You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાલતાં ફરતાં મડદાં જેવું વહાણ : અમેરિકા કેમ આવાં ભૂતિયાં જહાજો પકડી રહ્યું છે?
- લેેખક, એન્જલ બર્મુડેઝ
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માહિતી આપી કે બુધવારે સવારે અમેરિકન સુરક્ષા દળોએ વેનેઝુએલાના દરિયાકાંઠા પાસેથી એક ટૅન્કર જપ્ત કર્યું હતું. આ સાથે જ નિકોલસ માડુરોની સરકાર પર વૉશિંગટનનું દબાણ વધુ તીવ્ર બન્યું છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે રિપોર્ટર્સને કહ્યું કે આ ટૅન્કર 'અત્યાર સુધીનું જપ્ત કરાયેલું સૌથી મોટું' ટૅન્કર હતું.
માડુરોની સરકારે આ પગલાની ટીકા કરી અને તેને "નિર્લજ્જ ચોરી અને ચાંચિયાગિરીની પ્રવૃત્તિ" સાથે સરખાવી.
જપ્ત કરાયેલું ટૅન્કર એ વેનેઝુએલા દ્વારા અમેરિકન ઑઇલ પ્રતિબંધોથી બચવા માટે ઉપયોગમાં લેવાતી 'ઘોસ્ટ ફ્લીટ' એટલે કે ભૂતિયા બેડાનો એક ભાગ હોવાનું મનાઈ રહ્યું છે.
આપણે આવાં ટૅન્કરો અને એની કામ કરવાની રીત અંગે શું જાણીએ છીએ?
પ્રતિબંધોથી બચાવ
યુએસ એનર્જી ઇન્ફર્મેશ ઍડમિનિસ્ટ્રેશન પ્રમાણે પોતાના પ્રથમ કાર્યકાળમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા 2019માં પ્રતિબંધો લદાયા બાદથી વેનેઝુએલાની ક્રૂડ નિકાસ લગભગ અડધી થઈ ગઈ હતી. એ વર્ષના જાન્યુઆરી માસમાં વેનેઝુએલાની ક્રૂડ નિકાસ 11 મિલિયન બૅરલ પ્રતિ દિવસ હતી, જે ઘટીને એ વર્ષના અંત ભાગ સુધી 4.95 લાખ સુધી પહોંચી ગઈ હતી.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર છ વર્ષ બાદ પ્રતિબંધો હજુ હઠ્યા નથી, છતાં વેનેઝુએલાની ક્રૂડ નિકાસ વધીને દૈનિક 9.20 લાખ બૅરલ સુધી પહોંચી ગઈ હતી.
આ સંખ્યા વેનેઝુએલા 1998ની સાલમાં જેટલા પ્રમાણમાં ક્રૂડ નિકાસ કરતું તેના કરતાં ઓછી હોવા છતાં આ વધારાથી એક વાત તો સ્પષ્ટ હતી કે અમેરિકાના પ્રતિબંધોની વેનેઝુએલા પર કામ નહોતા લાગી રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રતિબંધો છતાં, માડુરોની સરકારે વેનેઝુએલાનું ઑઇલ વેચવાના નવા રસ્તા શોધી કાઢ્યા છે.
તેમના આયોજનમાં 'ઘોસ્ટ ફ્લીટ' ચાવીરૂપ ભૂમિકામાં છે. આ ભૂતિયા બેડો એ એવાં ઑઇલ ટૅન્કરોનું સમૂહ છે, જે પોતાનું કામ છુપાવવા જુદી જુદી વ્યૂહરચનાઓ અમલમાં મૂકે છે.
ઘોસ્ટ ફ્લીટ એ એક એવી વ્યૂહરચના છે જેને માત્ર વેનેઝુએલા જ નહીં, પરંતુ પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા અને ઈરાન જેવા દેશો પણ અમલમાં મૂકી રહ્યા છે.
ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ કંપની એસ ઍન્ડ પી ગ્લોબલના અંદાજ પ્રમાણે આખા વિશ્વમાં ચાલતાં દર પાંચમાંથી એક ટૅન્કરનો ઉપયોગ પ્રતિબંધ લાગેલા હોય એવા દેશોમાંથી ઑઇલની નિકાસ કરવા માટે કરાય છે.
આ ટૅન્કરો પૈકી દસ ટકા વેનેઝુએલાનું ઑઇલ, 20 ઈરાનનું ઑઇલ અને 50 ટકા રશિયન ઑઇલ લઈ જાય છે. બાકીનાં 20 ટકા ટૅન્કરોને કોઈ એક દેશ સાથે નથી સાંકળાયાં. આ ટૅન્કરો આ પૈકી કોઈ એક કે બધા દેશોના ઑઇલની નિકાસ માટે ઉપયોગમાં લેવાતાં હોય એવું બને.
ઑઇલ પ્રતિબંધોનો હેતુ જેમના પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે એવા દેશો પાસેથી ઑઇલની ખરીદી કરતા દેશો અને કંપનીઓને હતોત્સાહિત કરવાનો હોય છે.
આવા દેશો પાસેથી ઑઇલ ખરીદનાર દેશ જો પકડાય તો તેમના પર અમેરિકાના પ્રતિબંધનું જોખમ હોય છે.
પ્રતિબંધોનો સામનો કરી રહેલા દેશો પોતાનું ઑઇલ ખરીદનાર દેશો કે કંપનીઓને ભાવમાં સારી એવી છૂટ આપે છે, જેથી તેઓ આ જોખમ લેવા તૈયાર થઈ જાય છે અને ઑઇલનું ઉદ્ભવસ્થાન છુપાવવા માટે જાતભાતના પ્રયાસ કરે છે.
આવા ભૂતિયા ટૅન્કરો ઘણી વાર એક જ મહિનામાં વારંવાર પોતાનું નામ અને ધ્વજ બદલવાની વ્યૂહરચનાનો ઘણી વાર ઉપયોગ કરે છે.
જેમ કે, બીબીસીના અમેરિકન પાર્ટનર, સીબીએસ ન્યૂઝ પ્રમાણે બુધવારે જપ્ત કરાયેલ ટૅન્કરનું નામ ધ સ્કિપર છે.
સીબીએસ પ્રમાણે, આ જહાજને અમેરિકન ટ્રેઝરી દ્વારા વર્ષ 2022માં જ પ્રતિબંધિત જાહેર કરી દેવાયું હતું. આના માટે આ જહાજની ઈરાનના રેવોલન્યૂશરી ગાર્ડ અને લેબનીઝ હિઝબુલ્લાહને નાણાકીય સંશાધનો પૂરા પાડતા ઑઇલ સ્મગલિંગ નેટવર્કમાં કથિત ભૂમિકાનું કારણ ધરાયું હતું.
એ સમયે આ ટૅન્કરનું નામ અદિસા હતું, જોકે, તેનું ખરું નામ તો ટોયો હતું. આ શિપનો સંબંધ પ્રતિબંધિત રશિયન ઑઇલ ઉદ્યોગપતિ વિક્ટર આર્તેમોવ સાથે હતો.
ધ સ્કિપર એ 20 વર્ષ જૂનું જહાજ છે - ભૂતિયા બેડાનાં જહાજોની આ પણ એક ઓળખ છે. મોટા ભાગની શિપિંગ કંપનીઓ 15 વર્ષની સેવા બાદ પોતાનાં જહાજોનો નિકાલ કરી દે છે અને 25 વર્ષ બાદ તો તેને ભંગારમાં જ તબદીલ કરી દેવાય છે.
'ઝૉમ્બી જહાજો'
આવાં જહાજો વધુ એક રીત અપનાવે છે. જેમાં એ પહેલાંથી ભંગારમાં તબદીલ કરી દેવાયેલાં જહાજોનાં ઇન્ટરનૅશનલ મેરિટાઇમ ઑર્ગેનાઇઝેશન દ્વારા અપાયેલાં યુનિક રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરે છે. ઠીક એવી જ રીતે જેવી રીતે કોઈ ગુનેગાર એક મૃત વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરવા લાગે છે.
આવાં જહાજોને ઝૉબ્મી જહાજ (ચાલતાં ફરતાં મડદાં જહાજ) કહેવાય છે.
ગત એપ્રિલ માસમાં, વરાડા નામનું જહાજ વેનેઝુએલાનો બે માસ લાંબો પ્રવાસ ખેડ્યા બાદ મલેશિયા પહોંચ્યું.
આ જહાજ શંકાના ઘેરામાં હતું, કારણ કે એ 32 વર્ષ જૂનું હતું અને તેના પર પૂર્વ આફ્રિકાના ટાપુ દેશ કોમોરોસનો ધ્વજ ફરકી રહ્યો હતો. પકડાવા ન માગતાં જહાજોમાં કોમોરોસ એ એક લોકપ્રિય વિકલ્પ છે.
બ્લૂમબર્ગની તપાસ મુજબ, એ એક ઝૉમ્બી જહાજ હતું, કારણ કે ખરા વરાડા જહાજને તો વર્ષ 2017માં જ બાંગ્લાદેશ ખાતે ભંગારમાં તબદીલ કરી દેવાયું હતું.
ન્યૂઝ એજન્સીએ વેનેઝુએલાનું ક્રૂડ ઑઇલ લઈ જતાં ચાર ઝૉમ્બી જહાજોને ઓળખવા માટે ઐતિહાસિક સેટેલાઇટ તસવીરોને સરખાવી હતી.
આ સિવાય અન્ય એક રીત પણ છે - જેમાં ક્રૂડ ઑઇલના ઉદ્ભવસ્થાન અંગે ભ્રમ પેદા કરાય છે. આવું આંતરરાષ્ટ્રીય મહાસાગરમાં કાયદેસર રીતે પસાર થઈ રહેલાં ટૅન્કરોમાં આવું ઑઇલ ટ્રાન્સફર કરીને કરાય છે.
આવાં જહાજો બાદમાં ગંતવ્ય સ્થાન સુધી ઑઇલ પહોંચાડી દે છે, અને આ ઑઇલ પ્રતિબંધ ન મુકાયેલો હોય એવા દેશમાંથી આવ્યો હોવાનું રજૂ કરાય છે.
કંઈક આવું જ ચીનમાં વેનેઝુએલાની ઑઇલ નિકાસ બાબતે થયું હતું. આ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના પ્રથમ કાર્યકાળની વાત છે, જ્યારે ચુસ્ત પ્રતિબંધો હતા.
આ સિવાય આ ટૅન્કરો દ્વારા ઑટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ બંધ કરી દેવાની વ્યૂહરચના પણ અપનાવાય છે. આ સિસ્ટમ જહાજનું નામ, ધ્વજ, પૉઝિશન, ગતિ અને રૂટ સહિતની માહિતી ટ્રાન્સમિટ કરે છે.
આ વ્યૂહરચનાથી જહાજો તેની ઓળખ અને લોકેશન છુપાવી શકે છે.
મેરિટાઇમ રિસ્ક કંપની વેનગાર્ડ ટૅક કહે છે કે તેમને લાગે છે કે ધ સ્કિપર "ઘણા સમયથી પોતાની પૉઝિશન અંગે ભ્રમ પેદા કરી રહ્યું" હતું.
ઍન્ટિ-કરપ્શન એનજીઓ ટ્રાન્સપેરેન્સિયા વેનેઝુએલા દ્વારા ઑક્ટોબરમાં જાહેર કરાયેલ એક રિપોર્ટ અનુસાર, વેનેઝુએલા સ્ટેટ ઑઇલ કંપની પીડીવીએસએનાં બંદરો પર 71 વિદેશી ટૅન્કરો લાંગરેલાં છે. જે પૈકી 15 પ્રતિબંધિત છે અને નવનો સંબંધ ભૂતિયા બેડા સાથે છે.
તેમને જાણવા મળ્યું કે 24 ટૅન્કરો પોતાનાં લોકેશન સિગ્નલને બંધ કરીને ગુપ્ત રીતે ઑપરેટ કરી રહ્યાં હતાં.
એનજીઓનું કહેવું છે કે તેણે પશ્ચિમ વેનેઝુએલાના દરિયામાં એક શિપમાંથી બીજી શિપમાં માલ ટ્રાન્સફર કરાઈ રહ્યો હોય એવું છ પ્રસંગે નોંધ્યું.
આ બધાં જહાજો પર નિયમનનું કડક પાલન ન કરતા હોય એવા અને પ્રતિબંધોનું કડક પાલન સુનિશ્ચિત નહીં કરનારા દેશોના ધ્વજ ફરકી રહ્યા હતા. આ બધા દેશોમાં પનામા, કોમોરોસ અને માલ્ટા સામેલ છે.
ઘણાં જહાજો ઑઇલ ટર્મિનલ પર લાંગર્યા વિના 20 દિવસ સુધી રહે છે. જ્યારે અમેરિકાએ વેનેઝુએલામાં શેવરોન દ્વારા સંચાલિત જે જહાજને મંજૂરી આપી છે એ માત્ર છ દિવસમાં માલ ભરીને નીકળી જાય છે.
ટ્રાન્સપેરેન્સિયા વેનેઝુએલાના રિપોર્ટ અનુસાર, "ઑઇલ ટર્મિનલ્સ પર સીધા પહોંચવાને સ્થાને બંદરો પર આટલો વધારાનો સમય આ જહાજો રહે છે એ વાત આ જહાજો દ્વારા હાથ ધરાતી પ્રવૃત્તિઓ સામે ગંભીર શંકા પેદા કરે છે."
બુધવારે જહાજને જપ્ત કરવાના ઑપરેશનમાં જેરાલ્ડ ફોર્ડ ઍરક્રાફ્ટ કૅરિયરનો ઉપયોગ કરાયો હતો. આ કૅરિયર હવે કૅરિબિયન સમુદ્રમાં અમેરિકન સૈન્યની જંગી તહેનાતીનો એક ભાગ છે. આની સાથે જ ભૂતિયા બેડા પર મદાર રાખવાની માડુરોની વ્યૂહરચના પર વ્યાપક અસર પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન