You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધુરંધર: 'ગૅંગ્સ ઑફ લ્યારી' રહમાન ડકૈતના દુશ્મન કોણ હતા અને ત્યાં ગૅંગોનો જન્મ કેવી રીતે થયો?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
હમઝા અલી મઝારી ઉર્ફ જસકિરતસિંહ રંગી, એસપી ચૌધરી અસલમ, રહેમાન ડકૈત, અજય સાન્યાલ મેજર ઇકબાલ, જમીલ જમાલી તથા ઉજૈર બલોચ. આ બધા ફિલ્મ ધુરંધરનાં પાત્રનાં નામો છે.
જોકે, આની સાથે લ્યારી શહેર પણ ફિલ્મનું એક પાત્ર છે, જ્યાં સમગ્ર કહાણી આકાર લે છે. લ્યારીએ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા કરાચી શહેરનો એક વિસ્તાર છે. લ્યારી ગૅંગવૉર તથા ગુનાખોરીને કારણે પંકાયેલો વિસ્તાર છે.
યુનિવર્સિટી ઑફ સાઉથ ઑસ્ટ્રેલિયામાં રજૂ કરાયેલા એક સંશોધન પેપરમાં ઉલ્લેખ અનુસાર લ્યારીના ગૅંગસ્ટરોએ ઇમેજ બ્રાન્ડિંગ એવું કર્યું હતું કે લ્યારીમાં બદમાશ ગણાવાને બદલે તેઓ બલૂચ સરદારો, આગેવાનો અને નાયકો ગણાતા હતા.
દરિયો, ભ્રષ્ટતંત્ર, સત્તાલોલુપ રાજકારણીઓ, ગરીબી, બેકારી, આવકની અસમાનતા અને કેટલાક ધનવાન લોકો. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગૅંગોને જન્મ આપવા માટે જરૂરી બધા તત્ત્વો લ્યારીમાં મોજૂદ હતા.
વર્ષ 1992માં પાકિસ્તાનની સરકાર દ્વારા સિંધમાં અસામાજિક તત્ત્વોના સફાયા માટે 'ઑપરેશન ક્લિનઅપ' હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન કેન્દ્રમાં સરકાર બદલાઈ ગઈ.
નવી સરકારના કાર્યકાળ દરમિયાન આ કાર્યવાહીને 'ઑપરેશન બ્લૂ ફૉક્સ' એવું નામ મળ્યું, જેનો હેતુ અસામાજિક તત્ત્વોનો સફાયો હતો, પરંતુ તેમાં રાજકારણ પણ ભળ્યું હતું અને આ કાર્યવાહી 'ઑપરેશન કરાચી' તરીકે લોકજીભે ચઢી ગઈ.
એક શહેર, બે દુનિયા
કરાચી બંદર ઉપર બે અલગ દુનિયા વસે છે. એક તરફ મૌલવી તમીઝુદ્દીન ખાન રોડ છે, તો બીજી તરફ પાકિસ્તાનના રાષ્ટ્રપિતાના નામથી બનેલો મહમદઅલી ઝીણા રોડ છે.
બંદરની બીજી બાજુએ ઝીણા રોડની પાછળ લ્યારી વસેલું છે. આ વિસ્તાર 'અપરાધોના અડ્ડા' તરીકે ઓળખાતો અને તેના પાયામાં હતા ગરીબી અને બેકારી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કરાચીની દક્ષિણથી લઈને પશ્ચિમ સુધી ફેલાયેલો પટ્ટો શહેરનો સૌથી જૂનો અને ગરીબ વિસ્તાર છે. એક સમયે આ વિસ્તાર તમામ પ્રકારનાં નશીલાં દ્રવ્યો, હથિયારો, ખંડણી માટે અપહરણ, બળજબરીથી પૈસા પડાવવા, ગેરકાયદે વેપાર કે દાણચારીનો સૌથી મોટો અને કુખ્યાત અડ્ડો બની ગયો હતો.
નિકોલા ખાન તેમનાં પુસ્તક 'સિટીસ્કૅપ્સ ઑફ વાયૉલન્સ ઇન કરાચી: પબ્લિક્સ ઇન'માં (પેઇજ નંબર 105-107) જણાવે છે કે લ્યારીના લોકો તેને 'કરાચીની માતા' કહે છે, કારણ કે ત્યાં સૌથી પહેલાં શહેરની વસતી હતી.
અહીં મોટા પાયે લ્યારનાં (લાર્ચ) વૃક્ષો થતાં, જેથી આ વિસ્તાર લ્યારી તરીકે ઓળખાયો. શરૂઆતમાં તે માછીમારોનું નાનું ગામ હતું, પરંતુ ધીમે-ધીમે બલૂચિસ્તાન તથા સિંધમાંથી લોકો ઉન્નત ભવિષ્યની શોધમાં અહીં આવવા લાગ્યા.
બ્રિટિશ શાસનકાળ દરમિયાન લ્યારીથી આગળ વિસ્તાર થતો ગયો અને કરાચી શહેર અસ્તિત્વમાં આવ્યું.
આ લ્યારીથી નીકળીને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (વિભાજન સમયે જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોના દીકરા) અને ઝુલ્ફીકારનાં પુત્રી બેનઝીર ભુટ્ટો વડાં પ્રધાનની ઑફિસ સુધી પહોંચ્યાં. તો બેનઝીરના પતિ આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિપદ તથા દંપતીના દીકરા બિલાવલ મંત્રીપદ સુધી પહોંચ્યા.
બીજી તરફ, દાદલ, બાબુ ડકૈત, ઉજૈર બલોચ અને રહેમાન બલોચ જેવા ગૅંગલૉર્ડ જેલ કે કબ્રસ્તાન જઈ પહોંચ્યા.
વર્ષ 2023ની વસ્તીગણતરી પ્રમાણે, લ્યારી ટાઉનની વસ્તી લગભગ 10 લાખ છે અને તે કરાચીના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંનો એક છે.
અહીં બલૂચ, સિંધી, ઉર્દૂ, પશ્તૂન અને પંજાબી બોલતા લોકો રહે છે. પૂર્વ પાકિસ્તાનથી (હાલનું બાંગ્લાદેશ) લાવવામાં આવેલા લોકો તથા મૂળ બિહારી વસે છે. આ સિવાય અહીં કચ્છીઓની પણ વસતી છે.
વિભાજન સમયે જે લોકો પાકિસ્તાનમાં જઈને વસ્યા, તેમાંથી અનેકે કરાચીને પસંદ કર્યું. અહીં તેઓ મુહાજીર તરીકે ઓળખાયા. જે તિરસ્કારપૂર્વકનું સંબોધન હતું, જેણે આગળ જતાં હિંસક ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું. આગળ જતાં તે હિંસક અને પછી રાજકીય ચળવળ પણ બની.
એક તબક્કે કરાચીમાં વેપાર-ધંધા હોવાને કારણે શ્રમિક સંગઠનો પણ સક્રિય હતાં.
21મી સદીની શરૂઆત આ વિસ્તાર માટે ખરાબ રહી. પહેલાં માદક પદાર્થોના વિક્રેતાઓ અને ત્યાર પછી ગૅંગસ્ટર્સ ગ્રૂપ સક્રિય થયાં.
ગૅંગસ્ટર બન્યો પૂર્વ વડાં પ્રધાનનો 'તારણહાર'
બેનઝીર ભુટ્ટો લગભગ આઠ વર્ષ માટે પાકિસ્તાનથી બહાર રહ્યાં અને તા. 18 ઑક્ટોબરના રોજ પાકિસ્તાન પરત ફર્યાં. બેનઝીર લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં અને તેમનો કાફલો ઝીણાની કબર સુધી પહોંચવાનો હતો.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી તથા સામાન્ય જનતા મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઊભી હતી અને બેનઝરી ભુટ્ટોને વધાવી રહી હતી. એવામાં અચાનક બે વિસ્ફોટ થયા, જેમાં 150 જેટલા લોકો મૃત્યુ પામ્યા તથા ડઝનબંધ લોકો ઘાયલ થયા.
ઘાયલોને નજીકની હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા, જ્યાં પ્રિય નેતાના પરત ફરવાનો હરખ હતો. ત્યાં અચાનક શોક છવાઈ ગયો અને અંધાધૂંધી ફેલાઈ ગઈ.
હુમલામાં 20 જેટલા પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા હતા અને પોલીસની ગાડીઓને પણ નિશાન બનાવવામાં આવી હતી.
આવામાં બેનઝીરને તેમના ઘર સુધી સલામત પહોંચાડવાની 'જવાબદારી' સરદાર અબ્દુલ રહમાન બલોચ ઉર્ફ રહમાન ડકૈતે લીધી અને સુપેરે બજાવી.
બે મહિના પછી એક ટીનએજરે બેનઝીરની ગોળી મારીને હત્યા કરી નાખી.
ફિલ્મ ધુરંધરમાં અક્ષયકુમારે આ પાત્ર ભજવ્યું છે. રહમાનને આશંકા હતી કે તેનાં માતા પોલીસનાં ખબરી છે, એટલે તેણે પોતાનાં માતાની પણ હત્યા કરી નાખી હતી. જ્યારે અન્ય કેટલાક અહેવાલ અનુસાર રહમાનને તેનાં માતાના ચરિત્ર ઉપર શંકા ગઈ હતી.
ગૅંગ્સ ઑફ લ્યારી
રહમાનના પિતા દાદલ અને તેનો ભાઈ શેરો, બંને નશીલાં દ્રવ્યોના વેપારમાં સંડોવાયેલા હતા. પોલીસ રેકૉર્ડ અનુસાર, શેરો હિસ્ટ્રી-શીટર (જૂનો અને રીઢો ગુનેગાર) પણ હતો.
જોકે, શેરો દાદલની ગૅંગ લ્યારીમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી કે અન્ય ગુનાઓ કરતી એકમાત્ર ગૅંગ નહોતી.
ઇકબાલ ઉર્ફે બાબુ ડકૈતની ગૅંગ પણ પાસેના કાલરીમાં નશીલા પદાર્થોનું વિશાળ નેટવર્ક ચલાવતી હતી અને ત્રીજી હતી હાજી લાલુની ગૅંગ, જે જહાનાબાદ, શેર શાહ કબ્રસ્તાન અને જૂના ગોલીમાર જેવા વિસ્તારોમાં પથ્થર ભાંગવા, ડ્રગ્ઝ અને ખંડણીનો ધંધો ચલાવતો હતો.
આગળ જતાં પોલીસે ગોલીમાર વિસ્તારને 'ગુલબહાર' નામ આપ્યું, પરંતુ સ્થાનિકોમાં આ વિસ્તાર આજે પણ 'ગોલીમાર' તરીકે જ ઓળખાય છે.
લાલુની ગૅંગમાં શરૂઆતમાં ખિસ્સાકાતરૂઓ હતા. પછીથી તેઓ ખંડણી વસૂલવા માટે અપહરણ અને હત્યાઓ કરવા માંડ્યા. લાલુના દીકરા (અરશદ પપ્પુ, યાસિર અરાફત, વગેરે) પણ આ ધંધા સાથે સંકળાયેલા હતા.
એક જ ધંધામાં હોવાથી આ જૂથો વચ્ચે ધંધાકીય દુશ્મનાવટ અને વિસ્તારોને લઈને વિવાદો થતા, જેના કારણે ઘણી વખત લોહિયાળ અથડામણો પણ થતી, જે પેઢી-દર-પેઢી પણ ચાલતી.
બાબુ ડકૈતે દાદલની હત્યા કરી નાખી એ પછી તેનો 'વારસો' રહમાને સંભાળ્યો હતો. જોકે, ગુનાની દુનિયામાં રહમાન 'મોટો' થયો તે પહેલાં હાજી લાલુએ તેનો ગૉડફાધર હતો.
ગૅંગો વચ્ચે વેરનાં વળામણાં
કોઈ પણ ગૅંગમાં થાય છે તેમ એક તબક્કે હાજી લાલુ અને રહમાનની વચ્ચે બોલાચાલી થઈ અને બંનેના રસ્તા અલગ થઈ ગયા. એ પછી હાજી લાલુના દીકરા અરશદ પપ્પુએ રહમાનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યો.
એ પછી બંને ગૅંગલીડરના પરિવારજનો તથા ગૅંગમૅન હિંસક અથડામણની ખપ્પરમાં હોમાઈ ગયા. એક તબક્કે રહમાન ડકૈતે બલૂચિસ્તાનમાં નાસી જવું પડ્યું, પરંતુ અરશદ પપ્પુની ધરપકડ પછી, તે લ્યારી પરત ફર્યો.
આ હિંસક અથડામણમાં ફૈઝુ નામનો ગૅંગમૅન માર્યો ગયો. રહમાને સાદી જિંદગી જીવતા તેના દીકરા ઉજૈરને પોતાની પડખે લીધો. વિવાદાસ્પદ ઍન્કાઉન્ટરમાં રહમાન ડકૈતનું મોત થયું. એક તબક્કે તેણે 79 જેટલા ગુના પોલીસ સમક્ષ સ્વીકાર્યા હતા.
એ પછી કરાચીમાં અંધાધૂંધી વ્યાપેલી હતી અને મોટાપાયે બલૂચોની હત્યા થઈ રહી હતી. બલૂચોમાં પણ અંદરોઅંદર અને ફાંટા હતા. એક તબક્કે બલૂચોએ સાથે મળીને ઉજૈરની 'દસ્તારબંધી' કરીને તેને 'સરદાર' બનાવ્યો.
ઉજૈરે પિતાની હત્યામાં સંડોવાયેલા અર્શદ પપ્પુ સહિત 198 જેટલા લોકોની હત્યા સ્વીકારી. હાલ તે જાસૂસીના આરોપોમાં જેલમાં બંધ છે. સૈન્ય અદાલતે તેને 12 વર્ષની જેલની સજા ફટકારી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી લ્યારી હિંસાની બાબતમાં શાંત છે, છતાં બાઇકચોરી અને હથિયાર દેખાડીને લૂંટ જેવી ઘટનાઓ નોંધાતી રહે છે. અહીં કલાકના હિસાબે ભાડા ઉપર બંદૂક મળે છે, જેનો ઉપયોગ લોકો લૂંટ તથા હિંસક પ્રવૃત્તિઓ માટે કરે છે.
હિંસાનો આરંભ અને અંત
કરાચી યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ માસ કૉમ્યુનિકેશનના પૂર્વ વડા પ્રો. તૌસિફ અહેમદે અગાઉ બીબીસીને જણાવ્યું, "લ્યારીમાં હિંસાની જે શરૂઆત થઈ, તેની શરૂઆત તમને અહીં નહીં, પરંતુ બલૂચિસ્તાનમાં જોવા મળશે."
આના માટે પ્રો. તૌસિફ અહમદ તર્ક આપે છે કે બલૂચિસ્તાનની રાષ્ટ્રવાદી ચળવળથી લ્યારીને અલગ રાખવા માટે સરકાર તથા સંસ્થાઓએ અહીંના રાજકારણમાં ગુનાખોરીને દૂર કરવાના બદલે તેને સંરક્ષણ આપ્યું.
પ્રો. તૌસિફ અહમદ ઉમેરે છે, "જ્યારે 1973માં બલૂચિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી શરૂ થઈ, ત્યારે એવો ભય સતાવી રહ્યો હતો કે, લ્યારીએ બલોચ ચળવળનું કેન્દ્ર બની જશે. આથી, લ્યારીને અળગું રાખવા માટે અધિકારીઓ અને તંત્રે તેને ગુનાખોરીનો અડ્ડો બનાવી દીધું."
પ્રો. તૌસિફનું કહેવું છે, "સેનાએ લ્યારીને ગૅંગવૉરની ખપ્પરમાં હોમાવા દીધું. પીપીપી (બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી) લ્યારીનો રાજકીય ઝંડો બુલંદ કરી શકે તેમ હતી, પરંતુ તેમણે સંઘર્ષનો માર્ગ અપનાવવાના બદલે અલગ-અલગ સમયે અલગ-અલગ ગૅંગસ્ટર્સને સંરક્ષણ પૂરું પાડ્યું."
"પરિણામસ્વરૂપે પીપીપીને પણ નુકસાન વેઠવું પડ્યું અને રાજકારણીઓ આવા ક્રિમિનલ લોકોના આશ્રિત છે એવી છાપ ઊભી થઈ."
1970ના દાયકાના અંતભાગમાં ઑલ પાકિસ્તાન મુતાહિદ્દા સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ, જે એમક્યૂએમની (મુહાજિર કોમી મૂવમેન્ટ) પૂરોગામી હતી. આગળ જતાં આ સંગઠને મુતાહિદ્દા કોમી મૂવમેન્ટ એવું નામ ધારણ કર્યું.
કરાચીના પશ્તુનો સાથે સંઘર્ષ થવાને કારણે મુહાજીરોએ હથિયાર ઊઠાવ્યા અને પોલીસનું કહેવું છે કે તેઓ ખંડણી, અપહરણ તથા અન્ય ગુનાઓમાં સામેલ હતા.
વર્ષ 1993માં નવાઝ શરીફની સરકારનું પતન થયું અને પીપીપીનાં બેનઝીર ભુટ્ટો વડાં પ્રધાન બન્યાં, ત્યારે 'ઑપરેશન બ્લૂ ફૉક્સ' એમક્યૂએમ સામે કાર્યવાહી કરવામાં આવી, જેનાથી સંગઠનને નુકાસન થયું. આ સિવાય એમક્યૂએમમાં ભાગલા પણ પડ્યા.
આ કાર્યવાહીનો સીધો લાભ રહમાન ડકૈતને થયો. જેને તે સમયે રાજકીય સંરક્ષણની તાતી જરૂર હતી. સમયાંતરે ત્યાં ગૅંગોનો ખૌફ દૂર કરવા માટે પોલીસ ઉપરાંત પાકિસ્તાન રેન્જર્સને (અર્ધલશ્કરી દળો) ઊતારવાની ફરજ પડી છે.
દાયકાઓ સુધી ચાલેલા હિંસાચક્રમાં લ્યારીમાં લગભગ ત્રણ હજાર 500 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે લ્યારી તેની જૂની ઓળખ ભૂલાવી રહ્યું છે.
સ્થાનિકોનું કહેવું છે, દુનિયામાં ક્યાં ગુના નથી થતા અને લ્યારીને અંડરવર્લ્ડ સાથે ન જોડવું જોઈએ. તે કાળો કાલખંડ હતો, જે વીતી ગયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન