતા, એવું માનવામાં આવે છે.

પેસ કહે છે, "એમાંથી કેટલાક હીરા પાછા ઍન્ટવર્પ પહોંચ્યા હોય તો તેનાથી મને આશ્ચર્ય નહીં થાય. ચોરીના હીરાને લીગલ સિસ્ટમમાં લાવવાનું બહુ આસાન છે."

પેટ્રિક પેસ 2017માં ડાયમંડ બ્રિગેડમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને કિંમતી પથ્થરો સંબંધી કરોડો ડૉલરના ગુનાઓનો ભેદ ઉકેલવાના દબાણ વિના હવે તેઓ તેમના પરિવારજનો સાથે વધારે સમય પસાર કરે છે.

લિયોનાર્દો નોટારબર્ટોલોને ટૂંક સમયમાં પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. પછી તેણે પેરોલની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું અને પ્લેનમાં બેસીને કેલિફોર્નિયા પહોંચી ગયો હતો. ત્યાં તેણે એક મોટા હોલીવુડ નિર્માતા સાથે આ ચોરી વિશે એક ફિલ્મ બનાવવા બાબતે વાતચીત કરી હતી.

અત્યાર સુધી આવી કોઈ ફિલ્મ બની નથી અને નોટારબર્ટોલો પાછો ઇટાલી આવી ગયો છે, પરંતુ અમૂલ્ય હીરાના રહસ્યનું આકર્ષણ હજુ પણ યથાવત્ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન